સોનચિડિયા / વન્સ અપોન અ ટાઈમ ઈન ઈન્ડિયા, જ્યારે બાગીઓ પણ ઉસૂલના પાક્કા હતા

sonchiriya detailed review by jayesh adhyaru
Critics:

DivyaBhaskar.com

Mar 07, 2019, 03:06 AM IST

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)


અભિષેક ચૌબેની ‘સોનચિડિયા’ 1975ના સમયગાળામાં આકાર લે છે. આ એ સમયની વાત છે, જ્યારે પ્રધાનમંત્રી ઈમર્જન્સી ‘ડિક્લેર’ કરતા હતા અને બિહડમાં ફરતા બંદૂકધારી બાગીઓ પણ ચોક્કસ ઉસૂલનું પાલન કરતા.

***

‘સોનચિડિયા’નો એક સીન છે. બંદૂકધારી બાગીઓની ટોળકી એક ઘરમાં છુપાઈ છે. તે ઘરનો એક માણસ કશુંક લેવા માટે બહાર નીકળ્યો છે. બહાર પોલીસ ગશ્ત લગાવી રહી છે. કેમેરાની આંખે ત્યાં દીવાલ પર લાગેલું ‘બાગી કા બદલા’ ફિલ્મનું પોસ્ટર ચડે છે. પોલીસ પોતાના રૂઆબદાર અને ગર્ભિત ધમકીવાળા ટોનમાં એ માણસને પૂછે છે, આ ફિલ્મ જોઈ? પેલો કહે, હા. પોલીસ પૂછે, કેવી છે? પેલો કહે, બકવાસ છે, એમાં બાગીઓને ઘોડા પર આવતા બતાવે છે!

એક્ઝેક્ટ્લી. અભિષેક ચૌબે આપણને ચંબલના એવા બાગીઓની વાર્તા કહે છે, જે ક્યારેય ઘોડા પર નથી આવતા. જે સમાજની સામે બગાવત કરીને બાગી બન્યા છે, હવે ચંબલનાં બિહડમાં-કોતરોમાં બહાર રહીને વટ રાખે છે, એ આ બહારવટિયાઓની અંદરથી સમાજ છૂટ્યો નથી. હજીયે એ ઠાકુરોની જ ગેંગ છે. હજીયે એ જાત-પાત, ઊંચ-નીચમાં માને છે. બીજા એક સીનમાં એક ઠાકુર કહે છે, ‘બાગી ભાઈ હોતે હૈ.’ આપણને સમજાય છે કે બાગીઓ ભલે ન્યાય માટે કાયદાની ઐસીતૈસી કરીને બહારવટે ચડ્યા હોય, પણ સમાજમાં રહેલા સ્થાપિત હિતો એમનો ‘ભાઈ… ભાઈ’ કહીને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરી રહ્યા છે. આ બાગીઓ સિનેમામાં ગ્લેમરાઈઝ થયેલા ‘ડાકુ’ઓ નથી. ઘોડા તો દૂરની વાત છે, એમને ‘પાંત્રીસની એક અને સાઠ રૂપિયાની બે’ના ભાવે ગોળીઓ ખરીદવી પણ અઘરી પડે છે. ચંબલની સૂક્કી, કઠોર, ધૂળિયા ગરમીમાં એમને બધે જ ચાલીને જવું પડે છે. ખાવા મળે તો ઠીક છે, બાકી ‘જેવી ભવાની માતાની મરજી’ કહીને ભૂખ્યા પેટે જ સૂઈ રહેવું પડે. એ પોલીસની વર્દી પહેરીને ફરે છે, પણ પોલીસની ગોળી સતત એમનો પીછો કરતી રહે છે. ડિરેક્ટર અભિષેક ચૌબેએ ચંબલના બાગીઓનું સુપર ઓથેન્ટિક ચિત્ર આપણી સામે ઊભું કર્યું છે.

રાઈટર્સ અભિષેક ચૌબે અને સુદીપ શર્મા, સિનેમેટોગ્રાફર અનુજ રાકેશ ધવન અને તમામ કલાકારો આપણને એક ઝાટકે ચંબલના સૂક્કાભઠ્ઠ, રૂક્ષ અને જ્યાં ન્યાય પણ વરાળ બનીને ઊડી જાય એવા વર્લ્ડમાં ટેલિપોર્ટ કરી દે છે. ફિલ્મની શરૂઆત જ કોઈ પ્રાણીના સડી રહેલા મૃતદેહના ક્લોઝઅપથી થાય છે, જેના પર માખીઓ બણબણી રહી છે. સિનેમેટિક મેટાફરમાં માનવું હોય તો ઠીક છે, બાકી તેને અમારું ઓબ્ઝર્વેશન ગણી લો, કે તે સડેલો મૃતદેહ એવી દુનિયાનું પ્રવેશદ્વાર છે, જ્યાં કમ્પ્લિટ જંગલરાજ છે, ન્યાય-કાયદો-સમાનતા-સ્ત્રીસન્માન બધું જ મરી પરવાર્યું છે. કહો કે એક ડિસ્ટોપિયન વર્લ્ડમાં આપણે એન્ટ્રી મારી રહ્યા છીએ.

સ્ટોરી સિમ્પલ છેઃ એક તરફ છે બાગી માનસિંહ (મનોજ બાજપાઈ)ની ગેંગ. લખન સિંહ (સુશાંત સિંહ રાજપૂત), વકીલ સિંહ (રણવીર શોરી), ભૂરા (વેબ સિરીઝ ‘ઘૂલ’નો વિલન મહેશ બલરાજ) વગેરે આ ગેંગના મેમ્બરો છે. એમને સાફ કરવાની સુપારી મળી છે, પોલીસ ઓફિસર વીરેન્દ્ર સિંહ ગુજ્જર (આશુતોષ રાણા)ને. ઓલરેડી માન સિંહની ગેંગને અસ્તિત્વ ટકાવવાના ફાંફા હતા, ત્યાં આ ક્રૂર વીરેન્દ્ર સિંહથી બચવાનું ટેન્શન ઉમેરાયું. એક ઓપ્શન છે, આત્મસમર્પણનો. પરંતુ એક તો તેમાં એમને પોતાનો ઠાકુરોનો ‘ધરમ’ નડે છે. પ્લસ, એક જૂનો પર્સનલ હિસાબ ચૂકતે કરવા નીકળેલા વીરેન્દ્ર સિંહનો કોઈ ભરોસો નહીં, એ આત્મસમર્પણની વાત છતાં પતાવી દે. આ ટેન્શનની વચ્ચે એમને સિલેક્ટેડ ઘરોમાં ધાડ પાડવી એ ઓર ટેન્શનનું કામ હતું. ત્યાં વધુ એક ટેન્શન ઉમેરાયું. ઈન્દુમતી તોમર (ભૂમિ પેડનેકર) બાર વર્ષની એક છોકરીને લઈને ક્યાંકથી ભાગતી આ લોકોની ગેંગ પાસે આવી ચડે છે. શેતાનો પણ થથરી જાય એવું કંઈક એ છોકરી, નામે ‘સોનચિડિયા’ સાથે થયું છે. એ સોનચિડિયાને હોસ્પિટલે પહોંચાડવી જરૂરી છે. હવે શરૂ થાય છે નવો સંઘર્ષ, જીવના જોખમે એ સ્ત્રીને મદદ કરવી કે નહીં? ગેંગનો લીડર માનસિંહ તો કહે છે, ‘બાગી કો કામ હૈ અપનો ધરમ નિભાનો..’, પણ બાગીનો ધરમ શું? વાત જ્યારે ઠાકુર વર્સસ ઠાકુર વર્સસ ઈન્સાફ/ઈન્સાનિયતની આવીને ઊભી રહે ત્યારે?

***

સોનચિડિયા એકબીજા સાથે બારીક રીતે ગૂંથાયેલું અને એક છેડો પકડીને ખેંચો તો બીજા ચાર ખેંચાઈ આવે એવું બ્રિલિયન્ટ સ્ટોરીટેલિંગ છે. આગળ કહ્યું તેમ બાગીઓ માને છે કે એ લોકો સમાજ છોડીને આવ્યા છે. પરંતુ એમની અંદરથી સમાજ નીકળતો નથી. એ હજી ઠાકુર જ છે. ગુજ્જરો સામે એમને બાપે માર્યાં વેર છે. મલ્લાહ (ખલાસી) જેવી જાતિને એ પોતાનાથી ઊતરતી ગણે છે. છૂત-અછૂતમાં તો એવું દૃઢપણે માને છે કે એમનું ચાલે તો ‘અછૂત’ કોમના માણસને માત્ર જે તે કોમમાં પેદા થવા બદલ ગોળીએ દે. અને સ્ત્રીઓને તો પાંવ કી જૂતી જ સમજે છે. સોનચિડિયાના સ્ક્રીનપ્લેમાં જાતિ-કાસ્ટ વડવાઈઓની જેમ વીંટળાયેલું ફેક્ટર છે. બાગી હોય કે પોલીસ, જાતિથી એ લોકો છૂટી જ નથી શકતા. અહીં ધાડ પડે છે બ્રહ્મપુરી ગામના કોઈ બ્રાહ્મણને ઘેર. બોલચાલમાં પણ જાતિવાદી કહેવતો છલકે છે, ‘ઉપદેશ બામન પે જચતા હૈ, ઠાકુરોં પે નહીં.’ ક્યાંક કોઈ ઓટલા પર જડેલી આસરપહાણની તક્તીમાં વંચાય છે, ‘સમસ્ત ગુજ્જર ભાઈયોં કો સમર્પિત- બાલખંડિયા ગુજ્જર’. જાત-પાતથી ત્રાસેલો એક બાગી બીજાને કહે છે, ‘સબસે બડી વર્દી હોતી હૈ યે ચમડી’.

***

જો સિનેમાની લેન્ગ્વેજની થોડાઘણા પણ પરિચિત હશો તો ‘મેક્સિકન સ્ટેન્ડઓફ’ નામનો શબ્દ કાને પડ્યો જ હશે. અંગ્રેજી ફિલ્મ રિવ્યુઅરો પણ આ શબ્દ ક્યાંક ને ક્યાંક ફેંકતા હોય છે. ફિલ્મની કોઈ ક્ષણે બેથી વધુ લોકો એકબીજા સાથે બંદૂકો તાકીને ઊભા રહી જાય અને કોઈપણ ક્ષણે ગમે તે વ્યક્તિ ફાયર કરે તો કોઈનો પણ ઘડો લાડવો થઈ શકે એ સ્થિતિ માટે આ શબ્દ પ્રયોગ થાય છે. સોનચિડિયાના ટ્રેલરમાં પણ ફિલ્મમાં વપરાયેલી આ સિચ્યુએશન દેખાય છે. ફિલ્મ જોતાં સ્થૂળ રીતે તો એવું લાગે કે મેક્સિકન સ્ટેન્ડઓફની સ્થિતિ માત્ર આ સીન પૂરતી જ છે. જરા શાંતિથી વિચારો તો ખ્યાલ આવે કે આખી ફિલ્મ અને તેનાં તમામ પાત્રો એક અદૃશ્ય મેક્સિકન સ્ટેન્ડઓફની સ્થિતિમાં જ ફસાયેલાં છે. એક બાજુ ઠાકુર વર્સિસ ગુજ્જર ઊભા છે. બીજી બાજુ ચોર વર્સસ પોલીસ છે. ત્રીજી બાજુ ઊંચી જાત વર્સસ નીચી જાત છે. ચોથી બાજુ સ્ત્રી વર્સસ પુરુષ પણ છે (આ એન્ગલની વાત આપણે આગળના મુદ્દામાં કરીશું). પાંચમી બાજુ બંધન વર્સસ મુક્તિ છે (સતત ભટકતા રહેતા અને ધૂળ ફાકતા બાગીઓને હવે જાત સામે એ સવાલ થાય છે કે એ લોકો શું કામ આ બધું કરી રહ્યા છે?). અને આ બધા ઉપરાંત દિલ્હીથી સરકારે ઈમર્જન્સીની ઘોષણા કરી દીધી છે. યાને કે સત્તા વર્સસ જનતા અને સ્વતંત્રતા વર્સસ આપખુદશાહીની પણ એક સિચ્યુએશનની શરૂઆત થઈ ચૂકી છે. આ આખોય ચક્રવ્યૂહ, સઘળું ટેન્શન અદૃશ્ય રીતે ફિલ્મમાં તોળાયેલું રહે છે.

***

સોનચિડિયામાં અધવચ્ચેથી અચાનક ફૂલનદેવીની એન્ટ્રી થાય છે. અલબત્ત, ફિલ્મમાં તે ફૂલનના ફિક્શનલાઈઝ્ડ વર્ઝન ‘ફૂલિયા’ના પાત્રમાં છે. તે એક તબક્કે પેટમાં કચકચાવીને મુક્કો મારતી હોય એવો ડાયલોગ બોલે છે, ‘યે બામન, ઠાકુર, મલ્લાહ, શૂદ્ર, સબ મર્દોં કે લિયે હૈ. ઔરત કી જાત અલગ હી હૈ, સબકે નીચે.’ આ ફિલ્મની સ્ટોરી ભલે સિત્તેરના દાયકામાં આકાર લેતી હોય, કમનસીબે આજે પણ તેમાં તસુભાર પણ ફરક નથી પડ્યો. ડિરેક્ટર અભિષેક ચૌબે આપણને એવા ડિસ્ટોપિયન ભારતની રુબરૂ લઈ જાય છે, જ્યાં સ્ત્રી કોઈપણ ઉંમરની હોય, એ ‘ઔરત ધેટ ઈઝ ઉપયોગ કરવાનું સાધન’ જ હોય છે. સામે પક્ષે એની કૂખમાંથી દીકરો નહીં, બલકે પુરુષ જ જન્મે છે. જન્મતાંવેંત જેની આંખે ‘મરદ’ નામનો પાટો બંધાઈ જાય છે. એ પોતાની મા પર પણ હાથ ઉપાડી લે ને કહેવાતી જૂઠી શાન માટે માણસાઈ-સારા/નરસાનો ભેદ ભૂલીને સગી માને મારવા તૈયાર થઈ જાય છે. ઈવન, ફિલ્મમાં બોલાતી ગાળો પણ બધી સ્ત્રીને ઉદ્દેશીને જ બોલાયેલી છે.

રાજકુમાર સંતોષીની ‘દામિની’ના ચંબલ વર્ઝન જેવા સબપ્લોટમાં ઈન્દુમતિ (ભૂમિ પેડનેકર) ‘સોનચિડિયા’ નામની કિશોરીને પુરુષ નામના શિકારી કૂતરાઓથી બચાવવા નીકળી છે. ફિલ્મમાં એક તબક્કે રણવીર શોરી કહે છે, ‘સબ અપની અપની સોનચિડિયા ઢૂંઢ રહે હૈ.’ એટલે આપણા મનમાં કોઈ શંકા હોય તોય ક્લિયર થઈ જાય કે સોનચિડિયા ફિલ્મમાં ભલે એક કિશોરીનું નામ હોય, પરંતુ તે એક ડીપ મેટાફર છે-રૂપક છે. અહીં તે પુરુષોના આધિપત્ય-જંગાલિયતનો ભોગ બનેલી સ્ત્રીનું મેટાફર પણ છે. તેને બચાવવાની ક્વાયત મરવા પડેલી માનવતાને બચાવવાનું, ન્યાયને બચાવવાનું મેટાફર પણ છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં ડિરેક્ટર ફિલ્મનાં બે સ્ત્રીપાત્રોના ચહેરા પર સ્મિત અને બારીમાંથી આવતાં સોનેરી તડકાનાં કિરણો આપાત કરીને પોઝિટિવિટીનો સંદેશ પણ આપે છે.

***

આ ફિલ્મમાં ભલે ઘોડાનો ઉપયોગ ન થયો હોય, પણ તે હોલિવૂડની કાઉબોયવાળી ‘સ્પેઘેટી વેસ્ટર્ન’ ટાઈપ મુવીઝની ફીલ આપે જ છે. આ ફીલ સોનચિડિયાનાં નિરાંતવાળાં શોટટેકિંગમાંથી, લોંગ અને એક્સ્ટ્રીમ લોંગ શોટ્સમાંથી, ધાણીફૂટ થતાં ગોળીબારમાંથી, ન્યાયની ગેરહાજરીમાંથી, ધૂળિયા માહોલમાંથી અને વિશાલ ભારદ્વાજના મ્યુઝિકમાંથી સતત આવ્યા કરે છે (‘બાગી રે’ની થીમનું મ્યુઝિક સાંભળજો). ચંબલની કોતરોમાંથી રસ્તો કરતી, સામસામા ગોળીબારથી બચીને જતી બાગીઓની ટોળકીને ફિલ્માવવા માટે અનેક વખત એક્સ્ટ્રીમ લોંગ (દૂરથી લેવાયેલા) શોટ્સનો અને એરિયલ શોટ્સનો ઉપયોગ કરાયો છે. ફિલ્મમાં જ્યારે પણ સામસામા ગોળીબાર થાય છે, ત્યાં પહેલાં તે સ્થળની જ્યોગ્રાફી સમજાવતો એરિયલ શોટ પણ મુકાય છે. ફિલ્મની રફ ફીલ એટલી જબરદસ્ત છે કે ધૂળની એલર્જી ધરાવતા લોકોને તો એ.સી. થિયેટરમાં બેઠાં બેઠાં પણ એલર્જીનો અટેક આવી શકે!

***

બુંદેલખંડી બોલી અને બેફામ બોલાતી ગાળો ઉપરાંત સુપર્બ સ્માર્ટલી લખાયેલા ડાયલોગ્સ, સાર્કેઝમ, બ્લેક હ્યુમર અને પેરેડોક્સ બધાથી છલોછલ છે. જેમ કે, ફિલ્મમાં એક સ્ત્રી પાત્ર પુરુષના જાતીય અત્યાચારનો ભોગ બનેલું છે. એને હોડીમાં લઈ જતી વખતે એનો એક હાથ પાણીને અડે છે. બરાબર એ જ વખતે હોડી નીચેથી મગરમચ્છ અથડાઈને જાય છે. ત્યારે હોડીનો મલ્લાહ કહે છે, ‘મગર ખીંચ લેતા, કિસ્મતવાલી હૈ લડકી’. હવે આયરની એ છે કે એ છોકરી પાણીના મગરથી તો બચી ગઈ, પણ જમીન પરના પુરુષ નામના મગરમચ્છનો ઓલરેડી શિકાર બની ચૂકી છે. એને કઈ રીતે ‘કિસ્મતવાલી’ કહેવી?!

એક તબક્કે મનોજ બાજપાઈ બોલે છે, ‘સરકારી ગોલી સે કભી મરતા હૈ કોઈ? ઈનકે તો વાદોં સે મરે હૈં સબ!’ એક તરફ જે ઈન્દિરા ગાંધી દેશમાં ઈમર્જન્સી થોંપે છે, એના જ ચહેરાવાળી ફરકડી લઈને બાળકોને રમવા માટે વહેંચવામાં આવી છે. પીળા રંગની મેટાડોર ગાડી પર એક બાજુ પરિવાર નિયોજનનાં સૂત્ર ચિતરેલાં છે, તો તેની જ સાથે ‘ઈનકી લડાઈ (ઈન્દિરા ગાંધીની તસવીર) હમારી લડાઈ’, ‘અફવાહ ઔર ઢીલી બાતચીત સે બચેં’ જેવાં પ્રોપેગન્ડા સૂત્રો પણ લખેલાં છે. અંતરિયાળ ગામડાંમાં રસ્તા-પાણી-વીજળી ન પહોંચ્યાં હોય, પણ પોલિટિકલ પ્રોપેગન્ડા પહેલાં પહોંચી જાય.

સામસામા ગોળીબારની લગભગ તમામ સિક્વન્સ સુપર્બલી શૂટ થઈ છે. પહેલાં તેનો માહોલ ક્રિએટ થાય, ટેન્શન બિલ્ડ થાય, આપણને જે તે સ્થળની જ્યોગ્રાફી બતાવવામાં આવે અને પછી એક તબક્કે સ્પાર્ક ઝરે અને સામસામી તડાફડી શરૂ થઈ જાય. માહોલ ક્રિએટ કરવા માટે મનોજ બાજપાઈનું કેરેક્ટર ધાડ પાડતાં પહેલાં મેગાફોનમાં એનાઉન્સમેન્ટ કરે, બાગીઓને જોઈને ગામલોકોમાં આતંક ફેલાઈ જાય, દિવાળી વખતે હલ્લો બોલાવાયો હોય તો એક પછી એક દીવા હાથેથી ઓલવવામાં આવે-પોતાના આગમન સાથે બધું સેલિબ્રેશન બંધ કરવાના એલાન તરીકે મનોજ બાજપાઈ પગેથી સળગતી જમીનચક્રી ઓલવી નાખે, ખતરાની બૂ આવે કે જોખમની છડી પોકારતો ‘બૈરી બેઈમાન બાગી, સાવધાન’નો પોકાર થાય, જે હોલમાંથી તાકઝાંક થતી હોય તેમાંથી જ સનનન કરતી ગોળી આવે… બ્લાસ્ટથી લઈને એક્સિડેન્ટ પણ ગજબ રિયલિસ્ટિક રીતે ફિલ્માવવામાં આવ્યા છે. જેમ કે, બ્લાસ્ટમાં એક સળગતો માણસ પણ દેખાય, ઊથલી પડતી જીપમાં કોઈ સ્પેશિયલ ઈફેક્ટ (કે ફિલ્મી સ્લો મોશન) ન દેખાય. ઈવન એક અગાશી પરથી બીજી અગાશી પર જમ્પ મારતા બાગીમાં પણ કેબલનો ઉપયોગ થયો હશે કે સાચુકલો જમ્પ છે એ ડાઉટ થાય! ઝીણા ડિટેલિંગની તો અનેક વાતો થઈ શકે. માત્ર બે એક્ઝામ્પલ્સઃ સોનચિડિયાને બચાવવા નીકળેલી ઈન્દુમતી (ભૂમિ પેડનેકર) બિહડમાં બાગીઓની ગેન્ગને જોતાં જ એક હાથે રાઈફલ તાકીને બીજા હાથે સાડીના પાલવથી માથું ઢાંકી લે છે. છતાં તોરમાં કોઈ કમી નહીં. બીજા એક સીનમાં ઘરમાં સૂતેલી સ્ત્રી પર નજર બગાડવાના હેતુથી યજમાન પુરુષની નિયત બગડે છે. એ અડધી રાત્રે પથારીમાંથી ઊભો થાય છે. એ જ વખતે બાજુના અરીસામાંના પ્રતિબિંબમાં દેખાય છે કે એની પત્ની જાગે છે અને એને પોતાના પતિની હરકત-નિયતની બરાબર ખબર છે, છતાં એ કશું જ કરી શકે તેમ નથી!

***

સોનચિડિયા પર્ફેક્ટ કાસ્ટિંગનું એક્ઝામ્પલ છે. આશુતોષ રાણા, મનોજ બાજપાઈ, સુશાંત સિંહ રાજપૂત, ભૂમિ પેડનેકર, રણવીર શોરી… કોઈ રિપ્લેસેબલ લાગે નહીં. બુંદેલખંડી બોલી આશુતોષ રાણાની તો માતૃભાષા છે, પણ રિહર્સલ્સ એટલાં મજબૂત છે કે બીજાં તમામ કલાકારો પણ ત્યાંની માટીમાંથી જ બેઠા થયા હોય એવું લાગે. આશુતોષ રાણાની તગતગતી આંખોમાં બદલો. મનોજ બાજપાઈની આંખોમાં હતાશા/નિરાશા/મુક્તિની શોધ/પસ્તાવો/ડર બધા મનોભાવ વાંચી શકો. ચંબલનાં કોતરોમાં વર્ષો સુધી કરેલી ઉદ્દેશહીન રખડપટ્ટીની નિરર્થકતા અને અચાનક ઉદ્દેશ જડી ગયા પછી તેને પૂરો કરવાની જિદ્દ, અંતે તો હાથમાં ધૂળ જ આવે એવી નિરાશામાંથી નીકળતું રણવીર શોરીનું કડવું હાસ્ય… આવી કેટલીયે મોમેન્ટ્સ સોનચિડિયામાં ઠેરઠેર વેરાયેલી પડી છે. એક તરફ રૂપિયાની કમી હોય, ખાવાનું મળતું ન હોય ત્યાં ગેંગનો લીડર માનસિંહ ઉર્ફ દદ્દા (મનોજ બાજપાઈ) જરૂરિયાતમંદને 500 રૂપિયાની મદદ કરવાનું કહે અને જે લગ્નવાળા ઘરમાં ધાડ પાડે ત્યાં દુલ્હનને શુકનના 101 રૂપિયા આપવાનું કહે તે બંને સીનમાં રણવીરનાં એક્સપ્રેશન્સ માર્ક કરજો (એ પણ માર્ક કરજો કે આ સ્ટોરી 1975ની છે, જ્યારે રૂપિયો ગાડાંનાં પૈડાં જેવડો નહીં તોય સાઈકલનાં પૈડાં જેવડો તો હતો જ!).

***

સોનચિડિયા ફિલ્મનું (ચંબલના બાગીઓનું) બેકડ્રોપ, તેની શાંતિથી-ઠહેરાવથી વાર્તા કહેવાની સ્ટાઈલ, ભલભલા લોકો હચમચી જાય એવી ડાર્ક ટ્રીટમેન્ટ અને આપણે સતત અસ્વસ્થ રહીએ એવી રિયલિસ્ટિક ટ્રીટમેન્ટ… આ બધાંને લીધે આ ફિલ્મથી આમેય મોટાભાગ ઓડિયન્સ દૂર જ રહેવાની હતી. એમાં ખબર નહીં ફિલ્મ સાથે સંકળાયેલા કોણે નિર્ણય લઈને આ ફિલ્મની બુંદેલખંડી બોલીને બદલે તેને હિન્દીમાં નવેસરથી ડબિંગ કરાવડાવી છે. તે ડબિંગમાં ફિલ્મના તમામ મુખ્ય કલાકારોનું ડબિંગ અજાણ્યા ડબિંગ આર્ટિસ્ટોએ કરીને ફિલ્મની મજા પણ મારી નાખી છે. તેમાં (‘A’ સર્ટિફિકેટ છતાં) તમામ ગાળો અને ડાયલોગ્સ મ્યુટ કરી દેવાયાં છે. વધુ વિચિત્ર વાત એ છે કે આ ડબિંગની કોઈ જ પૂર્વજાણકારી આપ્યા વિના ફિલ્મનાં બંને (ઓરિજિનલ અને ડબ્ડ) વર્ઝન આડેધડ ગમે તે થિયેટરોમાં રિલીઝ કરી દેવાયાં. ખુદ ફિલ્મના હીરો સુશાંત સિંહ રાજપૂતે ટ્વિટર પર આ મુદ્દે લાંબી પોસ્ટ મૂકીને નારાજગી વ્યક્ત કરી હતી. અંગત રીતે એવું લાગ્યું છે કે આ ફિલ્મને યથાતથ રાખીને તેનું ડાયરેક્ટર્સ કટ તરીકે ઓળખાતું ઓરિજિનલ વર્ઝન ‘નેટફ્લિક્સ’ કે ‘પ્રાઈમ વીડિયો’ જેવા પ્લેટફોર્મ પર સીધું જ રિલીઝ કરવા જેવું હતું. હા, આ ફિલ્મને હજી થોડી ટ્રિમ તો કરવા જેવી હતી જ.

***

મર્યાદિત ઓડિયન્સની ખાતરી છતાં અભિષેક ચૌબે અને તમામ કસબીઓ આવા વિષય અને આવી ટ્રીટમેન્ટ સાથેની ફિલ્મ બનાવે એ કાબિલેદાદ છે જ. રિયલ રફ એન્ડ ટફ સિનેમાના બંધાણીઓએ આ ફિલ્મ કોઈપણ ભોગે ચૂકવા જેવી નથી.

X
sonchiriya detailed review by jayesh adhyaru
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી