- શું વાઈરલ થયુંઃ અક્ષય કુમારના નામે ફરી રહેલા મેસેજમાં દાવો કરાયો છે કે ભાવિ પેઢીને નાથુરામ ગોડસેએ ગાંધી હત્યા શા માટે કરેલી તે બયાન ભણાવવું જોઈએ
- શું છે સત્યઃ અક્ષય કુમારે આવું કોઈ બયાન આપ્યું નથી. સોશિયલ મીડિયામાં ફરતો આ મેસેજ તદ્દન ખોટો છે
Divyabhaskar.com
Dec 02, 2019, 12:41 PM ISTબોલિવૂડ ડેસ્કઃ બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારના નામે એક મેસેજ છેલ્લા થોડા દિવસથી સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવી રહ્યો છે. તે મેસેજમાં અક્ષયના હવાલાથી દાવો કરાઈ રહ્યો છે કે જો બાળકોને શાળાઓમાં ગાંધીજીના હત્યારા તરીકે ભણાવવામાં આવતું હોય તો તેણે ગાંધીજીની હત્યા શા માટે કરેલી તેવું કોર્ટમાં આપેલું છેલ્લું બયાન પણ ભણાવવું જોઈએ. ‘દિવ્ય ભાસ્કર’એ કરેલા ફેક્ટ ચેકમાં માલુમ પડ્યું કે અક્ષય કુમારે આવું કોઈ બયાન ક્યારેય આપ્યું જ નથી અને સોશિયલ મીડિયામાં ફરી રહેલો આ મેસેજ તદ્દન ખોટો છે.
શું વાઈરલ થઈ રહ્યું છે
કેટલાય યુઝર્સ આ મેસેજને સાચો માનીને સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા છે.
તે પોસ્ટમાં અક્ષયના હવાલાથી લખ્યું છે કે- ‘હું નથી કહેતો કે ગોડસે દ્વારા કરવામાં આવેલી ગાંધીની હત્યા યોગ્ય હતી કે નહીં, પરંતુ એટલું જરૂર કહીશ કે ઈતિહાસનાં પુસ્તકોમાં ગોડસેને ગાંધીના હત્યારા તરીકે ભણાવવાની સાથોસાથ ગોડસેનું છેલ્લું બયાન પણ ભણાવવું જોઈએ જેમાં તેમણે કહેલું કે ગાંધીની હત્યા તેમણે શા માટે કરેલી? બાકી યોગ્ય-અયોગ્યનો નિર્ણય તો ભાવિ પેઢી જાતે જ કરી લેશે.’

શું છે સત્ય
- ફેક્ટ ચેકમાં માલુમ પડ્યું કે સોશિયલ મીડિયામાં કરાઈ રહેલો આ દાવો હળાહળ ખોટો છે. અક્ષયે આવું કોઈ બયાન ક્યારેય આપ્યું જ નથી. અમુક યુઝર્સનો દાવો છે કે અક્ષયે ટ્વીટ કરીને આ વાત કરેલી, પરંતુ અક્ષયે આવી કોઈ ટ્વીટ પણ ક્યારેય કરી નથી.
- અક્ષય કુમારની ટ્વિટર ટાઈમલાઈન તપાસતાં માલુમ પડ્યું કે તેણે નાથુરામ ગોડસે વિશે ક્યારેય કોઈ ટ્વીટ કરી જ નથી. એટલું જ નહીં, દેશનાં કોઈપણ મીડિયા હાઉસે આવા કોઈ ન્યૂઝ કવર કર્યા નથી.
- આના પરથી સાબિત થાય છે કે સોશિયલ મીડિયામાં ફરતો આ મેસેજ તદ્દન નકલી છે અને કોઈપણ યુઝર તેને ફોરવર્ડ ન કરે તે ઈચ્છનીય છે.