તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રિમિનલ જસ્ટિસઃ દસ હપ્તામાં પથરાયેલો ટેલેન્ટેડ કલાકારોનો ક્રિમિનલ વેસ્ટેજ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેટિંગઃ 2.5* (અઢી સ્ટાર)

જયેશ અધ્યારુઃ ‘હૂ ડન ઈટ’ પ્રકારની મર્ડર મિસ્ટ્રી ફિલ્મ કે સિરિયલનો પહેલો અને સૌથી મહત્ત્વનો નિયમ એ છે કે મેકર્સ હંમેશાં દર્શકથી બે ડગલાં આગળ રહેવા જોઈએ. દર્શક જે વિચારે તેનાથી અલગ જ ટ્વિસ્ટ વાર્તામાં આવવો જોઈએ. કેમ કે, વાર્તામાં ચાલતા ક્રાઈમ ઈન્વેસ્ટિગેશનની સાથોસાથ દર્શકના ભેજામાં પણ ડિટેક્ટિવગીરી ચાલતી હોય છે. અને હવે દર્શકો પોતે પણ ‘CID’, ‘ક્રાઈમ પેટ્રોલ’ અને દેશી-વિદેશી મર્ડર મિસ્ટ્રી ફિલ્મો-શોઝ જોઈ જોઈને અડધા સવાયા ડિટેક્ટિવ થઈ ગયા છે. ત્યારે હવે પડદા પર ચાલતું ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન એકદમ ફુલપ્રૂફ, સ્માર્ટ અને ફાસ્ટ હોવું અનિવાર્ય છે. પ્રચંડ અફસોસની વાત એ છે કે CID સિરિયલના 90થી વધારે એપિસોડ્સ લખી ચૂકેલા શ્રીધર રાઘવને જ લખેલી નવી વેબ સિરીઝ ‘ક્રિમિનલ જસ્ટિસ’ એ મામલે ચવાયેલી ચ્યુઈંગ ગમની પેઠે મોળી અને ઢીલી સાબિત થાય છે.

વાત થઈ રહી છે નવી નક્કોર હિન્દી વેબ સિરીઝ ‘ક્રિમિનલ જસ્ટિસ’ની. ‘હોટસ્ટાર’ પર રિલીઝ થયેલી આ સિરીઝ સમીર નાયરના ‘એપલોઝ મીડિયા’એ બનાવેલી પહેલી વેબ સિરીઝ છે, જે BBCની આ જ નામની અંગ્રેજી વેબ સિરીઝનું ઈન્ડિયન અડેપ્ટેશન છે. આ સિરીઝને ગંભીરતાથી લેવી પડે તેનું મોટું કારણ એ છે કે એક તો તેમાં ડિરેક્ટર તરીકે તિગ્માંશુ ધુલિયા (2 એપિસોડ્સ), લેખક તરીકે શ્રીધર રાઘવન અને એક્ટર્સ તરીકે જેકી શ્રોફ, વિક્રાંત મેસ્સી અને પંકજ ત્રિપાઠી જેવાં મોટાં નામ છે.

વાર્તાનું પ્રિમાઈસ સિમ્પલ છે. એક સીધોસાદો યુવાન અતિશય ગંભીર કાયદાકીય આંટીઘૂટીમાં ફસાઈ જાય તો? પ્રચંડ અફસોસની વાત એ છે કે મેકર્સે કોઈક ભેદી કારણોસર આ સિરીઝને ખેંચીને ચ્યુઈંગ ગમની પેઠે જ લાંબી કરી નાખી છે. એક તરફ જ્યાં BBCની ઓરિજિનલ સિરીઝ 55 મિનિટનો એક એવા 5 હપ્તામાં પૂરી થઈ જતી હતી, ત્યાં આ સિરીઝને એકાદ કલાકનો એક એવા 10 એપિસોડમાં પાથરી છે. અહીં તો મેઈન વાર્તા પર સબ પ્લોટ્સ હાવી થઈ ગયા છે. એક તરફ ક્રાઈમનું ઈન્વેસ્ટિગેશન અને કોર્ટરૂમ ડ્રામા ચાલે છે, બીજી બાજુ જેલની અંદરની દુનિયાની સમાંતર સરકારો ને તેની લમણાંફોડી ચાલે છે. ત્રણ-ચાર એપિસોડ્સ પછી ધીમે ધીમે મુખ્ય પ્લોટ સાઈડમાં ને જેલનો સબપ્લોટ પોતાના ટાંટિયા લાંબા કરીને મેઈન પ્લોટ બની જાય છે.

એમાંય સૌથી વધુ ફ્રસ્ટ્રેટિંગ વાત એ છે કે મર્ડર મિસ્ટ્રી, કોર્ટરૂમ ડ્રામા, જેલની અંદરની તમામ સિક્વન્સીસ, સામાન્ય મિડલ ક્લાસ પરિવાર પર અચાનક આવી પડતો કોર્ટના ચક્કરનો બોજ ને તેની એમના પર પડતી અસરો… આમાંનું કશું જ આપણા માટે નવું નથી. ઈવન મેકર્સે તેને નવી રીતે બતાવવાનો પ્રયાસ કર્યો. ફોર એક્ઝામ્પલ, જેલની અંદરની ગેંગવોર, ગેરકાયદે પ્રવૃત્તિઓ, નવા સવા કેદી પર ગુજારાતો સિતમ આ બધું જ આપણે શ્રીરામ રાઘવનની ‘એક હસીના થી’, મધુર ભંડારકરની ‘જેલ’, હિરાણીની ‘સંજુ’, માજિદ મજીદીની ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ કે હૉલિવૂડની ‘શોશાંક રિડેમ્પ્શન’ જેવી અઢળક ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ. ‘ક્રિમિનલ જસ્ટિસ’માં એક સામાન્ય ગભરૂ, અંતર્મુખી યુવાનનું રીઢા માણસમાં કમિંગ ઓફ એજ પ્રકારનું ટ્રાન્સફોર્મેશન બતાવવામાં મહેનત કરાઈ છે, જે ડિટ્ટો ‘એક હસીના થી’ જેવું જ છે.

હજી આ એનાકોન્ડા છાપ જેલ સિક્વન્સના સબ પ્લોટ્સને ઉમેરીને મેકર્સને સંતોષ નથી થયો. તે ઉપરાંત એમણે હીરો (વિક્રાંત મેસ્સી)ની બહેન, એનું ફેમિલી ને એના પ્રોબ્લેમ્સ, હીરોનાં પોતાનાં મા-બાપના પ્રોબ્લેમ્સ, એક સામાન્ય વકીલ (સુપર્બ પંકજ ત્રિપાઠી)ની પોતાના પાસ્ટમાંથી મુક્તિ મેળવીને આગળ વધવાની જર્ની, એક યુવા વકીલ (અનુપ્રિયા ગોએન્કા)ની પોતાનાં સિનિયર વકીલ (મીતા વશિષ્ઠ)ની છાયામાંથી બહાર નીકળીને પોતાની ઓળખ બનાવવાની જર્ની વગેરે સબપ્લોટ્સ પણ છે.

ઈવન અહીં કોર્ટરૂમ ડ્રામા પણ ‘જોલી LLB’ કે ‘મેરી જંગ’ ટાઈપનો એન્ગેજિંગ નથી. કે નથી એવી સ્ટ્રોંગ રીતે લખાયો. બંને પક્ષોના વકીલ મારા ગમતા એક્ટર્સ છે, મીતા વશિષ્ઠ અને નિનાદ કામત. પરંતુ અહીં બંને ફિલ્મના મુખ્ય ટ્રેક એવા કોર્ટરૂમ ડ્રામાને પોતાના ખભે ઊંચકવામાં અસમર્થ પુરવાર થાય છે એવું સતત લાગ્યા કરે છે. મીતા વશિષ્ઠ તો જે રીતે દરેક શબ્દ ને છૂટો પાડીને ભાર દઈ દઈને બોલે છે એ જોતાં એમના ડાયલોગ્સ પણ ડબલ સ્પેસ આપીને અને બોલ્ડમાં જ લખાયા હોવા જોઈએ!

આ બધાને પરિણામે એક તો વચ્ચેના મિનિમમ ચારથી પાંચ એપિસોડ્સ કશા જ કારણ વિના ઉમેર્યા હોય તેવું ફીલ થાય છે. વિક્રાંત મેસ્સીના કેરેક્ટરની સાઈકોલોજિકલ જર્ની બતાવવા સિવાય કોઈ જ દેખીતા કારણ વિના ખેંચાયે રાખતી જેલ સિક્વન્સ છેક છેલ્લા એપિસોડના સેકન્ડ લાસ્ટ એપિસોડ સુધી ચાલે છે. અનેક વખત આપણને એવી કીડીઓ ચડે કે આ સિક્વન્સને ફોરવર્ડ કરીને ફરી પાછા મેઈન ટ્રેક પર આવી જઈએ. એક્ચ્યુઅલી, બાય વન ગેટ વન ફ્રી સ્કીમની જેમ આ મુખ્ય મર્ડર મિસ્ટ્રી ડ્રામાની સાથે જેલ સિક્વન્સની સેપરેટ વેબસિરીઝ ફ્રીમાં મળી હોય તેવો કેસ છે!

જો મર્ડર મિસ્ટ્રી અને તેનું ઈન્વેસ્ટિગેશન એકદમ ફોકસ સાથે લખાયું અને એક્ઝિક્યુટ થયાં હોત તો લાં..બી જેલ સિક્વન્સ એટલી બધી કઠી ન હોત. પરંતુ અફસોસ કે એવું થયું નથી. ક્રાઈમ સીન ઈન્વેસ્ટિગેશન, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક રિપોર્ટ, CCTV ફૂટેજ, મોબાઈલ નંબર્સનાં લોકેશન, ફોન કૉલ રેકોર્ડ્સ અને તેનું એનાલિસિસ, વિક્ટિમની આસપાસનાં તમામ લોકોની પૂછપરછ… આમાંનું કંઈ કહેતાં કંઈ એક્સપ્લોર કરવામાં આવ્યું નથી. ઈવન દર્શકોનો ઈન્ટરેસ્ટ જગાવવા માટે સસ્પેક્ટ્સની એન્ટ્રી પણ અત્યંત મોડેથી થાય છે. મર્ડર મિસ્ટ્રીમાં શકમંદ દર્શકોની સામે હોય છતાં એમનું ધ્યાન ન જાય અને છેલ્લે જ્યારે રહસ્યોદઘાટન થાય તે પછી દર્શકોને જે WOWની/શૉકની લાગણી અનુભવાય તેવું છેલ્લી ઘડીએ કોઈ નવા શકમંદની એન્ટ્રી કરાવી દેવાના કિસ્સામાં નથી બનતું. બલકે સ્ક્રીનપ્લે રાઈટિંગની દૃષ્ટિએ પણ તે શોર્ટકટ છે. અરે, અમુક ટ્રેક પણ શરૂ કરીને અધૂરા છોડી દેવાયા છે, યા તો તેનો ઉતાવળે વીંટો વાળી દેવાયો છે. એક જ એક્ઝામ્પલ, મુંબઈ જેવા મોટા શહેરમાં કોઈ ગ્રોસરી સ્ટોરમાંથી ખરીદી કરતી વખતે ગ્રાહકો એવું વિચારતા હશે કે, હાયલા, આ ફેમિલીનો છોકરો તો જેલમાં છે, ના હોં, આપણે અહીંથી ખરીદી ન કરાય?! નાનું શહેર હોય તો વાત કન્વિન્સિંગ લાગે, પરંતુ મુંબઈમાં?!

આમ જોવા જાઓ તો આ આખી સિરીઝ પંકજ ત્રિપાઠી, વિક્રાંત મેસ્સી અને જેકી શ્રોફના ખભા પર ટકેલી છે. ત્રણેયનાં પર્ફોર્મન્સ મસ્ત છે. એક નિર્દોષ, અસ્થમેટિક, આશાસ્પદ, અંતર્મુખી યુવાન, એનો ડર, એની નિરાશા, ફ્રસ્ટ્રેશન... આ બધું જ વિક્રાંત મેસ્સીએ બરાબર રિફ્લેક્ટ કર્યું છે. પરંતુ વિક્રાંત મેસ્સીના ભાગે કશું કરવા કરતાં પરિસ્થિતિને રિએક્ટ કરવાનું વધારે આવ્યું છે. જ્યારે જેકી શ્રોફ પોતાના કમ્ફર્ટ ઝોનમાં છે. એમની પોતાની ‘ભીડુ’ લેંગ્વેજ બોલીને જેલના રીઢા ગુનેગારની (કંઈક અંશે ‘શૉશાંક રિડેમ્પ્શનના મોર્ગન ફ્રીમેન જેવી) ભૂમિકા એમણે સરસ રીતે ભજવી છે. પરંતુ ફ્રેન્ક્લી, એમાં કશું નવું નથી, કે નથી એમના માટે એ જરાય ચેલેન્જિંગ.

અને એટલે જ પંકજ ત્રિપાઠી આખી સિરીઝમાં છવાઈ જાય છે. પરચૂરણ કેસો લઈને એક ચલતા પૂર્જા ટાઈપના વકીલ-માધવ મિશ્રા- ધીમે ધીમે એ આખા કેસમાં ઈન્વોલ્વ થતા જાય અને પોતાના એક જૂના પર્સનલ ગિલ્ટથી છૂટવાની જર્ની પણ કરતા જાય એ જર્ની મસ્ત છે. એ ક્યારેય ગુસ્સે ન થાય, ગમે તેવું અપમાન પણ ધીટની જેમ હસીને ગળી જાય, સત્તા સામે સવાલ/આર્ગ્યુમેન્ટ ન કરે છતાં પોતાની વાતનો તંત ન મૂકે… પંકજ ત્રિપાઠીને એક્ટિંગ કરતા જોવા એ એક અનોખો લાહવો છે. ‘ક્રિમિનલ જસ્ટિસ’માં એમની ભૂમિકા કંઈક અંશે હૉલિવૂડની ‘ઝોડિયાક’ મુવીના જૅક જિલન્હાલની યાદ અપાવી દે છે. જો પંકજ ત્રિપાઠી ન હોત તો આ સિરીઝ પૂરી કરવી અઘરી બની ગઈ હોત.

યંગ વકીલ તરીકે અનુપ્રિયા ગોએન્કા (જે સલમાન ખાનની સાથે ‘ટાઈગર ઝિંદા હૈ’માં નર્સના રોલમાં હતી), વિક્રાંત મેસ્સીની બહેન તરીકે રુચા ઈનામદાર, આ કેસની તપાસ કરનારા પોલીસ અધિકારી તરીકે રાઈટર/એક્ટર પંકજ સારસ્વત વગેરેની એક્ટિંગ પણ સરસ છે, પરંતુ અગેઈન, જેલના સબ પ્લોટે એમની મહેનત પરથી ફોકસ હટાવી દીધું છે.

‘ક્રિમિનલ જસ્ટિસ’ અતિશય લાંબી, માઈલ્ડ એન્ટરટેનિંગ, કારણ વિનાની સ્લો, મર્ડર મિસ્ટ્રીની દૃષ્ટિએ એવરેજ અને ટેલેન્ટેડ અદાકારોનો ક્રિમિનલ વેસ્ટેજ છે. એકાદ રજાના દિવસે ફુરસમાં જોવી હોય તો જોઈ શકાય એવી આ સિરીઝ ‘બિન્જ વોચ’ વર્ધી એટલે કે એક એપિસોડ જોયા પછી બીજો એપિસોડ જોવાની તલબ લાગે એવી તો જરાય નથી.

P.S. હવે આપણા ફિલ્મમેકર્સે, વેબ સિરીઝના રાઈટર્સે પોતાની સ્ટોરીના સંદર્ભે વચ્ચે વચ્ચે ન્યૂઝ ચેનલ્સનાં ટિપિકલ શોટ્સ, મીડિયા ટ્રાયલ, વાર્તા સાથે સંકળાયેલા લોકોની પાછળ બૂમ માઈક લઈને દોડતા પત્રકારો, સ્થળ પરથી એમની કેમેરા બાઈટ્સ વગેરે બધું બતાવવાનો મોહ છોડી દેવો જોઈએ. એ હવે બોલિવૂડનો નવો ક્લિશે બની ગયો છે!

અન્ય સમાચારો પણ છે...