હોલિવૂડ / માર્વેલ અને સોની પિક્ચર્સના ‘છૂટાછેડા’, હવે માર્વેલ સિનેમેટિક યુનિવર્સની એકેય ફિલ્મમાં સ્પાઈડર મેન નહીં દેખાય

Spider-Man no longer part of the Marvel Cinematic Universe

  • માર્વેલની પેરેન્ટ કંપની ડિઝની અને સોની પિક્ચર્સ વચ્ચે ફાઈનાન્સના મુદ્દે વિવાદ સર્જાતાં કરાર ભંગ થયો
  • માર્વેલ સ્ટુડિયોઝના સુપરહીરો સાથે સ્પાઈડર મેનની પાંચ ફિલ્મો આવી ચૂકી છે
  • હવેની સ્પાઈડર મેનની ફિલ્મોને માર્વેલ સિનેમેટિક યુનિવર્સ સાથે કોઈ સંબંધ નહીં હોય
     

Divyabhaskar.com

Aug 21, 2019, 03:39 PM IST

બોલિવૂડ ડેસ્કઃ સુપરહીરો ફિલ્મ સિરીઝ ‘અવેન્જર્સ’માં ઐન મૌકે પર ક્યાંકથી ‘સ્પાઈડર મેન’ ટપકી પડે અને થિયેટરમાં બેઠેલી પબ્લિક હરખની ચિચિયારીઓ પાડી ઊઠે એ દિવસો ભૂતકાળ થઈ જવાની તૈયારીમાં છે. બુધવાર 21 ઓગસ્ટની બપોરે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં છેલ્લા ચોવીસ કલાકથી સોશિયલ મીડિયામાં ‘સેવ સ્પાઈડર મેન’ હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યો છે. માઠા ન્યૂઝ એવા છે કે હોલિવૂડની દિગ્ગજ ફિલ્મ પ્રોડક્શન કંપનીઓ ‘ડિઝની’ અને ‘સોની પિક્ચર્સ’ વચ્ચે વાંધો પડ્યો છે. તેના પરિણામ સ્વરૂપે ‘માર્વેલ સિનેમેટિક યુનિવર્સ’ની આગામી એકેય ફિલ્મમાં સ્પાઈડર મેનનું પાત્ર નહીં દેખાય તેવી જાહેરાત કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે ‘માર્વેલ સ્ટુડિયોઝ’ એ ‘વૉલ્ટ ડિઝની સ્ટુડિયોઝ’નો જ એક ભાગ છે, જ્યારે ‘સ્પાઈડર મેન’ કેરેક્ટરનું લાઇસન્સ ‘સોની પિક્ચર્સ’ પાસે છે. અમેરિકન સમય પ્રમાણે મંગળવારે ‘ડેડલાઈન’ નામની હોલિવૂડના ન્યૂઝ આપતી વેબસાઈટે આ માઠા ન્યૂઝ બ્રેક કર્યા હતા. સોની પિક્ચર્સ તરફથી આ સમાચારની પુષ્ટિ પણ આવી ગઈ છે.

ફાઈનાન્સના મુદ્દે વાંકું પડ્યું

આમ થવા પાછળ એક કારણ તરીકે માર્વેલ સ્ટુડિયોઝના પ્રેસિડન્ટ કેવિન ફિજના અતિવ્યસ્ત હોવાનું કારણ અપાયું હતું. પરંતુ ‘ડેડલાઈન’ વેબસાઈટના જણાવ્યા પ્રમાણે સોની અને ડિઝની વચ્ચે ફાઈનાન્સિંગ અગ્રીમેન્ટના મુદ્દે વાંકું પડ્યું છે. ડિઝનીએ આગામી સ્પાઈડર મેન મુવીઝ (સોલો અને માર્વેલ સિનેમેટિક યુનિવર્સ બંને પ્રકારની ફિલ્મો) માટે સોની સમક્ષ 50/50 કો-ફાઈનાન્સિંગ અરેન્જમેન્ટની ઑફર મૂકી હતી, જેને સોનીએ ફગાવી દીધી. તેના બદલામાં સોની કોઈ ફાઇનાન્સના મુદ્દે નવી ઑફર લઈને આવ્યું, જેમાં ડિઝની સહમત ન થયું. ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે સોનીએ આપેલા નિવેદનમાં તેમણે આ નિર્ણય ડિઝનીનો હોવાનું જણાવ્યું છે.

સ્પાઈડી અને MCU: ચાર વર્ષનો સાથ

‘માર્વેલ સિનેમેટિક યુનિવર્સ’ (MCU) તરીકે ઓળખાતી સુપરહીરો સિરીઝની ફિલ્મોમાં સ્પાઈડર મેનની એન્ટ્રીને ચાહકો સૌથી રોમાંચક ઘટના ગણાવી રહ્યા હતા. ફેબ્રુઆરી, 2015માં માર્વેલ અને સોની પિક્ચર્સની ડિઝની સાથેની પાર્ટનરશિપની જાહેરાત પછી 2016માં આવેલી ફિલ્મ ‘કેપ્ટન અમેરિકાઃ સિવિલ વૉર’થી સ્પાઈડર મેનની MCUમાં સત્તાવાર એન્ટ્રી થઈ હતી. ત્યાર પછી ‘અવેન્જર્સઃ ઈન્ફિનિટી વૉર’ (2018) અને ‘અવેન્જર્સઃ એન્ડગેમ’ (2019)માં પણ સ્પાઈડર મેનની મહત્ત્વની ભૂમિકા હતી. આ ઉપરાંત આ પાર્ટનરશિપ હેઠળ સ્પાઈડરમેનની બે સ્ટેન્ડઅલોન ફિલ્મો ‘સ્પાઈડર મેનઃ હોમકમિંગ’ (2017) અને ‘સ્પાઈડરમેનઃ ફાર ફ્રોમ હોમ’ (2019) પણ રિલીઝ થઈ હતી. આ તમામ ફિલ્મોમાં અભિનેતા ટોમ હોલેન્ડે સ્પાઈડર મેનની ભૂમિકા ભજવી હતી. અવેન્જર્સ ઉપરાંત સ્પાઈડર મેનની બંને સ્ટેન્ડઅલોન ફિલ્મોએ સોની પિક્ચર્સની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં પણ સ્થાન મેળવ્યું હતું.

MCU કનેક્શન વિનાની સ્પાઈડર મેન ફિલ્મો

હોલિવૂડના બાશિંદાઓ કહી રહ્યા છે કે અત્યારે સ્પાઈડર મેનને કેન્દ્રમાં રાખીને બે ફિલ્મો બની રહી છે. જો ડિઝની અને સોની પિક્ચર્સના આ ‘છૂટાછેડા’માં કોઈ સુખદ યુ-ટર્ન નહીં આવે તો સ્પાઈડર મેનની ફિલ્મો ‘માર્વેલ સિનેમેટિક યુનિવર્સ’ સાથેના કોઈપણ જાતના કનેક્શન વિના રિલીઝ થશે. યાને કે તેમાં યંગ પીટર પારકર એટલે કે સ્પાઈડર મેનના ‘ગુરુ’ એવા ટોની સ્ટાર્ક (આયર્ન મેન) જેવું કોઈ પાત્ર નહીં હોય.

‘હૉક આઈ’ પણ દુઃખી છે

આ સમગ્ર ઘટનાક્રમ પર ‘માર્વેલ’ની સુપરહીરો ફિલ્મોમાં ‘હૉકઆઈ’નું પાત્ર ભજવતા એક્ટર જેરેમી રેનરે પણ ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘હેય સોની પિક્ચર્સ, અમે ઈચ્છીએ છીએ કે સ્પાઈડર મેન સ્ટૅન લી અને માર્વેલ પાસે પાછો આવી જાય, પ્લીઝ. થેન્ક યુ.’ પોસ્ટ કર્યાના પાંચેક કલાકમાં જ આ ટ્વીટ 25 હજાર વખત રિટ્વીટ થઈ અને તેને લગભગ 60 હજાર લાઈક મળ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમને લઈને સોશિયલ મીડિયા પર મીમ્સ અને પોસ્ટ્સનું ઘોડાપુર આવી રહ્યું છે, જેમાં મોટેભાગે આ ફિલ્મ સિરીઝના ચાહકો પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

X
Spider-Man no longer part of the Marvel Cinematic Universe

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી