મુંબઈની એક રેસ્ટોરાંએ ‘સાહો સ્પેશિયલ થાળી’ શરૂ કરી, પ્રભાસ જાણીને ખુશ થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ પ્રભાસ તથા શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સાહો’ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને મિક્સ રિવ્યૂ મળ્યાં છે. જોકે, બોક્સ-ઓફિસ પર આ ફિલ્મ સારો બિઝનેસ કરી રહી છે. મુંબઈમાં ‘મહારાજા ભોગ’ નામની રેસ્ટોરાંએ પ્રભાસ પ્રત્યેની દિવાનગી બતાવતાં ‘સાહો સ્પેશિયલ થાળી’ શરૂ કરી છે. ફિલ્મ રિલીઝના એક દિવસ પહેલાં જ આ થાળી શરૂ કરવામાં આવી છે.

શું છે આ થાળીમાં?
આ સ્પેશિયલ થાળીની વાત કરવામાં આવે તો શાકમાં પનીર વેજ કોલ્હાપુરી, ભીંડા, સૂકી ભાજી તથા છોલે મસાલે છે. દાળમાં રાજસ્થાની દાળ, રાજસ્થાની કઢી, ગુજરાતી દાળ, ગુજરાતી કઢી તથા રોટલીમાં ફુલ્કા રોટલી, રોટલો, પૂરી, સ્ટીમ રાઈસ, ખીચડી, કેસરી પુલાવ સામેલ છે. આ ઉપરાંત ઈન્દોરી સમોસા, ઢોકળા, દાલ પકવાન, ડેઝર્ટમાં ઈલાયચી શ્રીખંડ, હલવો પણ છે.

શું કહ્યું ફાઉન્ડરે?
મહારાજા ભોગના ફાઉન્ડર તથા મેનેજિંગ ડિરે્કટર આશિષ મહેશ્વરીએ એક અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘સાહો’ને લઈ ચાહકોમાં જબરજસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો અને તેથી જ અમે આ સ્પેશિયલ થાળી શરૂ કરવાનું વિચાર્યું. આ થાળી પાંચથી છ લોકો સાથે બેસીને જમી શકે છે. જોકે, આની અસલી મજા તો એ જ લોકો લઈ શકે છે, જેની અંદર ‘સાહો’ને લઈ ક્રેઝ હોય. અમે મુંબઈમાં મહારાજા ભોગની તમામ બ્રાન્ચમાં ‘સાહો’ના ચાહકોનું સ્વાગત કરીએ છીએ.’

પ્રભાસે શું કહ્યું?
પ્રભાસને જ્યારે આ વાતની જાણ થઈ તો તેણે કહ્યું હતું કે જે રીતે ચાહકો તેને તથા તેની ફિલ્મને સપોર્ટ કરી રહ્યાં છે, તે જોઈને તે ઘણો જ ખુશ છે. તે જેટલો પણ આભાર વ્યક્ત કરે, તેટલો ઓછો છે. ‘સાહો’ માટે સ્પેશિયલ મેન્યૂ બને તે વાત ઘણી જ સારી છે. તેને આશા છે કે તે ફિલ્મ્સ માધ્યમથી ચાહકોનું મનોરંજન કરતો રહેશે.

વર્લ્ડવાઈડ 205 કરોડની કમાણી
ડિરેક્ટર સુજીતની આ ફિલ્મે હિંદી વર્ઝનમાં પહેલાં દિવસે 25.20 કરોડની કમાણી કરી હતી. પહેલાં દિવસે ‘સાહો’એ ભારતભરમાં 88 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે હિંદી વર્ઝનમાં ‘સાહો’એ 24.40 કરોડની કમાણી કરી હતી. જ્યારે વર્લ્ડવાઈડ આ ફિલ્મે 205 કરોડની ગ્રોસ કમાણી કરી હતી.