‘ચિડિયાઘર’ ફૅમ મનિષ અકસ્માતના ચાર વર્ષ બાદ પણ સામાન્ય જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જન્મદિવસ સેલિબ્રેટ કરતો મનિષ વિશ્વકર્મા - Divya Bhaskar
જન્મદિવસ સેલિબ્રેટ કરતો મનિષ વિશ્વકર્મા

કિરણ જૈન, મુંબઈઃ ચાર વર્ષ પહેલાં સિરિયલ ‘ચિડિયાઘર’ ફૅમ ટીવી કલાકાર મનિષ વિશ્વકર્માનો ગંભીર અકસ્માત થયો હતો. જેને કારણે તેને બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું અને તે કોમામાં જતો રહ્યો હતો. મનિષ હવે કોમામાંથી બહાર આવી ગયો છે પરંતુ સામાન્ય જીવન જીવવા માટે હજી પણ સંઘર્ષ કરી રહ્યો છે. પાંચ ઓગસ્ટના રોજ મનિષે પોતાનો 24મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેની બહેન આરતી વિશ્વકર્માએ divyabhaskar.com સાથે મનિષની હાલત અંગે વાત કરી હતી.

1) શું કહ્યું મનિષની બહેને?

આરતીએ કહ્યું હતું, ‘છેલ્લાં કેટલાંક વર્ષોની જેમ આ વર્ષે પણ અમે મનિષનો જન્મદિવસ ઘરે જ કેક કાપીને સેલિબ્રેટ કર્યો હતો. તેના માટે નવા કપડાં લાવ્યા હતાં પરંતુ કદાચ તેને ગમ્યા નહોતાં. મનિષને ગિફ્ટમાં બુલેટ બાઈક જોઈતી હતી. મેં તેને કહ્યું હતું કે જ્યારે તે બાઈક ચલાવી શકશે, ત્યારે હું તેને બુલેટ ગિફ્ટ કરીશ.’

મનિષની તબિયત અંગે આરતીએ કહ્યું હતું, ‘પરિસ્થિતિમાં થોડો સુધારો છે પરંતુ ક્યારેક-ક્યારેક તે બધી વસ્તુઓ ભૂલી જાય છે. 15-20 દિવસમાં તેને આવું થઈ જાય છે. પરિવારના એક સભ્યે સતત તેની સાથે રહેવું પડે છે. હવે તેની સારવાર પૂરી રીતે આયુર્વેદિક રીતે કરવામાં આવે છે. આ પહેલાં ન્યૂરોલોજિસ્ટ પાસે સારવાર ચાલતી હતી પરંતુ પછી ડોક્ટર્સે ના પાડી દીધી હતી. રોજ ફિઝિયોથેરેપી કરવાની સલાહ આપવામાં આવી છે અને આ ટ્રીટમેન્ટ ચાલે છે.’ વાતવાતમાં આરતીએ કહ્યું હતું કે મનિષ આજે પણ ‘ચિડિયાઘર’ને ઘણો જ મિસ કરે છે અને મોબાઈલમાં આ શોના એપિસોડ્સ જોતો હોય છે.

28 જૂન, 2015માં મનિષ બાઈક પર ‘ચિડિયાઘર’ના શૂટિંગ માટે ગોરેવાંગ સ્થિત ફિલ્મસિટીમાં જતો હતો. આ સમય દરમિયાન મિલ્ક કોલોની આગળ પાછળ આવતી કારે ટક્કર મારી દીધી હતી. જેને કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ‘ચિડિયાઘર’માં તે ગધા પ્રસાદ (જીતુ શિવહરે)ના નાના ભાઈ મેંઢક પ્રસાદના રોલમાં હતો. મેંઢક પ્રસાદ તરીકે તે ચાહકોમાં ઘણો જ લોકપ્રિય હતો.