Divyabhaskar.com
Aug 07, 2019, 02:01 PM ISTમુંબઈઃ ટીવી એક્ટ્રેસ હિના ખાને આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. હવે, હિના ખાનને ન્યૂયોર્કમાં યોજાનાર ‘ઈન્ડિયા ડે પરેડ’ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. હિના ખાન પહેલી ટીવી એક્ટ્રેસ છે, જેને ઈન્ડિયા ડે પરેડમાં સામેલ થવાની તક મળશે.
ચાહકો ખુશ
હિના ખાનના ચાહકો આ વાતથી ઘણાં જ ખુશ છે. તેઓ સોશિયલ મીડિયામાં હિના ખાનને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ન્યૂયોર્કમાં 18 ઓગસ્ટના રોજ ‘ઈન્ડિયા ડે પરેડ’માં સૈન્ય દળોના પરાક્રમ તથા બલિદાનને સન્માનિત કરવામાં આવશે. આ પરેડમાં હજારો ભારતીયો સામેલ થાય છે. આ વર્ષે પરેડની મુખ્ય થીમ ‘પોતાના સૈનિકોનું સમર્થન કરો, પોતાના સૈનિકોને સલામ કરો’ એ છે. હિના ખાનની સાથે સુનિલ શેટ્ટી પણ જોવા મળશે.
WORLD'S LARGEST INDIA DAY PARADE - SUN, AUG.18,2019. MADISON AVENUE. NYC.
— FIA NYNJCT (@FIANYNJCTorg) August 5, 2019
Let's celebrate India's 73rd Independence Celebration with Most Gorgeous & Talented Indian TV & Film Actress HINA KHAN @eyehinakhan #Indiadayparade#indiadayparadenewyork #newyorkparade pic.twitter.com/CcevxHfIT8
એફઆઈએના પ્રમુખે શું કહ્યું?
એફઆઈએ (ધ ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિયેશન) ન્યૂયોર્ક ટ્રાઈ સ્ટેટના પ્રમુખ આલોક કુમારે કહ્યું હતું, ‘આપણાં જવાન, સૈનિકો આપણાં માટે જીવનું બલિદાન આપે છે. આ અમારા તરફથી તેમને શ્રદ્ધાંજલિ આપવાની તક છે. અમે તેમની સેવા, હિંમત તથા બલિદાનને યાદ કરીએ છીએ.’
હાલમાં શું કરે છે હિના ખાન?
હિના ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ છેલ્લે એકતા કપૂરની ટીવી સિરિયલ ‘કસૌટી જિંદગી કી 2’માં કોમોલિકાના રોલમાં જોવા મળી હતી. હાલમાં હિના ખાન પોતાની ફિલ્મમાં વ્યસ્ત છે.