ઠાકરે રિવ્યુ / બાળાસાહેબના જીવનનું ઉપરછલ્લું ચિત્રણ, નથી કોઈ ઈમોશન્સ કે નથી નવાઝુદ્દીનની એક્ટિંગમાં દમ

DivyaBhaskar.com

Jan 25, 2019, 06:36 PM IST
thackrey movie review
thackrey movie review
X
thackrey movie review
thackrey movie review
Critics:

બોલિવૂડ ડેસ્કઃશિવસેના’ સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેના જીવન પર બનેલી ફિલ્મ ‘ઠાકરે’માં તેમને એક આદર્શ વ્યક્તિ તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. શિવસેનાના નેતા સંજય રાઉતે જ આ ફિલ્મ લખી અને પ્રોડ્યુસ કરી છે, એટલે આ ફિલ્મમાં બાળાસાહેબે લીધેલાં તમામ પગલાંને યથાયોગ્ય જ સાબિત કરવામાં આવ્યાં છે.

 

ફિલ્મની શરૂઆત નેવુંના દાયકામાં ઠાકરેને કોર્ટમાં ખડા કરીને બાબરી મસ્જિદ ધ્વંસના મુદ્દે એમની સાથે થઈ રહેલી પૂછપરછ બતાવવામાં આવે છે. એ સાથે જ તેમના જીવન સાથે જોડાયેલા પ્રસંગોને ફ્લેશબેકમાં દર્શાવવામાં આવે છે, જે આગળ જઈને એમના જીવનને આકાર આપે છે.

 

બાલ ઠાકરેએ ‘ફ્રી પ્રેસ જર્નલ’ દૈનિકમાં કાર્ટૂનિસ્ટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એ પછી તેઓ કઈ રીતે પોલિટિક્સ તરફ વળ્યા, નીડર નેતા તરીકે ઊપસી આવ્યા, શિવસેનાની રચના કેવી રીતે થઈ, મહારાષ્ટ્રમાં રહેતા અન્ય રાજ્યોના લોકોને રાજ્યની બહાર ખદેડવાની હિંસક મુવમેન્ટ કેવી રીતે શરૂ થઈ અને અમુક રમખાણોમાં એમની શંકાસ્પદ ભૂમિકા શું હતી તે વાતો આ ફિલ્મમાં આવરી લેવાઈ છે.

શું છે ફિલ્મમાં?

1.આ ફિલ્મ બાળાસાહેબ ઠાકરેના જીવન પર પ્રકાશ તો ફેંકે છે, પણ તે તદ્દન ઉપરછલ્લો છે. તેને કારણે ફિલ્મ જરાય પ્રભાવશાળી લાગતી નથી. ડિરેક્ટર અભિજિત પાનસેએ ઠાકરેના જીવનનાં વિવિધ પાસાં આવરી લીધાં છે, પણ તેમાં એમની લાઈફ કેરિકેચરિશ બનીને રહી ગઈ છે. તેમાં આત્મા કે ઈમોશન્સ દેખાતાં નથી.
2.નવાઝુદ્દીન સિદ્દીકીએ બાળાસાહેબનું પાત્ર ભજવવા માટે ખાસ્સી મહેનત કરી છે, પરંતુ એ પાછો પડે છે. રિયલ લાઈફના ઠાકરેનો ચાર્મ નવાઝુદ્દીન પડદા પર રિફ્લેક્ટ કરી શક્યો નથી. નવાઝુદ્દીનની કારકિર્દીનું આ સૌથી નબળું પર્ફોર્મન્સ છે એવું કહીએ તોય જરાય અતિશયોક્તિ નહીં લેખાય. ઠાકરેનાં પત્ની મીનાતાઈ બનેલી અમૃતા રાવ પાસે ખાસ કશું કરવા માટે આવ્યું નથી. એના ભાગે જેટલા સીન આવ્યા છે એમાં એણે ખાસ કશો પ્રભાવ છોડ્યો પણ નથી.
3.બાળાસાહેબ ઠાકરે જેવા ભારતીય રાજકારણના એક વિવાદાસ્પદ અને રસપ્રદ વ્યક્તિત્વ વિશે જાણવાની ઈચ્છા હોય તો આ ફિલ્મ જોવા જઈ શકાય. પરંતુ તે સાથે જ એટલું યાદ રાખવું કે આ ફિલ્મ એમના ભક્તો દ્વારા બનાવવામાં આવેલી ફેન ફિલ્મ છે, ઐતિહાસિક દસ્તાવેજ નથી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી