ફિલ્મ રિવ્યુ / દમદાર એક્ટિંગ, ઉત્તમ સંવાદો અને શાનદાર સંગીતે ફિલ્મ 'કેસરી'માં ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરી 21 બહાદુર શીખ સૈનિકોની શૌર્ય ગાથા

Film review of kesari
Critics:

divyabhaskar.com

Mar 23, 2019, 12:09 PM IST

બોલિવૂડ ડેસ્કઃ ફિલ્મ 'કેસરી' આ શુક્રવારે (21 માર્ચ) રિલીઝ થઈ છે. આ 18મી સદીની સાચી વાર્તા છે. સારાગઢી કિલ્લામાં 21 શીખ સૈનિકોએ 10 હજારથી વધુ અફઘાનો સાથે યુદ્ધ કર્યું અને જીત પ્રાપ્ત કરી હતી. આ ફિલ્મ શીખ સૈન્યની એ જ બહાદુરી અને શક્તિ બતાવે છે. આ ફિલ્મને લઇને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી અને જેમ-જેમ તેનું પોસ્ટર, ટીઝર, ટ્રેલર અને ગીતો રિલીઝ કરવામાં આવ્યા તો દર્શકોમાં આ ફિલ્મ જોવાની જિજ્ઞાસા પણ વધતી ગઈ. તો ચાલો જાણીએ આ ફિલ્મ કેવી છે?

સ્ટોરી

હવલદાર ઈશર સિંહ (અક્ષય કુમાર) એક સૈનિક છે જે યુદ્ધના સંજોગોથી સારી રીતે પરિચિત છે. તેઓ બ્રિટીશ આર્મીની શીખ ટૂકડીના વડા છે, પરંતુ તેઓ અંગ્રેજોના આદેશનું પાલન કરવાનું પસંદ કરતા નથી. તે પોતાના દેશ માટે લડવા માંગે છે. બહાદુર ઇશર સિંહ શિસ્ત અને નમ્રતા સાથે 20 પુરુષોની પોતાની નાનકડી સેનાનું નેતૃત્વ કરે છે. આ દરમિયાન, અફઘાન લશ્કર ભારતના ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં ઘૂસવાની યોજના બનાવે છે અને મુખ્ય સરહદ પર બનેલા સારાગઢી કિલ્લા પર કબજો કરવા માટે પોતાના 10 હજાર સૈનિકો સાથે હુમલો કરી દે છે. સારાગઢી કિલ્લામાં સ્થિત બહાદુર સૈનિકો તેમની સામે લડે છે. અફઘાનીઓને લાગે છે કે તેઓ 21 શીખ સૈનિકોને એક કલાકમાં ખતમ કરી નાંખશે પરંતુ અફઘાનીઓ માટે આ 21 સૈનિકો મોટો પડકાર બની જાય છે. અફઘાનીઓને લાગતું હોય છે કે તેઓ સરળતાથી આ યુદ્ધ જીતી લેશે પણ 21 સૈનિકો તેમના પર ભારે પડે છે.

જ્યારે અફઘાન સૈન્ય હુમલો કરે છે તો એવું લાગે છે કે 21 સૈનિકો મર્યાદિત દારૂગોળો અને હથિયારો સાથે કેવી રીતે લડાઈ કરશે? તેવા સંજોગોમાં અંગ્રેજ સરકાર પણ દારૂગોળો અને અતિરિક્ત બળ મોકલવામાં અક્ષમતા બતાવી દે છે. આવી સ્થિતિમાં, આ શીખ સૈનિકો પાસે છેલ્લા શ્વાસ સુધી લડ્યા સિવાય બીજો કોઇ વિકલ્પ બચતો નથી. ઈશર સિંહ સૈનિકોને પ્રોત્સાહન આપે છે અને કોઈપણ કિંમતે સારાગઢી કિલ્લાને સુરક્ષિત રાખવાનું કહે છે જેથી અફઘાનીઓને ઉત્તરમાં અન્ય બે કિલ્લાઓ ગુસ્તાન અને લોકહાર્ટ પર હુમલો કરવાની તક ન મળે.

કેવી છે ફિલ્મ?

દિગ્દર્શક અનુરાગ સિંહે આ ફિલ્મ પાછળ બહુ મહેનત કરી છે. તેમણે ફિલ્મમાં 1897નો સમયગાળો ફરી બતાવવાનો હતો જે તેમણે ખૂબ સારી રીતે રિક્રિએટ કર્યો છે. કેમેરા વર્ક્સ પણ ઉત્તમ છે. તે જમાનાના શીખ અને તેમના ગણવેશને પડદા પર દર્શાવવાનો પ્રયાસ પણ સફળ રહ્યો છે. તેમ છતાં ફિલ્મનો પ્રથમ ભાગ કંટાળાજનક લાગે એવો છે. ઈન્ટરવલ પછી ફિલ્મ જુસ્સાથી ભરેલી લાગે છે.

અક્ષય કુમારે ઇશર સિંહના પાત્ર સાથે ન્યાય કર્યો છે. તેનો શ્રેષ્ઠ અભિનય ફિલ્મમાં પ્રાણ પૂરાવી ગયો છે. પરિણીતી અને અક્ષયની જોડી પણ સ્ક્રીન પર સારી લાગે છે. ઈશર સિંહની લવ સ્ટોરી પણ ફ્લેશબેકમાં આવતી જતી રહે છે પરંતુ ફિલ્મનો ડ્રોબેક છે કે ફિલ્મમાં પૂરી રીતે ઈશર સિંહ પર જ ફોકસ કરવામાં આવ્યું છે અને બાકીના કેરેક્ટર્સને જોઇએ એટલી સ્પેસ આપવામાં નથી આવી. જો ફિલ્મમાં બાકીના અભિનેતાઓ પર પણ ધ્યાન આપવામાં આવ્યું હોત તો ફિલ્મ વધુ સારી બની શકી હોત. ફિલ્મનું સંગીત અદભુત છે. મૂડ અને વાર્તા મુજબ ગાયકોનો અવાજ બંધબેસે છે.

શા માટે જોવી જોઇએ ફિલ્મ?

આ ફિલ્મ ચોક્કસ જોવી જોઇએ કારણ કે આ આપણા ઇતિહાસનો એક ભાગ છે જેની પર આપણને બધાને ગર્વ હોવો જોઈએ. આ એક એવી વાર્તા છે જે સાચી બહાદુરી અને દેશભક્તિનું પ્રતિબિંબ દર્શાવે છે.

X
Film review of kesari
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી