બિગ બોસ 13 / વિનર સિદ્ધાર્થ શુક્લા ટીવીનો ‘સલમાન ખાન’ છે, અફેર્સથી લઈ દારૂ પીને કાર ચલાવવા સહિતના વિવાદમાં ફસાયો છે

bigg boss 13 winner sidharth shukla controversial life

Divyabhaskar.com

Feb 16, 2020, 03:03 PM IST

મુંબઈઃ ‘બિગ બોસ 13’ની સિઝન અત્યાર સુધીની સૌથી લાંબી અને વિવાદિત સિઝન રહી છે. આ શોનો વિનર સિદ્ધાર્થ શુક્લા બન્યો છે. સિદ્ધાર્થ શુક્લા વિનર બનતા જ સોશિયલ મીડિયામાં તેનો ઘણો જ વિરોધ થયો હતો. આટલું જ નહીં સિદ્ધાર્થ શુક્લા વિનર બને તે પહેલાં તેની પૂર્વ પ્રેમિકા શિલ્પા શિંદેએ તેને હિંસક, પઝેસિવ, ડિમાન્ડિંગ ગણાવ્યો હતો. ઘરની અંદર પણ સિદ્ધાર્થ શુક્લા ઝઘડા કરતો હતો અને મહિલા સ્પર્ધકો સાથે યોગ્ય વર્તન પણ કરતો નહોતો. સિદ્ધાર્થ શુક્લાને ‘ટીવીનો સલમાન ખાન’ કહેવામાં આવે તો સહેજ પણ ખોટું નથી. નોંધનીય છે કે એક સમય હતો કે સલમાન ખાન પોતાના હિંસક વર્તનને કારણે બોલિવૂડમાં બેડબોય તરીકે જાણીતો હતો. સલમાન ખાન પણ પોતાની પ્રેમિકાઓને લઈને પઝેસિવ હોવાનું ચર્ચાય છે. ઐશ્વર્યા રાયે પણ સ્વીકાર્યું હતું કે સલમાને તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું.

શિલ્પા શિંદે તથા સિદ્ધાર્થ શુક્લા

શિલ્પા શિંદે સાથે મારપીટ કરી હતી
શિલ્પાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં સિદ્ધાર્થને સાયકો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ બોયફ્રેન્ડ તથા ગર્લફ્રેન્ડ વચ્ચેની વાત છે. સિદ્ધાર્થ તેને માર મારતો હતો અને એકવાર તેણે તેને ચાલતી કારમાંથી ફેંકી દીધી હતી અને હંમેશાં મારતો હતો. તેણે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. તેમની વચ્ચે વર્ષ 2011માં રિલેશનશિપ હતાં. શિલ્પા શિંદે પ્રેમી સિદ્ધાર્થથી અલગ થવા માગતી હતી પરંતુ તે તેને છોડતો નથી. તેણે સિદ્ધાર્થ અંગે કહ્યું હતું કે તે પઝેસિવ, ડિમાન્ડિંગ, ગુસ્સાવાળો તથા ગાળો બોલનારો હતો. જો તે ફોન ના ઉપાડે તો સતત ફોન કરે તથા અપશબ્દો પણ બોલતો હતો. પછી સોરી બોલીને પગમાં પડી જતો હતો. શિલ્પાએ કહ્યું હતું કે સિદ્ધાર્થને જ્યારે ‘બાલિકા વધૂ’ સિરિયલ મળી તો તે તેમાં વ્યસ્ત રહેતા શિલ્પા શિંદે તેનાથી દૂર થઈ ગઈ હતી અને આ રીતે તેમના સંબંધોનો અંત આવ્યો હતો.

શૈફાલી જરીવાલા તથા સિદ્ધાર્થ શુક્લા

શૈફાલી જરીવાલા સાથે પણ સંબંધો હતાં
‘બિગ બોસ 13’માં શૈફાલી જરીવાલા વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લઈને એન્ટર થઈ હતી. ‘કાંટા લગા’ ગર્લ તરીકે લોકપ્રિય બનેલી શૈફાલીએ ઘરમાં એન્ટર થતા પહેલાં જ કહ્યું હતું કે સિદ્ધાર્થ શુક્લા સાથે તેના સંબંધો રહી ચૂક્યાં હતાં. વર્ષ 2009માં શૈફાલીએ હરમીત સાથે લગ્ન કર્યાં તે પહેલાં તેના સંબંધો સિદ્ધાર્થ સાથે હતાં. જોકે, શૈફાલીના આ લગ્ન લાંબા ટક્યા નહોતાં અને લગ્નના થોડા સમય બાદ શૈફાલીએ પતિ હરમીત વિરુદ્ધ ડોમેસ્ટિક એબ્યૂઝનો આરોપ મૂકીને પોલીસ ફરિયાદ કરી હતી. વર્ષ 2014માં શૈફાલીએ પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યાં હતાં. વધુમાં શૈફાલીએ કહ્યું હતું કે તે ઘરની અંદર સિદ્ધાર્થને મળવાને લઈ ઉત્સુક હતી.

‘દિલ સે દિલ તક’ના સેટ પર રશ્મિ દેસાઈ તથા સિદ્ધાર્થ શુક્લા

રશ્મિ દેસાઈને ડેટ કરતો હતો
‘બિગ બોસ’ના ઘરમાં રશ્મિ દેસાઈ તથા સિદ્ધાર્થ મલ્હોત્રા વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતાં. રશ્મિ દેસાઈ તથા સિદ્ધાર્થ શુક્લા ટીવી સિરિયલ ‘દિલ સે દિલ તક’ના સેટ પર એકબીજાને ડેટ કરતા હતાં. ‘બિગ બોસ’ના ઘરમાં રશ્મિએ સિદ્ધાર્થને એબ્યૂસિવ ગણાવ્યો હતો. રશ્મિએ કહ્યું હતું કે સિદ્ધાર્થના હિંસક વર્તનને કારણે ચેનલે તેને શોમાંથી બેવાર હાંકી કાઢ્યો હતો. વધુમાં રશ્મિએ કહ્યું હતું કે પહેલી વાર જ્યારે સિદ્ધાર્થને શોમાંથી કાઢી મૂકવામાં આવ્યો ત્યારે તેણે મેકર્સની માફી માગી હતી અને આવી ભૂલ નહીં કરે તેમ કહ્યું હતું, ત્યારબાદ ચેનલે તેને બીજીવાર ‘દિલ સે દિલ તક’માં લીધો હતો. રશ્મિએ દાવો કર્યો હતો કે સિરિયલના સેટ પર સિદ્ધાર્થ બધાની સામે તેની પર ગુસ્સે થતો હતો અને તેને ધમકાવતો હતો. ‘બિગ બોસ’ના ઘરમાં સિદ્ધાર્થે રશ્મિ દેસાઈના આરોપોને નકારી કાઢ્યા હતાં. તેણે કહ્યું હતું કે જ્યાં સુધી સિરિયલ ચાલી ત્યાં સુધી તેમની વચ્ચે સારા સંબંધો રહ્યાં હતાં. રશ્મિ ‘બિગ બોસ’ના ઘરમાં દર્શકોની સહાનુભૂતિ મેળવવા માટે તેને લઈ કંઈ પણ કહી શકે છે.

મનિષા શર્મા તથા સિદ્ધાર્થ શુક્લા

‘બિગ બોસ’ની ચીફ કન્ટેન્ટ ઓફિસર મનિષા શર્મા સાથે પણ સંબંધો હતાં
સિદ્ધાર્થ શુક્લા તથા મનિષા શર્મા વચ્ચે પણ એક સમયે સંબંધો હતાં. જોકે, આ સંબંધો તૂટ્યા બાદ પણ મનિષાને સિદ્ધાર્થ પ્રત્યે કૂણી લાગણી હતી અને આ વાત ‘બિગ બોસ’ના ઘરમાં અવાર-નવાર જોવા મળતી હતી. સિદ્ધાર્થ શુક્લાએ ઘરમાં રશ્મિ દેસાઈના કેરેક્ટરને લઈ કમેન્ટ કરી હતી અને એક્ટ્રેસ ગુસ્સે થઈ હતી. ‘વીકેન્ડ કા વાર’માં સલમાન ખાને સિદ્ધાર્થને બદલે રશ્મિ દેસાઈને ગુસ્સો કંટ્રોલ કરવાનું કહ્યું હતું. આ વાતથી સોશિયલ મીડિયા યુઝર્સે ગુસ્સે થયા હતાં. ‘બિગ બોસ’ની ચીફ કન્ટેન્ટ ઓફિસર મનિષા શર્મા છે અને તેણે શોમાં સતત સિદ્ધાર્થને સપોર્ટ કર્યો હતો. મનિષાએ હંમેશાં એ વાતનું ધ્યાન રાખ્યું કે ટીવીમાં સિદ્ધાર્થ સારો દેખાય. આટલું જ નહીં સિદ્ધાર્થ શુક્લા વિનર બને તે પહેલાં જ ‘બિગ બોસ’ની એક મહિલા કર્મચારીએ ચેનલમાંથી રાજીનામુ આપી દીધું હતું અને તેણે મનિષા શર્માને સિદ્ધાર્થ પ્રત્યે લાગણી હોવાથી તેને જીતાડવામાં આવ્યો હોવાનો આરોપ મૂક્યો હતો.

સિદ્ધાર્થ તથા આરતી સિંહ

આરતી સિંહ સાથે થોડો સમય અફેર રહ્યું હતું
ગોવિંદાની ભાણી તથા કૃષ્ણા અભિષેકની બહેન આરતી સિંહ તથા સિદ્ધાર્થ શુક્લા વચ્ચે પણ એક સમયે સંબંધો રહી ચૂક્યા હતાં. ઘરમાં આ બંનેની કેમિસ્ટ્રી ઘણું કહી દેતી હતી. બંને મુંબઈમાં એક જ જીમમાં જતા હતાં અને બંને વચ્ચે અફેર હોવાની વાત તેમના ક્લોઝ ફ્રેન્ડ્સને ખબર હતી. જોકે, આ બંનેએ ક્યારેય પોતાના સંબંધોનો ઓફિશિયલી સ્વીકાર કર્યો નહોતો. ‘બિગ બોસ’ની પૂર્વ સ્પર્ધક શૈફાલી બગ્ગાએ કહ્યું હતું કે આરતી તથા સિદ્ધાર્થ એકબીજાને ડેટ કરતા હતાં અને બંનેને એકબીજા માટે સોફ્ટ કોર્નર છે. ચર્ચા તો ત્યાં સુધી હતી કે બંને લગ્ન પણ કરવાના હતાં.

શીતલ ખંડાલ તથા સિદ્ધાર્થ શુક્લા

કિંગ ઓફ ટેન્ટ્રમ તરીકે કુખ્યાત

સિદ્ધાર્થ શુક્લાનું અફેર લિસ્ટ ઘણું જ લાંબું છે. આ એક્ટ્રેસિસ ઉપરાંત સિદ્ધાર્થના સંબંધો પારસ છાબરાની પૂર્વ પ્રેમિકા આકાંક્ષા પુરી, દૃષ્ટિ ધામી, તનિષા મુખર્જી સાથે રહી ચૂક્યા હતાં. સિદ્ધાર્થ પોતાના ગુસ્સા માટે ટીવી ઈન્ડસ્ટ્રીમાં કુખ્યાત છે. આટલું જ નહીં સિદ્ધાર્થના કો-સ્ટાર કુનાલ વર્માએ એક્ટરને અનપ્રોફેશનલ તથા સાયકો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેને માનસિક રોગની સારવાર લેવાની જરૂર છે. વર્ષ 2018માં સિદ્ધાર્થ સ્પીડમાં કાર ચલાવતો હતો અને અચાનક જ તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને જેને કારણે તેણે ત્રણ કાર સાથે ટક્કર થઈ હતી. તેની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ દંડ કરીને છોડી મૂકવામાં આવ્યો હતો. આ પહેલાં વર્ષ 2014માં સિદ્ધાર્થ દારૂ પીને કાર ચલાવતો હતો અને તેને 2000 રૂપિયાનો દંડ ફટાકારવામાં આવ્યો હતો. ‘બાલિકા વધૂ’ની કો-સ્ટાર શીતલ ખંડાલે સિદ્ધાર્થ પર આરોપ મૂક્યો હતો કે તે સેટ પર ડબલ મિનિંગ જોક્સ કહેતો હતો અને વલ્ગર કમેન્ટ્સ પાસ કરતો હતો. એકવાર તેણે ક્રિએટિવ પ્રોડ્યૂર્સને આ અંગે ફરિયાદ કરી હતી અને સિદ્ધાર્થે આ વાતનો તમાશો કર્યો હતો. તે ઘણો જ ખરાબ વ્યક્તિ છે. આટલું જ નહીં ‘બાલિકા વધૂ’ની તેની કો-સ્ટાર તોરલ રાસપુત્રા સાથે સિદ્ધાર્થના બોલવાના સંબંધો નહોતાં. સિદ્ધાર્થના કો-વર્કર્સ તેને કિંગ ઓફ ટૅન્ટ્રમ કહેતા હતા. સેટ પર તે હંમેશાં મોડો આવતો અને અન્ય કલાકારોને કલાકો સુધી રાહ જોવડાવતો હતો.

X
bigg boss 13 winner sidharth shukla controversial life

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી