ફિલ્મ રિવ્યૂ / મોન્ટુની બિટ્ટુઃ પોળમાં પાંગરેલી પ્રેમ કહાની

Divyabhaskar.com

Aug 29, 2019, 03:45 PM IST

બોલિવૂડ ડેસ્ક: જન્માષ્ટમીની મજામાં વધારો કરવાના આશયથી વિજયગીરી બાવા 23 ઓગષ્ટે સીનેમા ઘરોમાં ગુજરાતી ફિલ્મ ‘મોન્ટુની બિટ્ટુ’ લઈને આવ્યા છે. અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન મંગલ’ સામે આ ગુજરાતી ફિલ્મ મિશન મનોરંજન થકી ટક્કર આપી રહી છે. અમદાવાદની પોળમાં પાંગરતી પ્રેમ કહાની અને સમાંતર અન્ય કહાનીઓ પણ રાઈટર રામ મોરીએ એક અલગ અંદાજમાં કહી છે. ‘મોન્ટુ’ના રોલમાં મૌલિક નાયક તો ‘બિટ્ટુ’ના રોલમાં આરોહી પટેલે શાનદાર અભિનય કર્યો છે. સાથે-સાથે મેહુલ પરમાર ‘અભિનવ’ના રોલમાં તો હેમાંગ શાહે દડીના રોલમાં કમાલનો અભિનય કરી દર્શકોની તાળીઓના હકદાર બન્યા છે. તો દસ વર્ષ પછી કમબેક કરનાર પિંકી પરીખે ‘જમનામાસી’ના રોલમાં જબ્બર અભિનય કરી સાબિત કર્યું છે કે ઓલ્ડ ઈઝ ગોલ્ડ. ફિલ્મની કહાની અમદાવાદની પોળમાં રહેતા મોન્ટુ,બિટ્ટુ અને શહેરના જાણીતા ચિત્રકાર અભિનવની આસપાસ વણાયેલી છે. આ કહાનીને ગૂંથવામાં દડી, જમનામાસી, મન માધુરી જેવા અન્ય પાત્રો પણ સહાયભૂત થાય છે.

ફિલ્મની કહાની- અમદાવાદની ઢાળની પોળમાં રહતી બિટ્ટુને સપના પણ લગ્નનાં આવે છે. આવા સપના એટલા માટે આવે છે, કેમકે બિટ્ટુના જમનામાસી તેનાં લગ્ન કરાવવા અત્યાર સુધીમાં અનેક છોકરાઓને શોધીને ઘર સુધી લાવ્યાં છે. જોકે બિટ્ટુએ તમામને રિજેક્ટ કરી દેતાં જમનામાસીનું મિશન મુરતિયા બંધ થવાનું નામ લેતું નથી. આ જ પોળમાં બિટ્ટુની ઘરને એકદમ અડીને મોન્ટુનું ઘર આવેલું છે. મોન્ટુ અને બિટ્ટુ બંને નાનપણથી એકબીજાને ઓળખે છે. જોકે મોન્ટુની આંખોમાં તેના માટે રહેલો પ્રેમ તે ઓળખી શકતી નથી. મોન્ટુ માટે તેનો મિત્ર દડી સંકટ સમયની સાંકળ છે. મોન્ટુ બિટ્ટુને પ્રપોઝ કરે તે પહેલા જ...આ પછીની કહાની કહી દઈશું તો તમને ફિલ્મ જોવાની મજા નહીં આવે. આથી પછીની કહાની જોવા તમારા નજીકના થિયેટરમાં જવું પડશે અને હા ફિલ્મ રિવ્યૂની વાત એક લાઈનમાં કહેવી હોય તો જોવા જેવી ફિલ્મ છે કેમકે અભિનેતા મનોજ જોષીથી માંડી સામાન્ય દર્શકોના રિવ્યૂ પણ સારા છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી