આપવીતી / રમકડું ગળી જતા બે વર્ષની દીકરીનું નિધન, ટીવી એક્ટર પ્રતીશ વોરાએ જણાવ્યું કેવી રીતે બનાવ બન્યો હતો

TV Actor Pratish Vora said they tried to save daughter but failed
X
TV Actor Pratish Vora said they tried to save daughter but failed

  • પ્રતીશ ટીવી શો 'પ્યાર કે પાપડ'માં કામ કરે છે
  • સાત મેના રોજ બે વર્ષની દીકરીનું  નિધન થયું

divyabhaskar.com

May 15, 2019, 05:23 PM IST

મુંબઈઃ ટીવી સિરિયલ 'પ્યાર કે પાપડ'ના એક્ટર પ્રતીશ વોરાની બે વર્ષીય દીકરીનું નિધન સાત મેના રોજ થયું હતું. એક્ટરની દીકરી રમતા રમતા રમકડું ગળી ગઈ હતી. હવે, પ્રતીશે દીકરીના આકસ્મિક નિધન અંગે વાત કરી હતી. પ્રતીશે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કેવી રીતે દીકરીના મોંમાંથી રમકડું બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેને બચાવી શક્યા નહીં.

બચાવવાનો પ્રયાસ કર્યો હતો
એક્ટરે કહ્યુ હતું, 'અમે ઘરે કેટલાંક મિત્રો સાથે પિત્ઝા ખાતા હતાં. મારી દીકરી તથા પત્ની મુંબઈમાં નહીં પણ રાજકોટમાં રહે છે. તેઓ છેલ્લાં 10 દિવસથી વેકેશન કરવા આવ્યા હતાં. જ્યારે મારી દીકરી રમકડાંનો એક ભાગ ગળી ગઈ તો મેં તરત જ મોંમાં હાથ નાખીને રમકડું કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દીકરીએ મને હાથ પર જોરથી બચકું ભર્યું હતું. મને લાગે છે કે તે ઘણી જ ડરી ગઈ હતી. આટલીવારમાં રમકડું અંદર જતું રહ્યું હતું અને મારો હાથ ત્યાં સુધી પહોંચી શકે એમ નહોતો. હું માનું છું કે આ બધું થોડીક જ ક્ષણોમાં બની ગયું હતું. હું અને મારી પત્ની તાત્કાલિક મીરા રોડ પર આવેલી હોસ્પિટલમાં ગયા હતાં. જોકે, રસ્તામાં જ દીકરીના મોંમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ડોક્ટરે લોહી તો બંધ કરી દીધું પરંતુ તેના હૃદયના ધબકારા અનિયમિત થઈ ગયા હતાં. થોડીવાર બાદ અમને કહેવામાં આવ્યું કે દીકરી નોર્મલ છે પરંતુ 24-48 કલાક અન્ડર ઓબર્ઝવેશનમાં રાખવામાં આવશે.'

રાતના એક વાગે નિધન થયું
પ્રતીશે આગળ કહ્યું હતું, 'થોડીવાર બાદ ફરીથી દીકરીના મોંમાંથી લોહી આવવા લાગ્યું હતું અને હાર્ટબીટ અનિયમિત થઈ ગયા હતાં. ડોક્ટરે રાતના એક વાગ્યા સુધી દીકરીને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો પરંતુ તે બચી શકી નહીં. અમે દીકરીનાં પાર્થિવ દેહને લઈ રાજકોટ આવ્યા હતાં અને અહીંયા અંતિમ સંસ્કાર કર્યાં હતાં.'

હાલમાં રાજકોટમાં છે
એક્ટરે કહ્યું હતું, 'હાલમાં હું રાજકોટમાં જ છું. મારી પત્નીએ કામ પર જવાની શરૂઆત કરી છે. હવે મારી પત્ની જ મારી સૌથી મોટી જવાબદારી છે. સાચું કહું તો હું રડી પણ શકતો નથી. જોકે, મારી પત્ની ઘણી જ હિંમતવાન છે અને આશા છે કે આ દુઃખમાંથી તે બહાર આવી જશે. લગ્નના 13 વર્ષ બાદ દીકરીનો જન્મ થયો હતો પરંતુ ભગવાને બે જ વર્ષમાં પાછી બોલાવી લીધી.' ઉલ્લેખનીય છે કે પ્રતીશે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' તથા 'ક્રાઈમ પેટ્રોલ'માં કામ કર્યું છે. હાલમાં પ્રતીશ 'પ્યાર કે પાપડ'માં નંદુ ગુપ્તાનો રોલ કરી રહ્યો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી