Divyabhaskar.com
Nov 19, 2019, 04:29 PM ISTટેલિવિઝન ડેસ્ક: ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ 5’નો વિનર બનેલ રાઇટર- કોમેડિયન અભિષેક વાલિયાએ પ્રોડ્યૂસર્સ પ્રીતિ સિમોસ અને તેની બહેન નીતિ સિમોસ પર પર તેને પૈસા ન આપવાનો આરોપ લગાવ્યો છે. અભિષેકના જણાવ્યા મુજબ તેણે પ્રીતિ-નીતિના બેનર હેઠળ બનેલ શો ‘મૂવી મસ્તી વિથ મનીષ પોલ’ માટે કામ કર્યું હતું, જેના માટે તેને પૈસા આપવાની વાત થઇ હતી. પરંતુ હવે પ્રોડ્યૂસર્સ સિસ્ટર્સ ફરી ગઈ છે.
પ્રીતિએ ખુદ ફોન કરીને ઓફિસ બોલાવ્યો હતો
‘દિવ્ય ભાસ્કર’ એપ સાથેની વાતચીત દરમ્યાન અભિષેકે કહ્યું કે, ‘ખતરા ખતરા ખતરા શો પૂરો થયા બાદ મને પ્રીતિ સિમોસનો કોલ આવ્યો કે તે મૂવી મસ્તી વિથ મનીષ પોલ બનાવી રહી છે. તેણે મને ઓફિસમાં બોલાવ્યો. મેં ત્યાં જઈને અમુક જોક્સ સંભળાવ્યા, જે તેમને ગમ્યા અને બીજે જ દિવસે જ બધું તેમણે ફાઇનલ કરી દીધું. પૈસાને લઈને થોડું નેગોશિએટ કર્યું અને અમે કામ શરૂ કરી દીધું.’
12 દિવસ સુધી પ્રીતિ સાથે કામ કર્યું
અભિષેકે આગળ જણાવ્યું કે, ‘લગભગ 12 દિવસ સુધી મેં તેમના માટે કામ કર્યું અને પછી અચાનક પ્રીતિ તરફથી મેસેજ આવ્યો કે તેની પાસે રાઈટર્સ ઘણા બધા થઇ ગયા છે માટે તે હવે તેની સાથે કામ કરવા માગતી નથી. તેણે એમ પણ કહ્યું કે તે ટૂંક સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ પર એક શો બનાવવાની છે જેના માટે તેઓ મને ફરી ઓન બોર્ડ લેશે. મેં તેમની વાત માની લીધી અને કહ્યું કે જેટલા દિવસ કામ કર્યું છે તેના મને પૈસા આપી દે. આના માટે તૈયાર થઇ ગયા હતા પરંતુ પાછળથી ફરી ગયા.’
અભિષેક બિલકુલ લાયક ન હતો: પ્રીતિ
‘દિવ્ય ભાસ્કર’ એપે જ્યારે પ્રીતિ સાથે આ બાબતે વાત કરી ત્યારે તેણે કહ્યું કે, ‘અભિષેક બિલકુલ લાયક ન હતો અને તેનો એટિટ્યૂડ પણ યોગ્ય ન હતો. માટે અમે તેને કાઢ્યો. આ સિવાય હું આ મુદ્દે કોઈ વાત કરવા ઇચ્છતી નથી.’