ફિલ્મ રિવ્યૂ / મિશન મંગલઃ સાયન્સ, સપનું તથા સંઘર્ષની કથા

akshay kumar film mission mangal review
X
akshay kumar film mission mangal review

Divyabhaskar.com

Aug 15, 2019, 12:37 PM IST
ફિલ્મ રિવ્યૂઃ મિશન મંગલ
રેટિંગઃ 4/5
સ્ટાર-કાસ્ટઃ અક્ષય કુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, કીર્તિ કુલ્હારી, શરમન જોષી
ડિરેક્ટરઃ જગનશક્તિ
પ્રોડ્યૂસરઃ કેપ ઓફ ગુડ ફિલ્મ્સ, હોપ પ્રોડક્શન્સ, ફોક્સ સ્ટાર સ્ટૂડિયો, અરુણા ભાટિયા
સંગીતઃ અમિત ત્રિવેદી
જોનરઃ સ્પેસ તથા ડ્રામા

ઘણાં સમય બાદ બિગ સ્ક્રીન પર ‘મિશન મંગલ’ તરીકે એક સંપૂર્ણ તથા ખામીરહિત ફિલ્મ આવી છે. આ ફિલ્મ ઈસરોના વૈજ્ઞાનિકો પર આધારિત છે. 24 સપ્ટેબર, 2014ના રોજ પહેલાં જ પ્રયાસમાં ઈસરોએ સેટેલાઈટને મંગળની ઓર્બિટમાં લોન્ચ કરવાની સફળતા મેળવી હતી. તેવી જ રીતે ફિલ્મે પણ બોલિવૂડે સ્પેસ જોનરની પહેલી જ વાર ફિલ્મ બનાવવામાં સફળતા મેળવી છે. ફિલ્મમાં સાયન્સ, સપનાઓ તથા સંઘર્ષ છે. આડંબર તથા પ્રી-કન્સીવ્ડ નોશન પર પ્રહાર કરવામાં આવ્યો છે, જે વ્યક્તિને અસીમિત છલાંગ લગાવતા રોકે છે. ભારતીય તરીકે આપણે એચીવમેન્ટનું સેલિબ્રેશન ઓછું કરીએ છીએ. આ બોલિવૂડની એચીવમેન્ટવાળી રજૂઆત છે. આ સેલિબ્રેશનની હકદાર છે.

કેવી છે ફિલ્મ?

ફિલ્મની શરૂઆત વર્ષ 2010થી થાય છે. ઈસરોના જાણીતા સાયન્ટિસ્ટ તથા મિશન ડિરેક્ટર રાકેશ ધવન તથા પ્રોજેક્ટ ડિરેક્ટર તારા શિંદે સાથે મળીને જીએસએલવી સી 39 નામના મિશનથી રોકેટ લોન્ચ કરવાનો પ્રયાસ કરે છે. જોકે, આ પ્રયાસ નિષ્ફળ જાય છે. જેને કારણે રાકેશની ટ્રાન્સફર ઈસરોના અશક્ય લાગતા માર્સ પ્રોજેક્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. રાકેશે નાસાથી આવેલા રુપર્ટ દેસાઈના સુપરવિઝનમાં કામ કરવાનું છે. રુપર્ટ દરેક બાબતમાં નાસાનું ઉદાહરણ આપે છે. પરિસ્થિતિઓ એવી હોય છે કે રાકેશ ધવન પર વિશ્વાસ હોવા છતાંય ઈસરો ડિરેક્ટરે આમ કરવું પડે છે. રાકેશ તથા તારા શિંદેને માર્સ પ્રોજેક્ટ માટે રુપર્ટ જાણી જોઈને બિન-અનુભવી એકા ગાંધી, નેહા સિદ્દીકી, કૃતિકા અગ્રવાલ, વર્ષા પિલ્લાઈ, પરમેશ્વર નાયડુ તથા નિવૃત્તિની નજીક પહોંચેલા અનંત અયંગરની ટીમ આપે છે. શરૂઆતમાં બજેટ 800 કરોડનું હોય છે. જોકે, પછી અચાનક જ અડધું બજેટ કરી દેવામાં આવે છે. એકા, કૃતિકા, વર્ષા તથા પરમેશ્વર અંગત જીવનમાં ફસાયેલી છે. આ તમામ પડકારો હોવા છતાંય રાકેશ તથા તારા કેવી રીતે મિશનને પૂરું કરું છે, તેના પર આખી ફિલ્મ છે.

અહીંયા જોવાની વાત એ છે કે હોલિવૂડમાં સ્પેસ જોનરની ફિલ્મ્સનું બજેટ 500 કરોડથી પણ વધુ હોય છે. જ્યારે ‘મિશન મંગલ’ 32 કરોડમાં બની છે. જેવી રીતે 400 કરોડના બજેટમાં ઈસરોના વૈજ્ઞાનિકોએ મંગળ પર ભારતનો સિક્કો જમાવ્યો તેવી જ રીતે માત્ર 32 કરોડમાં ડિરેક્ટર જગન શક્તિ, ક્રિએટિવ પ્રોડ્યૂસર આર બાલ્કી, પ્રોડ્યૂસર અક્ષય કુમાર તથા અન્ય કલાકારોની ટીમે ભારત તરફથી સ્પેસ જોનરની પહેલી ફિલ્મને જ ઉત્તમ ફિલ્મ બનાવીને આપી છે. આ માટેનું શ્રેય સિનેમેટોગ્રાફર રવિ કે ચંદ્રન, પ્રોડક્શન ડિઝાઈનર સંદિપ શરદ રવાડે તથા પહેલી જ વાર વીએફએક્સ બનાવનાર કંપની ફેમુલસને જાય છે. આને કારણે આ સ્પેક્ટકલ ફિલ્મ બની છે.


એડ વર્લ્ડ સાથે જોડાયેલા આર બાલ્કીએ ડિરેક્ટર જગન શક્તિની મદદથી રાકેશ, તારા, નેહા, એકા, કૃતિકા, વર્ષા, પરમેશ્વર તથા અનંત અયંગરના પાત્રોથી સપનાઓ, ત્યાગ, સમજદારી, પ્રગિતિશીલ વિચારોની સુંદર વ્યાખ્યા આપી છે. તારાના ટીન-એજ બાળકોની પોતાની શરતો પર જીવવાની વાતથી પતિ સુનિલ ચિંતામાં રહે છે. તારા ઘરની જવાબદારી પૂરી કરીને સમજદારીથી પરિવાર, નોકરી તથા પેશન વચ્ચે તાલમેલ બેસાડે છે. એકા કોઈ પણ કિંમતે નાસા જવા માગે છે. વર્ષાને સાસુ દીકરો જન્મે તે માટે સતત દબાણ કરે છે. નેહાને પોતાની સરનેમને કારણે રૂમ ભાડે મળતો નથી. પરમેશ્વર નાયડુના લગ્ન થતા નથી. તેની તેને ચિંતા છે. આ બધા જ તણાવ વચ્ચે તેઓ પોતાની ફરજ કેવી રીતે નિભાવે છે અને કેવી રીતે મિશનને પૂરું પાડે છે તે જોવું એક સુખદ છે. ફિલ્મમાં સેટેલાઈટ લોન્ચિંગની ટેકનિકની વાત ઘણી જ ઓછી કરવામાં આવી છે. જો તેમાં વધુ ડિટેલ્સ બતાવી હોત તો તેના પણ જોખમ રહેલાં છે. દર્શકોને આ વાત પસંદ આવત કે નહીં તે અલગ જ ચર્ચાનો મુદ્દો છે.

બાલ્કીની ફિલ્મ્સમાં આમ પણ મહિલા પાત્રોને સ્ટ્રોંગ બતાવવામાં આવે છે. તેના જીવનની ગૂઢ વાતો સરળતાથી રજૂ કરવામાં આવે છે. એક્ટિંગની વાત કરવામાં આવે તો તમામ કલાકારોએ ધી બેસ્ટ એક્ટિંગ કરી છે. આવું ઘણું જ ઓછીવાર જોવા મળે કે તમામે તમામ કલાકારોએ સારું કામ કર્યું હોય. રાકેશ ધવનના રોલમાં અક્ષય કુમારે કરિયરની બેસ્ટ એક્ટિંગ કરી છે. તારા શિંદેનો રોલ વિદ્યા બાલને ગ્રેસ સાથે પ્લે કર્યો છે. વર્ષા બનેલી નિત્યાની સ્ક્રીન પ્રેઝેન્સ દમદાર છે. પરમેશ્વર નાયડુના રોલમાં શરમને પોતાના અનુભવથી એક અલગ જ અંદાજ આપ્યો છે. નેહા સિદ્દીકી બનેલી કીર્તિ તથા કૃતિકા અગ્રવાલ બનેલી તાપસીનો પ્રભાવ ખાસ જોવા મળ્યો છે. અનંત અયંગર બનેલા એચજી દત્તાત્રેય પણ ખાસ છે. અમિત ત્રિવેદી તથા અમિતાભ ભટ્ટાચાર્યનું સંગીત પણ ઘણું જ સારું છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી