ભાસ્કર એક્સક્લુસિવ / ‘ફિલ્મની ડિમાન્ડ હશે તો છોકરી હોય કે છોકરો, હું કિસ કરીશ’: આયુષ્માન ખુરાના

'If there is a demand for a movie, whether it is a girl or a boy, I will kiss': Ayushman Khurana

Divyabhaskar.com

Feb 17, 2020, 12:28 PM IST

અમિત કર્ણ/જ્યોતિ શર્મા, મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંખ્યાબંધ ટેબૂ સબ્જેક્ટ્સ પર ફિલ્મો કરી ચૂકેલા આયુષ્માન ખુરાના હવે સૌથી મોટા ટેબૂ એટલે કે અસ્પૃશ્ય ગણાતા વિષય પરની ફિલ્મ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ લઈને આવી રહ્યો છે. આવા વિષયો પરની ફિલ્મો લઈને એકથી વધુ વાર આવવાને કારણે આયુષ્માન પર સવાલોનો મારો થવો સ્વાભાવિક હતો. અમે આવા તમામ તીખા તમતમતા સવાલો ખુદ આયુષ્માન ખુરાનાને જ પૂછ્યા અને આયુષ્માને પણ તેનો અત્યંત સ્વસ્થતા અને શબ્દો ચોર્યા વિના જવાબ આપ્યો.

‘દિવ્ય ભાસ્કર’ના સવાલો પર આયુષ્માન ખુરાનાનાના બિનધાસ્ત જવાબો

હોમોસેક્સ્યુઆલિટી જેવા મુઠ્ઠીભર લોકોને અપીલ કરતા વિષય પર ફિલ્મ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?
હું ફિલ્મો ઓછી જોઉં છું, પુસ્તકો વધારે વાંચું છું. મેં બે હોમોસેક્સ્યુઅલ પાત્રો પર આધારિત પુસ્તક ‘લાઈ વિથ મી’ વાંચ્યું. વાંચીને હું આ વર્ગને સ્વીકારવાનું શીખ્યો. આ તૈયારી સૌથી અગત્યની હતી. મુંબઈ આવતાં પહેલાં હોમોસેક્સ્યુઆલિટી વિશે મારું પર્સેપ્શન તદ્દન અલગ હતું. દરઅસલ, આપણો સમાજ છેલ્લાં થોડાં વર્ષોમાં ખાસ્સો બદલાયો છે. હું 2004-2005ની વાત કરી રહ્યો છું. હું ઓલ બોય્ઝ સ્કૂલમાં ભણતો હતો. ત્યાં ગે બોય્ઝ ક્લબ હતું. એ લોકો પોતાનામાં જ મસ્ત રહેતા અને પોતાની રીતે પ્રોગ્રામ્સનું આયોજન પણ કરતા. એક વાર એમણે મને તેમાં આમંત્રિત કર્યો હતો કે અમારી પાર્ટી છે, તમે ગિટાર લઈને આવો.

તો તમે શું કર્યું? ઈન્વિટેશન સ્વીકાર્યું કે રિજેક્ટ કરી દીધું?
હું તો ડરી ગયેલો. મેં તો ચોખ્ખું કહી દીધું કે સોરી, હું અનકમ્ફર્ટેબલ છું. જોકે અત્યારે વિચારું છું કે મારે એ વાતને માન આપવું જોઈતું હતું. એમાં ડરવાની શી જરૂર હતી? પરંતુ ધીમે ધીમે મારી અંદર જ આ પરિવર્તન આવવા લાગ્યું. જેમ કે, દિલ્હીમાં પહેલી નોકરી કરી. ત્યાં લોકોને મળ્યો. એમના વિશે વાંચ્યું-જાણ્યું. પછી મુંબઈમાં અગેઈન એમના વિશે જાણ્યું-સમજ્યું. ખબર પડી કે હું સાવ પછાત વિચારો ધરાવતો હતો. હવે મારો દૃષ્ટિકોણ એવો છે કે હું જાતે જ એલજીબીટી કમ્યુનિટીનો સપોર્ટર બની ગયો છું. હું માનું છું કે મારી અંદર જે પરિવર્તન આવ્યું છે તે કોઈપણ વ્યક્તિમાં આવી શકે છે.

આ ટોપિક પરની ફિલ્મ તમને કેવી રીતે મળી?
હું આવા મુદ્દા પર કમર્શિયલ ફિલ્મ કરવા ઈચ્છતો હતો. બે વર્ષ પહેલાં આઈફા અવોર્ડ્સ વખતે હિતેશ (કેવલ્ય, ફિલ્મનો ડિરેક્ટર)ને મળેલો. એણે મને એ કહ્યું કે તે આ ફિલ્મ (‘શુભ મંગલ સાવધાન’)ની સિક્વલ લખી રહ્યો છે. મેં પૂછ્યું કે એક લાઈનમાં કહે તો ખરો કે ફિલ્મની વાર્તા શું છે? એણે કહ્યું કે, તદ્દન અલગ છે, પણ ત્યારે એણે સ્પષ્ટ રીતે કશું જ ન કહ્યું. પછી મેં રૂમનો દરવાજો બંધ કર્યો ત્યારે એણે પ્રેશરમાં આવીને કહ્યું કે હોમોસેક્સ્યુઆલિટી પર ફિલ્મ લખી રહ્યો છું. ત્યારે હું ખરેખર ઉત્સાહમાં આવી ગયેલો. પછી અમે વિચાર્યું કે આ ફિલ્મ એ રીતે બનાવીશું જેથી ફેમિલી ઓડિયન્સ તેનાથી દૂર ન ભાગે.

ફિલ્મમાં એક છોકરાને (સાથી કલાકાર જીતેન્દ્ર કુમારને) કિસ કરતી વખતે અસહજ ન થયા?
એમાં એવું છે કે આ સીન ફિલ્મમાં બતાવવો અત્યંત જરૂરી હતો. ઘણા લોકો કહે છે કે આવું કરવું પ્રાકૃતિક નથી, તે સામાન્ય નથી. પણ, કોના માટે શું સામાન્ય છે અને શું અસામાન્ય, તે એમને જ ડિસાઈડ કરવા દો ને. હું જ્યારે ડ્રીમ ગર્લનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે મેં પાર્કિંગ એરિયામાં બે છોકરાઓને એકબીજાને કિસ કરતા જોયા હતા. ત્યારે મને લાગ્યું કે આપણો દેશ હવે આ પ્રકારના વિષય પરની ફિલ્મ માટે તૈયાર છે. એક એક્ટર તરીકે તમારે દરેક વસ્તુ કરવી પડે છે, પછી છોકરીને કિસ કરવી પડે કે છોકરાને. ફિલ્મની ડિમાન્ડ પ્રમાણે કંઈ પણ કરવું પડે, હું તૈયાર છું.

ઈમરાન હાશમીની જેમ લિપલોક કરતાં પહેલાં તમે પણ કંઈ ખાધું હતું?
મને તો આમેય OCD (ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર) છે. યાને કે કંઈપણ ખાઓ તો માઉથવોશ કરવું જ પડે. હું એક દિવસમાં કમ સે કમ ત્રણ-ચાર વાર તો બ્રશ કરું છું. કોઈપણ એક્ટર સાથે કિસિંગ સીન કરી રહ્યા હો તો તે પહેલાં તમારા શ્વાસ ફ્રેશ હોય એ તો એક ગુડ મેનર ગણાય ને. કોસ્ટાર જીતુ પણ ગરમ પાણી પીતો હતો, કોગળા કરતો હતો. બે લોકોની કેમિસ્ટ્રી બતાવવા માટે પણ ક્યારેક કિસિંગ સીન જરૂરી હોય છે. આ સીન અમારી ફિલ્મનો સૌથી મહત્ત્વનો હિસ્સો હતો.

ફરી પાછો એ જ સવાલ, કે આ પાત્ર ભજવતી વખતે કોઈ ખચકાટ ન થયો, કે સમલૈંગિકોવાળા સીન કેવી રીતે કરી શકીશ?
અમે બંનેએ જ્યારે સ્ક્રીપ્ટ સાંભળી તો અમે તે માટે તૈયાર હતા, કોઈ ખચકાટ નહોતો. મને લાગે છે કે જે એક્ટર હોમોસેક્સ્યુઆલિટી પ્રત્યે મોકળા મનવાળો હોય તે આ રોલ કરવામાં પાછો ન પડે. જો અમારા આ ફિલ્મ કરવાથી હોમોસેક્સ્યુઆલિટીનો વિરોધ કરનારા લોકો એન્ટરટેનમેન્ટના માધ્યમથી એક્સેપ્ટન્સનો મેસેજ લઈને જાય તો તેનાથી રૂડું શું હોય!

X
'If there is a demand for a movie, whether it is a girl or a boy, I will kiss': Ayushman Khurana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી