ભાસ્કર એક્સપ્લેનર:શું હોય છે બજેટ, કઈ રીતે તૈયાર થાય છે; દેશ માટે કેમ જરૂરી હોય છે? જાણો બજેટ સાથે જોડાયેલાં કેટલાંક રસપ્રદ તથ્યો

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2022એ એટલે કે આજે બજેટ રજૂ કર્યું હતું. બજેટ પર આખા દેશની નજર હોય છે, કેમ કે એ ન માત્ર સરકાર, દેશની આર્થિક સ્થિતિનો ચિતાર રજૂ કરે છે, પણ એનાથી દેશના ભવિષ્યની આર્થિક રૂપરેખા પણ નક્કી કરવામાં આવે છે. આ વર્ષનું બજેટ એવા સમયે આવ્યું છે, જ્યારે દેશ કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યો છે.

ચાલો, સમજીએ આ બજેટ શું હોય છે? દેશ માટે બજેટ કેમ જરૂરી હોય છે? બજેટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માહિતીઓ.

શું હોય છે બજેટ?

 • ભારતીય બંધારણના આર્ટિકલ 112 મુજબ, કેન્દ્રીય બજેટ દેશનું વાર્ષિક ફાઇનાશ્યિલ લેખાં-જોખાં હોય છે.
 • કેન્દ્રીય બજેટ કોઈ ખાસ વર્ષ માટે સરકારની કમાણી અને ખર્ચનું અનુમાનિત વિવરણ હોય છે. સરકાર બજેટથી વિશેષ નાણાકીય વર્ષ માટે પોતાની અનુમાનિત કમાણી અને ખર્ચનું વિવરણ રજૂ કરે છે.
 • એક રીતે કહીએ તો કોઈ વર્ષ માટે કેન્દ્ર સરકારના નાણાકીય માહિતીને કેન્દ્રીય બજેટ કહેવાય છે. સરકારને દરેક નાણાકીય વર્ષની શરૂઆતમાં બજેટ રજૂ કરવાનું હોય છે.
 • ભારતમાં નાણાકીય વર્ષનો સમયગાળો 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો છે. દેશનું કેન્દ્રીય બજેટ આ સમયગાળા માટે જ રજૂ કરવામાં આવે છે.
 • બજેટ દ્વારા સરકાર એવું નક્કી કરવાનો પ્રયાસ કરે છે કે આગામી નાણાકીય વર્ષમાં તેઓ પોતાની કમાણીની તુલનામાં કઈ હદે ખર્ચ કરી શકે છે.

દેશનું બજેટ GDP પર આધારિત હોય છે
દેશમાં કોઈ એક વર્ષની ઉત્પાદિત પ્રોડક્ટ કે સર્વિસીઝના હાલની માર્કેટ વેલ્યુને જીડીપી કહેવાય છે. દેશનું બજેટ જીડીપી પર જ આધારિત હોય છે. જીડીપી વગર બજેટ તૈયાર કરવું શક્ય જ નથી.

જીડીપીને જાણ્યા વગર સરકાર એ નક્કી નથી કરી શકતી કે તેમને રાજકોષીય નુકસાન કેટલું રાખવાનું છે, સાથે જ જીડીપી વગર સરકાર એ પણ નથી જાણી શકતી કે આવનારા વર્ષમાં સરકારને કેટલી કમાણી થશે.

કમાણીનો અંદાજ લગાવ્યા વગર સરકાર માટે એ નક્કી કરવું પણ મુશ્કેલ થશે કે તેમને કઈ યોજનામાં કેટલો ખર્ચ કરવાનો છે.

બજેટ માટે રાજકોષીય નુકસાનનું લક્ષ્ય નક્કી કરવું પણ જરૂરી
કોઈ વર્ષના બજેટ માટે જીડીપી ઉપરાંત રાજકોષીય નુકસાનનું લક્ષ્ય નક્કી કરવું પણ જરૂરી હોય છે. રાજકોષીય નુકસાન જીડીપી અનુસાર નક્કી કરવામાં આવે છે.

રાજકોષીય નુકસાન નક્કી કરેલા લેવલ મુજબ જ સરકાર એ વર્ષ દેવું કરે છે. જો જીડીપી વધુ હશે તો સરકાર ખર્ચ માટે માર્કેટથી વધુ લોન લઈ શકશે.

બજેટમાં કઈ કઈ વાત મુખ્યરૂપે સામેલ હોય છેઃ
સીધા શબ્દોમાં કહીએ તો સામાન્ય બજેટમાં સરકાર તેની કમાણી અને ખર્ચની માહિતી રજૂ કરે છે. સરકારના મુખ્ય ખર્ચાઓમાં નાગરિકની કલ્યાણકારી યોજનાઓ પરનો ખર્ચ, આયાત પરનો ખર્ચ, ડિફેન્સ પર ખર્ચ અને વેતન તેમજ લોન પર આપવામાં આવતું વ્યાજ સહિતની માહિતી હોય છે.

તો સરકારને થનારી કમાણીના ભાગમાં ટેક્સ, સાર્વજનિક કંપનીઓની કમાણી અને બોન્ડ જાહેર કરવાથી થનારી કમાણી સહિતની વાત સામેલ હોય છે.

કેન્દ્રીય બજેટને બે ભાગમાં વહેંચવામાં આવે છે, રેવન્યુ બજેટ અને કેપિટલ બજેટઃ

રેવન્યુ બજેટઃ આ બજેટ સરકારની કમાણી અને ખર્ચનાં લેખાં-જોખાં હોય છે, જેમાં સરકારને મળનારી રેવન્યુ પ્રાપ્તિ કે કમાણી અને રેવન્યુ ખર્ચનો સમાવેશ થાય છે. સરકારને મળનારી રેવન્યુ બે પ્રકારની હોય છે- ટેક્સ અને નોન-ટેક્સ રેવન્યુથી થનારી કમાણી.

રેવન્યુ ખર્ચ સરકારના રોજના કામકાજ અને નાગરિકોને અપાતી વિભિન્ન સર્વિસીઝ પર થનારો ખર્ચ છે.

જો સરકારનો રેવન્યુ ખર્ચ તેની રેવન્યુ પ્રાપ્તિથી વધુ હોય છે, તો સરકારને રાજસ્વ નુકસાન કે રેવન્યુ ડિફિસિટ થાય છે.

કેપિટલ બજેટ કે પૂંજી બજેટઃ જેમાં સરકારની કેપિટલ રિસીટ કે નાણાકીય આવક અને એના દ્વારા કરવામાં આવેલા ખર્ચ સામેલ હોય છે.

સરકારની કેપિટલ રિસીટ કે પ્રાપ્તિઓમાં જનતા પાસે લેવામાં આવેલી લોન (બોન્ડ તરીકે), વિદેશી સરકારો અને ભારતીય રિઝર્વ બેંક પાસેથી લેવામાં લોનની માહિતી હોય છે.

તો કેપિટલ એક્સપેન્ડિચર કે પૂંજીગત ખર્ચમાં સરકાર દ્વારા મશીનરી, ઉપકરણ, ઘર, સ્વાસ્થ્ય સુવિધાઓ, શિક્ષણ વગેરેના વિકાસ પર થનારો ખર્ચ સામેલ હોય છે.

સરકારને રાજકોષીય નુકસાન ત્યારે થાય છે જ્યારે સરકારનો કુલ ખર્ચ એની કુલ કમાણીથી વધુ હોય છે.

કેટલા દિવસ પહેલાંથી શરૂ થઈ જાય છે બજેટની તૈયારી
બજેટ બનાવવાની તૈયારી લગભગ 6 મહિના પહેલાં એટલે કે સામાન્ય રીતે સપ્ટેમ્બરથી જ શરૂ થઈ જાય છે.

 • સપ્ટેમ્બરમાં મંત્રાલયો, વિભાગો, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને સર્ક્યુલર જાહેર કરી આવનારા નાણાકીય વર્ષ માટે તેમના ખર્ચનું અનુમાન લગાડતા તેના માટે જરૂરી ફંડનો ડેટા આપવાનું કહેવામાં આવે છે.
 • આ આંકડાના આધારે જ બાદમાં બજેટમાં જનકલ્યાણ યોજનાઓ માટે અલગ અલગ મંત્રાલયોને ફંડ એલોક્ટ કરાય છે.
 • બજેટ બનાવવાની પ્રક્રિયા શરૂ થયા બાદ નાણામંત્રી, નાણા સચિવ, રાજસ્વ સચિવ અને વ્યય સચિવની બેઠક દરરોજ મળે છે.
 • ઓક્ટોબર-નવેમ્બર સુધી નાણાં મંત્રાલય બીજા મંત્રાલય-વિભાગોના અધિકારીઓની સાથે મીટિંગ કરીને એ નક્કી કરે છે કે કયા મંત્રાલય કે વિભાગને કેટલું ફંડ આપવામાં આવશે.
 • બજેટ બનાવનારી ટીમને સમગ્ર પ્રક્રિયા દરમિયાન વડાપ્રધાન, નાણામંત્રી અને યોજના આયોગના ઉપાધ્યક્ષના ઈન્પુટ સતત મળતા રહે છે. બજેટ ટીમમાં અલગ અલગ ક્ષેત્રના વિશેષજ્ઞો સામેલ હોય છે.
 • બજેટ બનાવવા અને તેને રજૂ કરતાં પહેલા અનેક ઈન્ડસ્ટ્રી ઓર્ગેનાઈઝેશન અને ઈન્ડસ્ટ્રીના જાણકારો સાથે પણ નાણામંત્રી ચર્ચા કરે છે.
 • આ મીટિંગમાં મુદ્દાઓ ફાઈનલ થયા બાદ એક બ્લુપ્રિન્ટ તૈયાર કરાય છે. બજેટને લઈને બધું જ તૈયાર થયા બાદ બજેટ દસ્તાવેજ પ્રિન્ટ થાય છે.
 • 2020થી જ દેશમાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 2020 અને 2021માં પેપરલેસ બજેટ રજૂ કરી ચૂક્યાં છે.

રાષ્ટ્રપતિના સંબોધનથી શરૂ થાય છે બજેટસત્ર
દેશનું બજેટસત્ર રાષ્ટ્રપતિના સંબોધનથી શરૂ થાય છે. કોઈપણ સત્રની શરૂઆત કે નવી સરકારના ગઠન પછી સંસદનું પહેલું સત્ર રાષ્ટ્રપતિના સંબોધનથી જ શરૂ થાય છે. બજેટ 2022ના સત્રની શરૂઆત પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી જ થઈ.

સંસદમાં બજેટ રજૂ કરતાં પહેલાં રાષ્ટ્રપતિની મંજૂરી લેવી જરૂરી હોય છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ જ તેને કેબિનેટની સમક્ષ રાખવામાં આવ છે અને એને બાદમાં સંસદનાં બંને ગૃહમાં રજૂ કરવામાં આવે છે.

1 એપ્રિલથી લાગુ થાય છે બજેટ
બજેટ રજૂ થયા બાદ એને સંસદનાં બંને ગૃહ એટલે કે લોકસભા અને રાજ્યસભામાંથી પાસ કરાવવું જરૂરી હોય છે. બંને ગૃહમાં પાસ થયાં બાદ બજેટ આગામી નાણાકીય વર્ષના પહેલાં દિવસથી એટલે કે 1 એપ્રિલથી લાગુ થાય છે. દેશમાં હાલ નાણાકીય વર્ષનો સમયગાળો 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો છે.

આ વખતે હલવાની જગ્યાએીમિઠાઈ વહેંચવામાં આવી
નોર્થ બ્લોકમાં બજેટ છાપવાની શરૂઆત દર વર્ષે હલવા સેરેમનીની સાથે થાય છે. નાણાં મંત્રાલયમાં એક મોટી કડાઈમાં હલવો બનાવવામાં આવે છે. નાણામંત્રી અને નાણાં મંત્રાલયના તમામ અધિકારી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે. ત્યાં હાજર લોકોમાં હલવો વહેંચવામાં આવે છે. જોકે આ વખતે કોરોના મહામારીને કારણે હલવો સેરેમની ન યોજાયો. બજેટ ટીમમાં સામેલ લોકોને મીઠાઈ આપવામાં આવી.

બજેટને લઈને સંપૂર્ણપણે ગુપ્તતા રાખવામાં આવે છે
બજેટ દસ્તાવેજને નાણાં મંત્રાલયના નક્કી કરાયેલા અધિકારી તૈયાર કરે છે. બજેટ દસ્તાવેજ લીક ન થાય એ માટે તેમાં યુઝ થનારાં તમામ કોમ્પ્યુટરને બીજા નેટવર્ક સાથે ડિલિંક કરી દેવામાં આવે છે. બજેટ પર કામ કરતા અધિકારી અને કર્મચારીઓને બેથી ત્રણ સપ્તાહ સુધી નોર્થ બ્લોકની ઓફિસમાં રહેવાનું હોય છે. આ દરમિયાન તેમને બહાર જવાની મંજૂરી નથી હોતી.

શું હોય છે ઈકોનોમિક સર્વે?
દેશમાં સામાન્ય બજેટ રજૂ થાય એના એક દિવસ પહેલાં ઈકોનોમિક સર્વે (Economic Survey) ગૃહમાં રજૂ કરવામાં આવે છે. બજેટ 2022નું ઈકોનોમિક સર્વે 31 જાન્યુઆરી, 2022નાં રોજ રજૂ કરાયું.

આર્થિક સર્વે આાગમી નાણાકીય વર્ષ માટે જીડીપીનું અનુમાન હોય છે. આર્થિક સર્વે દેશની અર્થવ્યવસ્થાનો એક વાર્ષિક રિપોર્ટ કાર્ડ હોય છે, જે પ્રત્યેક ક્ષેત્રના પ્રદર્શનની તપાસ કરે છે અને ભવિષ્યમાં કેવાં પગલાં ભરવા એની સલાહ આપે છે.

ભારતનું પહેલું ઈકોનોમિક સર્વે 1950-51માં રજૂ કરાયું હતું. 1964 સુધી એને સામાન્ય બજેટની સાથે રજૂ કરાતું હતું, પરંતુ તેને 1965માં બજેટથી અલગ કરી દેવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...