વિવાદ / કંગના રનૌતે મીડિયાને દેશદ્રોહી, નાલાયક તથા નકલી કહ્યું, માફી માગવાનો ઈનકાર કર્યો

bollywood actress Kangana Ranaut Refuses To Apologise To 'Deshdrohi, Bikau' Media
X
bollywood actress Kangana Ranaut Refuses To Apologise To 'Deshdrohi, Bikau' Media

Divyabhaskar.com

Jul 11, 2019, 01:28 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તથા પત્રકાર વચ્ચેનો વિવાદ અંત લેવાનું નામ લેતો નથી. એન્ટરટેઈન્મેન્ટ જર્નાલિસ્ટ ગિલ્ડ ઓફ ઈન્ડિયા નામની સંસ્થાએ કંગનાનો બોયકોટ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પર હવે, કંગનાએ પોતાનું નિવેદન આપ્યું છે. કંગનાએ તેની બહેન તથા મેનેજર રંગોલી ચંદેલના ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. રંગોલીએ કહ્યું હતું કે કંગનાને તાવ આવ્યો હોવા છતાંય તેણે આ સ્ટેટમેન્ટ આપ્યું છે.

શું કહ્યું કંગનાએ?

1. આજે હું મીડિયાને કારણે જ સફળ છું

કંગનાએ કહ્યું હતું, 'આજે જે આપણી ઈન્ડિયન મીડિયા છે, હું તેના વિશે કંઈક કહેવા માગું છું પરંતુ દરેક જગ્યાએ સારા લોકો પણ હોય છે અને ખરાબ લોકો પણ હોય છે. મીડિયામાં રહેલા કેટલાંક લોકોએ મને પ્રોત્સાહન આપ્યું છે. મને સારી સલાહ પણ આપી છે. હું કહીશ કે મારી સફળતા પાછળ તેમનો ઘણો જ મોટો હાથ છે. હું હંમેશા મીડિયાની આભારી રહીશ પરંતુ એવા કેટલાંક લોકો છે, જે ઊધઈ જેવા છે. મીડિયાનું એક સેક્શન આપણાં દેશમાં ઊધઈ જેવું છે, તે રોજબરોજ પત્રકારની ગરિમા, અસ્મિતા, અખંડિતતા પર હુમલાઓ કરે છે. ગંદા-ભદ્દા દેશદ્રોહીના વિચારો રજૂ કરે છે, તેમની વિરૂદ્ધ આપણાં દેશના બંધારણમાં ના તો કોઈ સજા છે અને ના તો કોઈ દંડ છે. આ વાતથી મને ઘણી જ ઠેસ પહોંચી છે. બેવડી નીતિ અપનાવતું મીડિયા છે, બિકાઉ મીડિયા છે, જે પોતાને ઉદારમતવાદી, સેક્યૂલર કહે છે, જે 10 નાપાસ પણ નથી, આ લોકો નકલી ઉદારવાદી છે. ધાર્મિક વસ્તુઓને લઈને દેશની એકતા પર પ્રહાર કરે છે.'

2. કેટલાક પત્રકારો મફતનું ખાવા આવી જાય છે

વધુમાં કંગનાએ કહ્યું હતું, 'હું એક જર્નાલિસ્ટને મળી હતી.અમારી વચ્ચે ગંભીર મુદ્દાઓ પર વાત થઈ જેમ કે પ્લાસ્ટિક બૅન, ગૌવંશ વગેરે વિશે મેં વાત કરી હતી. શહીદ પર ફિલ્મ બનાવી. તેણે દરેક વાતની મજાક ઉડાવી. અપશબ્દો, ગંદી વાત લખી. પ્રેસ કોન્ફરન્સમાં મફતમાં ખાવાનું ખાવા પહોંચી જાય છે. તમે પોતાને કેવી રીતે પત્રકાર કહી શકો? એવું તો શું કામ કર્યું છે તમે? જરા બતાવો તો તમારું કામ. જેવી રીતે હું મારી જાતને કલાકાર કહું છું, તો તમારી પાસે પણ કંઈક હોયને ક્રિએટિવ. કોઈ તો ધારાધોરણ હોવું જોઈએ ને..કારણ કે મેં તે વ્યક્તિના સવાલનો જવાબ ના આપ્યો...કારણ કે તે એન્ટી-નેશનલ છે..મારી પાસે કોઈ પણ દેશદ્રોહી માટે ઝીરો પર્સન્ટ ટોલરેન્સ છે.'

3. નાલાયકો મને બરબાદ કરશો?

કંગનાએ આગળ કહ્યું હતું, 'ત્રણ-ચાર પત્રકારોએ ભેગા થઈને સંસ્થા બનાવી છે. સંસ્થા તો કાલે જ બનીને. તેની કોઈ માન્યતા છે ખરા?. તેમણે હવે મને ધમકાવવી શરૂ કરી દીધી છે કે તેઓ મને બૅન કરશે અને મારી કરિયર બરબાદ કરી નાખશે. મને કવર નહીં કરે. અરે, નાલાયકો, દેશદ્રોહીઓ, વેચાયેલાં લોકો, તમારા જેવા લોકોને ખરીદવા માટે લાખો રૂપિયા પણ ના જોઈએ. તમે તો એટલા સસ્તા છો કે 50-60 રૂપિયામાં જ વેચાઈ જાવ. તમારા લોકોના બાપ-દાદાઓને પણ મેં લોહાના ચણા ખવડાવ્યા છે. તમારા જેવા નાલાયક લોકો મને બરબાદ કરશે? તમારા જેવા સડેલા, નકલી ઉદારવાદી પત્રકારોનું ચાલતું હોત તો આજે હું ભારતમાં સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસ ના હોત. હું હાથ જોડીને કહું છું કે મહેરબાની કરીને મને બૅન કરો. કારણ કે હું નથી ઈચ્છતી કે મારા કારણે તમારા લોકોનું ઘર ચાલે. આનાથી મોટો કોઈ ઉપકાર તમે મારી પર કરી શકતા નથી.'

4. એકતા કપૂરની માફીનો સ્વીકાર પણ કંગના પરનો બૅન નહીં હટે

ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ બાલાજી મોશન પિક્ચર્સની માફીનો સ્વીકાર કર્યો છે પરંતુ તેઓ કંગના પરનો બૅન ચાલુ જ રાખશે. ઉલ્લેખનીય છે કે એન્ટરટેઈન્મેન્ટ જર્નાલિસ્ટ ગિલ્ડ ઓફ ઈન્ડિયા નામની સંસ્થાએ ફિલ્મની પ્રોડ્યૂસર એકતા કપૂરને એક પત્ર લખ્યો હતો, જેમાં ફિલ્મને પૂરી રીતે બોયકોટ કરવાની અને કોઈ પણ મીડિયા કવરેજ ના આપવાની વાત કહેવામાં આવી હતી. આ પત્રની સબ્જેક્ટ લાઈનમાં ફિલ્મ 'જજમેન્ટલ હૈં ક્યા' ગીતની લોન્ચિંગ ઈવેન્ટમાં કંગનાના અયોગ્ય વ્યવહારની નિંદાની માગણી કરવામાં આવી હતી. પત્રમાં લખવામાં આવ્યું હતું કે તમારી ટીમે અમને અંધેરીમાં આયોજીત તમારી એક ઈવેન્ટને કવર કરવાની વિનંતી કરી હતી. આ ઈવેન્ટમાં કંગના રનૌત તથા રાજકુમાર રાવ હતાં. કંગના અમારા એક પત્રકાર પર ખરાબ રીતે ભડકી ગઈ હતી. વધુમાં પત્રમાં લખવામાં આવ્યું હતું કે તમે આ ઈવેન્ટમાં હાજર હતાં અને તમને પૂરી બાબતનો ખ્યાલ હતો. અમે આ મામલે એક લેખિત સ્ટેટમેન્ટ તથા કંગના દ્વારા કરેલા વર્તાવની નિંદાની માગણી કરી હતી. ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ બોયકોટની વાત કરતાં એકતા કપૂરના બાલાજી ટેલિફિલ્મ્સે માફી માગી હતી. એકતા કપૂરે નિવેદનમાં કહ્યું હતું કે કંગના તથા પત્રકાર વચ્ચે જે થયું તેનો તેને અફસોસ છે. જોકે, નવાઈની વાત એ છે કે એકતાએ આ મામલાની નિંદા કરી નહોતી. તેણે એમ કહ્યું હતું કે આ કંગના તથા પત્રકાર વચ્ચેની વાત છે.

શું હતો વિવાદ?

1. ફિલ્મ 'જજમેન્ટલ હૈં ક્યા'ની સોંગ લોન્ચ ઈવેન્ટમાં કંગના-પત્રકાર વચ્ચે ઝઘડો થયો હતો
  • 'જજમેન્ટલ હૈં ક્યા'ની પ્રેસ કોન્ફરન્સમાં જસ્ટિન રાવ નામના પત્રકારે જ્યારે પોતાનું નામ કહ્યું તો એક્ટ્રેસ તેના પર ભડકી ગઈ હતી. કંગના અંદાજે સાડા છ મિનિટ સુધી ઝઘડી હતી. કંગનાએ કહ્યું હતું, 'જસ્ટિન તુ તો મારો દુશ્મન બની ગયો છે. ઘણી જ ખરાબ વાત લખે છે. કેટલી ગંદી ગંદી વાતો લખે છે. આટલું ગંદું કેવી રીતે વિચારી શકે છે'
  • જ્યારે પત્રકારે વચ્ચે એક્ટ્રેસને રોકીને કહ્યું હતું કે તેની પર આ પ્રકારનો આરોપ લગાવવો યોગ્ય નથી તો કંગનાએ સામે કહ્યું હતું કે તો તારા માટે આવું કરવું યોગ્ય છે? કંગનાએ આગળ કહ્યું હતું, 'તું મારી ફિલ્મ 'મણિકર્ણિકા'ને લઈ ખરાબ બોલી રહ્યો હતો. મેં ફિલ્મ બનાવીને ભૂલ કરી છે? રાષ્ટ્રવાદ પર ફિલ્મ બનાવી તો તમે મને કટ્ટર રાષ્ટ્રવાદી મહિલા ગણાવી દીધી હતી.'
  • ઉલ્લેખનીય છે કે માર્ચમાં પત્રકારે ટ્વીટ કરી હતી, જેમાં તેણે કંગનાની ફિલ્મ 'મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી' પાકિસ્તાનમાં રિલીઝ થઈ, તેને લઈ સવાલ કર્યો હતો. પત્રકારે કહ્યું હતું, 'ઉરી તથા પુલાવામા હુમલા બાદ પાકિસ્તાનની એક ઈવેન્ટમાં જવા બદલ કંગના એક્ટ્રેસ શબાના આઝમી પર ભડકી હતી. જ્યારે મેં તેને પૂછ્યું કે ઉરી હુમલા બાદ પણ તેણે પોતાની 'મણિકર્ણિકા' પાકિસ્તાનમાં કેવી રીતે રિલીઝ કરી? આના પર તેનું રિએક્શન જુઓ.' પત્રકારે કંગનાનો વીડિયો શૅર કર્યો છે, જેમાં તે કહે છે કે ડિસ્ટ્રીબ્યૂશન સમયે ફિલ્મની ડિજિટલ કૉપી ત્યાં જતી રહી હતી અને હવે તેને પરત લાવવી શક્ય નથી.
  •  કંગના તથા જસ્ટિનનો વિવાદ વધતા પ્રોડ્યૂસર એકતા કપૂર વચ્ચે પડી હતી. તેણે હાથ જોડીને મીડિયાની માફી માગી હતી. ત્યારે આ વિવાદ શાંત થયો હતો અને કંગના તથા ફિલ્મની ટીમે અન્ય રિપોર્ટર્સ સાથે વાત કરીને પ્રેસ કોન્ફરન્સ પૂરી કરી હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી