નવી ફિલ્મ / જિંદગી એક વીડિયો ગેમ ને આપણે સહુ પ્લેયર્સ, રમો ત્યાં સુધી લડો અને જીતો!

Game over movie review

Divyabhaskar.com

Jun 18, 2019, 09:57 PM IST

જયેશ અધ્યારુઃ ફિલ્મ જ્યારે સ્ટાર્સના હાથીછાપ ભારથી મુક્ત હોય ત્યારે ડિરેક્ટરને એક્સપરિમેન્ટ કરવાની હળવાશ મળી જાય છે. એને જે તે સ્ટાર્સના ચોક્કસ ચાહકવર્ગોને ખુશ કરવા માટે સોંગ્સ-આઈટેમ સોંગ્સ-લવ ટ્રેક વગેરે મૂકવાની ગરજ કે ફરજ રહેતી નથી. આવી છૂટ મળે એટલે અશ્વિન સર્વનન જેવા ડિરેક્ટર એક જ ફિલ્મમાં અલગ અલગ ફિલ્મપ્રકારો ઝોન્‌રા સાથે એક્સપરિમેન્ટ કરે. આવી એકથી વધુ એક્સપરિમેન્ટવાળી ફિલ્મ એટલે 14 જૂને રિલીઝ થયેલી તાપસી પન્નુ સ્ટારર ‘ગેમ ઓવર’.

આમ તો આ તમિળ મુવી છે, પરંતુ તે હિન્દી અને તેલુગુમાં પણ ડબ થઈની આવી છે. ડોન્ટ વરી, આ ફિલ્મના ડબિંગમાં મેકર્સ પણ સામેલ છે એટલે તાપસીનો અવાજ તાપસીએ પોતે જ આપ્યો છે. બાકીના કોઈ કહેતા કોઈ ચહેરા જાણીતા નથી એટલે એમનો અવાજ આપણા માટે બહુ ચિંતાનો વિષય પણ નથી. જોકે ઈન્ટરેસ્ટિંગ વાત એ પણ છે કે ચિંતા કરવા માટે આ ફિલ્મમાં ખાસ ઝાઝા ચહેરા પણ નથી!


ફિલ્મી બાનીમાં વાત કરીએ તો ‘ગેમ ઓવર’ એ ‘હોમ ઈન્વેઝન’ ટાઈપની થ્રિલર મુવી છે. યાને કે એક વ્યક્તિ ઘરમાં ઓલમોસ્ટ એકલી હોય અને બહારથી કોઈ ચોર, લૂંટારુ, હત્યારા વગેરેનો હુમલો થાય. આ પ્રકારમાં આપણે અગાઉ ઉર્મિલા માતોંડકર-મનોજ બાજપાઈ સ્ટારર ‘કૌન’ જોઈ ચૂક્યા છીએ. હોલિવૂડમાં આ જ ઝોન્‌રાને કોમેડી સ્પિન આપીને નેવુંના દાયકામાં સુપરહીટ ક્રિસ્મસ મુવી ‘હોમ અલોન’ બની હતી. પરંતુ અહીં ડિરેક્ટર અશ્વિન સર્વનન અને સહ-લેખિકા કાવ્યા રામકુમારે હોમ ઈન્વેઝનની થીમ પર એકથી વધુ પ્રકારનાં પડ ચડાવ્યાં છે. જેમ કે, આ ફિલ્મ જોતાં જોતાં તમને ‘ફાઉન્ડ ફૂટેજ’ ટાઈપની ‘પેરાનોર્મલ એક્ટિવિટી’ (આપણે ત્યાંની ‘લવ સેક્સ ઔર ધોખા’ અને ‘રાગિણી MMMS’) કે ‘બ્લેરવિચ પ્રોજેક્ટ’ જેવી ફિલ્મો યાદ આવે. નિર્દોષોની હત્યા કરવામાં પાશવી આનંદ લેતા સાઈકો સિરિયલ કિલર્સ પર બનેલી ફિલ્મો યાદ આવે અને ઘરમાં ચડી આવીને હાહાકાર મચાવતા તોફાનીઓ પર બનેલી સ્ટેનલી કુબરિકની ‘ક્લોકવર્ક ઓરેન્જ’ કે કિઆનુ રિવ્સને ચમકાવતી ‘નૉક નૉક’ કે એના જેવી અનેક હોમ ઈન્વેઝન ફિલ્મો યાદ આવી જાય.

ઘરમાં વલ્નરેબલ સ્થિતિમાં એકલી રહેતી યુવતીને કેન્દ્રમાં રાખીને બનેલી રાધિકા આપ્ટેની ‘ફોબિઆ’ કે નાનકડી ક્યુટ ટેણીને લઈને ડિરેક્ટર વિનોદ કાપડીએ બનાવેલી થ્રિલર ફિલ્મ ‘પિહુ’ના શૅડ્સ પણ આ ‘ગેમ ઓવર’માં જોવા મળે.

પ્લસ, દિમાગની ગલીકૂંચીઓમાં આંટાફેરા કરતી સાઈકોલોજિકલી થ્રિલિંગ મોમેન્ટ્સ પણ આ ફિલ્મમાં પાર વિનાની છે. આ ઉપરાંત સહેજ સુપરનેચરલ એલિમેન્ટનો વઘાર પણ ખરો.

આ બધાં જ એક્સપરિમેન્ટ હોવા છતાં આ ફિલ્મમાં માત્ર તાપસી અને બીજાં બે-ચાર કેરેક્ટર જ દેખાય છે. એકેય સોંગ પણ નહીં. તેમ છતાં ફિલ્મ વોન્લી 103 મિનિટમાં જ આપણને ડરાવી, હચમચાવી, વિચારતા કરીને પૂરી થઈ જાય છે.
વાર્તા માત્ર એટલી જ છે કે અંધારાનો ફોબિયાની હદે ડર ધરાવતી અને આત્મહત્યાના મનસૂબા ધરાવતી એક વીડિયો ગેમ ડિઝાઈનર સપના (તાપસી પન્નુ) પોતાની કામવાળી સાથે ઘરમાં એકલી છે. ત્યાં કોઈ સાઈકો સિરિયલ કિલર એનો ઘડો લાડવો કરી નાખવા માટે ત્યાં ધસી આવે છે. હવે, તાપસી તેનાથી બચી શકે છે કે કેમ તે આપણે 103 મિનિટની આ ફિલ્મમાં જોવાનું રહે.

લેકિન, કોઈ પૂછે કે પણ તાપસીના કેરેક્ટરને અંધારાનો આટલો બધો ડર શું કામ છે? એને આપઘાતના વિચારો પણ શું કામ આવે છે? તો તેની પાછળ એક બૅક સ્ટોરી છે. વળી, એક પ્રેતાત્માની પણ સંભવિત વાત છે જે ‘કદાચ’ અહીંયા એન્ટ્રી મારે છે. ‘કદાચ’ એટલા માટે કેમ કે, ડિરેક્ટરે તે આપણા પર છોડ્યું છે. અને હા, આ નાયિકાનું નામ ‘સપના’ છે, એની પાછળ પણ ત્રણેક થિયરીઓ છે. અને એ ત્રણેક થિયરીઓ પાછળ નાયિકાનું પ્રોફેશન-વીડિયો ગેમ ડિઝાઈનર-પણ જવાબદાર છે!

કન્ફ્યુઝ્ડ? વેલ, થયા હો તો અભિનંદન! ડિરેક્ટર એ જ ઈચ્છે છે, કે આપણે જાતભાતની શક્યતાઓ વિશે માથું ખંજવાળતા રહીએ. ફિલ્મમાંથી બહાર નીકળ્યા પછી ‘ઈન્સેપ્શન’ની જેમ એક્ઝેક્ટ્લી થયું શું એની ચર્ચા કરતા રહીએ!


‘ગેમ ઓવર’ ફિલ્મ જોવાનો બીજો એક પોઈન્ટ ઓફ વ્યૂ પણ છે. ફિલ્મની નાયિકા અતિશય વલ્નરેબલ/અસહાય સ્થિતિમાં છે. તે એક સાથે પોતાની અંદરના અને બહારના ભય/રાક્ષસોથી ડરી/લડી રહી છે. ચારેકોર પ્રવર્તતી એક મેન્ટાલિટી સામે પણ લડી રહી છે. આ ફિલ્મનાં જે સ્ટ્રોન્ગેસ્ટ પાત્રો છે તે તમામ સ્ત્રીઓ છે. જે પુરુષો છે તે કાં તો મદદ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ એક્ઝેક્ટ્લી મદદ નથી કરી શકતા, અથવા સ્ત્રીઓને માત્ર ઓબ્જેક્ટ તરીકે જુએ છે યા તો તેના પર પારાવાર દમન ગુજારવામાં જ માને છે. આ છેલ્લી કેટેગરીના પુરુષોનો તો ફિલ્મમાં ચહેરો પણ નથી બતાવવામાં આવ્યો. જાણે કે તે દુનિયાને કહેવા માગતા હોય કે આવા ચહેરા વિનાના આતતાયી પુરુષો આપણા સમાજમાં આપણી વચ્ચે જ વસે છે ને તેમનો ચહેરો કોઈપણ હોઈ શકે. અને એક તબક્કે તાપસીનું કેરેક્ટર ફિલ્મમાં બહુ સ્પષ્ટપણે બોલે છે કે, ‘મરવાનું/હારવાનું હોય તો ભલે, પણ છેલ્લી ઘડી સુધી ફાઈટ કરીશું.’ આઈ થિંક આ ફિલ્મનો સેન્ટ્રલ વિચાર છે.

તાપસી અત્યારના હાઈટેક સમયની વીડિયો ગેમ ડિઝાઈનર હોવા છતાં તે પૅકમેન-કોન્ટ્રા જેવી એંસી-નેવુંના દાયકાની વીડિયો ગેમ્સની ફૅન છે. ઈન ફેક્ટ કે સતત પૅકમેન ગેમ રમ્યા કરે છે, જેમાં કેટલાક દૈત્યોથી ભાગીને પોઈન્ટ્સ એકઠા કરવાની ચેલેન્જ હોય છે. રિયલ લાઈફમાં પણ તાપસીનું કેરેક્ટર એ જ કરી રહ્યું છે, તે જમાના જૂના દૈત્યો સામે લડવાને બદલે ભાગી રહ્યું છે. અધૂરામાં પૂરું તાપસી અડધી ફિલ્મે બંને પગે પ્લાસ્ટર સાથે વ્હીલચેર પર આવી જાય છે, જેથી તે વધુ અસહાય સ્થિતિમાં આવી પડે છે.


હેન્ડિકેમના ફૂટેજમાંથી લેવાયેલી ફિલ્મની શરૂઆતની થોડી મિનિટો ખરેખર ડરામણી છે. એક દૃશ્યમાં ડિરેક્ટર આપણને અલ્ફ્રેડ હિચકોકની ‘સાઈકો’ ફિલ્મના શાવર-કર્ટન સીનની પણ યાદ અપાવી દે છે. સ્ટાર્ટિંગમાં જ માત્ર શ્વાસના અવાજ અને થથરાવી મૂકે તેવી હરકતથી આપણને અજ્ઞાત સિરિયિલ કિલર કેવો ભયાનક છે તેનો ખ્યાલ આપી દે છે.


આખી ફિલ્મમાં ગણીને ચારેક લોકેશન અને એમાંય મોટા ભાગનો સમય તો એક ઘરની અંદર જ. મહત્ત્વનાં પાત્રો પણ પાંચથી વધારે નહીં. ફિલ્મમાં એકેય ગીત પણ નહીં. તેમ છતાં આ ફિલ્મ આપણને સતત-આખો સમય ટટ્ટાર રાખે છે, એમાં ફિલ્મની મસ્ત સિનેમેટોગ્રાફી, ઐન મૌકે પર કટ્ થતું ફિલ્મનું મુશ્કેટાટ એડિટિંગ, એક મસાલા થ્રિલર ફિલ્મને છાજે એવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો છે જ, લેકિન સૌથી ઉપર આવે તાપસી પન્નુની એકદમ સિન્સિયર, અસરદાર એક્ટિંગ. ફિલ્મના મોટા ભાગનાં દૃશ્યોમાં તાપસી છવાયેલી છે. આ બધાની મિલી-જુલી અસરને કારણે તાપસીનો અંધારાનો ડર થિયેટરના સ્ક્રીનમાંથી નીકળીને સીધો આપણા દિમાગમાં પણ ઘૂસી જાય છે.


એક જગ્યાએ મૅકર્સે ખતરનાક સ્કેર જમ્પ/હાયકારો નીકળી જાય તેવો ડરામણો આંચકો મૂક્યો છે. એ ઉપરાંત બીજા એક સીનમાં ફિલ્મનું એક પાત્ર ત્રીજા માળેથી જમ્પ મારે છે. કોઈ પણ કટ વિના શૂટ થયેલો એ સીન મેં જોયેલી ફિલ્મોમાંનો આ પ્રકારનો બેસ્ટ સીન છે (એકેય કટ વિના શૂટ થતો એવો જ એક સીન સાઉથ કોરિયન ફિલ્મ ‘મેન ફ્રોમ નોવ્હેર’માં અને એટલે તેના પરથી બનેલી હિન્દી રિમેક ‘રોકી હેન્ડસમ’માં પણ હતો).


એક સીધી લીટીમાં જતી ફિલ્મની વાર્તાને વળ ચડાવવા માટે ડિરેક્ટરે ‘મેમોરિયલ ટેટૂ’ અને ‘એનિવર્સરી રિએક્શન સિન્ડ્રોમ’ જેવા ઈન્ટરેસ્ટિંગ કન્સેપ્ટનું પૂરણ ભર્યું છે. લેકિન ફિલ્મમાં અધવચ્ચે ટપકી પડતો એક ઈમોશનલ એન્ગલ થોડો ખેંચાયેલો અને વધુ પડતો લાગે છે. બાય ધ વે, ફિલ્મમાં તાપસી અને તેના ઘરમાં કામ કરતાં બેન કલમ્મા (વિનોદિની વૈદ્યનાથન) વચ્ચેની મા-દીકરી જેવી એકદમ ઈન્ફોર્મલ રિલેશનશિપ એક નવો જ રિફ્રેશિંગ ચેન્જ છે.


તેમ છતાં એકેય પરિબળ એવું નથી જે આ ફિલ્મને મસ્ટ વૉચની કેટેગરીમાંથી પદભ્રષ્ટ કરી શકે. થ્રિલર, સાઈકોલોજિકલ થ્રિલર, હોમ ઈન્વેઝન, સાઈકો સિરિયલ કિલર્સ અને કરોડરજ્જુને વાઈબ્રેટ મોડમાં મૂકીને દિમાગને સુપર એક્ટિવ કરી મૂકે તેવી ફિલ્મો જોવાના શોખીનોએ જરાય ન ચૂકવા જેવી ફિલ્મ એટલે આ ‘ગેમ ઓવર’. ઓવર એન્ડ આઉટ!

X
Game over movie review

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી