બોક્સ ઓફિસ / ‘બોયકોટ છપાક’થી દીપિકા પાદુકોણની ફિલ્મ ધોવાઈ ગઈ? કમાણીનો ટ્રેન્ડ અલગ જ વાત કરે છે

calculation of deepika padukone chhapaak storng on box office

Divyabhaskar.com

Jan 16, 2020, 02:54 PM IST

અમદાવાદઃ અમદાવાદઃ દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ 10 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. આ જ દિવસે અજય દેવગનની ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’ પણ રિલીઝ થઈ છે. દીપિકાની ‘છપાક’ને લઈ સોશિયલ મીડિયામાં ઘણો જ વિરોધ થયો હતો. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં દીપિકા પાદુકોણે JNU (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી)ની મુલાકાત લીધી હતી અને અહીંયા તે વિદ્યાર્થી સંઘ અધ્યક્ષા આઈશી ઘોષને મળી હતી. માત્ર 10 મિનિટની આ મુલાકાતનો સોશિયલ મીડિયા યુઝર્સે ઘણો જ વિરોધ કર્યો હતો. દીપિકા આ મુલાકાત દરમિયાન એક શબ્દ પણ બોલી નહોતી પરંતુ સોશિયલ મીડિયામાં ‘છપાક’ને બોયકોટ કરવાના મેસેજ ફરતા થયાં હતાં. 40 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધી (છ દિવસમાં) 26.53 કરોડની કમાણી કરી છે. ફિલ્મે પહેલાં વીકેન્ડમાં 19.02 કરોડની કમાણી કરી હતી.

વુમન સેન્ટ્રિક અથવા તો ઈશ્યૂ બેઝ્ડ ફિલ્મ સામાન્ય રીતે 15-20 કરોડની કમાણી કરે છે
દીપિકાની ફિલ્મે છ દિવસમાં 26.53 કરોડની કમાણી કરી છે. સોશિયલ મીડિયામાં એવી બૂમરાણ મચાવવામાં આવી છે કે દીપિકાની JNUન જોકે, છ દિવસના આંકડા પરથી તો એમ કહી શકાય કે ફિલ્મે 75 ટકાથી વધુ બજેટ વસૂલ કર્યું છે અને હવે જો ફિલ્મ વધુ 14 કરોડની કમાણી કરે તો પૂરું બજેટ કાઢી લશે.

ભૂતકાળ તરફ નજર કરતાં જણાય છે કે વુમન સેન્ટ્રિક ફિલ્મ્સ ફર્સ્ટ વીકેન્ડમાં એવરેજ 15-18 કરોડની કમાણી કરતી હોય છે. ગયા વર્ષે 13 ડિસેમ્બરે આવેલી રાની મુખર્જીની ‘મર્દાની 2’એ ત્રણ દિવસમાં 18.15 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે ઓપનિંગ ડે પર માત્ર 3.80 કરોડ કમાયા હતા. 20 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મનું લાઈફ-ટાઈમ કલેક્શન 47.35 કરોડ છે. ટ્રેડ એનાલિસ્ટોએ આ ફિલ્મને ‘સુપરહિટ’ જાહેર કરી છે. એ જ રીતે ગયા વર્ષે દિવાળી પર રિલીઝ થયેલી તાપસી પન્નુ-ભૂમિ પેડનેકરની ‘સાંડ કી આંખ’ 25 કરોડના બજેટમાં તૈયાર થઈ હતી. આ ફિલ્મે પહેલાં દિવસે માત્ર 48 લાખની કમાણી કરી હતી અને ત્રણ દિવસમાં ફિલ્મે 2.47 કરોડની કમાણી કરી શકી હતી. માઉથ પબ્લિસિટીને કારણે આ ફિલ્મ પાછળથી ઊંચકાઈ હતી અને ફિલ્મે વર્લ્ડવાઈડ 30.7 કરોડની કમાણી કરી હતી. ટ્રેડ એનાલિસ્ટોના મતે આ ફિલ્મ ‘એવરેજ’ રહી હતી.

વુમન સેન્ટ્રિક ફિલ્મ્સનું બોક્સ ઓફિસ પર પ્રદર્શન

ફિલ્મનું નામ રિલીઝ ડેટ ભારતમાં કમાણી (કરોડમાં) વર્લ્ડવાઈડ કમાણી (કરોડમાં)
ઈંગ્લિશ વિંગ્લિશ 5 ઓક્ટોબર, 2012 34.86 66.19
કહાની 9 માર્ચ, 2012 51.55 80.43
ક્વીન 7 માર્ચ, 2014 61 95.04
મર્દાની 22 ઓગસ્ટ, 2014 35.82 59.55
નીરજા 19 ફેબ્રુઆરી, 2016 75.61 131.66
તુમ્હારી સુલુ 17 નવેમ્બર, 2017 36.15 56.49
હિચકી 23 માર્ચ, 2018 46.21 215.3

દીપિકાની માર્કેટ વેલ્યૂ જોતા ‘છપાક’નો બિઝનેસ ઓછોઃ તરણ આદર્શ
‘છપાક’ ફિલ્મમાં દીપિકા પાદુકોણ હોવાથી પહેલાં દિવસે ફિલ્મ છ કરોડની આસપાસ બિઝનેસ કરે તેવી ટ્રેડ એનાલિસ્ટોને આશા હતી, પરંતુ divyabhaskar.com સાથેની ટેલિફોનિક વાતચીતમાં ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ કહે છે, ‘દીપિકા નંબર વન એક્ટ્રેસ છે અને એ હિસાબે આ ફિલ્મે ઓછી કમાણી કરી છે. જો ‘છપાક’ની તુલના આલિયા ભટ્ટ-મેઘના ગુલઝારની ‘રાઝી’ અથવા તો સોનમ કપૂરની ‘નીરજા’ સાથે કરવામાં આવે તો આ ફિલ્મે અપેક્ષા કરતાં ઓછો બિઝનેસ કર્યો છે. ‘છપાક’ની રિલીઝને ત્રણ જ દિવસ થયા હોવાથી ફિલ્મને ફ્લોપ કે હિટ કહેવું જરા વહેલું છે. આ ફિલ્મ સેટેલાઈટ તથા અન્ય રાઈટ્સમાંથી કમાણી કરશે અને એ હિસાબે ફિલ્મની કમાણી સરભર થઈ જશે.’

દીપિકા પાદુકોણ ડી-ગ્લેમ રોલમાં
‘છપાક’ એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. સામાન્ય રીતે દર્શકોને ફિલ્મમાં એક્ટ્રેસિસ ગ્લેમરસ જોવી ગમતી હોય છે. આ ફિલ્મમાં દીપિકા પહેલા સીનથી લઈ છેલ્લા સીન સુધી ક્યાંય ગ્લેમર અવતારમાં જોવા મળતી નથી. એમાં પણ એસિડ અટેક બાદ દીપિકાનો ચહેરો બળી ગયો હોય તે રીતનો છે. એક્સપરિમેન્ટ ટાઈપની આ ફિલ્મમાં દીપિકા પાદુકોણના નોન-ગ્લેમરસ અવતારને માસ લોકો ના જુએ તે સ્વાભાવિક છે. ‘પદ્માવત’માં દીપિકાનો લાર્જર ધેન લાઈફ રોલ હતો, જ્યારે ‘છપાક’માં દીપિકા તદ્દન ઓર્ડિનરી અવતારમાં જોવા મળે છે. સાથે એ પણ નોંધવું જોઈએ કે ‘પદ્માવત’ની સફળતામાં સંજય લીલા ભણસાલીનું ડિરેક્શન, રણવીર સિંહ-શાહિદ કપૂરની એક્ટિંગ, સંગીત અને વિવાદનો મહત્ત્વનો ફાળો રહેલો છે.

‘છપાક’ બોક્સ-ઓફિસ ઉપરાંત આ રીતે પણ કમાણી કરશે
‘છપાક’ ભારતમાં 1700 તથા વિદેશમાં 450 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. ફિલ્મ બોક્સ ઓફિસની કમાણી ઉપરાંત પણ અન્ય રીતે કમાણી કરતી હોય છે, જેમાં સેટેલાઈટ રાઈટ્સ, મ્યૂઝિક રાઈટ્સ તથા ડિજીટલ રાઈટ્સનો સમાવેશ થતો હોય છે. સામાન્ય રીતે વુમન સેન્ટ્રિક ફિલ્મના સેટેલાઈટ, મ્યૂઝિક તથા ડિજીટલ રાઈટ્સ 25થી 30 કરોડની આસપાસ વેચતા હોય છે. વિદ્યા બાલનની 20 કરોડમાં બનેલી ‘તુમ્હારી સુલુ’ના સેટેલાઈટ, ઓવરસીઝ તથા અન્ય રાઈટ્સ 22 કરોડમાં વેચાયા હતા. રાની મુખર્જીની ‘મર્દાની 2’ના રાઈટ્સ 25 કરોડમાં વેચાયા હતા. તાપસી પન્નુ તથા ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘સાંડ કી આંખ’ના સેટેલાઈટ તથા અન્ય 15-20 કરોડની આસપાસ વેચાયા હતા.

‘છપાક’ કેટલું કલેક્શન કરી શકે?
ઈશ્યૂ બેઝ્ડ ફિલ્મ ‘છપાક’નું ભારતમાં લાઈફ ટાઈમ કલેક્શન 50-55 કરોડ રહે તેવી શક્યતા છે. ‘છપાક’ને 17 જાન્યુઆરીએ રિલીઝ થતી ‘જય મમ્મી દી’ ખાસ અસર કરશે નહીં. પણ હા ટક્કર આપે તેવી બે ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ તથા ‘પંગા’ 24 જાન્યુઆરીએ રિલીઝ થાય છે. વિદેશમાં ‘છપાક’એ પહેલાં વીકેન્ડમાં 2.5થી 3 કરોડની કમાણી કરી છે. અને ઓવરઓલ ફિલ્મ વિદેશમાં 10થી 15 કરોડની કમાણી કરી શકે તેમ છે. આમ જોઈએ તો ફિલ્મ વર્લ્ડવાઈડ 60-65 કરોડની કમાણી કરે તેવી શક્યતા છે. આ કમાણીમાં હજી સેટેલાઈટ તથા અન્ય રાઈટ્સની કમાણી ઉમેરાશે. ‘મર્દાની 2’ના રાઈટ્સ 25 કરોડમાં વેચાયા હતા, તેને ધ્યાનમાં રાખીએ તો ‘છપાક’ના રાઈટ્સ પણ 25-30 કરોડની વચ્ચે વેચાશે તેમ માની શકાય. ‘છપાક’ના વર્લ્ડ વાઈડ કલેક્શન 60-65 કરોડમાં રાઈટ્સની કમાણી ઉમેરવામાં આવે તો તે 85-95 કરોડ થવા જાય છે. આમાંથી ફિલ્મનું 40 કરોડનું બજેટ કાઢી નાખવામાં આવે તો પણ ફિલ્મ 45-55 કરોડ જેટલો નફો કરી શકે તેમ છે. જો ‘છપાક’ આ જ ટ્રેન્ડ પ્રમાણે કમાણી કરે તો આ ફિલ્મને હિટની કેટેગરીમાં મૂકી શકાશે.

સાભારઃ બોક્સ ઓફિસના તમામ આંકડા વેબસાઈટ બોલિવૂડ હંગામામાંથી લેવામાં આવ્યા છે

X
calculation of deepika padukone chhapaak storng on box office
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી