ફિલ્મ રિવ્યૂ / ‘ડ્રીમ ગર્લ’ની પૂજાએ મથુરામાં હાસ્યની રાસલીલા સર્જી

film review of Ayushmann Khurrana film dream girl
X
film review of Ayushmann Khurrana film dream girl

Divyabhaskar.com

Sep 13, 2019, 02:53 PM IST

કપિલ શર્માના કોમેડી શોમાં મહત્ત્વનો ભાગ ભજવનાર રાજ શાંડિલ્યની આ પહેલી ડિરેક્ટર તરીકેની ફિલ્મ છે. અહીંયા પણ રાજે પોતાની રાઈટિંગની ઊંડી છાપ છોડી છે. મથુરા બેકગ્રાઉન્ડ પર ફિલ્મની થીમ, કોમેડી પંચ તથા પાત્રોના ક્રિએશનથી આવતા હાસ્યે ઉત્તમ રાસલીલા સર્જી છે. ફિલ્મમાં એન્ટરટેઈન્મેન્ટ તથા મેસેજ બંને છે. તમામ પાત્રો પોતાની ખૂબીઓથી હાસ્યની એક યાદગાર મહેફિલ બનાવે છે. ફિલ્મમાં તો પૂરી રીતે આયુષ્માનનું પાત્ર કરમ છવાયેલું રહે છે. કરમે ટેલિકોલિંગ ગર્લ પૂજાનો અવાજ કાઢ્યો છે, તે લોકોના દિલ પર પૂરી ફિલ્મમાં રાજ કરે છે. ફિલ્મની થીમ નાના શહેરોમાં ભણેલા બેરોજગાર યુવકોની હાલત માટે જવાબદાર સિસ્ટમ પર કટાક્ષ કરવામાં આવ્યો છે. નોકરી માટે કંઈ પણ કરવાની મજબૂરીની તલવાર સતત આમની પર લટકતી રહે છે. એકલતામાં જીવતા લોકોની દુર્દશાની વાત ઘણી જ સારી રીતે ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે, જે મજબૂરીમાં સોશિયલ મીડિયા તથા ફોન પર ફ્રેન્ડશિપ ક્લબવાળાઓની મીઠી વાતોની મદદથી પોતાનું અધૂરાપણું દૂર કરે છે.

ફિલ્મ રિવ્યૂ ડ્રીમ ગર્લ
રેટિંગ 4/5
સ્ટાર-કાસ્ટ આયુષ્માન ખુરાના, અન્નુ કપૂર, નુસરત ભરુચા
ડિરેક્ટર રાજ શાંડિલ્ય
પ્રોડ્યૂસર એકતા કપૂર, શોભા કપૂર
સંગીત મીત બ્રધર્સ
જોનર કોમેડી ફિલ્મ

કેવી છે ફિલ્મ?

કરમના વિધુર પિતા જગજીત છે, જે મથુરામાં નાનકડી દુકાન ચલાવે છે. તેમના માથે બેંકનું દેવું છે. બેરોજગાર કરમ છોકરીઓના અવાજમાં વાત કરી શકે છે. જેના દમ પર તેને કોલ સેન્ટરમાં જોબ મળે છે. અહીંયા તે પૂજા નામની યુવતીનો અવાજ કાઢીને પોતાની મીઠી-મીઠી વાતોથી એકલતાથી પીડાતા લોકોનું એકલાપણું દૂર કરે છે. હદ ત્યારે થાય છે, જ્યારે ટોટો, મહાવીર, હવાલદાર, લેડી રિપોર્ટર તથા કરમના પિતા પણ પૂજાના પ્રેમમાં પડે છે અને લગ્ન કરવા તૈયાર થઈ જાય છે. કોલસેન્ટરનો માલિક આ દરમિયાન કરમની આ ખૂબીને કારણે ઘણી જ કમાણી કરે છે. બીજી તરફ કરમના જીવનમાં મહાવીરની બહેન માહીની એન્ટ્રી થાય છે. બંને એકબીજાના પ્રેમમાં પડે છે. જોકે, ટોટો, મહાવીર, હવાલદાર, લેડી પત્રકાર તથા પિતા જગજીત શું મહાભારત રચે છે અને કરમ તેમના ચક્રવ્યૂહમાંથી પોતાને કેવી રીતે બચાવે છે, એ માટે તો ફિલ્મ જ જોવી પડશે.

ફિલ્મનું રાઈટિંગ સ્માર્ટ છે. ટોટો, મહાવીર, સ્માઈલી, હવાલદાર તથા લેડી પત્રકારના પાત્રો ઘણાં જ રસપ્રદ છે. ટોટો જાટ છે, જેને દિલ્હી એનસીઆરમાં રાતોરાત જમીનના વળતરમાં કરોડોની રકમ મળી હોય છે. મહાવીર આમ તો પોતાને બાલ બ્રહ્મચારી કહે છે પરંતુ પૂજાના આવ્યા બાદ તે એકતરફી આશિક બની જાય છે. લેડી પત્રકારનું ત્રણવાર બ્રેક-અપ થઈ ગયું હોય છે અને તે પુરુષો પર હવે વિશ્વાસ કરી શકતી નથી. હવાલદાર પોતાના નવ વર્ષના લગ્નજીવનથી ત્રાસી ગયો હોય છે. તેની મનની વાત સાંભળનાર કોઈ નથી. વિધુર જગજીતે પણ પુત્ર કરમને કારણે લગ્ન કર્યાં નથી. હવે, તે ઘડપણમાં કોઈ સહારો શોધે છે. તમામની શોધ પૂજા પર આવીને પૂરી થાય છે. જોકે, પૂજાના મનમાં શું છે, તેની કોઈને પરવા નથી.

કરમના રોલમાં આયુષ્માન ખુરાનાએ ‘અંધાધુન’ તથા ‘બધાઈ હો’ બાદ વધુ એક યાદગાર પર્ફોર્મન્સ આપ્યું છે. અવાજથી લઈ કરમ તથા પૂજાની બોડી લેંગ્વેજ દ્વારા તેણે દર્શકોને ઘણાં જ હસાવ્યા છે. ટોટો બનેલા રાજ ભણશાલી પણ રાજ શાંડિલ્યના હાસ્યના ભાથાનું જ એક તીર છે. મહાવીરના રોલમાં અભિષેક બેનર્જીએ ‘સ્ત્રી’ બાદ વધુ એક સારો રોલ પ્લે કર્યો છે. માહી તરીકે નુસરત ભરુચા તથા સ્માઈલીના રોલમાં મનજોત સિંહે સારું કામ કર્યું છે. જગજીત બનેલા અન્નુ કપૂરે ફરી એકવાર પોતાની એક્ટિંગ સ્કિલ બતાવી છે.

રાજ શાંડિલ્યે નાના શહેરોમાં રહેતાં લોકોના ભાવ, બોડી લેંગ્વેજ તથા ડ્રેસિંગ સેન્સને એક્સપ્લોઈટ કરીને કોમેડી કરી છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે, સંવાદો તથા એડિટિંગ એકદમ શાર્પ છે. મીત બ્રધર્સનું સંગીત તથા કુમારના ગીતોએ અલગ જ માહોલ બનાવ્યો છે. ફિલ્મ જોતા સમયે એક સેકન્ડ માટે પણ કંટાળો આવતો નથી. ડીઓપી અસીમ અરોરાએ મથુરા તથા તેની આસપાસના વિસ્તારોને ઘણી જ સારી રીતે કેમેરામાં કેપ્ચર કર્યાં છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી