અમિતાભ બચ્ચને લખનઉમાં 'કેબીસી'ના પહેલાં પ્રોમોનું શૂટિંગ કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કિરણ જૈન, મુંબઈઃ અમિતાભ બચ્ચન હાલમાં લખનઉમાં ફિલ્મ 'ગુલાબો સીતાબો'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આથી જ તેઓ ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ 11'ના પ્રોમોના શૂટિંગ માટે મુંબઈ આવી શકે તેમ નહોતાં. આ જ કારણથી ટીવી શોના મેકર્સે લખનઉ જઈને પ્રોમો શૂટ કર્યું હતું. આ પ્રોમોને ફિલ્મ 'દંગલ'ના ડિરેક્ટર નિતેશ તિવારીએ ડિરેક્ટ કર્યું છે.

પહેલાં ફિલ્મ સિટીમાં શૂટિંગ થવાનું હતું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શરૂઆતમાં 'કેબીસી 11'ના પ્રોમોનું શૂટિંગ મુંબઈમાં ફિલ્મસિટીમાં થવાનું હતું. જોકે, ચેનલ તથા પ્રોડ્યૂસર્સને જાણ થઈ કે બિગ બી લખનઉમાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે અને પ્રોમો માટે સમય નીકાળી શકશે નહીં તો 'કેબીસી' પ્રોમોનું શૂટિંગ લખનઉમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સોમવારે (1 જુલાઈ) આ પ્રોમો શૂટ કરવામાં આવ્યું હતું. અમિતાભે સવારે ફિલ્મનું શૂટિંગ કર્યું હતું અને ત્યારબાદ પ્રોમો શૂટ કર્યો હતો.

એક મહિના સુધી લખનઉમાં રહેશે
અમિતાભ બચ્ચન લખનઉમાં એક મહિના સુધી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત રહેશે. બીજા પ્રોમોનું શૂટિંગ પણ લખનઉમાં જ કરવામાં આવે તેવી શક્યતા છે. 9 જુલાઈથી આયુષ્માન લખનઉ આવીને ફિલ્મ શૂટિંગ શરૂ કરશે.

ઓગસ્ટમાં શો શરૂ થશે
'કેબીસી' વર્ષ 2000માં શરૂ થયો હતો. આ શોની ત્રીજી સિઝન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી અને બાકીની સિઝન અમિતાભ બચ્ચને હોસ્ટ કરી છે. આ શોનું શૂટિંગ પહેલી ઓગસ્ટે શરૂ થશે અને શો 19 ઓગસ્ટે શરૂ થાય તેવી શક્યતા છે.