શૂટિંગ / ‘જયેશભાઈ જોરદાર’ના શૂટિંગ માટે રણવીર સિંહ ત્રણ દિવસથી ઈડરમાં, અગવડતાની ફરિયાદો પણ ઊઠી

Ranveer Singh in Idar for three days for shooting of 'Jayeshbhai Zordar'
Ranveer Singh in Idar for three days for shooting of 'Jayeshbhai Zordar'

Divyabhaskar.com

Jan 22, 2020, 05:45 PM IST

બોલિવૂડ ડેસ્કઃ સુપરસ્ટાર રણવીર સિંહ અત્યારે ગુજરાતની પૃષ્ઠભૂમાં બની રહેલી પોતાની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે ‘જયેશભાઈ’ નામના ગુજરાતી યુવાનનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મના શૂટિંગ માટે જ તે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના ઈડરમાં છે. અગાઉ બે દિવસ સુધી ઈડરના ગઢ વિસ્તારમાં શૂટ કર્યા બાદ આજે ત્યાંના મુખ્ય એવા ટાવર વિસ્તારમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. સવારના સમયે શૂટિંગ હાથ ધરાતાં ટાવર વિસ્તારમાં લગભગ બંધ જેવો માહોલ સર્જાયો હતો અને લોકોનાં ટોળેટોળાં રણવીરને અને ફિલ્મનું શૂટિંગ જોવા માટે ઊમટ્યાં હતાં.

રણવીર સિંહ પોતાના એક ક્રૂ મેમ્બરની પાછળ બેસીને એક્ટિવા પર ઈડરના રસ્તા પર નીકળ્યો ત્યારે ચારેકોરથી લોકોએ તેને હર્ષની ચિચિયારીઓ સાથે વધાવી લીધો હતો.

અગવડતાની ફરિયાદો
જોકે રણવીરની ફિલ્મના શૂટિંગથી બધા જ લોકો ખુશ છે એવું પણ નથી. શૂટિંગને કારણે ટાવરચોક ઉપરાંત નગરપાલિકા પણ બંધ કરવામાં આવી હતી. પાલિકાના કર્મચારીઓને કચેરીમાં જ બંધ કરાયા હોવાની પણ ફરિયાદો સામે આવી હતી. ઈડરમાં આસપાસથી આવનારા લોકોને પણ અટકાવવામાં આવ્યા હતા. વહિવટી તંત્ર દ્વારા લોકોને અગવડતા ન પડે તે માટે કોઈ સમાંતર વ્યવસ્થા ન કરાતાં લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.

‘કેવી રીતે જઈશ’નો એક્ટર ‘જયેશભાઈ જોરદાર’નો ડિરેક્ટર
‘જયેશભાઈ જોરદાર’ ફિલ્મના ડિરેક્ટર તરીકે ગુજરાતી અભિનેતા દિવ્યાંગ ઠક્કર ડિરેક્ટર તરીકે પદાર્પણ કરી રહ્યો છે. દિવ્યાંગે અભિનેતા તરીકે અગાઉ ગુજરાતીમાં અભિષેક જૈન નિર્દેશિત ‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી. જયેશભાઈ જોરદાર ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે શાલિની પાંડે છે, જે અગાઉ સુપરહિટ તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’માં મુખ્ય ભૂમિકામાં હતી. જ્યારે ફિલ્મમાં રણવીરના પિતાની ભૂમિકા બમન ઈરાનીએ ભજવી છે. યશરાજ પ્રોડક્શન્સ હેઠળ બની રહેલી આ ફિલ્મમાં અમિત ત્રિવેદીનું મ્યુઝિક હશે.

ઈડરમાં અમિતાભથી રણવીર અને અભિષેકની ફિલ્મોનાં શૂટિંગ થયાં છે
બોલિવૂડના મોટા સ્ટાર્સ ઈડરમાં આવીને શૂટ કરી રહ્યા હોય તેવો આ પહેલો કિસ્સો નથી. આજથી ત્રણેક દાયકા પૂર્વે અમિતાભ બચ્ચન પોતાના જ જૂના ગીત ‘કભી કભી’ના રિમિક્સ નોન-ફિલ્મી મ્યુઝિક વીડિયો વર્ઝનના શૂટિંગ માટે ઈડરમાં આવ્યા હતા. એ પછી મણિ રત્નમની ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચન સ્ટારર ફિલ્મ ‘ગુરુ’નું થોડુંક શૂટિંગ પણ ઈડરમાં થયું હતું. હવે ‘જયેશભાઈ જોરદાર’ના શૂટિંગના દોઢેક મહિના પછી ‘બાહુબલિ’ ફેમ ડિરેક્ટર એસ. એસ. રાજમૌલિ પોતાની આગામી ફિલ્મ ‘RRR’નું કેટલુંક શૂટિંગ ઈડરમાં કરવાના છે અને આ શૂટિંગ માટે અજય દેવગણ ઈડર આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે.

X
Ranveer Singh in Idar for three days for shooting of 'Jayeshbhai Zordar'
Ranveer Singh in Idar for three days for shooting of 'Jayeshbhai Zordar'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી