ફિલ્મ રિવ્યૂ / 1917: સેનાના સંદેશાવાહકોની હિંમતની દાસ્તાન રજૂ કરતી ફિલ્મ

1917: A film depicting the courage of army messengers

Divyabhaskar.com

Jan 16, 2020, 02:58 PM IST
ફિલ્મ રિવ્યૂ 1917
રેટિંગ 4.5/5
સ્ટાર કાસ્ટ ડીન ચાર્લ્સ ચેપમેન, જ્યોર્જ મેક, ડેનિયલ માયેસ
ડિરેક્ટર સેમ મેન્ડિસ
પ્રોડ્યૂસર નીલ સ્ટ્રીટ પ્રોડક્શન, એમ્બલિન પાર્ટનર્સ, ડ્રીમવર્ક્સ પિક્ચર્સ, ન્યૂ રિપબ્લિક પિક્ચર્સ
સંગીત થોમસ ન્યૂમેન
જોનર ડ્રામા, વોર

અમિત કર્ણ, મુંબઈઃ ઓસ્કર નોમિનેશનમાં સામેલ થયેલ અને ગોલ્ડન ગ્લોબ અવોર્ડ જીતનારી ફિલ્મ ‘1917’ ભારતમાં 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ પહેલાં વિશ્વયુદ્ધમાં જર્મન સેનાએ હિડેનબર્ગ લાઈનથી પીછેહઠ કરી તેના પર આધારિત છે. સેનાના સંદેશાવાહકોની હિંમત આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. સૈનિકોએ આર્મી ટ્રેન્ચ એટલે કે સુરંગમાં લડાઈ લડી હતી. તે ટ્રેન્ચની બહાર હજારો સૈનિકો શહીદ થયા હતાં. સેમ મેન્ડેસે પોતાની પહેલી ફિલ્મ ‘અમેરિકન બ્યૂટી’ માટે ઓસ્કર અવોર્ડ જીત્યો હતો. સેમે જ ‘1917’ને ડિરેક્ટ કરી છે. ‘1917’ની વાર્તા સેમના દાદાની છે. તેઓ બ્રિટિશ આર્મીમાં સંદેશાવાહક તરીકે કામ કરતાં હતાં.

ફિલ્મ મૂળ રૂપે બે અંગ્રેજ સંદેશાવાહક સૈનિકો બ્લેક તથા સ્કોફીલ્ડની સફર પર આધારિત છે. તેમણે ચાલીને એક મહત્ત્વપૂર્ણ પત્રને એક છેડેથી બીજે છેડે સવાર પડે તે પહેલાં પહોંચાડવાનો હોય છે. સફર ઘણી જ મુશ્કેલ હોય છે. તેમણે સુરંગ, મેદાની વિસ્તાર, જંગલમાંથી પસાર થવાનું હોય છે, અહીંયા સતત ચોકી પહેરો હોય છે અને તેમના જીવને જોખમ હોય છે. આમ તો જર્મન સૈન્યે આ યુદ્ધ વિસ્તાર ખાલી કરી દીધો હોય છે પરંતુ ખરી રીતે આ એક ષડયંત્ર હોય છે. જર્મન સેના ઈચ્છતી હોય છે કે 1600થી વધુ બ્રિટિશ સૈનિકો તેમની હુમલો કરે અને તેઓ તમામને નેસ્તાનાબૂદ કરે. હવે, સંદેશાવાહક બ્લેક તથા સ્કોફીલ્ડ જર્મન સૈન્યના ષડયંત્રથી પોતાના સાથીઓને બચાવી શકે છે કે નહીં, તેના પર ફિલ્મ છે.

બ્લેકનો રોલ ડીન ચાર્લ્સ ચેપમેને પ્લે કર્યો છે. આ પહેલાં તે ‘ગેમ ઓફ થ્રોન્સ’ને કારણે લોકપ્રિય થયો હતો. તેની એક્ટિંગમાં લિયોનાર્દોની સ્ટાઈલ ઓફ એક્ટિંગની ઝલક જોવા મળે છે. સંદેશો પહોંચાડવો તેના માટે જરૂરી છે, કારણ કે વેસ્ટર્ન ફ્રંન્ટના અંતિમ છેડે તેના ભાઈનો જીવ જોખમમાં હોય છે. તે પોતાના સાથી સ્કોફીલ્ડની સાથે જે રસ્તેથી પસાર થાય છે ત્યાં હજારો સૈનિકોની લાશો પડેલી હોય છે. તે લાશોને ઉંદરો ખોતરી રહ્યાં હોય છે. ઉપર આકાશમાં ફાઈટર પ્લેન એકબીજા સાથે લડી રહ્યાં હોય છે. આ તમામની વચ્ચે તેમની સમજદારી તથા હાજરજવાબીપણું તેમને બચાવીને રાખે છે. બ્લેક પોતાના સાથી સ્કોફીલ્ડનો જીવ પણ બચાવે છે.

ફિલ્મનો સ્ક્રીનપ્લે શાર્પ છે. શાનદાર કેમેરા વર્ક તથા અસરકારક બેકગ્રાઉન્ડ સ્કોરને કારણે ફિલ્મ જોવાની મજા આવે છે. ત્રણેયે સાથે મળીને ફિલ્મને પ્રભાવિત કરી છે. આખી ફિલ્મ બે સંદેશાવાહકોની સફર બતાવે છે. આસપાસ માત્ર સૈનિકોનો કાફલો જોવા મળે છે. જોકે, ફિલ્મ એક સેકન્ડ માટે પણ કંટાળાજનક લાગતી નથી. લડાઈને કારણે યુદ્ધ પ્રભાવિત વિસ્તારોની જે દુર્ગતિ થાય છે, તેને સિનેમેટોગ્રાફર રોજર ડિકન્સેએ કેમેરામાં બખૂબી કેપ્ચર કર્યાં છે. પૂરી ફિલ્મમાં સંદેશાવાહક સુરંગમાંથી પસાર થાય છે, જે મોટી, સાંકળી, ખુલ્લી હોય છે. તેમાં પહેલેથી જ અનેક સૈનિકો લાઈનમાં ઊભા હોય છે. તેઓ પોતાના મૃત સૈનિકોને દફનાવતા હોય છે. આમાંથી પસાર થઈને બ્લેક અને સ્કોફીલ્ડે જવાનું હોય છે. આમાંથી પસાર થવું ઘણું જ મુશ્કેલ હોય છે.

ફિલ્મ જોતા ક્લેસ્ટરફોબિક એટલે કે શ્વાસ રૂંધાતો હોય તેવી ફીલિંગ આવે છે. વચ્ચે એક ગામમાં જર્મનીના જંગી વિમાનો સળગીને નીચે પડતા હોય તેવો એક શોટ છે. ફિલ્મ 3Dમાં નથી પરંતુ તેમ છતાંય એમ લાગે છે કે વિમાન સીધા પડદાંમાંથી ઉતરીને દર્શકો પર આવી રહ્યાં છે. જેવી રીતે ‘બર્ડમેન’ના તમામ પાત્રોને સિંગલ ટેકમાં શૂટ કરવામાં આવ્યા હતાં, તે જ રીતે સેમ મેન્ડેસે અહીંયા પણ આ જ રીતે કર્યું છે. સંદેશાવાહકોની સફર, અસ્ત-વ્યસ્ત લાશો પડેલાં વિસ્તારો અને વિમાની હુમલાઓ પણ તેમણે સિંગલ ટેકમાં જ શૂટ કર્યાં હોય તેમ લાગે છે. સૌથી મોટી વાત એ છે કે આ ફિલ્મ યુદ્ધના અંજામને લઈ ચેતવણી આપે છે. આમાંથી બોધપાઠ લેવાનું કામ દેશોનું છે. ઈરાની જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદથી યુદ્ધના અંદેશામાં જીવતી આ દુનિયાએ કોઈ બોધપાઠ લીધો હોય તેમ લાગતું નથી.

X
1917: A film depicting the courage of army messengers

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી