ફિલ્મ રિવ્યુ / ડ્રીમ ગર્લઃ પર્ફેક્ટ વીકએન્ડ એન્ટરટેનર

Dream Girl: The Perfect Weekend Entertainer

Divyabhaskar.com

Sep 13, 2019, 06:57 PM IST

જયેશ અધ્યારુઃ કો-ઈન્સિડન્સ જુઓ. આયુષ્માન ખુરાના પૂર્વાશ્રમમાં એટલે કે એક્ટર બન્યો એ પહેલાં રેડિયો જોકી હતો. ‘તુમ્હારી સુલુ’માં વિદ્યા બાલન (બીજી વાર) રેડિયો જોકી બનેલી અને લેટનાઈટ શોમાં કૉલ કરતા પુરુષો સાથે લળી લળીને વાતો કરતી. એ ફિલ્મમાં આયુષ્માન ખુરાના (એઝ હિમસેલ્ફ) એન્ટ્રી મારે છે અને સુલુની કાબિલિયતનાં વખાણ કરે છે. હવે ‘ડ્રીમ ગર્લ’માં આયુષ્માન ડિટ્ટો એવો જ રોલ કરી રહ્યો છે. અને વેલ, નતીજો ખાસ નિરાશાજનક નથી. ઈન ફેક્ટ, ખાસ્સો ઈન્ટરેસ્ટિંગ છે.

આપકી રાતોં કો જગાને, આપકો ગલગલિયાં કરાને

આયુષ્માન ખુરાના ગોરોચિટ્ટો, હેન્ડસમ, મખમલી અવાજનો માલિક અને ટેલેન્ટેડ એક્ટર તો છે જ. સાથોસાથ એનું નાક પણ એકદમ પાવરફુલ છે. સચ્ચી. એ પોટેન્શિયલવાળી સ્ટોરીને સરસ રીતે સૂંઘી લે છે, જેનું રિફ્લેક્શન એણે કરેલી ફિલ્મોમાં દેખાઈ આવે છે. યકીન નામનો કીડો સળવળ્યો ન હોય તો ગૂગલ કરી લો. ક્યાંક વાંચેલું કે એની મોટા ભાગની ફિલ્મોમાં એક સોશિયલ પ્રોબ્લેમ સામે ઝઝૂમતા નોર્થ ઈન્ડિયન મિડલક્લાસ યુવકની સ્ટોરીની કોમન થીમ હોય છે (ઈન્ક્લુડિંગ આર્ટિકલ-15, માત્ર એમાં એ મિડલ ક્લાસ નહોતો અને ફિલ્મની ટ્રીટમેન્ટ સિરિયસ હતી). ‘ડ્રીમ ગર્લ’માં કંઈક અંશે એવું છે. શરૂઆતની ગલગલિયાંનુમા ટ્રીટમેન્ટને સોશિયલ મીડિયા યુગની એકલતાની ગલીમાં વાળી દેવામાં આવી છે.

ટ્રેલર પરથી આપણને ફિલ્મ વિશે આટલી ખબર છેઃ (યોગીજીના UPવાળા) ગોકુલમાં રહેતો શિક્ષિત બેરોજગાર કરમ (આયુષ્માન) એના પપ્પા જગજિત સિંઘ (અન્નૂ કપૂર)નું દેવું ઉતારવા એક ફ્રેન્ડશિપ ફોનલાઈનની અંડરગ્રાઉન્ડ કંપનીમાં નોકરી લઈ લે છે. એટલું જ નહીં, પૂજા બનીને અડધી રાત્રે તન્હાઈયોં કે શિકાર મર્દોં સે માદક અવાજે વાતો કરે છે. એ નોકરીને કારણે એનું દળદર (હળદર નહીં લ્યા, દળદર=ગરીબી) તો ફીટે છે, પણ એની લાઈફમાં એક નવી જ ભસડ (=કન્ફ્યુઝન) મચે છે. એ ભસડ સોલ્વ કરવા જતાં નવી ભસૂડી (=પ્રોબ્લેમ) ક્રિએટ થાય છે.

‘વિકી ડોનર ગર્લ’
ડિરેક્ટર રાજ શાંડિલ્યની ‘ડ્રીમ ગર્લ’ જોતાં જોતાં આપણી લાખ અનિચ્છા છતાં ‘વિકી ડોનર’ યાદ આવ્યા વિના રહેતી નથી. ક્વિકલી પૈસા કમાવા માટે આયુષ્માન એવું કામ કરે છે જે ગેરકાનૂની તો નથી, પણ તેના વિશે એ કોઈને કહી શકે તેમ પણ નથી. નોકરી સ્ટાર્ટ કર્યાના થોડા સમય બાદ જ એના ઘરમાં નવી મોંઘેરી વસ્તુઓ, કાર આવવા લાગે છે.એ જ દરમિયાન ભાઈ પ્રેમમાં પડે છે અને પછી એની જોબ જ એની પર્સનલ લાઈફમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે. આ સેઇમ ટ્રેક ‘ડ્રીમ ગર્લ’માં છે. એટલે સુધી કે અહીં પણ એક દારૂ ટટકાવતાં દાદીમા એન્ટ્રી મારે છે! લેકિન, વિકી ડોનરના ડિરેક્ટર શૂજિત સરકારે સેકન્ડ હાફમાં ફિલ્મને એક સેન્સિટિવ ટ્વિસ્ટ આપ્યો હતો. જ્યારે અહીં રાજ શાંડિલ્ય અને એમની રાઈટિંગ ટીમને માત્ર કન્ફ્યુઝન અને એરર્સમાંથી પેદા થતી કોમેડીમાં જ રસ છે.

પુરુષ સ્ત્રીનો અવાજ કાઢીને અથવા તો સ્ત્રીનો વેશ ધારણ કરીને પોતાની આસપાસના લોકોને બેવકૂફ બનાવે અને તેમાંથી જે કોમેડી પેદા થાય તેની આપણે ત્યાં કોઈ નવાઈ નથી. ‘મિસિસ ડાઉટફાયર’થી અવતરેલી ‘ચાચી 420’ અને ‘શોલા ઔર શબનમ’ના એક સીનથી લઈને અત્યારના આપણા ટેલિવિઝનની ઓલમોસ્ટ આખી કોમેડી ક્રોસડ્રેસિંગની જ મોહતાજ થઈ ગઈ છે.

ડ્રીમ ગર્લમાં ડિરેક્ટર મૂળ વાત પર આવવામાં જરાય સમય વેડફતા નથી. પહેલી પાંચેક મિનિટમાં તો એ એસ્ટાબ્લિશ કરી દે છે કે કેવી રીતે સ્ત્રીનો અવાજ કાઢવો એ આયુષ્માન માટે ગોડ ગિફ્ટ છે. ગોકુળ-મથુરાનું લોકાલ છે એટલે રામલીલા કે કૃષ્ણલીલા થતી હોય અને તેને લોકો સિરિયસલી લેતા હોય તેમાંનું કશું જ આપણને વધુ પડતું કે આર્ટિફિશિયલ નથી લાગતું. ઈન્ટરેસ્ટિંગ છે આયુષ્માનનું કેરેક્ટર. એક તરફ એ સીતા-રાધા કે દ્રૌપદી જેવાં સ્ત્રી પાત્રો ભજવવા માગતો નથી, પણ બીજી તરફ તેને કારણે એને ગામમાં મળતાં માનપાન એન્જોય કરવામાં મજા આવે છે. એ ભણેલો-ગણેલો (માસ્ટર્સ+એમફિલ) છે, પણ પૈસા કમાવા માટે હવે કંઈપણ કરવા તૈયાર છે. સ્મોલ ટાઉનમાં રહેતો હોવા છતાં તમામ અર્બન તૌર-તરીકા-સ્ટાઈલ્સથી એ વાકેફ છે. આયુષ્માન હંમેશની જેમ ફની, ડેસ્પરેટ, કન્ફ્યુઝ્ડ, ફ્રસ્ટ્રેટેડ, ઈરિટેટેડ ફીલિંગ્સની વચ્ચે સલુકાઈથી ડ્રિબલિંગ કરતો રહે છે. ફિલ્મમાં એ જ્યારે ફિમેલ તરીકે વર્તે છે ત્યારે કે સામેની વ્યક્તિને કન્વિન્સ કરે છે ત્યારની એની બોડી લેંગ્વેજ કે પછી સહી કરતાં પહેલાં પેનની નિબ જીભને અડાડવાં જેવાં ન્યુઆન્સિસ માર્ક કરજો. ઈવન ફિલ્મના ટ્રેલરના છેલ્લા સીનમાં એના ચહેરાના હાવભાવ ફિમેલમાંથી મેલમાં જે રીતે કન્વર્ટ થાય છે એ માર્ક કરો. આયુષ્માને પોતાના કેરેક્ટર અને પોતાની એક્ટિંગમાં કરેલી મહેનત પર માન થઈ આવશે.

એ સિવાયની મોટા ભાગની ફિલ્મ એકદમ મિકેનિકલી સ્ટ્રક્ચર્ડ છે તે બરાબર દેખાઈ આવે છે. શરૂઆતની મિનિટોમાં આયુષ્માનનું કેરેક્ટર એસ્ટાબ્લિશ થઈ ગયા પછી તરત જ ફ્રેન્ડશિપ હેલ્પલાઈનની નોકરીનો ટ્રેક સ્ટાર્ટ થઈ જાય છે. મેક્સિમમ અડધો કલાકની અંદર એક પુરુષ સ્ત્રી બનીને અન્ય પુરુષો સાથે ફોન પર વાત કરતો હોય તે કન્સેપ્ટની નોવેલ્ટી ઓસરી જાય છે. એટલે ડિરેક્ટર તરત જ અલગ અલગ કેરેક્ટર્સનાં પત્તાં ઊતરવા માંડે છે. આ કેરેક્ટર્સ જ્યારે તે ફોનલાઈનની પૂજા (ફિમેલ આયુષ્માન) પર ફિદા થઈ જાય તે પછી કેવી હિલેરિયસ કન્ફ્યુઝન પેદા થાય અને તેને સોલ્વ કરવામાં હીરો શું શું કરી શકે તેમાં ડિરેક્ટરે આખો સેકન્ડ હાફ વીતાવ્યો છે. આ કેરેક્ટર્સ એટલે કર્કશા પત્નીથી ત્રાસેલો એક શાયરીપ્રેમી કોન્સ્ટેબલ (વિજય રાઝ), એક બાલબ્રહ્મચારી (અભિષેક બેનર્જી), પુરુષોને નફરત કરતી એક સ્ત્રી (નિધિ બિષ્ટ), એક હરિયાણવી ગુજ્જર યુવાન અને એક આધેડ વિધુર (અન્નૂ કપૂર). આમ જોવા જાઓ તો આ બધાં એકેક અલાયદાં કલરફુલ કેરેક્ટર છે, પરંતુ તેમની ટિપિકલ પર્સનાલિટી/લક્ષણોને બાદ કરતાં પૂજા પર ફિદા થવા સિવાય તેમની પાસે બીજું કશું જ કરાવવામાં ડિરેક્ટરને રસ નથી.

છતાં આ ફિલ્મ આપણને ભરચક અને એન્ટરટેનિંગ લાગે છે તેનું મુખ્ય કારણ છે સુપર્બ સપોર્ટિંગ કાસ્ટ અને ડિરેક્ટરે ઠાંસીને ભરેલાં વનલાઈનર્સઃ ‘આપને હી તો બ્લડ બેન્ક કો છોડ કે હર બેન્ક સે લોન લે રખ્ખો હૈ’, ‘સ્વેટર પે નાચતા હુઆ મોર બના સકતા હૂં, માં બનને કે અલાવા કોઈ ભી કામ કર સકતા હૂં’, ‘સાયર નહીં શાયર… દોનો અલગ અલગ હોતે હૈ ક્યા?’, ‘મહાભારત કે ટાઈમ પે મી ટૂ હોતા તો સબસે પહલે તુમ લોગ (કૌરવો) અંદર જાતે’, ‘બેટા ધીરે બોલો, અંકલ કે કાન કા ઓપરેશન હુઆ હૈ… અંકલ કો બવાસીર હૈ ક્યા?’... ડિરેક્ટર રાજ શાંડિલ્યનું કોમેડી શોના રાઈટિંગનું બેકગ્રાઉન્ડ અહીં કામે લાગ્યું હોય એવું બરાબર દેખાઈ આવે છે. આયુષ્માન અને એના મિત્ર બનતા મનજોત સિંઘ સહિત તમામ કલાકારોને હિલેરિયસ વનલાઈનર્સનો પૂરતો ક્વોટા આપવામાં આવ્યો છે. પરિણામે દરેક સીન ઈક્વલી ફની અને ભરચક લાગે છે. ડિરેક્ટરનો ઈરાદો હશે કે કેમ તે ખબર નહીં, પણ અહીં બહુ તોફાની અંદાજમાં તદ્દન જૂઠી ‘રામકસમ’ ખાવામાં આવે છે એમાં પોલિટિકલ સળી હોય તેવું લાગે છે!

આ વનલાઈનર્સ અને સિચ્યુએશન્સને ભજવવામાં તમામ કાસ્ટ મેમ્બર્સે ધમાલ કરી છે. ખાસ કરીને ઓલ્વેઝ ડિપેન્ડેબલ અન્નૂ કપૂર અને વિજય રાઝ. ઉપરી પોલીસ અધિકારી-પત્નીથી દબાયેલા, દારૂ-શાયરીના શોખીન હવાલદાર તરીકે વિજય રાઝ અને ત્રસ્ત પિતામાંથી ફુલ બ્લોન આશિક બનતા અન્નૂ કપૂરના ઓલમોસ્ટ બધા જ સીન સુપર્બ બન્યા છે. એમાંય અન્નૂ કપૂર જે એક તબક્કે પોતાનો ગેટઅપ અને સાથોસાથ પોતાની ભાષા ચેન્જ કરી દે છે એ તો ખરેખર લાજવાબ છે. એમના જ એક સીનમાં જગજિત સિંઘની એક જૂની ગઝલ (‘એક પુરાના મૌસમ લૌટા’ અને ‘હોઠોં સે છૂ લો તુમ’નો જે ક્રિએટિવ ઉપયોગ કરાયો છે! મસ્ત!) અભિષેક બેનર્જી અને TVF ફેમ નિધિ બિષ્ટના ભાગે વન નોટ એક્ટિંગ સિવાય ખાસ કશું કરવાનું આવ્યું નથી. ઈન ફેક્ટ, એક કાલ્પનિક સ્ત્રીની પાછળ પડેલાં પાંચ પાત્રોના સબપ્લોટ્સ એટલા બધા થઈ જાય છે કે ખાસ્સી વારથી કોઈ કેરેક્ટર સ્ક્રીન પર દેખાયું નથી એ તે પાત્ર ફરી પાછું પ્રગટ થાય ત્યારે યાદ આવે છે!

અરે હા, આ ફિલ્મમાં હિરોઈન તરીકે નુશરત ભરુચા પણ છે, જેની સાથેની આખી લવસ્ટોરી ડિરેક્ટરે એક જ ગીતમાં પતાવી દીધી છે. બિચારીને ફિલ્મમાં જેટલી સ્ક્રીનસ્પેસ મળી છે, એના કરતાં વધારે ફૂટેજ તો ‘હીરો કા દોસ્ત’ બનતા મનજોત સિંઘને મળ્યું છે. બાય ધ વે, નુશરત ભરુચા જે હદે પર્ફેક્ટ શૅપમાં કાપકૂપ કરેલી આઈબ્રોઝ રાખે છે એ સખત ઈરિટેટ કરે છે! એની એક્ટિંગ કરતાં આઈબ્રોઝ વધુ ધ્યાન ખેંચે છે!

કુછ સુનાઈએ ના…
‘ડ્રીમ ગર્લ’માં લોકો સતત હસતા રહે, એન્ટરટેન થતા રહે તેના પર ડિરેક્ટર-પ્રોડ્યુસરે બહુ ભાર મૂક્યો છે. એટલે જ એડલ્ટ કોમેડી બનતાં બનતાં સહેજમાં રહી ગયેલી ‘ડ્રીમ ગર્લ’માં બિનજરૂરી ગીતો પણ પરાણે ઠૂંસ્યાં છે. ફિલ્મનું સૌથી હિટ સોંગ ‘રાધે રાધે’ એકદમ કૅચી અને સાંભળવું ગમે તેવું હોવા છતાં તદ્દન ખોટી જગ્યા છે અને 132 મિનિટની આ ફિલ્મને ઓર લાંબી કરી દે છે.

અચ્છા, બીજા કોઈએ માર્ક કર્યું કે કેમ એ તો ખ્યાલ નથી, પરંતુ ‘ડ્રીમ ગર્લ’નું મીત બ્રધર્સે કમ્પોઝ કરેલું ગીત ‘એક મુલાકાત’ ડિટ્ટો નુસરત ફતેહ અલી ખાનના ‘મેરે રસ્કે કમર’ જેવું જ બન્યું છે. થોડી ખણખોદ કરતાં માલુમ પડ્યું કે નુસરત સા’બની એક જૂની કવ્વાલી ‘દિલ કા સૌદા હુઆ ચાંદની રાત મેં’ની અસર પણ આ ગીત પર દેખાય છે. ડ્રીમ ગર્લનું ગીત જો ‘બત્તી ગુલ મીટર ચાલુ’ના આતિફ અસલમે ગાયેલા ‘સોચતા હૂં કિ વો કિતને માસુમ હૈ’ યાદ આવે તો તેનું ઓરિજિનલ નુસરત ફતેહ અલી ખાને ગાયેલું વર્ઝન પણ સાંભળવા જેવું છે. પ્યોર જલસો છે.

ડ્રીમગર્લની ‘ભરચકનેસ’માં અને કોમેડીના પ્રવાહમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે ડિરેક્ટરે ફિલ્મમાં સ્ત્રીઓનો ઉપયોગ માત્ર કોમેડી પેદા કરવા માટે જ કર્યો છે. એમાંય શરૂઆતમાં તો સ્થૂળ સ્ત્રીઓને માત્ર કોમેડીના પર્પઝ માટે જ મૂકી છે. મુસ્લિમ કોમની પણ ટિપિકલ મજાકો અહીં વપરાશમાં લીધી છે. જોકે ઠીક છે, ફિલ્મનો હળવો ટોન જોતાં અને પોતાને જ ગંભીરતાથી ન લેવાની ફિતરત જોતાં આ બધું ખાસ ઓફેન્સિવ લાગતું નથી. ઈવન રાજેશ શર્માના કેરેક્ટરનો અચાનક સ્પિન પણ તદ્દન કૃત્રિમ અને સ્ક્રિપ્ટની ડિમાન્ડનો એક ભાગ લાગે છે.

જાઈએ ના, થિયેટર મેં!
અમુક લેવલથી ઉપર ઊઠતી ન હોવા છતાં એક વીકએન્ડ એન્ટરટેનર ફિલ્મ તરીકે ‘ડ્રીમ ગર્લ’ જરાય નિરાશ કરતી નથી. થોડી મ્યુટ કરેલી ગાળો અને બોર્ડરલાઈન અશ્લીલતાને જો સ્વીકારી લો તો આ ફિલ્મને કમ્પ્લિટ ફેમિલી એન્ટરટેનરની કેટેગરીમાં મૂકી શકાય. હવે આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મો કેવી હશે તે જાણવાની બરાબર ચટપટી રહેશે!

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

[email protected]

X
Dream Girl: The Perfect Weekend Entertainer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી