ટ્રેલર / ‘અંગ્રેજી મીડિયમ’નું ટ્રેલર રિલીઝ, ઈરફાન ખાનની દમદાર એક્ટિંગ જોવા મળી

Irrfan Khan film Angrezi Medium trailer

Divyabhaskar.com

Feb 13, 2020, 12:46 PM IST

મુંબઈઃ ઈરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મમાં ઈરફાન ઉપરાંત કરીના કપૂર ખાન, ડિમ્પલ કાપડિયા, રાધિકા મદન, પંકજ ત્રિપાઠી તથા રણવીર શૌરી સહિતના કલાકારો છે. આ ફિલ્મ વર્ષ 2017માં રિલીઝ થયેલી ‘હિંદી મીડિયમ’ની સીક્વલ છે. આ ફિલ્મ 20 માર્ચે રિલીઝ થશે

શું છે ટ્રેલરમાં?
ટ્રેલરની શરૂઆતમાં ઈરફાન ખાન દીકરી રાધિકા મદનના સ્કૂલ ફંક્શનમાં હાજરી આપે છે. અહીંયા તે સ્ટેજ પર હિંદી-અંગ્રેજીમાં સ્પીચ આપે છે. ટ્રેલરમાં રાધિકા પિતા ઈરફાનને લંડનમાં ભણવા જવાની વાત કરે છે. ઈરફાન મીઠાઈની દુકાનનો માલિક હોય છે. ઈરફાન દીકરીને લંડન ભણવા મોકલવાનું નક્કી કરે છે. જોકે, તેની પાસે પૂરતા પૈસા પણ હોતા નથી. તે કેવી રીતે દીકરીનું લંડન ભણવા જવાનું સપનું પૂરું કરે છે તે તો ફિલ્મ રિલીઝ થયે જ ખબર પડશે. ટ્રેલરમાં કરીના કપૂર પણ પોલીસના રોલમાં જોવા મળે છે.

ટ્રેલર રિલીઝ થયું તેના એક દિવસ પહેલાં ઈરફાને ભાવુક પોસ્ટ શૅર કરી હતી
ઈરફાને એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું, ‘હેલ્લો ભાઈઓ, બહેનો, નમસ્કાર. હું ઈરફાન ખાન, આજે તમારી સાથે છું પણ, અને નથી પણ. મારા માટે આ ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ ઘણી જ ખાસ છે. વિશ્વાસ કરો કે મારી દિલની ઈચ્છા હતી કે આ ફિલ્મને પણ એટલા જ પ્રેમથી પ્રમોટ કરું, જેટલા પ્રેમથી અમે આ ફિલ્મ બનાવી છે. જોકે, મારા શરીરમાં કેટલાંક વણજોઈતા મહેમાનો બેઠાં છે. તેમની સાથે વાર્તાલાપ ચાલી રહ્યો છે. જોઈએ હવે શું થાય છે. જે પણ થશે, તમને જાણ કરી દેવામાં આવશે. કહેવત છે કે ‘જ્યારે જીવનમાં મુશ્કેલી આવે તો તેને અનુકૂળ તકમાં ફેરવવી જોઈએ.’ આ વાત બોલવામાં સારી લાગે છે પરંતુ જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે છે, ત્યારે તેને અનુકૂળ તકમાં ફેરવવી ઘણી જ અઘરી હોય છે. તમારી પાસે ચોઈસ પણ શું હોય છે? હકારાત્મક રહેવા સિવાય? આ પરિસ્થિતિને તમે અનુકૂળ તકમાં ફેરવી શકો છો કે નહીં તે તો તમારી પર છે. અમે બધાએ આ ફિલ્મને તે જ હાકરાત્મકતા સાથે બનાવી છે. આશા છે કે આ ફિલ્મ તમને હસાવશે, રડાવશે અને પાછી હસાવશે. ટ્રેલરને એન્જોય કરો. એકબીજા પ્રત્યે દયાળુ રહો અને ફિલ્મ જોઈને આવો. અને હા.. મારી રાહ જોજો’

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં ઈરફાન ખાનને ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર થયાનું નિદાન કરવામાં આવ્યું હતું. ઈરફાને લંડનમાં સર્જરી પણ કરાવી હતી અને ત્યારબાદ આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં કર્યું હતું. ઈરફાન ખાન ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે.

X
Irrfan Khan film Angrezi Medium trailer
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી