હું, તમે ને સેલિબ્રિટી / મોનલ ગજ્જરઃ મારી મમ્મીએ એક સમયે ઘર ચલાવવા માટે ઘેર-ઘેર ફરીને સાડીઓ વેચી હતી

X

Divyabhaskar.com

Sep 13, 2019, 01:57 PM IST

ઉર્વી બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ 66મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ગુજરાતી ફિલ્મ ‘રેવા’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં સુપ્રિયાનો રોલ ગુજરાતી એક્ટ્રેસ મોનલ ગજ્જરે પ્લે કર્યો હતો. હાલમાં જ divyabhaskar.comએ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓની અનોખી મુલાકાત શ્રેણી ‘હું, તમે ને સેલિબ્રિટી’ નામનો શો શરૂ કર્યો છે, જેમાં મોનલ ગજ્જર સાથે તેમના અમદાવાદ ખાતે આવેલા નિવાસસ્થાને ખાસ મુલાકાત કરી હતી. મોનલ ગજ્જર ગુજરાતી સિનેમાની કંગના રનૌત કહી શકાય. મોનલ ગજ્જર બોલિવૂડ એક્ટ્રેસ કંગનાની જેમ બેબાક નિવેદનો કરે છે. આ જ કારણથી મોનલના ગુજરાતી ઈન્ડસ્ટ્રીઝમાં ખાસ ફ્રેન્ડ્સ નથી. સુરતમાં જન્મેલી મોનલ અમદાવાદમાં મોટી થઈ છે. મોનલ જ્યારે દસ વર્ષની હતી ત્યારે તેના પિતાને અકસ્માત થયો હતો અને ઘરની આર્થિક સ્થિતિ ઘણી જ તંગ બની હતી. આવી પરિસ્થિતિમાં મોનલની માતાએ ઘેર-ઘેર જઈને સાડીઓ વેચી હતી અને બંને દીકરીઓને ઉછેરી હતી. મોનલ જ્યારે બારમા ધોરણમાં હતી ત્યારે જ તેના પિતાનું અવસાન થયું હતું. આ સમયે મોનલે નક્કી કર્યું હતું કે તે તેની બહેન તથા માતાને તમામ ખુશીઓ આપશે. મોનલ બારમા ધોરણની પરીક્ષા આપીને તરત જ નોકરી કરવા લાગી હતી. હાલમાં મોનલ અમદાવાદના પોશ એરિયામાં માતા, બહેન તથા પોતાના ડોગી સાથે રહે છે.

divyabhaskar.com સાથે મોનલ ગજ્જરની ખાસ વાતચીતઃ

ગૂગલ પ્રમાણે તમારો જન્મ સુરત બતાવે છે, તો તમે અમદાવાદ કેવી રીતે આવ્યા?

આપણાં ત્યાં પહેલી ડિલિવરી મામાના ત્યાં થાય એટલે મારો જન્મ સુરતમાં થયો છે. મારા મામા ત્યાં રહેતાં હતાં. મારા દાદા તથા પપ્પા તો વર્ષોથી અમદાવાદમાં જ રહેતાં હતાં.

ઘરની સ્થિતિ સારી હોય તો કોઈ પણ ફિલ્ડમાં ઓછો સંઘર્ષ કરવો પડે, પણ સાંભળ્યું છે કે તમારી વાત અલગ છે. તમારા સંઘર્ષની વાત કહો

પહેલાં અમે પાલડીમાં રહેતાં હતાં પરંતુ પછી પિતાની આર્થિક સ્થિતિ ખરાબ થતાં અમે હાથીજણના વિવેકાનંદ વિસ્તારમાં રહેતા હતાં. મારા પિતાનો અકસ્માત થયો હતો. તેમના પાર્ટનરે બિઝનેસમાં વિશ્વાસઘાત કર્યો હતો અને મારા પિતા પર પાઈપથી હુમલો કર્યો હતો. આ સમયે હું કદાચ ત્રીજા કે ચોથા ધોરણમાં હતી. મારા પપ્પાને માથામાં 25થી વધુ ટાંકા આવ્યા હતાં. જેને કારણે મારા પિતાને બિઝનેસમાં ઘણું જ નુકસાન થયું હતું. તેઓ બે મહિના બાદ ઠીક થયા હતાં. એક મહિના સુધી તેઓ હોસ્પિટલમાં જ રહ્યા હતા. તેમને ભાનમાં આવતાં જ 15થી 17 દિવસ લાગ્યા હતા. દોઢ મહિના પછી તેમને ખ્યાલ આવ્યો હતો કે તેમને એક આંખે દેખાતું જ બંધ થઈ ગયેલું. આ અકસ્માત બાદ અમારા જીવનમાં ઘણું જ મોટું પરિવર્તન આવ્યું હતું. અચાનક જ અમારું જીવન બદલાઈ ગયું હતું. અત્યંત પૉશ એવા પાલડીથી અમે સીધાં હાથીજણ જેવા છેવાડાના વિસ્તારમાં આવી ગયાં. અહીંયા બધું જ અલગ હતું. લોકો અલગ, કલ્ચર અલગ, બધું જ અલગ લાગતું હતું. આ પરિવર્તન એ હદે હતું કે મને આજે પણ યાદ છે કે મેં મારા પપ્પાને પૂછી લીધું હતું કે પપ્પા આપણે ગરીબ થઈ ગયાં? અમે જે વિસ્તારમાં ઘર જોવા જતાં તે 25-26 કિમી દૂર હોય. ત્યાંના વાતાવરણમાં હું સહજ હતી જ નહીં. મેં તો મારા પપ્પાને એમ પણ કહી દીધું કે આપણે અહીંયા નથી રહેવું, પરંતુ ઘરની પરિસ્થિતિ જોતા મને ખ્યાલ આવી ગયો હતો કે અમારી આર્થિક સ્થિતિ સારી નથી. આ સમયે મારી ઉંમર 10 વર્ષની આસપાસ હતી.

તમે પાલડી જેવા પોશ વિસ્તારમાં રહેતા અને પછી અચાનક હાથીજણ આવી ગયા, તો ત્યાંનું ઘર કેવું હતું?

હાથીજણનું એ ઘર માત્ર એક ઘર હતું. જે વન બેડરૂમ હોલ કિચન હતું. અમે ઘરમાં કલર નહીં પણ ચૂનો કરાવ્યો હતો. ઘરની સ્થિતિ એ હદે ખરાબ હતી કે બાથરૂમમાં દરવાજા તૂટેલા હતા તો તેને સ્થાને પતરાં લગાવી દેવામાં આવ્યાં હતાં. તે સમયે અમારી પાસે એક કાર હતી પરંતુ ઘરમાં ટાઈલ્સ ના હોય તો કારનું શું કરવાનું? અમે પછી કાર વેચી દીધી હતી. હું પાંચમાથી સાતમા ધોરણ સુધી ત્યાંની ગુરુકુળ સ્કૂલમાં ભણતી હતી. ત્યાં સ્કૂલની ફી 60 રૂપિયા હતી. આ ફી ભરવાની પણ અમારામાં શક્તિ નહોતી. હું જ્યારે છઠ્ઠા ધોરણમાં આવી ત્યારે મારી મમ્મીએ સાડીઓ વેચવાની શરૂઆત કરી હતી. અમે ભણી શકીએ તે માટે મારી મમ્મીના મામા આર્થિક રીતે મદદ કરતા હતા. હું જ્યાં સુધી કમાતી નહોતી થઈ ત્યાં સુધી હું મારા મમ્મીના મામાના છોકરાઓનાં કપડાં દિવાળીમાં પહેરતી હતી. જોકે, મને ખ્યાલ હતો કે અમને જે મળે છે, તે બેસ્ટ છે. લોકો પાસે કપડાં નથી હોતાં પરંતુ મને તો પહેરવા મળતાં હતાં. જોકે, હું ત્યારે પણ હંમેશા એ વાતનું ધ્યાન રાખતી કે મારી નાની બહેનને નવાં જ કપડાં મળે. તેને કોઈ જાતની તકલીફ ના પડે. મને જૂતાંનો ઘણો જ શોખ હતો. મારી મમ્મી સ્કૂલ ટાઈમનાં જૂતાં તથા દિવાળી પર નવાં જૂતાં લઈ આપતી. જોકે, વર્ષમાં બે વખત જૂતા ખરીદવા પણ અમારા માટે ઘણું જ મુશ્કેલ હતું. મારી મમ્મી કપડાં સીવી આપતી હતી. જ્યાં સુધી સમજણાં નહોતાં થયા ત્યાં સુધી આ કપડાં ગમતાં હતાં.

તમારાં મમ્મી સાડીઓ વેચવા ઉપરાંત શું કરતાં હતાં?

આ સમય દરમિયાન પપ્પા ગેરેજ ચલાવતા અને બીજાના ગેરેજમાં પણ કામ કરતા. જોકે, એટલી કમાણી થઈ શકતી નહોતી કે ઘર ચાલે. મારી મમ્મી ઘરે ઘરે જઈને સાડીઓ વેચતાં હતાં. તેઓ સુરત સવારે નવ વાગે મેમુમાં જતા અને મેમુમાં જ પાછા આવતા. કારણ કે ફાસ્ટ ટિકિટના પૈસા નહોતા. મારી મમ્મી વિવેકાનંદ નગરમાં લાકડાં વીણવા જતી હતી. ભગવાન હંમેશાં અમારી આકરી કસોટી જ કરતા. ઘણીવાર ગેસનો બાટલો ના હોય, ઉનાળામાં ઘરમાં પંખો ચાલતો ન હોય. મારી બેન હંમેશાં મારી મમ્મી સાથે જતી. મને એમ થતું કે આ હું નહીં કરું, તેને બદલે હું ભરતનું કામ કરી લઈશ.

આ સમય દરમિયાનનો એવો કયો પ્રસંગ બન્યો, જે તમને અંદરથી હચમચાવી ગયો હોય?

જેમ જેમ મોટાં થતાં ગયાં તેમ તેમ સાડી વેચવાથી ઘર ચાલતું નહોતું. અમે આઠમા, નવમા, દસમા ધોરણમાં આવ્યાં હતાં. સ્કૂલની ફી વધી અને ધીમે ધીમે ઘરના ખર્ચા પણ વધે. આથી જ એકવાર ગૌરીવ્રતમાં મારી મમ્મીએ ફ્રૂટ વેચવાનું નક્કી કર્યું હતું. જોકે, આ સમયે કોઈએ અમારી પાસેથી ફ્રૂટ ખરીદ્યું નહોતું. આથી મારી મમ્મી જીવનમાં પહેલી જ વાર શાકમાર્કેટમાં વરસતા વરસાદમાં બેઠી હતી. મારી મમ્મી સાથે મારી બહેન હતી. આ જોઈને મેં નક્કી કર્યું હતું કે મારાં મમ્મીને આ દિવસો ક્યારેય જોવા પડશે નહીં. એ સમય હતો જ્યારે આખો દિવસ 10 રૂપિયામાં જતો. પાંચ રૂપિયાનો લોટ, 2 રૂપિયાનું દૂધ, 1 રૂપિયાની ચાની પત્તી, આ રીતે અમે દિવસો કાઢેલા છે.

પિતાના નિધન સમયે તમારી પાસે 700 રૂપિયા હતાં, તો કેવી રીતે બધું મેનેજ કર્યું?

જ્યારે હું બારમા ધોરણમાં આવી ત્યારે પિતાને હાર્ટ એટેક આવ્યો હતો. મારા પિતાનું આકસ્મિક નિધન હતું. અમે રાત્રે સાથે જમ્યાં હતાં અને તેમને થોડો કફ હતો. સવારે ચાર વાગે અચાનક જ હાર્ટ અટેક આવી ગયો. અમે સીટીએમથી પ્રાઈવેટ ડોક્ટરને બોલાવ્યા હતા અને તેઓ પોતાની કારમાં પપ્પાને બેસાડીને લઈ ગયા હતા. વચ્ચે પ્રાઈવેટ હોસ્પિટલ આગળ અમે ગાડી ઊભી પણ રાખી હતી, પરંતુ આ સમયે મારી મમ્મી પાસે 700 રૂપિયા જ હતા. પપ્પાને એડમિટ કરવાના અમારી પાસે પૈસા નહોતાં. અમે અડધો કલાક સુધી રાહ જોઈ અને વિચાર્યું કે શું કરવું? પછી અમે એલ.જી. સરકારી હોસ્પિટલ ગયા. સાડા છએ ડોક્ટરે મને કહ્યું કે તમારા કોઈ સગાને બોલાવી લો. તમારા પપ્પા નથી રહ્યા. આ સમયે અમે મમ્મીને કહ્યું નહોતું. પૈસાની વેલ્યૂ શું છે તે આ દિવસે મને ખ્યાલ આવ્યો. કદાચ મારી પાસે પૈસા હોત તો મારા પપ્પા બચી ગયા હોત. હોસ્પિટલમાં મારા પપ્પા સાથે મારાં મમ્મી એકલાં હતાં. એલ.જી. હોસ્પિટલની નજીક મારી સરસ્વતી મંદિર હાઈસ્કૂલ આવેલી હતી. હું સ્કૂલમાં મારા સ્કૂલ ફ્રેન્ડ્સને બોલાવવા ગઈ હતી, પરંતુ સવારના સાડા છ થયા હોવાથી કોઈ પણ સ્કૂલે આવ્યું નહોતું. મેં મારા સ્કૂલ ટીચરને કહ્યું કે મારા પપ્પાને એડમિટ કર્યાં છે, તો તમે ચાલો ને. મારા સર મારી સાથે સ્કૂલે આવ્યાં હતાં. મારાં મમ્મીને નવ વાગ્યા સુધી ખબર નહોતી કે મારા પપ્પા હવે નથી. મારાં મમ્મી મારા પપ્પા પાસે બેઠી હતી અને એના મનમાં એમ જ હતું કે તેઓ બેભાન થઈ ગયા છે અને હમણાં જાગશે. મને હજી પણ ખ્યાલ નથી કે મારા પપ્પાના ક્રિયાકર્મના પૈસા કોણે કાઢ્યા હતા. અમારી એટલી સગવડ જ નહોતી. પપ્પાના બારમાના પૈસા ભેગા કરવામાં પણ પારાવાર મુશ્કેલી પડી હતી. મેં મારા ફ્રેન્ડ્સ પાસેથી, મમ્મીના ફ્રેન્ડ્સ પાસે તથા મમ્મીને જેમની પાસેથી પૈસા લેવાના હતાં, તે તમામ પાસે પૈસા માગ્યા હતા પરંતુ તમામ જગ્યાએથી ના જ મળી હતી. મારા પપ્પાને અંતિમ સંસ્કાર માટે જ્યારે લઈ જતા હતા ત્યારે મેં મારા પિતાને વચન આપ્યું હતું કે મેં જેટલું દુઃખ જોયું છે તેટલું હવે ક્યારેય મારી નાની બહેન કે મમ્મીને ક્યારેય મળશે નહીં. જ્યારે મારી નાની બહેન કોલેજના પહેલા વર્ષમાં હશે, ત્યારે કાર લઈને જશે. સદનસીબે મેં આ વચન પૂરું કર્યું અને મારી બહેન કોલેજના પહેલા વર્ષે કાર લઈને ગઈ હતી.

તમે કોલેજમાં ભણતા ત્યારે કામ કરતાં હતાં, તો સ્કૂલ લાઈફ સાથે સંકળાયેલી કોઈ યાદ?

સ્કૂલ લાઈફમાં ઘણી જ બધી કડવી યાદો છે. એકવાર અમારી સ્કૂલમાં ભજનની સ્પર્ધા હતી. મેં અમારા ટીચરને મારા પડોશમાં રહેતા એક બેનની ભજનની પુસ્તિકા આપી હતી. મારા ટીચરે મને પાછી આપી નહોતી. મેં બેથી ત્રણ વાર ટીચર પાસે માગી હતી. આ વાતને લઈ ટીચર મારા પર ઘણાં જ ગુસ્સામાં રહેતાં હતાં. શનિવારે અમારે સ્કૂલના ગ્રાઉન્ડમાં પ્રાર્થના થાય અને પછી પીટીનો પીરિયડ હોય. આવા જ એક શનિવારે મારા ટીચરે પ્રાર્થના પછી મને અચાનક જ બધાની વચ્ચે લાફો મારી દીધો હતો. તે સમયે મને ખ્યાલ જ નહોતો કે મને લાફો કેમ મારવામાં આવ્યો. મને ક્યારેય સ્કૂલમાં છોકરાઓ ગમતા નહોતાં. હું એક ટોમ બોય ટાઈપની છોકરી હતી. મેં ક્યારેય સ્કૂલમાંથી બંક નહોતો માર્યો. કોલેજ લાઈફ તો મને ખ્યાલ જ નથી. હું હંમેશાં કામ જ કરતી હતી. ગુજરાત કોલેજમાં બીકોમમાં એડમિશન લીધું હતું. હું નોકરી કરતી હતી અને ભણતી હતી અને ક્યારેય કોલેજ ગઈ નહોતી. માત્ર એક્ઝામ આપવા જતી હતી. મારી પાસે કોલેજ લાઈફ સ્પેન્ડ કરવાનો સમય નહોતો. મારા પોતાના ગોલ એચિવ કરવાના હતા અને તેમાં જ હું વ્યસ્ત હતી.

અત્યારે કોઈ સ્કૂલ ફ્રેન્ડના ટચમાં છો?

સ્કૂલમાં કુનાલ, પ્રિતેશ તથા અનલ એમ અમારા ચારનું ગ્રૂપ હતું. 12 ધોરણ પછી અમારા ચારેયને સીએ બનવું હતું. મેં પણ સીએ બનવા માટે ટ્રાય કર્યો હતો. જોકે, મારી પાસે સીએ એન્ટરન્સની ફી ભરવાના પૈસા નહોતા. આ ઉપરાંત હું એકાઉન્ટમાં ઘણી જ નબળી હતી. અમે ચારેય ત્રણવાર ટ્રાય કર્યો હતો પરંતુ પછી મને ખ્યાલ આવી ગયો હતો કે હું સીએ બની શકું એમ નથી. જોકે, મારો ફ્રેન્ડ કુનાલ સીએ- સીએસ બની ગયો. બાકીના શું કરે છે, તે ખ્યાલ નથી. કુનાલ ટચમાં છે. પ્રાથમિક સ્કૂલની ફ્રેન્ડ રીના ટચમાં છે, તે બેંગલુરુમાં રહે છે.

નાનપણમાં તમારે શું બનવું હતું?

નાની હતી ત્યારે મારે જજ બનવું હતું અને લોકોને ન્યાય આપવો હતો. મને હંમેશાં જજવાળી ફિલ્મ્સ ઘણી જ ગમતી. જોકે, મને ત્યારે ખ્યાલ નહોતો કે જજ બનવા માટે આટલું બધું ભણવું પડે.

બારમા ધોરણ પછી શું કર્યું તમે?

હું બારમા ધોરણની એક્ઝામ પછી તરત જ હંસા રિસર્ચ કંપનીમાં કામ કરવા લાગી હતી. અહીંયા ગમે તે વિસ્તારમાં જઈને ત્યાં લોકોના ઘરમાં કઈ કઈ વસ્તુ છે? ને તેમની અંદાજે કેટલી ઈન્કમ હશે, તેવી વિગતો મેળવવાની હતી. આમાં એક ફોર્મના 40 રૂપિયા મળતાં હતાં અને મેં અહીંયા દોઢ મહિનો કામ કર્યું હતું. જોકે, અહીંયા મને સમયસર પગાર મળતો નહોતો. મારે મારી મમ્મીને ઘર ચલાવવામાં મદદ કરવાની હતી. આ સમયે મારી ઉંમર 16 વર્ષની જ હતી. આથી જ આ સમયે કોઈએ મને કહ્યું કે આઈએનજી બેંકમાં સેલ્સમાં જગ્યા છે. મને આ કામ કરવામાં કોઈ જ વાંધો નહોતો. મને ચાર-સાડા ચાર હજાર સેલરી ઓફર કરી હતી. મેં ઘરે ત્રણ હજાર સેલરીની વાત કરી હતી. હું મારાં મમ્મીને ત્રણ હજાર રૂપિયા દર મહિને આપતી અને એક હજાર રૂપિયાની બચત કરતી હતી. હું પહેલેથી જ બચત કરતી આવી છું. હું આટલા પૈસા મમ્મીને આપતી, આટલી બચત કરતી અને મારી પાસે આટલા પૈસા છે, એટલી સેફ્ટી રાખવી પડતી. આવું કોઈએ શીખવાડ્યું નહોતું પરંતુ આવડી ગયું હતું. જવાબદારીએ બધું જ શીખવી દીધું. નોકરી દરમિયાન એક સહકર્મીએ મિસ ગુજરાતની સ્પર્ધા હોવાની વાત કહી હતી. આ સમયે મારી પાસે 10 હજારની બચત હતી અને ઈન્સેન્ટિવ પણ સારું હતું. એટલે મને થયું કે આમાં ટ્રાય કરીએ. આ પહેલીવાર હતું કે મેં મારા માટે ડ્રેસનું કાપડ લઈને ડ્રેસ સીવડાવ્યો હતો. આ કોમ્પિટિશન માટે જીન્સ પહેલી જ વાર લીધું હતું. બધું જ સેવિંગ્સ મેં આ કોમ્પ્ટિશન પાછળ વાપરી નાખ્યું હતું. ઘરે જ્યારે મમ્મીને વાત કરી તો તેમને નોકરી સાથે આ કરવાનું હોવાથી તેમાં તેમને વાંધો નહોતો. ચાર-પાંચ દિવસ જ આમાં આપવાના હતાં. આ સ્પર્ધામાં હું મિસ ગુજરાત સ્માઈલ બની હતી. આને કારણે હું ઘણી જ નિરાશ થઈ હતી. જોકે, મને આ સ્પર્ધામાં બહુ બધું પોલિટિક્સ શીખવા મળ્યું. જોકે, એક વાતનો ખ્યાલ આવી ગયો કે આ ફિલ્ડમાં આવવું હોય તો બહુ બધા પૈસા જોઈએ. મારી પાસે કંઈ જ હતું નહીં અને મેં બે વર્ષ સુધી નોકરી કરી હતી.

મિસ ગુજરાત સ્માઈલ બન્યા બાદ શું કર્યું?

મેં આઈએનજી વૈશ્યા લાઈફ ઈન્સ્યોરન્સમાં છ મહિના કામ કર્યું. હું 18 વર્ષ કરતાં નાની હોવાથી મારી પાસેથી છ મહિના બાદ રિઝાઈન લઈ લેવામાં આવ્યું હતું. હું સગીર હોવાથી બેંકમાં જોબ કરી શકું તેમ નહોતી. આથી જ બેંકની જોબ બાદ હું પ્લેસમેન્ટ કન્સલ્ટન્સીમાં કામ કરવા લાગી હતી. સેલ્સમાં હતી ત્યારે હું વેચતા શીખી હતી. જોકે, પ્લેસમેન્ટમાં હું વાત કરતાં શીખી ગઈ હતી. મારામાં બિઝનેસ સ્કિલ્સ આવી ગઈ હતી. આ સમયે હું કોલેજમાં હતી અને તેથી જ મેં AMTS (અમદાવાદ સિટી બસ)નો કોલેજ સ્ટૂડન્ટનો પાસ કઢાવી લીધો હતો. હું સવારના નવ વાગે ઘરેથી નીકળતી અને રાત્રે 10-10.30 એ ઘરે પાછી ફરતી. આ રીતે ત્રણ-સાડા ત્રણ વર્ષ સુધી AMTSમાં સફર કરી. પછી મેં એક્ટિવા લીધું હતું.

તમે AMTSમાં સફર કરી છે, તો તમને ક્યારેય છેડતીનો અનુભવ થયો હતો?

એવું તો કંઈ નહોતું થયું પરંતુ સ્કૂલમાં ભણતાં ત્યારે અમે બસમાં અમારી ફ્રેન્ડની જગ્યા રોકતાં હતાં અને એ જ રીતે મેં મારી બાજુની સીટમાં મારી ફ્રેન્ડની જગ્યા રોકી હતી. આ સમયે એક ભાઈ મારી બાજુમાં આવીને બેસી ગયા હતાં. મેં તેમને કહ્યું કે તમે બીજે બેસો. તેમણે એવો જવાબ આપ્યો હતો કે બસ ઊપડશે એટલે જતો રહીશ. જોકે, ચોથું સ્ટેન્ડ આવ્યું તો પણ તે ભાઈ ઉભા થયા નહોતાં. તો મેં તેમને લાત મારીને નીચે ઉતાર્યા હતા. એ હંમેશાં કતરાતા હતાં અને મને ગુસ્સામાં જોતા હતાં. હું પહેલાં ક્યારેય આવી હિંમતવાન નહોતી. મારા પિતાના ગયા પછી મારામાં આટલી હિંમત આવી હતી. મને લાગે છે કે જ્યારે તમારા પરિવારમાં મોભી ના હોય તો તમે આવા બની જતા હો છો. ઘરમાં હું મોટી હતી અને જો હું સ્ટ્રોંગ ના બનું તો મારી પાછળ મારી મમ્મી તથા બહેન હતાં. તેમનું કોણ ધ્યાન રાખશે.

પહેલાં બેંકની જોબ, પછી મિસ સ્માઈલ તો પછી એમાંથી એક્ટ્રેસ બનાવાનો વિચાર કેવી રીતે આવ્યો?

મિસ સ્માઈલ બન્યા બાદ હું પાછી કામ કરવા લાગી હતી. જોકે, આ સ્પર્ધામાં આવ્યા બાદ જ મેં નક્કી કર્યું હતું કે હું ગ્લેમર વર્લ્ડમાં આવીશ. આ સમયે મને ખ્યાલ જ નહોતો કે આમાં અવાય કેવી રીતે? મારી એક ફ્રેન્ડ હતી, તેણે પણ આ કોમ્પિટિશનમાં હતી. મેં મારી આ ફ્રેન્ડને મોડલિંગ કેવી રીતે કરવું તેને લઈ સવાલ કર્યા હતા પરંતુ તે જવાબ આપતી નહોતી. જોકે, તેના મોંએથી મેં ત્રણ-ચાર નામો હંમેશાં સાંભળ્યાં હતાં. તેમને મેં ફેસબુકમાં સર્ચ કર્યાં હતાં. મનીષ લખુભા, હર્ષદ ગઢવી, અર્જુન તન્વર આ બધાને મળવાનું નક્કી કર્યું. પહેલાં હું હર્ષદ ગઢવીને મળી. તેમણે એમ કહ્યું કે તે માત્ર સ્કિની મોડલ સાથે કામ કરે છે. મનીષ લખુભાને મળી, તેમણે પણ સ્કિની મોડલ સાથે જ કામ કરવાની વાત કરી હતી અને મને વજન ઉતારવાની વાત કરી હતી. છેલ્લે હું અર્જુન તન્વરને મળી હતી. તેમણે મને વજન ઉતારવા અંગે કઈ નહોતું પૂછ્યું પરંતુ તેમણે એમ કહ્યું કે તારે કેમ આવવું છે આમાં?તો મેં જવાબ આપ્યો હતો કે મારે એક્ટર બનવું છે. તેમણે મને સામે સવાલ કર્યો હતો કે એક્ટર બનવા માટે શું કરવું પડે તે ખ્યાલ છે તને? મેં એવો જવાબ આપ્યો હતો કે મોડલિંગ કરવાથી એક્ટર બનાય એટલી ખબર છે. તો તેમણે એક ચાર્ટ બનાવીને આપ્યો હતો, જેમાં સૌ પહેલાં એવી વાત કહી કે મોડલિંગમાં આવવું હોય તો તમારા પિતા બહુ જ પૈસાદાર હોવા જોઈએ. તમારે ગોડફાધરની ઓળખાણ હોવી જોઈએ ત્રીજો ને સૌથી છેલ્લો ઓપ્શન કે તું કોઈ સ્પર્ધા જીત અથવા તો ફેમિના મિસ ઈન્ડિયામાં ભાગ લે તો લોકો તને ઓળખે. એટલે મેં મોડલિંગમાં જવા માટે ફેમિના મિસ ઈન્ડિયામાં જવાનું નક્કી કર્યું હતું.

આર્થિક સ્થિત સારી નહોતી અને જોબ છોડીને મોડેલિંગ કરવાનો વિચાર કરતાં પહેલાં કોઈ ખચકાટ નહોતો આવ્યો? ફેમિના મિસ ઈન્ડિયામાં જવા માટે કેવી તૈયારીઓ શરૂ કરી હતી?

નોકરી કરવાની સાથે સાથે મેં વજન ઉતારવાનું નક્કી કર્યું હતું. અર્જુને મને સૌ પહેલાં નેશનલ હેન્ડલુમનો પ્રોજેક્ટ આપ્યો હતો. મને બે હજાર રૂપિયા આપવાની વાત કરી હતી. હું બપોરના 12 વાગે ગઈ હતી અને રાત્રે સાડા અગિયાર-બાર વાગે શૂટ પત્યું. ક્લાયન્ટે ખુશ થઈને મને ચાર હજાર રૂપિયા આપ્યા હતા. ગુજરાતી થઈને મેં તરત જ મનમાં ગણતરી કરી હતી કે રોજના 2 હજાર તો 30 દિવસના 60 હજાર થાય. રોજ કામ ના જ મળે અને 20 દિવસ કામ મળે તો ચાલીસ હજાર રૂપિયા થાય. તે સમયે મારી સેલરી 25 હજાર હતી. જો હું 10 દિવસ મોડલિંગ કરું તો પણ સારા એવા પૈસા કમાઈ લઈશ. મેં વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું. જિમમાં જવાના પૈસા નહોતા. એટલે વોકિંગ, ડાયટ. બે કલાક ચાલતી, ફણગાવેલા મગ, મમરા, દહીં એવું બધું ખાઈને વજન ઉતાર્યું. પછી અર્જુને મારી પાસે એક ફોટોશૂટ કરાવ્યું. સુરતમાં જઈને સાડી માટે મોડલિંગ કરવાનું કહ્યું. નેશનલ હેન્ડલુમમાં મેં જે મોડલ સાથે કામ કર્યું હતું, તે જ મોડલ સાથે મેં સાડી માટેનું મોડલિંગ કર્યું હતું. તેની સાથે ત્રણ-ચાર દિવસ કામ કર્યું. તેને કેમેરા સામે પોઝ આપતા જોઈને હું કેવી રીતે પોઝ અપાય તે શીખી હતી. જોકે, આ પ્રોજેક્ટ મળ્યો નહોતો. કંપનીએ મને મોડલ સાથેના શૂટના ફોટોગ્રાફ્સ આપ્યા હતા. અર્જુને આ ફોટો બીજી કંપનીને આપ્યા હતા. તો આ બીજી કંપનીને મારા ફોટો ગમ્યા અને તે કંપની સાથે કામ કરવાની શરૂઆત કરી. પહેલા દિવસે મેં 80 સાડીમાં પોઝ આપ્યા હતા. નવા હો તો તમારે છ-સાત પોઝ આપવાના હોય પરંતુ પછી તમારે માત્ર ચાર કે પાંચ જ પોઝ આપવાના રહે. હું બસ કે ટ્રેનમાં સુરત જતી. મને યાદ છે કે હું ટ્રેનમાં સ્લીપર ક્લાસમાં જતી. સવારે સાડા પાંચે સયાજી નગરીમાં જતી. તેઓ મને થ્રી ટિયરના 500 રૂ. આપતા, પરંતુ હું પૈસા બચાવતી અને સ્લીપર ક્લાસમાં જતી. રિટર્નમાં હું બસમાં આવતી. હું બપોરે 12 વાગે સ્ટેજ પર જતી અને સાડીઓ પહેરીને પોઝ આપતી હતી પછી રાત્રે 12 વાગ્યાની બસમાં પરત આવતી. ઘણીવાર એવું બનતું કે હું દોડતાં દોડતાં બસ પકડતી. ઘણીવાર બસમાં આવીને જમતી. આ રીતે મેં બેથી અઢી વર્ષ કામ કર્યું. હું એકવારમાં સુરતમાં 10 હજારનું કામ કરતી. મને મોડલિંગ એસાઈન્મેન્ટમાં કામ કરતાં કરતાં મેં સારા એવા પૈસા બનાવી લીધા હતાં. આ સમયે હું નોકરી કરતી નહોતી. નોકરીમાં મેં એટલા પૈસા બચાવી લીધા હતા કે જો મને ત્રણ-ચાર મહિના કામ ના મળે તો પણ ઘરના લોકોને કોઈ તકલીફ ના પડે. આ દરમિયાન મેં એક FM સ્ટેશનની ઈવેન્ટમાં ભાગ લીધો હતો. હું વિનર બની હતી. પહેલાં એવું હતું કે જે વિનર બનશે, તે ‘ફેમિના મિસ ઈન્ડિયા ટોપ 20’માં જશે. મુંબઈ ગયા બાદ આ ગેમ આખી બદલાઈ ગઈ. પહેલાં મને ટોપ 100માં મૂકી. પછી હું ટોપ 50માં આવી પરંતુ પછી હું આગળ આવી શકી નહીં. આ બધામાં બહુ બધું પોલિટિક્સ હોય. બહુ બધી ઓળખાણ જોઈએ.

એમ કહેવાય છે કે તમે બ્યૂટી કોન્ટેસ્ટ જીતો એટલે તમે સહજતાથી એક્ટ્રેસ બની જાવ છો, તમારા કિસ્સામાં આ વાત કેટલી સાચી?

આવું 10 વર્ષ પહેલાં બનતું હતું. આજે કોસ્મેટિક નોલેજ બધાની પાસે છે. આજે બધા સર્જરી કરાવે છે, બોટોક્સ કરાવે છે. આજે ફેમિના મિસ ઈન્ડિયા જુઓ તો બધા જ ચહેરા એક જેવા લાગે છે. બધા જ પ્લાસ્ટિક ડોલ જેવા લાગે છે. પહેલાં જૂહી ચાવલા, શ્રીદેવી, નેહા ધૂપિયા, સુસ્મિતા સેનની આગવી સુંદરતા જોવા મળતી. અત્યારે એવું નથી. હું જ્યારે ફેમિના મિસ ઈન્ડિયા ગઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ એક કોર્પોરેટ બિઝનેસ છે. તમારી પાસે પૈસા હોય, તો તમે ખરીદી શકો છે, સિમ્પલ..

ફેમિના મિસ ઈન્ડિયામાં જવાથી તમને કોઈ ફાયદો થયો?

ફેમિના મિસ ઈન્ડિયામાં ગયા બાદ મને સાઉથની ફિલ્મ ઓફર થઈ. મને અંગ્રેજી પણ બરાબર આવડતું નથી. શૂટિંગ દરમિયાન મારા મમ્મી હંમેશા સાથે આવતાં. તે સમયે જ્યારે સાઉથમાંથી ઓફર આવી ત્યારે આપણાં મનમાં એવું જ કે સાઉથ એટલે મદ્રાસી. મને પણ એવું લાગ્યું હતું. હવે બધાને ખ્યાલ છે કે સાઉથ એટલે તેલુગુ, મલયાલમ, તમિળ, કન્નડ.. મિટિંગ માટે હું એકલી જ ગઈ હતી. મને તે સમયે ઘણો જ ડર લાગ્યો હતો. જોકે, મને ડર લાગે છે, તે વાત સામેની વ્યક્તિને ખ્યાલ ના આવે તેવી એક્ટિંગ મેં કરી હતી. મારી પહેલી મિટિંગ ડિરેક્ટર પૂરી જગન્નાથ સાથે હતી. તેમની વોન્ટેડ ફિલ્મ આવી હતી. તેમણે ઓડિશન લીધું અને તે ઓડિશન તથા ફોટોઝ ઘણાં જ વાયરલ થયાં હતાં. તેમણે ઈન્ટરનલ બધાને આ ઓડિશન તથા ફોટોઝ મોકલ્યાં હતાં. જે મૂવી હું કરવાની હતી તે ત્રણ વર્ષ ડિલે ગઈ અને તેની પહેલાં મેં બીજી ફિલ્મ્સ કરી.

પહેલી જ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં તમને ચાર-પાંચ ફિલ્મ્સની ઓફર કેવી રીતે મળી?

સાઉથમાં તમારું કામ જોવે, તમને જુએ એટલે ઓફર થાય. ખાલી સુંદર હોવાથી કંઈ જ મળતું નથી. તમને સારી એક્ટિંગ આવડવી જોઈએ. મારામાં ઘણાં જ પ્લસ પોઈન્ટ હતાં.

તમિળ, તેલુગુ તથા મલયાલમ અલગ-અલગ ભાષા માટે કોઈ સ્પેશિયલ ટ્રેનિંગ લીધી હતી?

મેં એક્ટિંગને લઈ ક્યારેય કોઈ ટ્રેનિંગ લીધી નથી. પહેલી ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં ચાર તેલુગુ ઓફર થઈ હતી, અને એક મલાયલમ તથા એક તમિળ ફિલ્મ હતી. તેલુગુ ફિલ્મ કરતાં કરતાં એક્ટિંગ શીખી હતી. મારા મતે એક્ટિંગ કોઈ શીખવી ના શકે. કેમેરા એન્ગલ મને સાઉથના કેમેરામેને શીખવ્યા હતા. સાઉથની મૂવી કર્યાં પછી મને ખ્યાલ આવ્યો કે મારે કોમર્સ નહીં પણ આર્ટ્સમાં જવાની જરૂર હતી. હું બધું જ યાદ કરી શકું. પાનાંનાં પાનાં મને યાદ રહી જાય. મારી પહેલી મૂવીમાં સંવાદો તેલુગુમાં આવતા. હું મારા સંવાદો સેટના પરના લોકોને પૂછતી. તે મને અંગ્રેજીમાં તેનો અર્થ સમજાવતા. પછી હું તેને હિંદીમાં પૂછતી. પછી ત્રીજી વ્યક્તિને એનો અર્થ પૂછતી. છેલ્લે ચોથી વ્યક્તિને પણ પૂછતી. ચાર વ્યક્તિઓ ચાર અલગ અલગ અભિપ્રાયો આપતા. આ બધાને હું ગુજરાતીમાં લખતી. હું દરેકે દરેક સીન આ રીતે લખતી અને સેટ પર આખો સમય આ જ રીતે કરતી. હું આ જ રીતે મલયાલમ તથા તમિળ ફિલ્મમાં કરતી હતી.

પહેલી ફિલ્મ ‘સુડીગાડુ’ સાથે સંકળાયેલી યાદો...

પહેલી ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘણા જ હસતા હતા. આ એક સ્પૂફ ફિલ્મ હતી. સાઉથમાં ટાઈમને લઈ ઘણી જ નિયમિતતા હોય છે. અલ્લારી નરેશ સાથે ઘણી જ વાતો થતી હતી. તેમની સાથે ‘બ્રધર ઓફ બોમ્માલી’ પણ કરી હતી. પહેલી ફિલ્મમાં પહેલો સીન કોલેજ ગર્લનો હતો. મને ત્યારે નર્વસનેસ નહોતી. મને ફૂડ ફિઅર હતો. મારી આસપાસ બહુ બધા લોકો નોનવેજ, ચિકન ખાતાં હતાં. જેને જોઈને ચીડ ચડતી હતી. મારા કોઈ એવા ફ્રેન્ડ નહોતા કે જે નોનવેજ ખાતા હોય. મને નોનવેજ પ્રત્યે સખ્ત ચીડ થતી હતી. હું વેનમાં બેસીને મારું ફૂડ ખાતી હતી.

કાસ્ટિંગ કાઉચને લઈ શું માનો છો?

તમે તમારા કામને લઈ કેટલા ડેસ્પરેટ છો, તે જોવામાં આવે છે. તમે તમારી પ્રોડક્ટને લઈ કેટલાં ડેસ્પરેટ છો, તે જોવામાં આવે છે. જો તમે સારા એક્ટર, સારા દેખાવ છો, તો તમને જરૂરથી કામ મળશે. તમારે ધીરજથી કામ લેવાની જરૂર છે. તમને 10 વર્ષે પણ કામ મળશે. આ ઈન્ડસ્ટ્રીમાં પેશન હોવું જરૂરી છે. ઘણીવાર તમને તરત જ મળી જાય છે અને ઘણીવાર તમને ખાસ્સો સમય લાગે છે. મને હિંદીમાં આવતાં 9 વર્ષ જેટલો સમય લાગ્યો. મેં મારી કરિયરની શરૂઆત 2011માં કરી હતી અને મને 2019માં હિંદી ફિલ્મમાં કામ મળ્યું. બધાને લીડ એક્ટર બનવું છે, તે શક્ય નથી. હિરોઈન તરીકે ઓળખાવાને બદલે એક્ટર તરીકે ઓળખાવાનું ઘણું જ પસંદ છે.

સાઉથ ફિલ્મ્સ બાદ અચાનક કેમ ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનું વિચાર્યું?

સાઉથમાં મારું બ્રેકઅપ થયું હતું અને મારે પર્સનલ લાઈફમાં બ્રેક જોઈતો હતો. એટલે હું અમદાવાદ શિફ્ટ થઈ ગઈ. હું ડિપ્રેશનમાં આવી ગઈ હતી. મારો આત્મવિશ્વાસ ડગમગી ગયો હતો. દોઢ વર્ષ સુધી આવું મારી સાથે રહ્યું હતું. મને લાગ્યું હતું કે હું અંદરથી ભાંગી પડી હતી. મને લાગતું હતું કે હું એક્ટિંગ ભૂલી ગઈ છું. મારા યોગા ટિચર કલ્પેશ સર આવ્યા હતા. તેમણે મને કહ્યું કે પ્રતીક ગાંધી સાથે એક મૂવી ‘થઈ જશે’ છે. તે સમયે ‘રોંગ સાઈડ રાજુ’ ક્લેશ થતી હોવાથી પ્રતીકને બદલે આ ફિલ્મમાં મલ્હાર ઠાકર આવ્યો હતો. ‘થઈ જશે’ પહેલાં મેં આઈ વિશ કરી હતી. પરંતુ તે ડિરેકટર તથા પ્રોડ્યૂસર વચ્ચેના વિવાદને કારણે રિલીઝ થઈ નથી. ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે મેં કામ કરવાની શરૂઆત કરી. થઈ જશેનું ઓડિશન આપ્યું ત્યારે કેમેરા સામે મને ઘણું જ સારું લાગ્યું. પહેલાં ઓડિશન પછી મેં બીજાં બે ઓડિશન આપ્યાં હતાં. મારા ડિરેક્ટરને હું સાઉથ ઈન્ડિયન લાગતી હતી. તેમણે મારું થર્ડ ઓડિશન જોયું જ નહીં. થર્ડ ઓડિશન દરમિયાન આખી ઓફિસ ભેગી થઈ હતી અને મને વિશ્વાસ હતો કે આ રોલ મને જ ઓફર થશે. આ રીતે મારો આત્મવિશ્વાસ પાછો આવ્યો. ‘થઈ જશે’નું ઓડિશન થયા બાદ તે જ રાત્રે અભિષેક શાહનો ફોન આવ્યો હતો. ત્રીજા દિવસે મેં ‘આઈ વિશ’ સાઈન કરી અને છઠ્ઠા દિવસે ‘થઈ જશે’ સાઈન કરી હતી.

હિંદી મૂવી ‘કાગઝ’ કેવી રીતે મળી?

સાઉથથી પાછી આવી ત્યારે ‘થઈ જશે’ વખતે ‘ગૌરવવંતા’ એવોર્ડમાં મને એવોર્ડ મળવાનો હતો. મને ત્યાં સતિષ સર મળ્યાં હતાં. તેમણે મને જોઈને કહ્યું હતું કે તારો ચહેરો ઘણો જ સુંદર છે. તેમણે મને મારા વિશે પૂછ્યું હતું. પછી અમે ફેસબુક ફ્રેન્ડ બન્યાં. તેમણે સુડુગાડુ જોઈ. તેમને ગમી. વર્ષ 2018માં માર્ચમાં સતિષ સરનો મેસેજ આપ્યો કે તને મરાઠી આવડે છે? તો મેં કહ્યું કે હું શીખી જઈશ. તેમણે પછી મને મુંબઈ આવવાનું કહ્યું હતું. જોકે, મારે તે સમયે મુંબઈ જવાનું નહોતું, એટલે હું ગઈ નહીં. હું મે એન્ડમાં ગઈ. પછી મેં સરને ફેસબુકમાં મેસેજ કર્યો કે હું મુંબઈ આવી છું. પછી તેમણે નંબર આપ્યો. હું તેમને ઓફિસ મળવા ગઈ તો તેમણે મને મરાઠી ફિલ્મ અંગે વાત કરી હતી. પછી હું મરાઠી મૂવીના ઓડિશન માટે ગઈ. મેં પહેલું ઓડિશન આપ્યું. બીજું ઓડિશન આપ્યું, બીજા બધાને ગમ્યું પણ ડિરેક્ટરને ગમ્યું નહીં. તેમને લાગ્યું કે હું મરાઠી બોલી શકીશ નહીં અને તેમણે મને મરાઠી શીખવાનું કહ્યું. મેં દોઢ મહિના સુધી મરાઠીના ક્લાસ કર્યા. દોઢ મહિનાના ક્લાસમાં બાજુના રૂમમાં મારી મરાઠી ફિલ્મની લીડ એક્ટ્રેસ માટેનાં ઓડિશન ચાલતાં હતાં અને મને ઘણો જ ડર લાગતો હતો. એગ્રીમેન્ટ સાઈન પણ કર્યો નહોતો. મને યાદ છે કે શૂટિંગના બે દિવસ પહેલાં જ લીડ એક્ટ્રેસ તરીકે મને સાઈન કરવામાં આવી હતી. મરાઠી ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થશે.  આ દરમિયાન સતીષ સરે કાગઝ અંગે વાત કરી હતી. જોકે, આ હિંદી ફિલ્મ માટે હું તૈયાર નહોતી. કારણ કે તેમાં પત્ની અને બે સંતાનો હોય તે રીતનો રોલ હતો. હું મેરિડ સ્ત્રીનો રોલ કરવા માગતી નહોતી. પંકજ ત્રિપાઠી પણ આ ફિલ્મમાં છે. તેને લઈ ઉત્સાહી હતી પરંતુ મેરિડ સ્ત્રીનો રોલ કરવા માટે હજી મન માનતું નહોતું. સતિષ સરે કહ્યું પણ હતું કે તું આ રોલ કરી લે. મને રૂકમણીનો રોલ ઓફર થયો હતો. કાગઝમાં સૌથી છેલ્લે મેં એગ્રીમેન્ટ સાઈન કર્યો હતો.

સાઉથ, બોલિવૂડ તથા ગુજરાતી એકબીજાથી કેવી રીતે અલગ છે?

બહુ જ અલગ છે. સાઉથમાં ટાઈમની નિયમિતતા છે. હિંદીમાં પ્રી વર્ક માટે ઘણી જ તૈયારી થાય છે. સાઉથ એક ફેક્ટરી છે. તમિળ માસ-સ્ટોરી છે. તેલુગુ માસ-ગ્લેમર છે. મલયાલમમાં એક જ ફિલ્મ કરી છે તો બહુ ખ્યાલ નથી. મરાઠીમાં ટેરિફિક એક્ટર છે. તેઓ ગ્રાઉન્ડેડ, ડાઉન ટુ અર્થ છે. બોલિવૂડ ગુડ ટુ વર્ક છે. ગુજરાતી બેબી સ્ટેપ લે છે. અહીંયા બધા જ યંગ છે. બધા જ સાથે મળીને શીખે છે. હું એમ નહીં કહું કે બેસ્ટ ઈન્ડસ્ટ્રી છે. એક્ટર તરીકે સર્વાઈવ કરવું મુશ્કેલ છે. 2021 સુધી પેક હોય એવી કોઈ એક્ટ્રેસ કે એક્ટર ભાગ્યે જ હશે. તમારે સર્વાઈવ કરવું હોય તો સાઈડમાં કામ કરવું જ પડે. સાઈડ ઇન્કમ હોવી જોઈએ.

ગુજરાતી ફિલ્મ ‘રેવા’ કઈ રીતે મળી?

‘રેવા’ માટે કોઈ ઓડિશન આપ્યું નથી. ‘વીઆઈપી 2’ અને ‘રેવા’ વચ્ચે મારે પસંદ કરવાની હતી. તો મેં ‘રેવા’ પસંદ કરી હતી. ‘વીઆઈપી 2’માં કાજોલ, ધનુષ તથા અમલા પોલ જેવાં ત્રણ મહારથી હતાં. મારો રોલ તો એડિટ જ થશે. તો ગુજરાતીમાં હું સેન્ટરમાં હતી. એટલે મેં રેવાની પસંદગી કરી હતી. ચેતન ધનાનીએ મારો અપ્રોચ કર્યો હતો પરંતુ બજેટના ઈશ્યૂ આવતા હતા અને સાઉથમાં વીઆઈપીની વાત ચાલતી હતી. બજેટ ઈશ્યૂને કારણે મેં છેલ્લે આ ફિલ્મ સાઈન કરી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ક્યાંય નેટવર્ક નહોતું. ડિરેક્શનને લઈને સજેશન પણ આપી શકાતા હતા. મને ડિરેક્શનમાં ઘણો જ રસ છે. મારી પાસે 16 મૂવીનો અનુભવ છે. ગુજરાતના કોઈ પણ સુપરસ્ટારને ગણી લો તેના મૂવી ને મારા કરિયરને કાઉન્ટ કરો તો મારી પાસે સારો અનુભવ છે. સાઉથમાં હું સજેશન આપી ના શકું. ગુજરાતીમાં હું સજેશન આપી શકું છું. રેવામાં મેં ઘણાં સજેશન આપ્યાં હતાં. ત્યાં કેમ્પ હતો. ટેન્ટમાં કપડાં ચેન્જ કરતાં હતાં. ટોઈલેટ માટે એક ટોઈલેટ વેન હતી. બીજી કોઈ ફેસિલિટી નહોતી. કૂક સાથે લઈને ફરતાં હતાં. રેવાના પ્રોડ્યૂસર સારા હતા, પાણીની હોળી રમી અને ઘણી જ મસ્તી કરી. ગુજરાતી સાહિત્ય પરથી ફિલ્મ બનવી જોઈએ. આપણી પાસે સાહિત્યનો ખજાનો છે, તેના પરથી ફિલ્મ બનવી જોઈએ.

ગુજરાતી સિનેમાની બે-ત્રણ વાતો બદલવાની હોય તો તમે કઈ બાબતો બદલવા માગશો?

ગુજરાતી સિનેમામાં એટિટ્યૂડ બદલવાની જરૂર છે. લોકો પાસે એટિટ્યૂડ છે. એટલે પહોંચ્યા નથી ને શેનો એટિટ્યૂડ છે. અજીત, વિક્રમ, ધનુષ, તેઓ લિજેન્ડ છે તેમની પાસે 25 પૈસાનો ઘમંડ નથી. અહીંયા એક વાત ખાસ કહીશ કે સાઉથમાં વિક્રમસર એક ઈવેન્ટમાં આવ્યા હતા અને એક ચાહકે સેલ્ફી લેવા જતાં બોડીગાર્ડે ધક્કો માર્યો હતો. તો વિક્રમસરે બોડીગાર્ડ પાસે જઈને કહ્યું હતું કે તે લોકો છે, તો અમે છીએ. તેમની સાથે વ્યવસ્થિત રીતે વર્તન કરવામાં આવે. આપણે ત્યાં ચા કરતાં કીટલી ગરમ છે. છે કંઈ નહીં અને છે બધું.

ઓનેસ્ટીની કમી છે. ખાઉંગીરી પૂરી જ થતી નથી. આમાંથી કટ તેમાંથી કટ. ઉપરથી લઈને નીચે સુધી કટ. બીજીવાર પ્રોડ્યૂસર રિપીટ થાય જ નહીં.

ઇનસિક્યોરિટીના પ્રોબ્લેમ છે. અહીંયા અસલામતીની ભાવના ઘણી જ છે. લોકોને ખ્યાલ છે કે તમારી સાથે કામ કરવાથી ટીઆરપી વધી શકે છે, લોકો આપણને વધારે પસંદ કરે છે પરંતુ જો હું સારી એક્ટર હોઉં તો તારી સાથે કામ ના જ કરાય તેવી અસલામતી છે.

ગુજરાતીમાં કેવી ફિલ્મ બનવી જોઈએ?

રેવા’ જેવી, રિયાલિટી પરથી. સાહિત્યિક જેવી ફિલ્મ બનવી જોઈએ. લોકો એવું માને છે કે ગુજરાતમાં કોમેડી ફિલ્મ ચાલે છે. ટ્રેન્ડ જેવું નથી પણ જો મારી મમ્મી મને રોજ વઘારેલી ખીચડી આપે તો હું ખીચડી જ ખાઈશ પણ જો દાલબાટી કે બીજું કંઈ આપશે તો હું એ પણ જમીશ. એ જ રીતે અહીંયા વાર્તાઓની કમી નથી. લખતા આવડવું જોઈએ. એક કોમેડી ચાલે એટલે એની પાછળ 100 કોમેડી ચાલે એવું લાગે છે. કદાચ એવું પણ હોય કે કોમેડી ચાલશે, એ એક જાતની સિક્યોરિટી હોય.

મોનલ આગળ શું કરશે?

એક્ટિંગ એક જર્ની છે. તમે રોજ નવું નવું શીખો છો. કર્યા પછી સ્ટેબિલિટી જરૂરી છે. મારું જમ્પિંગ જેક જેવું છે. તેલુગુ, તમિળ, મલયાલમ, ગુજરાતી, હિંદી મરાઠી... છે. હું આગળ આગળ જાઉં છું. નદી જેવી છું. હું વેબ સિરીઝમાં કામ કરી રહી છું. આસ્થા પ્રોડક્શનની ‘આવું રે થાય’ ટૂંક સમયમાં આવશે. આ જ પ્રોડક્શન હાઉસે  ‘બસ ત્યાં સુધી’ બનાવી હતી. બે ત્રણ પ્રોજેક્ટ્સ પાઈપલાઈનમાં છે. હું અત્યારે હિંદી ફિલ્મ્સ પર ફોકસ કરું છું. ગુજરાતીમાં બજેટના ઈશ્યૂ હોય છે. હું મુંબઈ શિફ્ટ નહીં થાઉં પણ ટ્રાવેલ કરીશ.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી