સોશિયલ સ્ક્રોલ / સોશિયલ મીડિયા અને દુનિયા જહાનના સમુદ્ર મંથનનો પ્રારંભ!

Social media and the world begin the churning of the world!

Divyabhaskar.com

Sep 11, 2019, 08:32 PM IST

ડિરેક્ટર નીરજ ઘાયવાને આસિ. ડિરેક્ટર અને આસિ. રાઇટર માટે દલિત, બહુજન અને આદિવાસી ઓન્લીની એડ. બહાર પાડી!

2015માં આવેલી અફલાતૂન ફિલ્મ ‘મસાન’ યાદ છે? અચ્છા, હમણાં દોઢેક મહિના પહેલાં આવેલી ‘નેટફ્લિક્સ’ની વેબસિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ તો યાદ જ હશે. બંનેમાં લ.સા.અ. જેવું કોમન ફેક્ટર છે ડિરેક્ટર નીરજ ઘાયવાન (એમની વિચિત્ર સરનેમને કારણે ઘણા ઘૈવાન પણ લખે છે!). આ યંગ ડિરેક્ટર છે તો એકદમ ટેલેન્ટેડ. અનુરાગ કશ્યપના આસિસ્ટન્ટ પણ રહી ચૂક્યા છે. અત્યાર સુધીમાં એમણે એકેય નબળી પ્રોડક્ટ નથી બનાવી. ઓકે ચલો, ‘સેક્રેડ ગેમ્સ-2’ને બાદ કરતાં એકેય નબળી પ્રોડક્ટ નથી બનાવી! ઈવન એમણે બનાવેલી શોર્ટ ફિલ્મો ‘શોર’ અને ‘બ્રિટિશ એરવેઝઃ ફ્યુઅલ્ડ બાય લવ’ પણ અફલાતૂન છે. ટાઈમ કાઢીને યુટ્યૂબમાં જોઈ કાઢજો.

પરંતુ બુધવારની સવારે એમણે ટ્વિટર પર ‘આસિસ્ટન્ટ ડિરેક્ટર અને આસિસ્ટન્ટ રાઈટર જોઈએ છે’ ટાઈપની જાહેરખબર પોસ્ટ કરીને ખળભળાટ મચાવી દીધો. એમણે એવું લખ્યું કે આ કેટેગરીમાં માણસો જોઈએ છે, પરંતુ ‘DBA’ કેટેગરીમાંથી. અહીં DBA એટલે અનુક્રમે દલિત, બહુજન અને આદિવાસી. સ્વાભાવિક રીતે જ આવી જાહેરાતથી ચર્ચા તો જાગવાની જ. કેમ કે, અત્યાર સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પોતાને સેક્યુલર ગણાવતી આવી છે. ત્યાં કોઈ ધર્મ-કોમ-જાતિને આધારે પ્રેફરન્સ કે ભેદભાવોને સ્થાન નથી હોતું એવી વાતો થતી આવી છે. લેકિન આ એડ તેનાથી ખાસ્સી અલગ છે. નો ડાઉટ, આર્થિક-સામાજિક રીતે પછાત જ્ઞાતિઓના ટેલેન્ટેડ યુવાનોને ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેવા ક્રિએટિવ ફિલ્ડમાં ચાન્સ મળે તો આપણે રાજી જ થઈએ. લેકિન, ટેલેન્ટ કોઈ જ્ઞાતિવિશેષનું મોહતાજ હોય ખરું?

બાય ધ વે, આ જાહેરાતની નીચે P.S. (પોસ્ટસ્ક્રિપ્ટ, તાજા કલમ) તરીકે એવી પણ ચોખવટ કરી છે કે તમારી ‘દલિત, બહુજન, આદિવાસી’ તરીકેની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને તમારી જાણ બહાર તેને જાહેર નહીં કરવામાં આવે તેની ખાતરી રાખજો.

આશા તાઈ, 86 નોટઆઉટ!
હજુ હમણાં 8 સપ્ટેમ્બરે આશા ભોસલેનો 86મો બર્થડે ગયો. ઉંમરને કારણે સ્વાભાવિક રીતે જ તેઓ ફિલ્મોમાં પાર્શ્વ ગાયનથી દૂર છે. પરંતુ સોશિયલી તેઓ એકદમ એક્ટિવ છે. 4.9 મિલિયન ફોલોઅર્સ સાથે એમનું ટ્વિટર અકાઉન્ટ પણ સતત ધમધમતું રહે છે. પોતાનો 86મો જન્મદિવસ આશાજીએ દુબઈમાં વીતાવ્યો હતો. ત્યાં એમના નામથી ‘આશાઝ’ રેસ્ટોરાં ચાલે છે, ત્યાં એમણે પોતાના ચાહકો વચ્ચે શિરકત કરેલી. આશાજીએ જ શૅર કરેલા પંદર મિનિટના એ વીડિયોમાં જે પ્રેમભાવથી ચાહકો આશાજીને માન આપે છે એ જોઈને આપણું દિલ ખુશ થઈ જાય તેવું છે. છેલ્લા દોઢ દાયકાના સમયગાળામાં આ રેસ્ટોરાંની કુલ 18 શાખાઓ સમગ્ર મિડલ ઈસ્ટ અને ઈંગ્લેન્ડમાં ખૂલી છે. અલબત્ત, તેમાં જોઈને ખ્યાલ આવે છે કે આશાજીની યાદશક્તિ પર પણ ઉંમરની અસર દેખાય છે. પોતાના બર્થડે પર આશાજીએ ગયા વર્ષે કેનેડાથી આવેલું એક સ્પેશિયલ બર્થડે કાર્ડ પણ શૅર કરેલું. એ બર્થડે કાર્ડ કેનેડાના યંગ અને ડેશિંગ પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડો તરફથી આવેલું!

પ્લસ, ગયા અઠવાડિયે આશાજી નીતિન મુકેશના ઘરે બેસાડેલા ગણપતિનાં દર્શને પણ ગયેલાં. એ વખતે એમણે નીતિન મુકેશના એક્ટર દીકરા નીલ નીતિન મુકેશની દીકરી નુર્વી માટે પોતાનું ‘ચંદામામા દૂર કે’ ગીત પણ ગાયું હતું. નીલે તેડેલી નાનકડી નુર્વીને માથે હાથ ફેરવીને આ ગીત ગાતાં આશાજીનો નાનકડો વીડિયો ખરેખર હાર્ટવોર્મિંગ છે.

ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ આ ઘટના વખતે કેપ્ચર કરેલો બીજો એક વીડિયો પણ જોવા જેવો છે, જેમાં નીલ નીતિન મુકેશ આશાજી સાથે સંગત જમાવીને બેઠો છે, જોકે એમાં બબ્બે વખત આશાજી પોતાનું જ ગીત ગાવાની કોશિશ કરે છે, પણ મુકેશ અને નીતિન મુકેશનો આ બેસૂરો દીકરો આશાજીને ગાવાની તક જ નથી આપતો. ટેઈક અ લુકઃ

દીપક ચૌરસિયાઃ ભારતીય પત્રકારત્વના પહેલા ‘સ્ટુડિયો ચંદ્રયાત્રી’
આજ તક, ડીડી ન્યૂઝ, ફરીથી આજ તક, એબીપી ન્યૂઝ, ઈન્ડિયા ન્યૂઝ અને અત્યારે ન્યૂઝ નેશન ચેનલમાં કામ કરી રહેલા ટેલિવિઝન એન્કર દીપક ચૌરસિયાએ માણસમાંથી ‘મીમ’ (Meme) બનવાની પરમ સિદ્ધિ હાંસલ કરી લીધી છે. બે દાયકાના પત્રકારત્વે એમને જેટલી પ્રસિદ્ધિ નહોતી અપાવી એના કરતાં વધુ ‘પ્રસિદ્ધિ’ એમને ‘ચંદ્રયાન-2’ના કવરેજે અપાવી. જે દિવસે મોડી રાત્રે ચંદ્રયાન-2 ચંદ્રની ધરતી પર લેન્ડ થવાનું હતું અને આખું મીડિયા ફુલેકે ચડ્યું હતું, એ દિવસે દીપક ચૌરસિયા પણ અવકાશયાત્રી બનીને તૈયાર હતા, અલબત્ત સ્ટુડિયોમાં. એમણે બરાબરના વેશ કાઢ્યા હતા. ખોરાક પૅક કરવા માટે વપરાય છે તેવી એલ્યુમિનિયમ ફોઈલમાંથી બનાવ્યો હોય તેવું સિલ્વર જેકેટ, એલ્યુમિનિયમ ફોઈલનું જ ટૂંકું પેન્ટ, નીચે સસ્તા કેન્વાસ શૂઝ, માથા પર લેડિઝ હેલમેટ અને હાથમાં પગમાં પહેરવાનાં મોજાં! પ્રાથમિક શાળાની વેશભૂષા સ્પર્ધામાં અંતરિક્ષયાત્રીનો રોલ કર્યો હોય તોય નંબર ન આવે તેવા ડ્રેસિંગમાં સજ્જ ચૌરસિયાએ ઉપરથી મુઠો ભરીને ખાંડ પણ ખાધી કે અમે આપને બતાવી રહ્યા છીએ કે અંતરિક્ષયાત્રીઓ ચંદ્ર પર લેન્ડ થાય ત્યારે એમને કેવું લાગતું હશે! આવા વેશ કાઢીને ગ્રીન ક્રોમાની મદદથી ચંદ્રની ધરતી પર ઊભેલા ચૌરસિયાનાં મીમ્સ ધૂમ વાઈરલ થયા. એમનું પત્રકારત્વમાં જે કંઈ યોગદાન હતું એ બધું જ એમણે એક ઝાટકે ધોઈ નાખ્યું. હવે એ ગમે તે ટ્વીટ મૂકે છે નીચે કોઈક તો આવીને એમની એ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનની યાદ અપાવી જાય છે!

આટલી આબરૂ કાઢી તે બાકી ન હોય તેમ રવીશ કુમારને ફિલિપાઈન્સમાં મેગ્સેસે અવોર્ડ એનાયત કરાયો એ દિવસે એમની વિરુદ્ધના પ્રોપેગન્ડાના ભાગરૂપે એક વીડિયો વહેતો કરાયેલો, જેમાં રવીશ કુમારના વાક્યોનો સંદર્ભ કાપીને તોડ-જોડ કરવામાં આવી હતી. નાનું બાળક પણ દોઢ-બે મિનિટમાં પામી જાય કે આ તોડજોડિયા વીડિયોનું સત્ય શું છે, એ વીડિયો દીપક ચૌરસિયાએ શૅર કરેલો. સાથે એવું પણ લખ્યું કે, ‘યે વીડિયો આપકે (રવીશ કુમારના) સન્માન મેં ભેજ રહા હૂં.’

વેલ, સતત મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ કરતા રહેવા બદલ રવીશ કુમારને એશિયાનો નોબેલ ગણાતો મેગ્સેસે પુરસ્કાર એનાયત થાય અને દીપકભાઉ હાથમાં પગનાં મોજાં અને લેડિઝ હેલમેટ પહેરીને સ્ટુડિયોમાં ચંદ્ર પર ઉતરાણ કરે તે બે વચ્ચેનો તફાવત સમજી શકાય તેવો છે. એટલિસ્ટ, દર્શકો તો સમજી જ રહ્યા છે.

X
Social media and the world begin the churning of the world!
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી