નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2021-22ના સામાન્ય બજેટમાં જૂની કારને સ્ક્રેપ કરવાની જાહેરાત કરી છે, એનાથી પ્રદૂષણ કંટ્રોલ થશે. ઓઈલ આયાત બિલમાં પણ ઘટાડો થશે. ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર બનાવવામાં આવશે. ખાનગી માલિકીની કારને 20 વર્ષ પછી આ સેન્ટરમાં જવાનું રહેશે. જો કે કાર સ્ક્રેપ મોકલવી કે નહીં તે નિર્ણય કારના માલિક કરી શકે છે એટલે કે ખાનગી કાર માલિકોને પોતાની જૂની સ્ક્રેપેજ કરાવવી કે નહીં તેનો નિર્ણય ફરજિયાત નથી. નાણામંત્રીએ કહ્યું હતું કે પર્સનલ વેહિકલને 20 વર્ષ પછી અને કોમર્શિયલ વાહનોને 15 વર્ષ પછી ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરમાં મોકલવાં પડશે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આગામી મહિનાથી ઓટો સેક્ટર માટે સ્ક્રેપ પોલિસી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ ઓટો સેક્ટરને રાહત આપવાનો છે. આ પોલિસી અંતર્ગત તમારી જૂની કાર સ્ક્રેપ સેન્ટરને વેચવી પડશે, જે બાદ એક પ્રમાણપત્ર મળશે. માનવામાં આવે છે કે નિર્ણયથી લગભગ 2.80 કરોડ વાહન સ્ક્રેપ પોલિસી અંતર્ગત આવશે, સાથે જ એનાથી દેશમાં મોટે પાયે ભંગાર કેન્દ્ર બની જશે. એનાથી મોટી સંખ્યામાં નવા રોજગારની તક ઊભી થવાની આશા છે.
શું સામાન્ય માણસને ફાયદો થઈ શકે છે
એક્સપર્ટ્સ જણાવે છે કે સ્ક્રેપ માટે કાર જશે તો નવી કાર ખરીદનાર માલિકને રજિસ્ટ્રેશન ફીમાં રાહત મળશે. ઓટો સ્ક્રેપેજ પોલિસી લાગુ થયા બાદ જો કોઈ કાર ખરીદે છે અને એની કિંમત 10 લાખ રૂપિયા છે તો આ કાર પર 30 ટકાની ગણતરીએ લગભગ 3 લાખ રૂપિયા ડિસ્કાઉન્ટ આપવાની વાત થઈ રહી છે. એવું એટલા માટે કે નવી કાર પોલ્યુશન ઓછું કરે છે, સાથે જ ઈંધણનો વપરાશ પણ ઓછો કરે છે. આ પોલિસીથી ઓટો ઈન્ડસ્ટ્રીને પણ સહારો મળશે. ઓટોમોબાઈલ સેક્ટર પણ ઓટો સ્ક્રેપેજ પોલિસીનું સમર્થન કરી રહ્યું છે.
નવી પોલિસીથી સરકારને શું ફાયદો?
ગત વર્ષે સપ્ટેમ્બર 2020માં ઓટોમેટિવ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ વાર્ષિક સત્રમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જણાવ્યું હતું કે સ્ક્રેપ પોલિસી અંતિમ તબક્કામાં છે. ત્યારે આ અંગેની જાહેરાત સામાન્ય બજેટમાં કરવામાં આવી છે.
શું છે મોદી સરકારની સ્ક્રેપ પોલિસી
મીડિયા રિપોર્ટ્સ મુજબ, કેન્દ્ર સરકાર 15 વર્ષ જૂનાં વાહનોને સડકથી હટાવવા માટે સ્ક્રેપ પોલિસી લાવી રહી છે. એનો હેતુ 15 વર્ષ જૂની ગાડીઓને પ્રોત્સાહન આપવાનો છે. એ માટે વાહનોના Re-Registration કરવા પર અનેક ગણો ટેક્સ લેવાનો પ્રસ્તાવ છે.
જૂની કાર ન આપી તો શું થઈ શકે છે
સ્ક્રેપેજ પોલિસીમાં જૂની કારને ફરીથી રજિસ્ટ્રેશન માટે 15,000 રૂપિયા સુધીની ફી લેવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, કોમર્શિયલ ગાડીઓ માટે ફિટનેસ સર્ટિફિકેટને દર 6 મહિનામાં રિન્યુ કરવા અને સાથે જ ફિટનેસ સર્ટિફિકેટની ફી પણ અનેક ગણી વધારવાનો પ્રસ્તાવ છે.
તમારી જૂની કારનું શું થશે?
સ્ક્રેપેજ પોલિસીમાં 15 વર્ષ જૂની ગાડીઓને સડક પરથી હટાવવાની જોગવાઈ સમાપ્ત કરી દેવામાં આવી છે, પરંતુ એવી ગાડીઓને ચલાવવા માટે દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે. આ સાથે જ રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવાની ફીને વધારીને બેથી ત્રણ ગણી કરી દેવાઈ છે, જેનાથી વાહનમાલિકને જૂની ગાડીઓને વેચીને નવી ગાડી ખરીદવા માટે આકર્ષિત કરશે.
2001માં 70 લાખ ગાડીઓ રજિસ્ટર્ડ થઈ હતી
આંકડા જણાવે છે કે વર્ષ 2001માં 70 લાખ પેસેન્જર ગાડીઓ રજિસ્ટર્ડ થઈ હતી.જ્યારે 2005માં 1.1 કરોડ કોમર્શિયલ વેહિકલ રજિસ્ટર્ડ થયા હતા. એટલે આટલી ગાડીઓ તાત્કાલિક રોડ પરથી હટી જશે. જે બાદ દર વર્ષે રજિસ્ટર્ડની રીતે આ ગાડીઓ દૂર થતી જશે. તેનાથી ઓટો સેક્ટરને ઘણી મોટી મદદ મળશે. તેમના વેચાણમાં ગતિ આવશે. તો ઓટો સેક્ટરના સામાનોનું પણ વેચાણ વધશે.
34 લાખ LMV 15 વર્ષ જૂનાં
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા મુજબ, દેશમાં 34 લાખ LMV છે જે 15 વર્ષ જૂનાં છે. એટલે કે 5 વર્ષ પછી તેને રોડ પરથી હટાવવા પડશે. 51 લાખ LMV વાહન 20 વર્ષથી વધુ જૂનાં છે. 17 લાખ મધ્યમ અને ભારે કોમર્શિયલ વાહન 15 વર્ષ જૂનાં છે જેની પાસે કોઈ વેલિડ ફિટનેસ સર્ટિફિકેટ નથી. સ્ક્રેપેજ પોલિસી 1 એપ્રિલ 2022થી લાગુ થશે.
50 હજાર નવી નોકરીઓ મળશે
નીતિન ગડકરીએ કહ્યું કે આ પોલિસીથી 10 હજાર કરોડનું રોકાણ થશે અને 50 હજાર નવી નોકરીઓ આવશે. દુનિયાની તમામ ઓટો બ્રાંડ પણ ભારતમાં છે. આ પોલિસીથી દેશના ઓટો સેક્ટરની ઈકોનોમી 4 લાખ કરોડ રૂપિયાથી વધીને 6 લાખ કરોડ રૂપિયા થઈ જશે.
ગત વર્ષે કુલ 2.15 કરોડ ગાડીઓનું વેચાણ થયું હતું
નાણાંકીય વર્ષ 2020માં ભારતીય ઓટોમેટિવનું માર્કેટ 18 ટકા જેટલું ઓછું રહ્યું છે. 2020માં કુલ 2.15 કરોડ ગાડીઓનું વેચાણ થયું હતું. જેમાં 7.17 લાખ કોમર્શિયલ ગાડીઓનું વેચાણ થયું હતું. એટલે કે 29 પર્સેન્ટનો ઘટાડો નોંધાયો હતો. ત્રણ પૈડાવાળી ગાડીઓનું માર્કેટ 29 ટકા ઘટીને 6.36 લાખ રહ્યું છે. આ રીતે જ પેસેન્જર કાર અને ટૂ-વ્હીલર વાહનોનું માર્કેટ પણ ઘટ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.