રેસ્ક્યૂ / યુવતીની છેડતી થતાં ‘બિગ બોસ’ ફૅમ પ્રીતમ બચાવવા ગયો, ગુંડાઓએ માર માર્યો અને કાર ડેમેજ કરી

Bigg Boss 8 fame RJ Pritam Singh rescues couple

Divyabhaskar.com

Mar 09, 2020, 05:06 PM IST

મુંબઈઃ ‘બિગ બોસ 8’ના ફાઈનલિસ્ટ રહી ચૂકેલો આરજે પ્રીતમ પ્યારે (પ્રીતમ સિંહ)એ ટ્વિટર પર એક દર્દનાક ઘટના અંગે વાત કરી હતી. આ ઘટના રવિવારે (આઠ માર્ચ) સવારે ચાર વાગે બની હતી. તેણે કેટલીક ડિસ્ટર્બિંગ તસવીરો પણ શૅર કરી હતી, જેમાં એક યુવકના શરીર પર ઈજાના ગંભીર નિશાનો જોવા મળે છે. પ્રીતમને મતે, આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ પર આ યુવક-યુવતી પર કેટલાંક ગુંડાઓએ હુમલો કર્યો હતો અને તેણે આ બંનેને છોડાવવા માટે મદદ કરી હતી.

પ્રીતમે ટ્વિટર પર કહ્યું હતું, રવિવારે ખરાબ રીતે માર માર્યા બાદ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. પછી ટ્વીટ કરીને કહ્યું હતું. આ ઘટના બંગુર નગર (મુંબઈ) સિગ્નલ પર બની હતી. એક યુવક તથા યુવતીને કેટલાંક ગુંડાઓ ખરાબ રીતે માર મારતા હતાં. તે સમયે હું ત્યાંથી મારી કારમાં પસાર થયો અને તેમને મદદ કરવાની કોશિશ કરી હતી. ગુંડાઓએ મારી કારને અને મને નુકસાન પહોંચાડ્યું. પછી પ્રીતમે મુંબઈ પોલીસ તથા શિવસેનાને ટેગ કરીને ટ્વીટ કરી હતી, યુવકને ગંભીર ઈજા થઈ છે. તેને નિકટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મહિલા દિવસ પર મહિલાઓ અસલામત?
પ્રીતમે અન્ય એક ટ્વીટમાં સવાલ કર્યો હતો કે મહિલા દિવસ પર જ મહિલાઓ રસ્તા પર સલામત નથી. આ ઘટના આઠ માર્ચે સવારે ચાર વાગે બની હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર એક મહિલા રસ્તા પર સુરક્ષિત નથી.

પીડિતાએ પણ ઘટના અંગે કહ્યું
પીડિત યુવતીએ એક મીડિયા પોર્ટલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તે પોતાના મિત્ર સાથે ચાની દુકાન પર ગઈ હતી. ત્યાં નશામાં ધૂત ચાર લોકોએ તેની સાથે ગેરવર્તણૂક કરી હતી. જ્યારે તેના મિત્રે આ ચારને ત્યાંથી જવાનું કહ્યું તો તેઓ માર મારવા લાગ્યા હતાં. આ સમયે ત્યાંથી પ્રીતમ પસાર થયો અને તેણે કાર ઊભી રાખી હતી. તેની કારમાં તેની પત્ની અમનજોત પણ હતી. પ્રીતમે તેને કારમાં બેસવાનું કહ્યું. ત્યારબાદ આ ગુંડાઓએ પ્રીતમ પર પણ હુમલો કર્યો હતો અને કાર પર પથ્થર ફેંક્યા હતાં.

કેબિનેટ મંત્રી અસલમ શેખે ખેદ પ્રગટ કર્યો
આ ઘટના પર મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અસલમ શેખે ખેદ વ્યક્ત કર્યો છે. તેમણે વાતચીતમાં કહ્યું હતું કે દુર્ભાગ્ય છે કે શહેરમાં આ પ્રકારની ઘટના બની. પોલીસને આ ઘટનાના દોષીતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે. પ્રીતમે અસલમ શેખનો આભાર માનીને કહ્યું હતું કે આવા નેતાઓની જરૂર છે.

બંગુર નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો
બંગુર નગર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર શોભા પિસેએ આ વાતનો સ્વીકાર કર્યો છે કે તેમણે સેક્શન 354 (છેડતી), 509 (મહિલા સાથે ગેરવર્તન) તથા 324 (જાણી જોઈને હથિયારથી હુમલો કરવો અને ઈજા પહોંચાડવી) હેઠળ એફઆઈઆર નોંધી છે. પ્રીતમની એક ટ્વીટ પ્રમાણે, આરોપીઓને 24 કલાકની અંદર જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. તેણે મુંબઈ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

X
Bigg Boss 8 fame RJ Pritam Singh rescues couple

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી