રિવ્યુ / નેટફ્લિક્સની નવી ફિલ્મ ઘોસ્ટ સ્ટોરીઝઃ બોરિંગ ‘લોસ્ટ સ્ટોરીઝ’

Jayesh Adhyaru reviews new netflix anthology movie Ghost Stories

Divyabhaskar.com

Jan 04, 2020, 08:36 PM IST

જયેશ અધ્યારુઃ વર્ષો થયે આપણે એવી હોરર ફિલ્મો જોવા ટેવાયેલા છીએ જેમાં ભૂત-પ્રેત જેવી પારલૌકિક કાળી શક્તિઓનું અસ્તિત્વ હોય અને તે નિર્દોષ માનવીઓને રંજાડતી હોય. ધીમે ધીમે હોરરનો પ્રવાહ પણ બદલાયો અને હવે આપણાં મનમાં જ રહેલા ડર, અસલામતી, અધૂરી ઈચ્છાઓ, દુઃખ, વિષાદ, પીડા, જાતભાતની ગ્રંથિઓ, એકલતા વગેરે નકારાત્મક લાગણીઓનું પ્રમાણ હદ બહાર વધી જાય તો શું થાય તેને કેન્દ્રમાં રાખીને હોરર સ્ટોરીઝ લખાવાનો ચીલો સ્ટાર્ટ થયો છે. વિદેશમાં આવી અઢળક ફિલ્મો અને સિરીઝ બની છે. આ પરિવર્તનના પવનની અસર આપણે ત્યાં પણ થવા લાગી છે, જેનું લેટેસ્ટ એક્ઝામ્પલ છે ‘નેટફ્લિક્સ’ માટે બનેલી એન્થોલોજી મુવી ‘ઘોસ્ટ સ્ટોરીઝ’. એન્થોલોજી મુવી એટલે અલગ અલગ સ્વતંત્ર શોર્ટ ફિલ્મોના સંકલનવાળી એક ફિલ્મ. આપણી અંદર છુપાયેલા ભય એ જ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ની મુખ્ય થીમ છે, જે તેની ટેગલાઈન ‘યોર ફિઅર્સ વિલ ફાઈન્ડ યુ’માંથી પણ કળી શકાય તેમ છે.

માર્કેટિંગના પ્રતાપે આપણને એટલી તો ખબર છે કે 1 જાન્યુઆરીએ રિલીઝ થયેલી ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ દેશના ચાર હોનહાર ફિલ્મમેકર્સ ઝોયા અખ્તર, અનુરાગ કશ્યપ, કરન જોહર અને દિબાકર બેનર્જીએ બનાવી છે. આ જ ચાર ડિરેક્ટરોએ અગાઉ ‘બોમ્બે ટોકિઝ’ (2013) અને ‘લસ્ટ સ્ટોરીઝ’ (2018) નામની એન્થોલોજી મુવીઝ બનાવી હતી. નિરાશાજનક વાત એ છે કે આ ફિલ્મોની ક્વોલિટીનો ગ્રાફ સતત નીચો જઈ રહ્યો છે.

ભૂતપ્રેતની સ્ટોરીને તમે ગમે તેવો સ્પિન આપો, પણ તેની બેઝિક જરૂરિયાત એ છે કે તે ડરાવવી જોઈએ. અને આ જ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’નો સૌથી મોટો પ્રોબ્લેમ છે. ચારમાંથી એકેય સ્ટોરી એક્સપરિમેન્ટલ થવાની લ્હાયમાં ડરાવવાનું મુખ્ય કાર્ય ભૂલી ગઈ છે. અચાનક આવીને ડરાવી દે તેવી હોરર ફિલ્મોની જૂની ને જાણીતી ‘સ્કેરજમ્પ’ (scarejump)ની ટેકનિકનો અહીં ઓછો ઉપયોગ કરાયો છે, પરંતુ જેટલો થયો છે એમાંથી પણ એકેય ક્ષણે આપણે ખરેખર ડરી જઈએ એવો ખોફ પેદા થઈ શકતો નથી. મોટા ભાગનો સમય હોરરનું એટમોસફિયર એસ્ટાબ્લિશ કરવામાં અને એક્સપરિમેન્ટલ કેમેરા એન્ગલ્સ ટ્રાય કરવામાં જતો રહ્યો છે. પ્લસ, લગભગ બધી જ સ્ટોરીઝ અનહદ પ્રીડિક્ટેબલ છે. એટલે સુધી કે તેમાં કવિ કયા મીનિંગ અને મેટાફર તરફ આંગળી ચીંધે છે તે પણ આસાનીથી કળી શકાય તેવું છે. એન્ટરટેનમેન્ટની સદંતર બાદબાકી કરતી આ ચાર શોર્ટ ફિલ્મોની એન્થોલોજીમાં એકમાત્ર દિબાકર બેનર્જીની ફિલ્મ જ સરસ અને મૅચ્યોરની કેટેગરીમાં ક્વોલિફાય થાય છે. બાકીની ઈલ્લે! ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ના ટ્રેલરમાં જેટલી વાતો કહેવાઈ છે તેટલી જ રિવીલ કરીને આપણે વન બાય વન ચારેય ફિલ્મોની વાત કરીએ.

ઝોયા અખ્તર
‘ઘોસ્ટ સ્ટોરીઝ’ની વાર્તાઓને તેનાં નામથી નહીં, બલકે ડિરેક્ટરનાં નામથી અલગ પાડવામાં આવી છે. એ ક્રમમાં પહેલી વાર્તા છે ઝોયા અખ્તરની. એક જૂનવાણી ઘરમાં એકલવાયાં પેરેલાઈઝ્ડ ડાયાબિટિક અને ડિમેન્શિયાથી પીડાતાં પથારીવશ વૃદ્ધા (સુરેખા સિકરી) રહે છે, જેમની સારવાર પ્રોફેશનલ નર્સને સોંપાયેલી છે. રેગ્યુલર બદલે નવી નર્સ સમીરા (જાહન્વી કપૂર)ની ઘરમાં એન્ટ્રી થાય છે. વૃદ્ધા પોતાના જુવાન દીકરાની રાહમાં છે, પરંતુ દીકરાને માતાની ખબર કાઢવાનો રસ કે ફુરસદ નથી. જ્યારે સમીરા પોતાના પ્રેમીની રાહમાં છે. એકબીજાથી બંને સ્ત્રીની કોમન તકલીફ છે એકલતા અને ઈન્તેજાર. આ સ્ટોરીમાં ‘ગલી બોય’ ફેમ વિજય વર્માનો પણ તદ્દન બિનજરૂરી કેમિયો છે. આ અનઈન્ટરેસ્ટિંગ સ્ટોરીની શરૂઆતમાં જાહન્વી તે જૂનવાણી ઘરની ડોરબેલ વગાડે છે, ત્યારથી જ સ્ટોરીનું સસ્પેન્સ કે હોરર એલિમેન્ટ પર્ફેક્ટ્લી કળી શકાય છે. ક્લાસિક હોરર ક્લાઈમેક્સ ધરાવતી આ સ્ટોરીની પ્રેરણા 2017માં મુંબઈમાં બનેલી એક રિયલ લાઈફ ઘટના પરથી લેવાઈ હોય તેવું લાગે છે.

(જાહન્વી કપૂર, સોનમ કપૂર જેવા સ્ટારકિડ્સના કિસ્સામાં અંગત ઓબ્ઝર્વેશન એવું છે કે સોશિયલ મીડિયા પર તેમની તવંગર લાઈફસ્ટાઈલ એમનાં ઓનસ્ક્રીનપાત્રો પર એટલી બધી હાવી થઈ જાય છે કે તેમને ગરીબ કે મિડલક્લાસ વ્યક્તિના પાત્રમાં કલ્પી જ શકાતાં નથી.)

અનુરાગ કશ્યપ
‘મેઇડ ઈન હેવન’ અને ‘બાર્ડ ઓફ બ્લડ’ ફેમ શોભિતા ધુલિપાલ સ્ટારર અનુરાગ કશ્યપની શોર્ટ ફિલ્મ હોરર કરતાં સાઈકોલોજિકલ થ્રિલરની ઝોનરામાં વધુ ફિટ બેસે તેવી છે. નેહા (શોભિતા) પોતાની સ્વર્ગીય બહેનના નાનકડા દીકરા અંશને ઉછેરે છે. દિવસ દરમિયાન તે ટેણિયો પોતાને ત્યાં રહે અને સાંજે તેના પિતા આવીને તેને પોતાને ત્યાં લઈ જાય. નેહાનું પોતાનું વર્તન ખાસ્સું ભેદી છે. એણે પોતાના ઘરમાં ખૂબ બધી ઢીંગલીઓ રાખી છે, જેને એ નાનાં બાળકની જેમ સાચુકલી માનીને સાચવે છે. એના ઘરમાં પક્ષીએ માળો બાંધ્યો છે, જેમાં એ દાણા નાખે છે. એને સતત એવી વસ્તુઓ દેખાય છે જેનું અસ્તિત્વ હકીકતમાં છે કે કેમ તે શંકાસ્પદ છે. આ બધાના તાર કદાચ ભૂતકાળની કોઈ ઘટનાઓ સાથે જોડાયેલા છે. સહેજ ‘બર્ડમેન’ની ગલીમાં આંટો મારી આવતી આ સ્ટોરીના ઊપલા લૅયર નીચે કશુંક ગુમાવ્યાની પીડા અને ફરી પાછું કશુંક ગુમાવી બેસવાનો ભય હોરર તરીકે ખળભળે છે. એક ઈવિલ ચાઈલ્ડ અને ઈડિપસ કોમ્પ્લેક્સનો પણ અછડતો સ્ટ્રોક મારીને છોડી દીધો છે. છતાં આ સ્ટોરી પણ સહેજેય સ્કૅરી-ડરામણી નથી.

દિબાકર બેનર્જી
આ એન્થોલોજીની સૌથી પાવરફુલ અને મીનિંગફુલ ફિલ્મ દિબાકર બેનર્જીએ આપી છે, જેમણે છેલ્લે ‘લસ્ટ સ્ટોરીઝ’ની શોર્ટ ફિલ્મ અને ચાર વર્ષ પહેલાં ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ ડિરેક્ટ કરી હતી. નોકરીના ભાગરૂપે એક નાનકડા ગામમાં આવેલા એક માણસને ગામમાં કોઈ જ દેખાતું નથી, મોબાઈલનાં સિગ્નલ પણ નથી. માત્ર અનહદ ડરેલો એક નાનકડો છોકરો અને એક છોકરી જ બચ્યાં છે. બંનેનાં વર્ણન પરથી લાગે છે કે આ ગામ માણસખાઉ ઝોમ્બીની અડફેટે આવી ગયું છે. હવે ‘શાઉન ઓફ ધ ડેડ’, ‘ધ વૉકિંગ ડેડ’ કે સાઉથ કોરિયન ‘ટ્રેઇન ટુ બુસાન’ કે પછી આપણી ‘ઝોમ-કોમ’ ફિલ્મ ‘ગો ગોવા ગોન’ જેવી ઝોમ્બી ફિલ્મોની જેમ જીવતા માણસોને કાચા ખાઈ જતા ઝોમ્બીથી બચવાની ક્વાયતમાં જ આ ફિલ્મ આગળ વધે છે. પરંતુ સહેજ ધ્યાનથી જોઈએ તો તરત જ ઝોમ્બીના સ્વરૂપમાં અત્યારની સોશિયો-પોલિટિકલ સિચ્યુએશન મેટાફર તરીકે દેખાઈ આવે. જેમ કે, ઝોમ્બી એટલે પોતાનાથી અલગ લોકોને મારવા આવતાં ક્રીચર્સ. ફિલ્મમાં ‘બડા ગાંવ’ના ઝોમ્બી ‘છોટા ગાંવ’ના લોકોને મારી ખાવા ધસી આવે છે. ફિલ્મમાં એક તબક્કે બાળક બોલે પણ છે કે ‘એમની (ઝોમ્બીની) જેમ જેમ ખાતા લોકોને તેઓ ખાતા નથી’. યાને કે ઝોમ્બીની જેમ વર્તવા માંડો તો ઝોમ્બીની વચ્ચે હોવા છતાં ઝોમ્બી તમને કશું જ ન કરે. આ પ્રિઝમમાંથી જોઈએ તો દિબાકરની આ શોર્ટ ફિલ્મમાં આપણને ગૌમાંસના નામે કે ક્યારેક નોર્થ ઈસ્ટના હોવાના નામે થતું મોબ લિન્ચિંગથી લઈને ઈન્ટરનેટ ટ્રોલિંગ, ફ્રી થિંકિંગ કે અલગ અભિપ્રાયો ધરાવતા લોકો પર બોલાવવામાં આવતી તડાપીટ સુધીના સંદર્ભો જોઈ શકાય. ઈવન, ‘છોટા ગાંવ’માં મોબાઈલ સિગ્નલ નથી એ વાતને કાશ્મીર સાથે પણ જોડી શકાય. આમ તો અહીં પણ ફિલ્મના શરૂઆતના પોર્શનમાં જ આ મેટાફર ક્લિયર થવા માંડે છે, પરંતુ ફિલ્મના ક્લાઈમેક્સમાં આવતા સીનથી દિબાકર એ વાત એકદમ સ્પષ્ટ કરી દે છે. ગુલશન દેવૈયા આ ફિલ્મમાં માત્ર એક જ સીનમાં દેખાય છે, પણ માત્ર ડાયલોગથી જ ખોફ ફેલાવી દે છે.

કરણ જોહર
આ સ્ટોરી શરૂ થઈ એ પહેલાં મને ડર એ વાતનો હતો કે પોતાની ટેવ પ્રમાણે કરણ જોહર ક્યાંક હોમોફોબિક લોકોની વાટ લગાડતા ભૂતની સ્ટોરી લઈને ન આવે! લેકિન અહીં એ એક એવી નવોઢાની સ્ટોરી લઈને આવ્યો છે જેના પતિ સહિત તમામ સાસરિયાંને એમનાં વર્ષો પહેલાં મૃત્યુ પામેલાં નાનીમા દેખાય છે. કરણ જોહર તો અહીં પણ ગીત નાખવાની અને પાત્રોને સબ્યસાચી-મનીષ મલ્હોત્રા ટાઈપ હેવી કપડાં પહેરાવવાની લાલચ રોકી શક્યા નથી!

થોડાં ખાંખાખોળાં કરતાં મળી આવ્યું કે આ પ્રીડિક્ટેબલ સ્ટોરીનો આઈડિયા તો કરણ જોહરને એના રેડિયો પ્રોગ્રામ ‘કૉલિંગ કરણ’માં આવેલા એક ફોન કૉલ પરથી આવ્યો હોવો જોઈએ. કેમ કે, તેમાં પણ અમદાવાદથી આવેલા એક કૉલમાં એક યુવતીએ કરણને કહેલું કે એનો બોયફ્રેન્ડ એના બેડરૂમમાં એનાં મૃત્યુ પામેલાં દાદીમાનો હોસ્પિટલનો પલંગ રાખે છે. એ ફોન કૉલ જેન્યુઈન હશે કે એની ટીમે એ સ્ટોરી ઘડી કાઢી હશે એ તો જોહર જાણે. લેકિન જેમણે 2017માં આવેલી હોલિવૂડની અફલાતૂન સાઈકોલોજિકલ હોરર ફિલ્મ ‘ગેટ આઉટ’ જોઈ હશે તેમને કરણ જોહરની આ શોર્ટ ફિલ્મનું સેટઅપ, તેમાં ભેદી રીતે વર્તન કરતા ઘરના લોકો વગેરે એકદમ પરિચિત લાગશે.
***
કાગડા, બિલાડાં, ઘૂવડ, ઈવિલ ચાઈલ્ડ-ઈવિલ વુમન, ભૂત બંગલા-મિસ્ટિરિયસ પ્લેસ, સ્કેરજમ્પ વગેરે ટિપિકલ બાબતોનો ઉપયોગ કર્યા વિના અસરકારક હોરર ફિલ્મ ક્રિએટ કરવી ખાસ્સી અઘરી છે. અને આપણા આ ચારેય હોનહાર ફિલ્મમેકર્સે જાતે કબૂલ્યા પ્રમાણે એમના માટે પણ આ કામ કપરું થઈ પડ્યું છે. એટલે જ ફિલ્મ ક્રિટિક રાહુલ દેસાઈએ નોંધ્યા પ્રમાણે જો આ પ્રકારની હોરર કે અન્ય ઝોનરાની શોર્ટ ફિલ્મોની એન્થોલોજી ફિલ્મ બનાવવાનું કામ સોંપવું હોય તો બોલિવૂડના અન્ય ક્રાફ્ટ્સમેન એવા વિશાલ ભારદ્વાજ, શ્રીરામ રાઘવન, શૂજિત સરકાર, અયાન મુખર્જી, અમિત મિશ્રા, રાજ અને ડીકે, ઈમ્તિયાઝ અલી, નીરજ પાંડે, નીરજ ઘાયવાન, શકુન બત્રા, શરત કટારિયા, નીરજ પાંડે, અમર કૌશિક વગેરેને કન્સિડર કરવા જોઈએ.

રહી વાત નેટફ્લિક્સની આ નવી એન્થોલોજી મુવી ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ની, તો બેટર એ છે કે રામુના પ્રોડક્શન હેઠળ બનેલી ‘ડરના મના હૈ’ અને ‘ડરના ઝરૂરી હૈ’ ફરી એકવાર જોઈ લેવી વધુ ફાયદાનો સોદો છે!

રેટિંગઃ 1.5 સ્ટાર્સ

X
Jayesh Adhyaru reviews new netflix anthology movie Ghost Stories

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી