બજેટ 2021ની મહત્ત્વની વાતો:પેટ્રોલ પર 2.5 રૂપિયા અને ડીઝલ પર 4 રૂપિયા એગ્રી સેસનો પ્રસ્તાવ; ઇન્શ્યોરન્સ ક્ષેત્રમાં 74% સુધીની FDI, કોરોનાને લીધે હેલ્થ બજેટ 137% વધ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘર માટે વ્યાજમાં 1.5 લાખની એક્સ્ટ્રા છૂટ 1 વર્ષ માટે વધારી
  • ઈન્કમ ટેક્સમાં જૈસે થે, ન સ્લેબ બદલાયો-ન કોઈ છૂટ મળી
  • NGO, રાજ્ય સરકાર અને પ્રાઇવેટ સેક્ટરની મદદથી 100 નવી સૈનિક શાળાની શરૂઆત થશે
  • સરકારી બેન્કોમાં 20,000 કરોડનું રોકાણ કરવામાં આવશે. બેન્કોને એનપીએમાંથી છુટકારો અપાવવા માટે રિકન્સ્ટ્રક્શન કંપની અને એસેટ મેનેજમેન્ટ કંપની બનાવામાં આવશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. સરકારે પેટ્રોલ પર 2.5 રૂપિયા અને ડીઝલ પર 4 રૂપિયા એગ્રી સેસ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. એ સાથે જ ઇન્શ્યોરન્સ સેક્ટરમાં FDIની લિમિટ 49 ટકાથી વધારીને 74 ટકા કરી દેવામાં આવી છે. બજેટમાં મિડલ ક્લાસને કઈ મળ્યું નહિ. સરકારે ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી અને કોઈ છૂટ પણ આપી નથી. જોકે અફોર્ડેબલ હાઉસિંગમાં ઘર ખરીદનારને વ્યાજમાં 1.5 લાખ સુધીની એક્સ્ટ્રા છૂટનો સમય એક વર્ષ વધારીને માર્ચ 2022 સુધીનો કરી દેવામાં આવ્યો છે, જ્યારે 75 વર્ષથી વધારે ઉંમરના પેન્શર્સને ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં મુક્તિ આપવામાં આવી છે.

બજેટની મોટી વાતો

પેટ્રોલ-ડીઝલ પર એગ્રી સેસ, પણ અસર નહીં થવાનો દાવો

સૌથી પહેલા વાત સામાન્ય નાગરિકોની જરૃરિયાતો સાથે જોડાયેલ પેટ્રોલ-ડીઝલની. નાણાં મંત્રીએ પેટ્રોલ પર રૂપિયા 2.5 અને ડીઝલ પર પ્રતી લીટર રૂપિયા 4 સેસ માટે દરખાસ્ત રજૂ કરી છે. તેનું નામ હશે એગ્રી ઈન્ફ્રા ડેવલપમેન્ટ સેસ. તે 2 ફેબ્રુઆરીથી જ લાગૂ થઈ જશે. જોકે નાણાં મંત્રીએ ખાતરી આપી છે કે તેની સામાન્ય નાગરિકો પર કોઈ બોજ પડશે નહીં. આ માટે બેઝીક એક્સાઈઝ ડ્યુટી અને સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે.

તે અંતર્ગત કસ્ટમ ડ્યુટીવાળા શરાબ પર 100 ટકા, મસુર દાળ પર 20 ટકા, સફરજન પર 35 ટકા, સોયાબીન અને સનફ્લાવર ઓઈલ પર 20 ટકા સેસની જોગવાઈ છે. જોકે સામાન્ય નાગરિકો પર અસર નહીં થાય.

કોરોનાની અસર, હેલ્થ બજેટમાં 137 ટકા વધારો
હવે વાત કોરોનાની, જેની સૌથી વધારે ચર્ચા થઈ છે. નાણાં મંત્રીએ તેમના ભાષણમાં 16 વખત કોવિડ અને મહામારીનો ઉલ્લેખ કર્યો. કોરોનાને લીધે આ વખતે હેલ્થ બજેટમાં 137 ટકા વધારો કરવામાં આવ્યો છે. હેલ્થ બજેટ હવે રૂપિયા 2.23 લાખ કરોડ થશે. જેના ્માટે અગાઉ રૂપિયા 94 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.

કોરોના વેક્સિન માટે રૂપિયા 35 હજાર કરોડ આપવામાં આવશે. જરૂર પડશે તો વધુ બજેટ મળશે. બાળકોને ન્યૂમોનિયાથી બચાવવા માટે દેશભરમાં ન્યૂમોકોક્કલ વેક્સિન લગાવવામાં આવશે. આ ન્યુમોનિયાથી પ્રત્યેક વર્ષ 50 હજાર બાળકોના મૃત્યુ થાય છે.

ટેક્સ સાથે જોડાયેલી મોટી જાહેરાતો

  • આઝાદીની 75મી વર્ષગાંઠે અમે 75 વર્ષ અને એનાથી મોટી ઉંમરના સિનિયર સિટિઝન્સને રાહત આપવા માગીએ છીએ. તેમણે હવે IT રિટર્ન ભરવાની જરૂર નથી.
  • અત્યારે ટેક્સ રિએસેસમેન્ટ 6 વર્ષ અને ગંભીર મુદ્દે 10 વર્ષ પછી પણ કેસ ખોલી શકાય છે. એ હવે ઘટાડીને 3 વર્ષ કરવામાં આવ્યા છે. ગંભીર મુદ્દે હવે એક વર્ષમાં 50 લાખથી વધારે ઈન્કમ છુપાવવાની વાત હશે તો 10 વર્ષ સુધી કેસ ખોલી શકાશે. કમિશનર જ એની મંજૂરી આપશે.
  • 85 હજાર કરોડ રૂપિયાના ટેક્સ ડિસ્પ્યુટ તાજેતરમાં જ સમાપ્ત થયા છે. ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટી બનાવવામાં આવશે, 50 લાખ સુધીની આવક અને 10 લાખ સુધીની વિવાદાસ્પદ ઈન્કમવાળા લોકો આ કમિટીની પાસે જઈ શકશે. નેશનલ ફેસલેસ અપીલેટ ટ્રિબ્યુનલ બનશે.
  • અત્યારે જો ટર્નઓવર 1 કરોડથી વધારે થઈ જાય તો ટેક્સ ઓડિટ કરવાનું થશે. 95% ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરનાર માટે આ છૂટ વધારીને ગઈ વખતે 5 કરોડ ટર્નઓવર કરવામાં આવ્યું હતું. એને વધારીને હવે 10 કરોડ કરવામાં આવ્યું છે.

ડિવિડન્ડ પેમેન્ટ પર હવે TDS નહીં લાગે
દરેક લોકો માટે ઘર પ્રાયોરિટીમાં છે. હોમ લોન પર વ્યાજમાં 1.5 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. હવે અફોર્ડેબલ ઘર માટે વ્યાજમાં 1.5 લાખ રૂપિયાની એક્સ્ટ્રા છૂટ 31 માર્ચ 2022 સુધી રાખવામાં આવી છે.

કસ્ટમ ડ્યૂટી
400 જૂની છૂટનો રિવ્યુ કરવામાં આવશે. એ સલાહ-સૂચનના આધારે કરાશે. આ વર્ષે 1 ઓક્ટોબરથી રિવાઈઝ્ડ કસ્ટમ ડ્યૂટીનું સ્ટ્રક્ચર શરૂ થશે.
આયર્ન એન્ડ સ્ટીલ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવી રહી છે, જેથી મેટલ રિસાઈકલર્સને મદદ મળી શકે. કોપર સ્કેપમાં પણ ડ્યૂટી હટાવવામાં આવશે.
ગોલ્ડ એન્ડ સિલ્વર પર અત્યારે 12.5% કસ્ટમ ડ્યૂટી છે, એને રેશનલાઈઝ કરવામાં આવશે. ઓટો પાર્ટ્સ પર 15% કસ્ટમ ડ્યૂટી લાગશે.
ખેડૂતોની મદદ માટે કોટન પર 10%, કાચા રેશન અને રેશનના તાંતણા પર 15% કસ્ટમ ડ્યૂટી લગાવાશે.

પ્રોવિડેન્ટ ફંડમાં 2.5 લાખથી વધારે કોન્ટ્રીબ્યુશન પર વ્યાજ ટેક્સેબલ

જો કોઈ કર્મચારીના પ્રોવિડેન્ટ ફંડમાં વાર્ષિક 2.5 લાખ રૂપિયાથી વધારે જમા થાય છે તો તેની પર મળતું વ્યાજ ટેક્સેબલ ઈન્કમમાં સામેલ થશે. આ નિયમ 1 એપ્રિલ 2021થી થનારા PF કોન્ટ્રીબ્યુશન પર લાગૂ થશે. આ સાથે જ કંપની તેના કર્મચારીઓના PF જેવી કપાતના સમયસર જમા કરાવે તે વાત પર ભાર આપવામાં આવ્યો છે. આ માટે નાણાં મંત્રીએ જાહેરત કરી છે કે જો કોઈ કંપની તેના કર્મચારીઓનું કોન્ટ્રીબ્યુશન જમા કરવામાં વિલંબ કરશે તો આ રકમ પર ટેક્સ ડિડક્શન મળી શકશે નહીં.

ટેક્સ એસેસમેન્ટ સાથે સંકળાયેલા 5 મોટા ફેરફાર

  • અત્યાર સુધી ટેક્સ એસેસમેન્ટના કેસ સામાન્ય બાબતમાં 6 વર્ષ અને ગંભીર કેસમાં 10 વર્ષ બાદ પણ ખોલી શકાતા હતા. હવે સામાન્ય બાબતોમાં 3 વર્ષ બાદ એસેસમેન્ટ કેસ ફરી વખત ખોલી શકાશે નહીં.
  • ગંભીર કેસોમાં પણ એસેસમેન્ટ કેસ ત્યારે જ ખોલી શકાશે કે જ્યારે એક વર્ષમાં 50 લાખ અથવા વધારે ઈન્કમ છૂપાવવાના પૂરાવા હોય. આ પ્રકારના કેસમાં પણ કેસ ખોલવાની મંજૂરી ઈન્કમ ટેક્સના પ્રિન્સિપલ ચીફ કમિશ્નર લઈ શકશે.
  • નાણાં મંત્રીએ કહ્યું છે કે વિવાદથી વિશ્વાસ સ્કીમ અંતર્ગત અત્યાર સુધી 1.10 લાખથી વધારે કરદાતાએ રૂપિયા 85 હજાર કરોડથી વધારે રકમના કેસ ઉકેલી લીધા છે. આ બાબતને ધ્યાનમાં રાખી ડિસપ્યુટ રિઝોલ્યુશન કમિટીની રચના કરવામાં આવશે. 50 લાખ સુધીની ટેક્સેબલ ઈન્કમવાળા લોકો કે જેમની 10 લાખની આવક વિવાદ ઉકેલવા માટે આ કમિટી પાસે જઈ શકાશે.
  • નેશનલ ફેસલેસ ઈન્કમ ટેક્સ અપીલિએટ ટ્રીબ્યુનલ સેન્ટર પણ તૈયાર કરવામાં આવશે જેથી ટ્રીબ્યુનલ અને અપીલ કરનારા વચ્ચે તમામ વાતચીત ઈલેક્ટ્રોનિક રહે.
  • કારોબારીઓના ખાતાના ઓડિટ માટે સરકારે ગયા વર્ષે ટર્નઓવરની મર્યાદા 1 કરોડથી વધારી 5 કરોડ કરી હતી. આ માટે શરત રાખવામાં આવી કે 95 ટકા ટ્રાન્ઝેક્શન ડિજીટલ હોવી જોઈએ. ડિજીટલ વ્યવહારોને ઉત્તેજન આપવા માટે સરકારે હવે 5 કરોડની મર્યાદા વધારી 10 કરોડ કરી છે.

ઓટો પાર્ટ્સ અને મોબાઈલ ફોન મોંઘા થશે

કેટલાક ઓટો પાર્ટ્સ પર 7.5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી વધારી 15 ટકા કરવામાં આવી છે. તેને લીધે ગાડીઓ મોંઘી થશે. સોલર ઈનવર્ટર મોંઘા થશે, કારણ કે તેની પર ઈમ્પોર્ટ ડ્યુટી 5 ટકાથી વધારી 15 ટકા કરવામાં આવી છે. મોબાઈલ ફોન અને ચાર્જરના કેટલાક પાર્ટ્સ કે જે અત્યાર સુધી ઈમ્પોર્ટ ડ્યુટીના વ્યાપથી બહાર હતી. તેની પર હવે 2.5 ટકા ડ્યુટી લાગશે.

વેહિકલ સ્ક્રેપિંગ
વોલન્ટરી વેહિકલ સ્ક્રેપિંગ પોલિસી લાવવામાં આવશે, જેથી જૂની ગાડીઓને હટાવી શકાય. એનાથી પ્રદૂષણ ઓછું કરવામાં મદદ મળશે.
ગાડીઓનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે. પર્સનલ વેહિકલ 20 વર્ષ પછી અને કોમર્શિયલ વેહિકલ 15 વર્ષ પછી સ્ક્રેપ કરવામાં આવશે.

રાજકીય ખાધ ઓછી થવાનો અંદાજ
નાણામંત્રીએ કહ્યું હતું કે અમે લોકડાઉન સમાપ્ત થયા પછી સરકારી ખર્ચ વધાર્યો છે. 2020-21માં 30.42 લાખ કરોડના સરકારી ખર્ચનો અંદાજ છે, જે વધીને 34.5 લાખ કરોડ થશે. 2021માં રાજકીય ખાધ GDPના 9.5% છે. એની ભરપાઈ માટે અમને 80 હજાર કરોડ રૂપિયા વધારે જોઈએ. એ માટે અમને બજાર પાસેથી અપેક્ષા છે. 2021-22માં 34.83 લાખ કરોડના સરકારી ખર્ચનો અંદાજ છે. 2021-22માં રાજકીય કાધ GDPના 6.8 ટકા રહેવાનો અંદાજ છે. 2025-26 સુધી એ ઘટાડીને 4.5 ટકા કરવાનો અંદાજ છે. કન્ટિજન્સી ફંડને 500 કરોડથી વધારીને 30 હજાર કરોડ રૂપિયા સુધીની જોગવાઈ કરવામાં આવી છે.

હેલ્થ માટે

  • કોરોનાની અસર, હેલ્થ બજેટમાં 137% વધારો નાણાં મંત્રીએ પોતાના ભાષણમાં 16 વાર કોવિડ અને મહામારીનો ઉલ્લેખ કર્યો છે. કોરોનાને કારણે હેલ્થ બજેટમાં 137 %નો વધારો થયો છે. હેલ્થ બજેટ હવે 2.23 લાખ કરોડ રૂપિયા હશે. જ્યારે ગત વર્ષે તે 94 હજાર કરોડ રૂપિયા હતું.
  • ન્યૂટ્રિશિયન પર ભાર આપવામાં આવશે. મિશન પોષણ 2.0 શરૂ કરવામાં આવશે. વોટર સપ્લાઇ વધારવામાં આવશે
  • શહેરી વિસ્તારોમાં જળ-જીવન મિશન શરૂ કરવામાં આશે. શહેરી સ્વચ્છ ભારત મિશન પર 1.48 લાખ કરોડ 5 વર્ષમાં ખર્ચ કરાશે
  • નિમોકોક્કલ વેક્સિન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવશે. એમાં 50 હજાર બાળકોના દર વર્ષે જીવ બચાવવામાં આવશે.
  • 64,180 કરોડ રૂપિયાના બજેટ સાથે વડાપ્રધાન આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરૂ થશે, આ જ બજેટમાં નવી બીમારીઓનો ઈલાજ કરવામાં આવશે.
  • 602 જિલ્લામાં ક્રિટિકલ કેર હોસ્પિટલ શરૂ કરાશે. નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલને મજબૂત કરવામાં આવશે.
  • ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પોર્ટલ શરૂ કરવામાં આવશે, જેથી પબ્લિક હેલ્થ લેબ્સને કનેક્ટ કરાશે. 15 હેલ્થ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર્સ શરૂ કરવામાં આવશે.

ખેડૂતો માટે

  • 2021-22માં એગ્રિકલ્ચર ક્રેડિટ ટાર્ગેટ 16.5 લાખ કરોડનો છે. ઓપરેશન ગ્રીન સ્કીમમાં ઝડપથી ખરાબ થતાં 20 પાકનો સમાવેશ કરવામાં આવશે.
  • એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સુધી એપીએમસીની પણ પહોંચ હશે. કોચી, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, પારાદીપ અને પેટુઆઘાટ જેવાં શહેરોમાં 5 મોટાં ફિશિંગ હાર્બર બનાવાશે. તામિલનાડુમાં મલ્ટીપર્પજ સી-વિડ પાર્ક બનાવાશે.

ગરીબો માટે

  • વન નેશન, વન રેશનકાર્ડને 32 રાજ્યમાં મંજૂર કરવામાં આવશે. 86% લોકોને તેમાં કવર કરી લેવામાં આવ્યા છે.
  • ઉજ્જવલા યોજનાના ફાયદો 1 કરોડ વધુ મહિલાઓ સુધી પહોંચાડવામાં આવશે.

મધ્યમ વર્ગ ખાલી હાથ, જાણો કેવી રીતે

  • વર્ષ 2014માં 3.31 કરોડ લોકો ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતા હતા. વર્ષ 2020માં આ સંખ્યા વધીને 6.48 કરોડ થઈ ગઈ છે. પણ આ લોકો માટે આ વખતે બજેટમાં કંઈ જ નથી. ઈન્કમ ટેક્સ સ્લેબ યથાવત રાખવામાં આવ્યો છે.
  • મોટી રાહત ફક્ત વૃદ્ધો માટે છે. 75 વર્ષથી વધુ ઉંમરના પેન્સનર્સને ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની જરૂર નહીં પડે. આ એવા પેન્સનર્સ છે કે જેમની આવક ફક્ત પેન્શન અને બેન્કમાં મળતા વ્યાજથી જ થાય છે. બેન્ક જ ટીડીએસ સ્વરૃપે તેમનો ટેક્સ કાપશે.
  • એક રાહત એવી પણ છે કે ઘર ખરીદનારાને લોનના ઈન્ટરેસ્ટની ચુકવણી પર ટેક્સ ડિડક્શનમાં 1.5 લાખ રૂપિયાની એક્સ્ટ્રા છૂટનો સમય એક વર્ષ વધારવામાં આવ્યો છે. એટલે કે 31 માર્ચ,2022 સુધી લેવામાં આવતી છૂટ આ મર્યાદામાં આવી જશે.

એજ્યુકેશન માટે

  • NGO, રાજ્ય સરકાર અને પ્રાઈવેટ સેક્ટરની મદદથી 100 નવી સૈનિક શાળાની શરૂઆત થશે.
  • લદાખમાં હાયર એજ્યુકેશન માટે લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવાશે.
  • આદિવાસી વિસ્તારમાં 750 એકલવ્ય મોડલ શાળાની સુવિધાઓમાં સુધારા થશે.
  • અનૂસૂચિત જાતિનાં 4 કરોડ બાળકો માટે 6 વર્ષમાં 35219 કરોડ રૂપિયા ખર્ચ થશે.
  • આદિવાસી બાળકો માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ પણ લવાશે.

ઈન્સ્યોરન્સ અને બેન્કિંગ સેક્ટર માટે

  • ઈન્શ્યોરન્સ એક્સ 1938માં ફેરફાર કરાશે. ઈન્સ્યોરન્સ સેક્ટરમાં એફડીઆઈને 49%થી વધારીને 74% કરવામાં આવશે.
  • IDBI સાથે સાથે બે બેન્ક અને એક પબ્લિક સેક્ટર કંપનીમાં રોકાણ કરવામાં આવશે. એ માટે કાયદામાં ફેરફાર કરવામાં આવશે. LIC માટે IPO પણ લાવવામાં આવશે.
  • સરકારી બેન્કોમાં 20,000 કરોડનું રોકાણ કરવામાં આવશે. બેન્કોને એનપીએમાંથી છુટકારો અપાવવા માટે રિકન્સ્ટ્રક્શન કંપની અને એસેટ મેનેજમેન્ટ કંપની બનાવામાં આવશે.

ઈન્ફ્રાસ્ટ્રકચર માટે

  • ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર માટે ડેવલપમેન્ટ ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂટની જરૂરિયાત છે. એના માટે એક બિલ લાવવામાં આવશે. 20 હજાર કરોડ રૂપિયા એની પર ખર્ચવામાં આવશે, જેથી 5 લાખ કરોડ રૂપિયાના લેન્ડિંગ પોર્ટફોલિયોને 3 વર્ષમાં બનાવી શકાય.
  • પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રકચરને મોનેટાઈઝ કરવા પર ધ્યાન આપવામાં આવશે. નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન લોન્ચ થશે. એનું એક ડેશબોર્ડ બનશે, જેથી આ મામલાઓ પર નજર રાખી શકાય.
  • નેશનલ હાઈવેઝ ઓથોરિટીઝ પણ આંતરરાષ્ટ્રીય રોકાણને આકર્ષિત કરશે. રેલવે પણ ફ્રેટ કોરિડોરને મોનેટાઈઝ કરશે. આગળ જે પણ એરપોર્ટ બનશે એમાં પણ મોનેટાઈઝેશન પર ધ્યાન આપવામાં આવશે.

રેલવે માટે

  • રેલવેએ નેશનલ રેલ પ્લાન 2030 બનાવ્યો છે, જેથી ફ્યુટર રેજી રેલવે સિસ્ટમ બનાવી શકાય અને લોજિસ્ટિક કોસ્ટ ઓછી કરી શકાય. જૂન 2022 સુધી ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર તૈયાર કરી શકાય. સોમનગર-ગોમો સેક્શન પીપીપી મોડમાં બનાવવામાં આવશે.
  • ગોમો-દમકુની સેક્શન પણ આ રીતે બનશે. ખડગપુર-વિજયવાડા, ભુસાવળ-ખડગપુર, ઈટારસી-વિજયવાડામાં ફ્યુચર રેડી કોરિડોર બનાવવામાં આવશે. ડિસેમ્બર 2023 સુધી 100 ટકા બ્રોડગેજનું ઈલેક્ટ્રિફિકેશન કરવામાં આવશે.
  • વિસ્ટા ડોમ કોચ શરૂ થશે, જેથી મુસાફરોને સારો અનુભવ થાય. હાઈ ડેન્સિટી નેટવર્ક, હાઈ યુટિલાઈઝ નેટવર્ક પર ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ સિસ્ટમાં દેશમાં ડેવલપ થશે.
  • 1.10 લાખ કરોડ રૂપિયા રેલવેને અપાઈ રહ્યા છે. 1.07 લાખ કરોડ રૂપિયા માત્ર કેપિટલ એક્સપેન્ડિચર માટે છે.

મેટ્રો માટે

  • શહેરી વિસ્તારમાં બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ શરૂ કરાશે. 20 હજાર બસ તૈયાર થશે. આનાથી ઓટો સેક્ટરને મદદ મળશે અને રોજગાર વધશે.
  • 702 કિમી મેટ્રો હાલ ચાલી રહી છે. 27 શહેરોમાં કુલ 1016 કિમી મેટ્રો પર કામ ચાલી રહ્યું છે. ઓછા ખર્ચે ટિયર-2 શહેરોમાં મેટ્રો લાઈટ્સ અને મેટ્રો નિયો શરૂ થશે.
  • કોચીમાં મેટ્રોમાં 1900 કરોડના ખર્ચે 11 કિમી હિસ્સો બનાવાશે. ચેન્નઈમાં 63 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 180 કિમી લાંબો મેટ્રો રૂટ બનશે.
  • બેંગલુરુમાં પણ 14788 કરોડ રૂપિયાના ખર્ચે 58 કિમી લાંબી મેટ્રોલાઈન બનશે. નાગપુર 5976 કરોડ અને નાસિકમાં 2092 કરોડથી મેટ્રો બનશે.

ચૂંટણીવાળાં 3 રાજ્ય માટે

  • ભારતમાલા પ્રોજેક્ટ માટે 3.3 લાખ કરોડ રૂપિયા આપવામાં આવી ચૂક્યા છે. રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઈકોનોમિક કોરિડોર બનાવાશે. 3500 કિમી નેશનલ હાઈવે પ્રોજેક્ટ હેઠળ તામિલનાડુમાં 1.03 લાખ કરોડ રૂપિયા ખર્ચાશે, જેનું કન્સ્ટ્રક્શન આગામી વર્ષે શરૂ થશે.
  • 1100 કિમી નેશનલ હાઈવે કેરળમાં બનશે, જે હેઠળ મુંબઈ-કન્યાકુમારી કોરિડોર પણ બનશે. કેરળમાં આની પર 65 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરાશે.
  • બંગાળમાં 25 હજાર કરોડના ખર્ચે હાઈવે બનશે. કોલકાતા-સિલીગુડી રોડનું અપગ્રેડેશન થશે. 34 હજાર કરોડ રૂપિયા આસામમાં નેશનલ હાઈવે પર ખર્ચ થશે.

આ રીતે બનીશું આત્મનિર્ભર... સરકારે એ દરેક વસ્તુની આયાત મોંઘી કરી જે દેશમાં બની શકે છે

  • સરકારે લાંબા સમય પછી કસ્ટમ અને એક્સાઈઝ ડ્યૂટીમાં પરિવર્તન કર્યા છે. તેમાં મોબાઈલ, મોબાઈલ ચાર્જર, એસી, સાઈકલ જેવી વસ્તુઓ મોંઘી બનશે. જોકે, આ પરિવર્તનને ધ્યાનથી જોઈએ તો તે ભારતીય અર્થતંત્રને આત્મનિર્ભર બનાવવા તરફ લેવાયેલું પગલું દેખાય છે.
  • સરકારે ઈથાઈલ આલ્કોહોલની આયાત મોંઘી કરી છે. તેનાથી દેશમાં બનતા ઈથેનોલનો ઉપયોગ ક્લીન ફ્યુલ બનાવવા કરવાની કવાયત ચાલુ છે. પેટ્રોલમાં 22% સુધી ઈથેનોલ મિલાવી શકાય છે, હાલ દેશમાં 10% જ મિલાવાય છે. દેશમાં શેરડી, મકાઈ અને ચોખા જેવા પાકના કચરામાંથી ઈથેનોલ બનાવી શકાય છે. આથી તેની આયાત મોંઘી કરી ઘરેલુ ઉત્પાદન વધારાશે.
  • સરકારે ક્રૂડ પામ ઓઈલ, ક્રૂડ સોયાબીન અને સનફ્લાવર ઓઈલની આયાત મોંઘી કરી છે. તેનાથી ઘરેલુ ખાદ્ય તેલ નિર્માતા કંપનીઓએ દેશની જ ઉપજ પર ફોકસ કર્યું છે. તે પણ કૃષિ ઉત્પાદનો માટે સારું બજાર બનાવશે. સાથે જ વટાણા, ચણા, મસુર દાળ જેવા કૃષિ ઉત્પાદનોની આયાત પણ મોંઘી કરાઈ છે.
  • સરકારે સ્ટીલ-આયરન સ્ક્રેપની આયાત સસ્તી કરી છે, સ્ક્રૂ, નટ-બોલ્ટની આયાત મોંઘી કરી છે. એટલે કાચા માલની આયાત સસ્તી થશે, પરંતુ તૈયાર માલની આયાત મોંઘી થશે. ઘરેલુ ઉત્પાદનને બૂસ્ટ મળશે.
  • ઓટોમોબાઈલ સેક્ટરમાં કેટલાક કમ્પોનન્ટ્સ પર કસ્ટમ ડ્યુટી વધારાઈ છે, જેથી લક્ઝરી ગાડીઓની કિંમત વધી શકે છે, સાથે જ સ્ટીલની આયાત સસ્તી કરી છે. તેનાથી વાહન નિર્માણનો કુલ ખર્ચ અગાઉથી ઓછો થઈ શકે છે.

ટીમ ઈન્ડિયાની જીતનો ઉલ્લેખ
સીતારમણે કહ્યું હતું કે આજે ભારત આશાઓનો દેશ બની ગયો છે. રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે આશા એક એવું પક્ષી છે, જે અંધારામાં પણ ગણગણાટ કરે છે. ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયામાં જોરદાર પ્રદર્શન કર્યું, જેને આપણને યાદ અપાવ્યું કે આપણામાં કેવા પ્રકારની ક્વોલિટી છે. આજે ડેટા જણાવે છે કે ભારતમાં કોરોનાના કારણે સૌથી ઓછો મૃત્યુદર છે. આ તમામ વાતો ઈકોનોમીના કાયાપલટની નિશાની છે. અત્યારસુધી ત્રણ વખત જ બજેટ GDPના નેગેટિવ આંકડાઓ પછી રજૂ થયું છે. આ વખતે નેગેટિવ આંકડા દુનિયાભરમાં આવેલી મહામારીને કારણે છે.

વિપક્ષની નારેબાજી વચ્ચે બજેટના ભાષણની શરૂઆત કરતાં નિર્મલા સીતારમણે કહ્યું, હું 2021-22નું બજેટ રજૂ કરી રહી છું. લોકડાઉન સમાપ્ત થતાં જ વડાપ્રધાને ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરી, જેણે 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપ્યું હતું. 8 કરોડ લોકોને ફ્રી રસોઈ ગેસ મળ્યો. હું તે લોકોનો આભાર માનું છું, જે લોકો સુધી જરૂરિયાતની સેવા પહોંચાડવાના કામમાં લાગ્યા છે. ત્યાર પછી અમે બે વધુ આત્મનિર્ભર પેકેજ લાવ્યા. અમે જીડીપીના 13 ટકા એટલે કે 27.18 લાખ કરોડ રૂપિયાની કુલ રાહત આપી.

નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બજેટની સોફ્ટ કોપી સોંપ્યા પછી સંસદ ભવન પહોંચ્યા હતા. અહીં કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં બજેટને મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્મલા સીતારમણનું ત્રીજું બજેટ હશે. આ બજેટથી સામાન્ય લોકો અને વેપારી જગત બન્નેને ઘણી આશા છે. આશાનું કારણ ગત વર્ષે 18 ડિસેમ્બરે આપેલું તેમનું નિવેદન છે. તેમણે કહ્યું હતું કે આ વખતનું બજેટ છેલ્લાં 100 વર્ષમાં ન આવ્યું હોય એવું હશે. 29 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થયેલા ઈકોનોમિક સર્વેમાં આના માટે ઘણા સંકેત આપવામાં આવ્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત.
નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત.

ઈકોનોમિક સર્વે તૈયાર કરનાર મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રહ્મણ્યમે કહ્યું હતું કે સમય આવી ગયો છે જ્યારે સરકાર પોતાનો ખર્ચ વધારે અને લોકો પર ટેક્સનું ભારણ ઓછું કરે. જોકે ખાનગી કંપનીઓ હાલ ખર્ચ વધારવાની સ્થિતિમાં નથી. એટલા માટે સરકારે જ ખર્ચ વધારવો પડશે, પરંતુ ખર્ચ માટે સરકાર પાસે પૈસાની અછત છે. એટલા માટે ટેક્સમાં રાહતની આશા પણ ઓછી છે. એનાથી વિપરીત કોરોના સેસ લગાવવાની ચર્ચા છે, ભલે એ વધુ કમાણી કરતી કંપનીઓ પર લાગે.

બજેટ રજૂ થતાં પહેલાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે બજેટ લોકોની આશાના અનુરૂપ જ રહેશે.
બજેટ રજૂ થતાં પહેલાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે બજેટ લોકોની આશાના અનુરૂપ જ રહેશે.
બજેટ પહેલાં નિર્મલા સીતારમણની રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત.
બજેટ પહેલાં નિર્મલા સીતારમણની રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત.

ગત વર્ષે બજેટના દિવસે શેરબજાર લગભગ 2.5% ગગડ્યું હતું
બજેટના દિવસે શેરબજારમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળે છે. મોદી સરકારના છેલ્લા 6 બજેટમાં 4 વખત બજાર નુકસાનમાં રહ્યું, જેમાંથી એક વચગાળાનું બજેટ પણ સામેલ હતું. ગત વર્ષે બજેટના દિવસે (1લી ફેબ્રુઆરી) બજાર 2.43% ઘટાડા સાથે બંધ થયું હતું.