- રિપોર્ટ પ્રમાણે, બ્રિટિશ એક્ટ્રેસ લશાના લિંચ 007નું પાત્ર ભજવશે
- બોન્ડ સીરિઝની આગામી ફિલ્મનું શૂટિંગ ઈટાલી તથા યુકેમાં ચાલુ છે
- હાલના બોન્ડ એક્ટર ડેનિયલ ક્રેગે 2015માં કહ્યું હતું, બીજીવાર બોન્ડ બનવા કરતાં હાથની નસ કાપવી સારી
Divyabhaskar.com
Jul 15, 2019, 07:10 PM ISTલોસ એન્જલ્સઃ બોન્ડ સીરિઝની 25મી ફિલ્મમાં બ્રિટિશ સીક્રેટ એજન્ટ 007ના પાત્રમાં કોઈ પુરુષ નહીં પરંતુ મહિલા જોવા મળી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે, હાલના બોન્ડ એક્ટર ડેનિયલ ક્રેગને બદલે બ્રિટિશ એક્ટ્રેસ લશાના લિંચ 007નું પાત્ર ભજવશે. લશાના કેપ્ટન માર્વલ મૂવીમાં ફાયટર પાઈલટ મારિયા રામ્બેઉનું પાત્ર ભજવીને ચર્ચામાં આવી હતી.
રિપોર્ટ પ્રમાણે, ફિલ્મની વાર્તામાં હાલનો જેમ્સ બોન્ડ (ડેનિયલ ક્રેગ) જાસૂસી એજન્સી એમ 16 છોડી દે છે અને જમૈકામાં સમય પસાર કરતો હોય છે. જોકે, તેને નવા દુશ્મન સામે લડવા માટે પાછો બોલાવવામાં આવે છે. જ્યારે તે એજન્સીમાં પરત આવે છે તો તેનો પરિચય 007 કોડ નામવાળી નવી સીક્રેટ એજન્ટ સાથે કરાવવામાં આવે છે. જે એક બ્લેક મહિલા છે.
ડેનિયલે 2015માં આ વાત કહી હતી
બોન્ડ સીરિઝની 25મી ફિલ્મનું શૂટિંગ અનેક મુશ્કેલીઓ બાદ શરૂ થયું છે. 2015માં ડેનિયલ ક્રેગે કહ્યું હતું કે હવે તે જેમ્સ બોન્ડનો રોલ પ્લે કરવાને બદલે હાથની નસ કાપવાનું પસંદ કરશે. 2017માં ડિરેક્ટર ડેની બોયલને સેમ મેન્ડેસે રિપ્લેસ કર્યાં હતાં. મેન્ડેસ બાદ ડિરેક્ટર કૈરી ફુકુનાગા આવ્યા હતાં. જોકે, ગયા વર્ષે પ્રોડ્યૂસર બારબરા બ્રોકોલીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બોન્ડ સીરિઝમાં ક્યારેય કોઈ મહિલા જાસૂસ આવશે નહીં.
લશાનાએ ઈન્સ્ટાગ્રામમાં આ વાત શૅર કરી
લશાનાએ ઈન્સ્ટાગ્રામમાં એ વાતનો સ્વીકાર કર્યો છે કે તે આ ફિલ્મમાં કામ કરી રહી છે. હાલમાં ફિલ્મનું નામ 'બોન્ડ 25' જ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ ભારત તથા યુકેમાં 3 એપ્રિલ, 2020માં રિલીઝ થશે. જ્યારે યુએસમાં 8 એપ્રિલ, 2020માં રિલીઝ કરવામાં આવશે.