ફિલ્મ રિવ્યૂ / ઈમોશનથી ભરપૂર ફિલ્મ ‘પંગા’ એકવાર જોવી જોઈએ

Kangana Ranaut film panga review

Divyabhaskar.com

Jan 24, 2020, 05:09 PM IST
ફિલ્મ રિવ્યૂ પંગા
રેટિંગ 4/5
સ્ટાર-કાસ્ટ કંગના રનૌત, રિચા ચઢ્ઢા, જસ્સી ગિલ, નીના ગુપ્તા, યજ્ઞ ભસીન
ડિરેક્ટર અશ્વિની ઐય્યર
પ્રોડ્યૂસર ફોક્સ સ્ટાર સ્ટૂડિયો
સંગીત શંકર-અહેસાન-લોય
પ્રકાર સ્પોર્ટ્સ ડ્રામા

મુંબઈઃ ‘પંગા’ શબ્દ સાંભળતા જ આપણા મનમાં લડાઈ-ઝઘડાની વાત આવે છે. જોકે, વાત જ્યારે ફિલ્મ ‘પંગા’ની આવે ત્યારે ‘પંગા’ લેવાની નહીં પણ જોવાની જરૂર છે. ડિરેક્ટર અશ્વિની ઐય્યરની આ ફિલ્મ ઘણી જ સુંદર છે. અશ્વિની સ્ટાઈલમાં બનેલી આ ફિલ્મમાં ઈમોશન, વુમન એમ્પાવરમેન્ટ તથા પરિવારની વિપરિત પરિસ્થિતિઓથી ઉપર ઉઠીને એક મહિલાના સપના પૂરી કરવાની વાત કહેવામાં આવી છે. ફિલ્મની વાર્તા ઘણી જ સરળ છે. ફિલ્મમાં ભોપાલની જયા (કંગના રનૌત) કબડ્ડીમાં અવ્વલ છે, જેને કારણે તેને રેલવેમાં નોકરી મળી જાય છે. અહીંયા તે પ્રશાંત શ્રીવાસ્તવ (જસ્સી ગિલ)ના પ્રેમમાં પડે છે અને પછી લગ્ન કરે છે. તેમના જીવનમાં દીકરા આદિ સચદેવા (યજ્ઞ ભસિન)નું આગમન છે. પતિ તથા દીકરા માટે જયા પોતાના સપનાઓને અધૂરા મૂકે છે. જોકે, સાત વર્ષ બાદ જયા પોતાના સપના પૂરા કરવા ઈચ્છે છે. આ સમયે તેનો પતિ તથા દીકરો પૂરતો સાથ આપે છે. જયાનું સપનું કેવી રીતે અને ક્યારે પૂરું થાય છે, તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. જોકે, ફિલ્મ જોતા સમયે દર્શકો હસશે-રડશે અને લાગણીના પ્રવાહમાં તણાતા જશે, તે નક્કી છે.

ફિલ્મના સ્ટ્રોંગ પોઈન્ટની વાત કરવામાં આવે તો ફિલ્મનો હિરો બાળ કલાકાર યજ્ઞ ભસિન છે. તેની એક્ટિંગ દર્શકોને સ્પર્શી જશે. ભોળપણ તથા માસૂમિયતની સાથે તેની ડાયલોગ ડિલિવરી અને પંચિંગ માત્ર ફિલ્મની વાર્તાને માર્મિક જ નથી બનાવતા પરંતુ દર્શકોને ઈમોશનલ પણ કરે છે. ફિલ્મમાં કંગના રનૌતની આંખમાંથી વહેતા આંસુ કરતાં યજ્ઞ તથા જસ્સી ગિલના અસરકારક સંવાદોથી દર્શકો વધુ ભાવુક થઈ જાય છે. બંનેની એક્ટિંગ કમાલની છે. નીના ગુપ્તા, રાજેશ તેલાંગ જેવા કલાકારોએ ફિલ્મને ચાર ચાંદ લગાવ્યા છે. રિચા ચઢ્ઢા ફરી એકવાર દર્શકોને તાળીઓ પાડવા મજબૂર કરે છે.

વાત જ્યારે સ્ક્રીન પ્લે તથા ડાયલોગની આવે છે ત્યારે આ ફિલ્મની સ્પર્ધા કોઈ ફિલ્મ સાથે થઈ શકે તેમ નથી. જ્યારે જ્યારે ફિલ્મમાં રમત અને દેશભક્તિની વાત આવે છે ત્યારે ત્યારે ઓવર એક્સપ્લોર બતાવવામાં આવે છે. જોકે, ‘પંગા’માં આવતી કબડ્ડી સ્પર્ધામાં આવું બિલકુલ નથી. ફિલ્મના નબળાં મુદ્દા પર નજર કરવામાં આવે તો રમતમાં ઊંડી સમજણ ધરાવનારા કંગનાની ટીમ સિલેક્શન તથા રમતના કેટલાંક નિયમોમાં જરૂરથી ખામી કાઢી શકે છે. જોકે, કાલ્પનિક મનોરંજક ફિલ્મ હોવાને કારણે આના પર ધ્યાન આપવું યોગ્ય નથી. ફિલ્મનું નામ ‘પંગા’ છે પરંતુ તેમાં સીધી રીતે કોઈની સાથે ઝઘડો બતાવવામાં આવ્યો નથી પરંતુ રમત, સ્પર્ધા તથા પરિવારના મતભેદ દર્શકોનું જરૂરથી મનોરંજન કરશે. ફિલ્મમાં શંકર-અહેસાન-લોયનું સંગીત કર્ણપ્રિય છે. પરિસ્થિતિ પ્રમાણેના ગીતો ‘દિલ ને કહા...’, ‘જુગુનૂ....’ તથા ટાઈટલ ટ્રેક સાંભળવા ગમે તેવા છે.

X
Kangana Ranaut film panga review

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી