તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Eliminating The Dividend Distribution Tax Will Beneficial For SMEs In Gujarat

ગુજરાતના ઉદ્યોગકારોના મતે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ દૂર થતાં મધ્યમ કદના ઉદ્યોગોને ફાયદો થશે, કોર્પોરેટ્સ પાસે કેશ ફ્લોનો ભાર હળવો થશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજેટ સારી ડિજિટલ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપશે તથા કૌશલ્યના અંતરમાં ઘટાડો કરશે
  • પશુ આરોગ્ય પર ફોકસ કર્યું છે તેનાથી આવતા દિવસોમાં ખેડૂતોને પણ ફાયદો થશે

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: આજે રજુ થયેલા કેન્દ્રીય બજેટને લઈને ગુજરાતના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગકારોએ મિશ્ર પ્રતિક્રિયા આપી છે. જોકે, મોટાભાગના ઉદ્યોગકારો મને છે કે, ટેકનોલોજીના વપરાશ પર સરકારે ભાર મુક્યો છે જે આવતા સમયમાં લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને લાભકારી સાબિત થશે. આ ઉપરાંત ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેનાથી લોકોની ખરીદ શક્તિ વધશે અને બજારમાં લીક્વિડીટીની સમસ્યા હલાવી થશે.

કેતન પટેલ, ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ટ્રોઈકા ફાર્માસ્યુટિકલ્સ લીમીટેડ
ફાર્મા, ઓટો વગેરે ક્ષેત્રોમાં નિકાસ માટે ડેટ ભંડોળએ યોગ્ય દિશામાં આગળ વધવું છે. જો કે, બધા ઉદ્યોગો વચ્ચે ફાળવવામાં આવેલ રૂ. 900 કરોડની રકમ એકદમ અપૂરતી છે. ચુસ્ત રોકડ પ્રવાહને ધ્યાનમાં રાખીને, નિકાસકારોને ઓછા વ્યાજવાળા ભંડોળ સ્પર્ધાત્મકતામાં વધારો કરશે અને નિકાસને વધુ વળતર આપશે. રૂટીન ગુણવત્તાથી શૂન્ય-ખામી ગુણવત્તા સુધીની મુસાફરી, ખર્ચને નોંધપાત્ર અસર કરે છે. ફાર્મા સેક્ટરમાં, આ લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં કિંમતો પર સખત નિયંત્રણ આવશે. નવીનીકરણને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં કોઈ ખાસ વાત કરી નથી.

જૈમિન શાહ, એમડી અને સીઇઓ, દેવ આઇટી અને નાસ્કોમ ફાઉન્ડેશનના બોર્ડ મેમ્બર
આ બજેટ વધુ સારી ડિજિટલ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપશે તથા કૌશલ્યના અંતરમાં ઘટાડો કરશે. ડેટા સેન્ટર્સની રચના, સ્પેશિયલાઇઝ્ડ સ્માર્ટ સિટીઝ અને ગામડાઓ સુધી ભારતનેટ કનેક્ટિવિટી ભારતીય આઇટી ઉદ્યોગને ઘરેલુ બજારમાં વૃદ્ધિ સાધવાની મોટી તક આપશે. ડિજિટલ અર્થતંત્રની વાત કરીએ તો આ બજેટની દિશા એકદમ સ્પષ્ટ છે.

મહેન્દ્ર પટેલ, એમડી, લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ
ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ નાબૂદ થવાથી કંપનીઓ પરનું ભારણ ઘટશે. ટેકનોલોજી અપગ્રેડેશન, આરએન્ડડી, બિઝનેસ સ્ટ્રેટેજી માટે રૂ. 1,000 કરોડની ફાળવણીથી મધ્યમ કદની ફાર્મા કંપનીઓને નિકાસો વધારવામાં પ્રોત્સાહન મળશે. પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર્સ દરેક જિલ્લામાં વિસ્તારવાના હોવાથી જેનેરિક દવાઓને પ્રોત્સાહન મળશે. સરકારની પહેલના લીધે ઉદ્યોગ જગત સરકારને સસ્તી અને ગુણવત્તાસભર દવાઓ પૂરી પાડવામાં મદદ કરશે, ઉપરાંત વૈશ્વિક બજારમાં તેની હાજરી નોંધાવવામાં પણ સહાયભૂત થશે.

અંકુર અગ્રવાલ, ફાઉન્ડર, મેડકાર્ટ ફાર્મસી પ્રાઈવેટ લિમિટેડ
હેલ્થ સેક્ટર માટે રૂ. 69,000 કરોડની ફાળવણી થઈ છે જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના રૂ. 6,400 કરોડનો પણ સમાવેશ થાય છે. જોકે જેનેરિક દવાઓ અંગે જાગૃતતા ફેલાવવા માટે વધુ પ્રયાસોની જરૂર છે. વર્ષ 2024 સુધીમાં જન ઔષધિ કેન્દ્ર તમામ જિલ્લાઓમાં પહોંચાડવાની નેમ છે. આના પગલે બ્રાન્ડેડ જેનેરિક દવાઓના બજારને જેનેરિક દવાઓ મોટાપાયે ટક્કર આપશે અને લોકોને કિફાયતી તથા સારી દવાઓ ઉપલબ્ધ થશે. એસએમઈ ક્ષેત્રની ફાર્મા કંપનીઓને પણ આનો લાભ મળશે.

રાજીવ ગાંધી, સીઇઓ અને એમડી, હેસ્ટર બાયોસાયન્સિસ
પશુઓના આરોગ્યમાં સુધારો વર્તમાન સરકારની પ્રાથમિકતા રહી છે. ભારતમાં પશુઓ, ઘેંટા અને બકરીઓમાં વર્ષ 2025 સુધીમાં ફુટ-એન્ડ-માઉથ ડિસિઝ (એફએમડી), બ્રુસેલોસિસ ડિસિઝ અને પીપીઆર ડિસિઝ નાબૂદ કરવાની કામગીરી માટે ભારત સરકારની બજેટમાં જાહેરાતનું અમે સ્વાગત કરીએ છીએ. તેનાથી આ પ્રાણીઓના દૂધ અને ઊનની ઉત્પાદકતામાં વધવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે.

કમલેશ પટેલ, ચેરમેન અને એમડી, એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ
આ એક સંતુલિત બજેટ છે જેમાં સામાજિક ક્ષેત્ર, કૃષિ, ગ્રામીણ અર્થતંત્ર, આરોગ્યસેવા, ટેક્નોલોજી અને ઈનોવેશન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ દૂર કરવાની દરખાસ્તથી કોર્પોરેટ્સ પાસે કેશ ફ્લોનો ભાર હળવો થશે. ઉદ્યોગના વિકાસ અને નાણાંકીય સહાય માટે સરકારે બેન્કોને રૂ. 3.5 લાખ કરોડના ફંડની ફાળવણી કરી છે જે આવકારણીય છે. સામાન્ય માણસ માટે આવકવેરાના દરમાં ઘટાડો આવકાર્ય છે અને તેનાથી કરદાતાઓના હાથમાં ખર્ચ માટે વધુ રકમ આવશે. ટાઈલ્સ અને સેનિટરીવેર પર જીએસટીમાં ઘટાડો થયો નથી તેનાથી અમને નિરાશા થયા છીએ. 

જીગ્નેશ માધવાણી, પ્રમોટર અને પાર્ટનર, ટોરિન વેલ્થ મેનેજમેન્ટ
દેશની ડગમગતી અર્થવ્યવસ્થા અને બેરોજગારીની વધતી જતી સમસ્યા વચ્ચે મોદી સરકારના બીજા કાર્યકાળનું આજે પહેલું સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જૂના ટેક્સ સ્લેબની સાથે નવા ટેક્સ સ્લેબનો ઓપ્શન પણ આપ્યો છે. જોકે કરદાતાઓ નવો ટેક્સ સ્લેબ અપનાવશે તો તેમણે ડિડક્શનના અમુક લાભ ગુમાવવા પડશે. નવી વ્યવસ્થામાં 70 પ્રકારના ડિડક્શન ખતમ કરવામાં આવ્યા છે. ટેક્સપેયર ઈચ્છે તો જૂની વ્યવસ્થાનો વિકલ્પ અપનાવી શકે છે.

મનન ચોક્સી (શિક્ષણવિદ)
અત્યાર સુધી આપણો દેશ વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં મોકલવા અંગે નિરુત્સાહી હતો પરંતુ સૌપ્રથમ વખત ભારતે વિદેશી વિદ્યાર્થીઓને ભણાવવાનો ખ્યાલ રજૂ કર્યો છે. આ ઉદ્દેશ માટે એશિયન અને આફ્રિકન વિદ્યાર્થીઓને લક્ષમાં રાખીને ઈન્ડ-સેટ પરીક્ષા લેવામાં આવશે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ યુનિવર્સિટીઝની રેન્કિંગ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ભારતમાં કેમ્પસ ઊભા કરવા માટે આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઝને આકર્ષે છે. આપણે એમ કહી શકીએ કે નવા ભારતનું આ નવું વિઝન છે.

નૃપેશ શાહ CA અને ફાઉન્ડર-ચેરમેન, નૃપ્સ કન્સલ્ટન્ટ્સ
ફરી એક વખત આપણે સુવર્ણ તક ચૂકી ગયા છીએ. અર્થતંત્રને પ્રોત્સાહન અને વેગ આપવા હાલના તબક્કે અભૂતપૂર્વ અને નક્કર પગલાં લેવાની તાતી જરૂર હતી. બજેટથી રિયલ એસ્ટેટ સેક્ટર, ક્રેડિટ ગ્રોથ, નિકાસો કે વ્યાપક રોકાણો આવવાની શક્યતા ખૂબ ઓછી છે. મોટાપાયે ખાનગીકરણ અને ડિસઈન્વેસ્ટમેન્ટની અપેક્ષાઓ હતી પરંતુ ખૂબ નજીવી જાહેરાતો થઈ છે. કરવેરાના નવા સ્લેબ વધુ સરળ બનાવી શકાયા હોત. નવા માળખાથી જીવન વીમા પોલીસી સહિતના બચતના સાધનોમાં રોકાણ કે પછી હાઉસિંગ લોન પર અસર પડશે.

સીએ જૈનિક વકીલ, ચેરમેન, ડીરેક્ટ ટેક્સ કમિટી, ગુજરાત ચેમ્બર
RBI સબસિડિયરી ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (ડીઆઇસીજીસી) દ્વારા ડિપોઝિટ ઇન્સ્યોરન્સની મર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવામાં આવી તે સામાન્ય નાગરિકો માટે લેવાયેલું મહત્ત્વનું પગલું છે. આ પગલું લાંબા સમયથી અપેક્ષિત હતું અને તેના કારણે ડિપોઝિટરોને, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને સલામતિનો અહેસાસ થશે, જેમના માટે વ્યાજ એ નિયમિત આવકનો મુખ્ય સ્ત્રોત હોય છે. ભારતીય કંપનીઓ દ્વારા ચૂકવાતા ડીડીટીની નાબૂદી પણ મહત્ત્વનું પગલું છે. આ નિર્ણય ભારતીય બજારને આકર્ષક બનાવશે. ટર્નઓવર થ્રેશોલ્ડ લિમિટ વધારીને રૂ. 100 કરોડ અને 10 વર્ષ સુધીનો ટેક્સ બેનિફિટ પિરિયડ સ્ટાર્ટ-અપ્સને વેગ આપશે. ઇ-સોપ્સ પર ડિફર્ડ ટેક્સ પણ સકારાત્મક પગલું છે અને નાના સ્ટાર્ટ-અપ્સ તેના કારણે ટેલેન્ટ જાળવી શકશે. ટેક્સ ઓડિટ માટે મિનિમમ ટર્નઓવરની મર્યાદા રૂ. 1 કરોડથી વધારીને રૂ. 5 કરોડ કરવામાં આવી છે તેના કારણે પણ મોટી સંખ્યામાં નાના અને મધ્યમ કદના વેપારીઓ અને ઉદ્યોગોને રાહત થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો