ફિલ્મ રિવ્યૂ / ‘સાંડ કી આંખ’ પુરુષવાદી વિચારસરણી પર અસરકારક રીતે પ્રહાર કરે છે

bollywood film review Saand Ki Aankh
X
bollywood film review Saand Ki Aankh

Divyabhaskar.com

Oct 24, 2019, 01:52 PM IST

બાગપતની શૂટર દાદીઓ ચંદ્રો તથા પ્રકાશી તોમરની ઉપલબ્ધિઓ પર આધારિત ડિરેક્ટર તુષાર હિરાનંદાનીની ‘સાંડી કી આંખ’ ફિલ્મ દિલને સ્પર્શી જાય છે. બંને દાદીઓનાં ત્યાગ તથા ક્યારેય હાર ના માનવાના વિચારો સમાજમાં સદીઓ સુધી ચાલતા પુરુષપ્રધાન વિચારસરણી પર ચાબખા મારે છે. બાગપતના જૌહરી ગામ જેવા વિસ્તારો ભારતભરમાં અનેક જગ્યાએ છે. આજે પણ ત્યાંના પુરુષોનું કામ હુક્કો પીવાનું તથા ઘરની દીકરીઓ-વહુઓ પર હુકમ ચલાવવાનું છે. સ્ત્રીઓનું કામ માત્ર ખેતી કરવાનું, રસોઈ બનાવવાનું તથા બાળકો પેદા કરવા સુધીનું જ છે. ભણેલ-ગણેલ તથા હુનરનું કામ શીખતી મહિલાઓને ધમકાવવામાં આવે છે. આવી વિપરિત પરિસ્થિતિમાં પણ શૂટર દાદીઓએ માત્ર પોતાનું જ નહીં પરંતુ ઘરની દીકરીઓ શૈફાલી તથા સીમા તોમરનું નામ કેવી રીતે રોશન કર્યું, તે વાત ફિલ્મમાં બતાવવામાં આવી છે. 

ફિલ્મ રિવ્યૂ સાંડ કી આંખ
રેટિંગ 4/5
સ્ટાર-કાસ્ટ તાપસી પન્નુ, ભૂમિ પેડનેકર, પ્રકાશ ઝા
ડિરેક્ટર તુષાર હિરાનંદાની
પ્રોડ્યૂસર અનુરાગ કશ્યપ, રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટ
સંગીત વિશાલ મિશ્રા
જોનર બાયોગ્રાફિકલ

ફિલ્મ કેવી છે?

રાઈટર બલવિંદર સિંહ જંજુઆની સાથે મળીને ડિરેક્ટર તુષાર હિરાનંદાનીએ શૂટર દાદીઓની સફરને અસરકારક સ્ક્રીનપ્લે તથા સંવાદોથી સચોટ બનાવી છે. વન લાઈનર લેવલ પર શૂટર દાદીઓની જેમ જ વાર્તા ઘણી જ પ્રેરક તથા રોચક છે. જોકે, અઢી કલાકથી પણ લાંબી ફિલ્મમાં દર્શકોને જકડી રાખવા માટે પાત્રોના જીવનના અનેક પ્રસંગોની જરૂર પડે છે. આ મામલે રાઈટરની જોડી ફિલ્મના બીજા ભાગમાં પૂરી રીતે સફળ રહી છે. પહેલાં હાફમાં શૂટર દાદીઓના ઘરમાં પુરુષોના અત્યાચાર તથા દાદીઓના સંઘર્ષને વધુ અસરકારક બનાવવાની જરૂર હતી. દાદીઓના પ્રોસ્થેટિક મેકઅપ તથા સ્પેશિયલ ઈફેક્ટ્સની ખામી ઉડીને આંખે વળગે છે. હરિયાણવી ટોનનો ડોઝ વધુ પડતો લાગે છે. 

શૂટર દાદીઓના રોલમાં ભૂમિ પેડનેકર તથા તાપસી પન્નુએ પોતાની એક્ટિંગથી મેક-અપની ખામીઓને નજરઅંદાજ કરવા પર મજબૂર કરે છે. ભૂમિએ ચંદ્રો તોમરની બોડી લેંગ્વેજથી લઈને તેના ટોનને જે રીતે આત્મસાત કર્યો છે, તે તેની એક્ટિંગ રેન્જને બતાવે છે. તાપસીએ પણ પ્રકાશી તોમર તરીકે ભૂમિને બરોબરની ટક્કર આપી છે. પુરુષપ્રધાન વિચારસરણી ધરાવતા સરપંચ રતન સિંહની નિષ્ઠુરતા પ્રકાશ ઝા બખૂબી સ્ક્રીન પર લાવે છે, જ્યારે પણ ઘરની સ્ત્રીઓ પ્રગતિવાદી કામ કરે ત્યારે સરપંચ ‘યે તો હોના હી થા’ વાળો સંવાદ બોલે છે. નવાઈની વાત એ છે કે આ સંવાદ પ્રકાશ ઝાની ‘ગંગાજલ’માં અખિલેન્દ્ર મિશ્રાનું પાત્ર વારંવાર બોલતો હતો. શૂટર દાદીઓના કોચ ડોક્ટર યશપાલના રોલમાં વિનીત કુમાર સિંહની ઈમાનદારી પ્રેરણા આપે છે. બાકીના તમામ સ્ટાર્સનું કામ પણ સારું છે. 

ફિલ્મના કેમેરાવર્ક તથા કોસ્ચ્યુમ ડિપાર્ટમેન્ટ આશાઓ પર ખરા ઉતર્યાં છે. જૌહરી ગામ તથા આસપાસના વિસ્તારો સુંદર રીતે ફિલ્મના એક પાત્ર હોય તેમ લાગે છે. યુવા ગીતકાર તથા સંગીતકારની જોડી રાજશેખર તથા વિશાલ મિશ્રાનું સંગીત કર્ણપ્રિય છે. લાંબા સમય બાદ આશા ભોંસલેનો અવાજ સાંભળવા મળ્યો છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી