સોશિયલ સ્ક્રોલ / બાર્ડ ઓફ બ્લડઃ નેટફ્લિક્સની વધુ એક કંગાળ વેબસિરીઝ

Bird of Blood: One of Netflix's poorer websites

Divyabhaskar.com

Oct 04, 2019, 09:17 PM IST

યુવા રાઈટર બિલાલ સિદ્દીકીએ ‘બાર્ડ ઓફ બ્લડ’ નામની સ્પાય-થ્રિલર નવલકથા 19 વર્ષની ઉંમરે (2015માં) લખી હતી (બિલાલ સિદ્દીકીની તસવીરો જોઈએ તો લાગે કે બસમાં કન્ડક્ટર આજે પણ એની હાફ ટિકિટ જ લેતા હશે!). તેના પરથી બનેલી અને 27 સપ્ટેમ્બરે ઓનલાઈન વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ‘નેટફ્લિક્સ’ પર એ જ નામથી રિલીઝ થયેલી વેબ સિરીઝ જોતાં જોતાં સતત એ વાતની ખાતરી થયા કરે!

સિરીઝ કરતાં ઈન્ટરેસ્ટિંગ પ્રોમો
‘બાર્ડ ઓફ બ્લડ’ના પ્રમોશન માટે ઓગસ્ટ મહિનામાં નેટફ્લિક્સે KBCના શો દરમિયાન એક પ્રોમો રિલીઝ કરેલો, પૂરા પોણા પાંચ મિનિટનો! તેમાં આ સિરીઝનો પ્રોડ્યુસર શાહરુખ ખાન ‘એડોનિસ’ નામધારી ઈમરાન હાશમીનું ઈન્ટરોગેશન કરતો દેખાય છે. વેલ, પોણા પાંચ મિનિટનો એ પ્રમોશનલ વીડિયો સાત એપિસોડની આ સિરીઝની પહેલી આખી સીઝન કરતાં ક્યાંય વધુ ઈન્ટરેસ્ટિંગ હતો!

બહોત કન્ફ્યૂઝન હૈ, ભાઈ!
માત્ર દસ-બાર દિવસની અંદર લગભગ એકસરખો વિષય ધરાવતી ત્રણ કૃતિઓ રિલીઝ થઈ. પહેલાં ‘એમેઝોન પ્રાઈમ વીડિયો’ પર આવી મનોજ બાજપાયી સ્ટારર ‘ધ ફેમિલી મેન’. એ પછી ‘નેટફ્લિકસ’ પર રિલીઝ થઈ ‘બાર્ડ ઓફ બ્લડ’. ત્યાર પછી મોટા પડદે હૃતિક રોશન-ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘વૉર’ રિલીઝ થઈ. ત્રણેયના સબ્જેક્ટ્સ અને સ્ટોરીલાઈનમાં એટલી બધી સામ્યતાઓ છે કે બેક ટુ બેક જોઈ હોય તો સતત કન્ફ્યુઝન થાય કે ‘ધ ફેમિલી મેન’માં ટાઈગર શ્રોફ કૂદકો મારીને એન્ટ્રી ન મારે અને બાર્ડ ઓફ બ્લડમાં મનોજ બાજપાયી કે હૃતિક રોશન બંદૂકડી લઈને ધાણીફૂટ ગોળીબાર ન કરે તો સારું! ‘ધ ફેમિલી મેન’ અને ‘બાર્ડ ઓફ બ્લડ’ બંનેનું શૂટિંગ લેહ સિટી અને લદાખનાં વિવિધ લોકેશન્સ પર થયું છે, એટલે વિઝ્યુઅલી પણ બંનેમાં સામ્યતા લાગ્યા કરે તે સ્વાભાવિક છે.

સ્પાય થ્રિલર બનાવવી છે? આ રહ્યો મસાલો!
WAR ફિલ્મનો રિવ્યૂ લખતી વખતે મેં એક ટિપિકલ સ્પાય થ્રિલર ફિલ્મ કે વેબ સિરીઝનાં કેટલાંક એલિમેન્ટ્સની વાત કરેલી. એ તમામ એલિમેન્ટ્સ આ સિરીઝ (‘બાર્ડ ઓફ બ્લડ’)ને પણ લાગુ પડે છે, એટલે પુનરાવર્તનના ભયે પણ તેને રિપીટ કરું છુંઃ

એક નો-નોન્સેન્સ સિરિયસ દેખાતો RAW ટાઈપની સિક્રેટ એજન્સીનો ચીફ, ફિલ્મમાં માત્ર એકાદ-બે સીન માટે અને માત્ર પ્રેશર ઊભું કરવા માટે જ દેખાતા મિનિસ્ટર (જેને જે તે સમયની સરકારના મંત્રીનો ગેટઅપ પણ આપી શકાય), એક નર્ડ-ગીક જેવો દેખાતો કમ્પ્યુટર એનાલિસ્ટ જેનું કામ આખી ફિલ્મ કે વેબ સિરીઝમાં જાતભાતનાં કમ્પ્યુટરો કે સિક્યોરિટી કેમેરા હેક કરવાનું જ હોય અને ટાણે કમ્પ્યુટર/ટેબલેટ/પ્રિન્ટઆઉટ લઈને પોતાના ચીફની પાસે ધસી જઈને ‘સર, કુછ મિલા હૈ, યુ નીડ ટુ સી ધીસ’ બોલવાનું જ હોય, ગ્લેમર ક્વોશન્ટ ઉમેરવા માટે એક ફીમેલ એજન્ટ (જેને વાર્તાના હીરો પ્રત્યે અંદરખાને ક્રશ હોય) અને એક એવો એજન્ટ જે તેમના ચીફના મતે એમની સંસ્થાનો ‘નંબર વન’, ‘બેસ્ટ’ કે ‘એક હી ઐસા આદમી’ હોય… આ તમામ લોકો દ્વારા બોલાતા સંવાદોમાંઃ ISIS, તાલિબાન, હક્કાની, જૈશ, મિશન, સ્યુસાઇડ મિશન, એજન્ટ, સેફ હાઉસ, ફોલો માય ઓર્ડર્સ, રોગ (Rogue), રિપોર્ટ ટેબલ પર ચાહિયે, ટ્રેપ, ઈટ્સ અ ટ્રેપ, હની ટ્રેપ, ડબલક્રોસ, ડિવાઈસ, ટ્રાન્સમિટર વગેરે શબ્દો ભભરા દેને કા. અને હીરો જે કેસ, સોરી, મિશન પર કામ કરી રહ્યો છે તેનું રિસર્ચ કરવા માટે રોજ રાત્રે આંખમાં તેલનાં ટીપાં નાખીને જાગે છે એ બતાવવા માટે એના ખૂફિયા રૂમની દીવાલ પર નકશા-ફોટા-સ્કેચ-અખબારોનાં કટિંગ્સ-સ્કેચપેનથી નોંધ કરેલી સ્ટિકી નોટ્સ લગાવી દેવાની અને લાલ-પીળી નાડાછડી લઈને આ બધાને આડુંઊભું જોડી દેવાનું.

હવે આમાં તમે આતંકવાદીઓ-પાકિસ્તાન દેશના કોઈ શહેર પર મોટો હુમલો કરવાનું ષડ્યંત્ર રચી રહ્યા છે એવું બતાવો, કોઈ ઉચ્ચાધિકારીનું મર્ડર બતાવો, કોઈ કારણસર હાથથી ગયેલો (rogue) એજન્ટ કે સંન્યાસ લઈ ચૂકેલો એજન્ટ બતાવો અને તેને સરહદ પાર જોખમી પરિસ્થિતિમાં તે ‘સાઝિશ નાકામ’ કરવા મોકલો, ત્યાં ઓલરેડી કામ કરતા આપણા છૂપા એજન્ટને જાગ્રત કરો, દેશની સિક્રેટ સંસ્થામાંથી જ કોઈ વ્યક્તિને ફૂટેલી-ગદ્દાર બતાવો અને બજેટ પ્રમાણે વાર્તાના હીરો એજન્ટને વિવિધ દેશોની યાત્રા કરાવો…

બસ, તમારી ક્લિશે સ્પાય થ્રિલર વાર્તાનો મસાલો તૈયાર!

બાર્ડ ઓફ બ્લડમાં આમાંથી લગભગ બધું જ છે. ઉમેરો માત્ર એટલો જ છે કે અહીં ભારતનો બેસ્ટ કહેવાતો એજન્ટ યાને કે ઈમરાન હાશમી તાલિબાનોના હાથે પકડાયેલા ભારતીય એજન્ટોને છોડાવવા માટે જાય છે.

સ્માર્ટનેસ માત્ર પોસ્ટરમાં
‘બાર્ડ ઓફ બ્લડ’નું જ્યારે માત્ર પોસ્ટર રિલીઝ થયેલું ત્યારે તે બહુ ઈન્ટરેસ્ટિંગ લાગેલું. પોસ્ટર એવું હતું કે લોહીના ઉઝરડાવાળો ચહેરો લઈને ઈમરાન હાશમી તેમાં લોહીથી ખરડાયેલા એક તૂટેલા કાચની પાછળ હાથમાં બંદૂકડી લઈને ઊભો છે. ધ્યાનથી જોતાં સમજાયું કે ઓત્તારી, આ તૂટેલો કાચ તો ડિટ્ટો પાકિસ્તાનના નકશાના આકારમાં તૂટેલો બતાવ્યો છે (અલબત્ત, તેમાં બડી સિફતપૂર્વક POKનો ભાગ એડિટ કરી દેવાયેલો)! પોસ્ટર જોઈને જ ખ્યાલ આવી જાય કે આ સિરીઝમાં ઈમરાન હાશમી પાકિસ્તાનની માલિપા જઈને કંઈક ધડબડાટી બોલાવવાનો છે! એ પોસ્ટર જોઈને અંદરખાને ઉત્કંઠાના ફુવારા ફૂટી નીકળેલા, કે જો પોસ્ટર આટલું ઈન્ટેલિજન્ટ છે તો સોચો કે આખી વેબસિરીઝ કેવો જલસો કરાવશે?!

લેકિન પહેલા એપિસોડથી જ સિરીઝમાં એવો દાટ વળવો શરૂ થયો કે સિરીઝને ‘બિન્જ’ (Binge) એટલે કે એક બેઠકે જોવાને બદલે પહેલી સીઝનના સાત હપ્તા પૂરા કરતાં પણ શરીરે રાતી કીડીઓ ચટકવા માંડી. શરૂઆતમાં આપણને બતાવવામાં આવે છે કે દુશ્મનના દેશમાં આપણા એજન્ટો સ્પાઈંગ કરતી વખતે તાલિબાનોના હાથે કઈ રીતે પકડાય છે. તેમાં બતાવાયેલા એજન્ટો, એમની ‘ઈન્ટેલિજન્સ’ અને આખી સિક્વન્સની ટ્રીટમેન્ટ જોઈએ તો ખાતરી થઈ જાય કે આ સંઘ કાશીએ પહોંચશે એ વાતમાં માલ નથી.

માત્ર નામના શેક્સપિયર
ઈમરાન હાશમી ‘એડોનીસ’ કોડનેમ ધરાવતો (ઉપર લખ્યું તેમ) સંસ્થાનો બેસ્ટ એજન્ટ છે. ‘વિકિપીડિયા’ કહે છે કે ગ્રીક મિથોલોજીમાં બ્યુટી અને ડિઝાયરના દેવતાનું નામ એડોનીસ હતું. શેક્સપિયરની એક કવિતાનું શીર્ષક પણ ‘વીનસ એન્ડ એડોનીસ’ હતું. આ બંનેનું ડિસ્ક્રિપ્શન વાંચીએ તો તે ઈમરાન હાશમીના (‘સિરિયલ કિસર’વાળા) પૂર્વાશ્રમને વધુ બંધ બેસે છે. અહીં તેનું કોડનેમ ‘એડોનીસ’ અને સિરીઝનું નામ ‘બાર્ડ ઓફ બ્લડ’ માત્ર એટલા માટે જ રાખ્યું હોય તેવું લાગે છે કેમ કે, ભાઈ સાહેબ પોતાની સિવિલિયન લાઈફમાં એક સ્કૂલમાં શેક્સપિયર ભણાવે છે (શેક્સપિયરને ‘બાર્ડ ઓફ એવન’ પણ કહેવાતો હતો. એ રીતે આ રક્તરંજિત કવિતાનો કવિ=બાર્ડ ઓફ બ્લડ. પ્લસ, દરેક એપિસોડનું નામકરણ શેક્સપિયરની અલગ અલગ કૃતિઓમાંથી લેવાયેલા ક્વોટ્સથી કરાયું છે). જોકે શરૂઆતને બાદ કરતાં આખી સીઝનમાં ક્યાંય ‘એડોનીસ’ કોડનેમનો ઉપયોગ થતો નથી. તેને બદલે એના કેરેક્ટરનું નામ ‘કબીર આનંદ’ વપરાય છે એ અલગ વાત થઈ. ઈમરાનની એન્ટ્રી ફ્રાન્સિસ ફોર્ડ કપોલાની ક્લાસિક વૉર ફિલ્મ ‘અપોકલિપ્સ નાઉ’ના શરૂઆતી સીનની જેમ થાય છે. અહીં ઈમરાન ભૂતકાળના એક નિષ્ફળ મિશનના ગિલ્ટ સાથે ઊઠે છે. થોડી વારમાં જ એ ભારતની સરહદો ઓળંગીને પાકિસ્તાનની ધરતી પર અનસેન્ક્શન્ડ મિશન માટે પહોંચી જાય છે. ત્યાં તેની સાથે ‘મેઇડ ઈન હેવન’ સિરીઝ ફેમ શોભિતા ધુલિપાલ અને ‘મુક્કાબાઝ’ ફેમ વિનીત કુમાર તરીકે બે ભારતીય એજન્ટો જોડાય છે.

બે હાથનું ચીભડું ને બાર હાથનાં બી
હવે અહીંથી સ્ટોરી એટલી ઝડપે ભાગવી જોઈતી હતી કે એક, આપણને વિચારવાનો મોકો ન મળે અને બે, એક પછી એક એપિસોડ્સ જોવાની જબરદસ્ત ઈન્તેજારી જાગતી રહે. કમનસીબે, વાર્તા અહીંથી તહીં એટલી બધી ભટકતી રહે છે કે સિક્રેટ એજન્ટ્સને છોડાવવાનું મુખ્ય ધ્યેય ક્યાંય ખૂણામાં ધકેલાઈ જાય છે. આ સિંગલ લાઈન સ્ટોરીમાં બલૂચિસ્તાનની સ્વતંત્રતા માટે લડતા જૂથની એન્ટ્રી થાય છે, પાકિસ્તાની જાસૂસ (મોહિત અહલાવત) અને તાલિબાની નેતાઓની એન્ટ્રી થાય છે, એ બંને વચ્ચે ભારતીય એજન્ટોનું ચલક ચલાણું ચાલ્યા કરે છે. ઘણા ડાઈનિંગ હૉલમાં જેમ શાક કરતાં સંભારા વધારે હોય એમ અહીં મૂળ વાર્તામાં સબ પ્લોટ્સ એટલો બધો ટાઈમ ખાઈ ગયા છે કે છેક સુધી, રિપીટ છેક સુધી, ભારતીય એજન્ટોને બચાવવાની જદ્દોજહદમાં જીવ આવતો જ નથી. જે એજન્ટોને બચાવવા માટે ત્રણ જણા જીવસટોસટની બાજી ખેલી રહ્યા છે તે એજન્ટોનું મહત્ત્વ દર્શાવવા માટે કોઈ જ સીન મુકાયા નથી. એટલે એ એજન્ટ બચે તો સારું એવી કોઈ જ ફીલિંગ આપણી અંદર જન્મ લેતી નથી.

જવાબ માગતા સવાલો
સ્પાય થ્રિલરની દાયકાઓથી ચાલ્યા આવતા કથાપ્રકારમાં વણલખ્યો નિયમ એ છે કે તે તેના દર્શકો/વાચકો કરતાં સ્માર્ટ હોવી જોઈએ. એને બદલે અહીં તો રાઈટિંગ અને પાત્રો બંને એટલાં ડમ્બ/બુદ્ધિનાં બારદાન છે કે આપણે વારેઘડીએ લમણે હાથ દઈએ. જેમ કે, એક એજન્ટ તાલિબાની નેતા સાથે ધર્મ વર્સિસ કાફિરાના હરકત વિશે દલીલબાજીમાં ઊતરે છે. આપણને થાય કે વ્હોટ? જે લોકો ફાલતુ કારણોસર પણ લોકોનાં માથાં વાઢીને તેનાથી ફૂટબોલ રમતા હોય એ લોકો સાથે તાત્ત્વિક ચર્ચા? એ પણ જ્યારે તમે હોસ્ટેજ તરીકે પકડાયા હો ત્યારે? અચ્છા, એ પકડાયેલા એજન્ટ્સ પોતે પણ છૂટવા માટે જાતભાતના આઈડિયાઝ લડાવે છે એ પણ એવા ઈડિયોટિક છે કે આપણને સવાલ થાય કે જો આવા એજન્ટ ફીલ્ડમાં સક્રિય હોય તો શું તંબુરો ઈનપુટ્સ આવવાનાં?

સિરીઝના પ્રત્યેક એપિસોડમાં આપણને સતત સવાલો થયા કરે કે, આ તાલિબાની આતંકવાદીઓ વેશભૂષાની સ્પર્ધામાં આવ્યા હોય તેવા કેમ લાગે છે? શું કામ એ પશ્તો ભાષા બોલે છે ત્યારે ધીમે ધીમે ગોખેલું બોલતા હોય એ રીતે જ બોલે છે? અમેરિકાના પણ નાકમાં દમ કરી નાખે એવા તાલિબાનો જો આવા હોય તો એ ક્યારેય માથું ઊંચકી શક્યા જ ન હોત! હરામ બરાબર જો એકેય તાલિબાનથી આપણને સહેજ પડ ડર અનુભવાતો હોય તો! એક ભારતીય એજન્ટ પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં સાતેક વર્ષથી કાર્યરત હોય તો એને તાલિબાની નેતાઓનાં નામ પણ ખબર ન હોય? શા માટે ભારતીય સિક્રેટ એજન્સીના વડા એક એવા એજન્ટને અત્યંત જોખમી મિશન પર પાકિસ્તાન મોકલે જેણે જિંદગીમાં ક્યારેય એકેય વાર કોઈ માણસ પર ગન ન ચલાવી હોય અને ચલાવતી વખતે એના હાથ સુદ્ધાં ધ્રુજતા હોય? શા માટે એજન્ટોને છોડાવવા ગયેલી ત્રણ જણાની ટીમ ડગલે ને પગલે એવાં કામો કરે છે જે પાંચેક મિનિટમાં જ એમનું મિશન કોમ્પ્રોમાઈઝ કરીને એનું ફિંડલું વાળી દે? (જેમ કે, પાક. પોલીસ સાથે ગનફાઈટમાં ઊતરવું, જાહેરમાં વસ્તુઓ ચોરવી, શહેરમાં ભીડની વચ્ચે પોલીસ સાથે હાથાપાઈમાં ઊતરવું, ખુલ્લેઆમ ગમે ત્યાં ફરવું, ગમે તેના પર વિશ્વાસ કરતા ફરવું…) પાકિસ્તાનમાં એન્ટર થયા પછી અને બધું ડહોળી નાખ્યા પછી એમને અચાનક વિચાર આવે કે હાયલા, આપણે અહીંથી બહાર નીકળવાના પ્લાન વિશે તો વિચાર્યું જ નહોતું? શા માટે કોઈ ટાઈમપાસ બોલિવૂડ ફિલ્મની જેમ અહીં ધાણીફૂટ ગોળીબારની વચ્ચે પણ આપણા હીરોલોગને ગોળી નથી વાગતી અને ક્યારેક ગોળી વાગે- ચપ્પુ-બપ્પુ ઘૂસી જાય તોય મચ્છર કરડ્યો હોય એટલી સહેલાઈથી તેને ભુલાવી દેવામાં આવે?! જ્યારે જેને ગોળી મારવાની હોય ત્યારે મારે નહીં અને પરાણે મામલો ખેંચાયા કરે? આ જાણે કોઈ બોલિવૂડ ફિલ્મ હોય એ રીતે આમાંય આપણા ફિલ્મી હીરોની લવસ્ટોરી આવે? આપણે શરૂઆતના એપિસોડ્સમાં એક સસ્પેન્સનું અનુમાન કરી રાખ્યું હોય એ જ નીકળે એવી પ્રીડિક્ટેબલ સ્ટોરી? ભારતીય સિક્રેટ સર્વિસ સંસ્થાના વડા સાવ ડફરની જેમ શા માટે વર્તે છે? (‘બ્યોમકેશ બક્ષી’ ફેમ) રજિત કપૂરને બધી ફિલ્મો/સિરીઝમાં અતિશય ગંદી વિગ કેમ પહેરાવવામાં આવે છે?

નો સિરીઝ ફોર વિમેન
આ આખી સિરીઝમાં ગણીને ચારેક સ્ત્રીપાત્રો છે, પરંતુ કીર્તિ કુલ્હારીને બાદ કરતાં કોઈનાય ભાગે કશું જ આવ્યું નથી. ‘મેઇડ ઈન હેવન’થી ખ્યાત થયેલી શોભિતા ધુલિપાલ વિશે આપણને રહી રહીને શંકા જાય કે એ શું ઓવરરેટેડ એક્ટર છે? એના ચહેરા પર જ્હોન અબ્રાહમની જેમ બીજું એકેય એક્સપ્રેશન કેમ નથી આવતું? અચ્છા, એ આ મિશન પર શું હાલતા-ચાલતા વિકિપીડિયા તરીકે જ આવી છે? શા માટે એની હાજરી જસ્ટિફાય કરતી કોઈ દિલધડક એક્શન સિક્વન્સ પ્લાન નહીં કરાઈ હોય? સાહિબા બાલી નામની અન્ય એક એક્ટર પાકિસ્તાની જાસૂસના રોલમાં છે, જેનું કામ પોતાના સાથી પાક. જાસૂસ (એક્ટર મોહિત અહલાવત)ને ‘ખુશ’ રાખવાનું અને ‘અબ ક્યા પ્લાન હૈ?’ ટાઈપના સવાલો પૂછવા સિવાય કશું જ નથી. ‘મેલ શોવિનિઝમ’ જેવો ‘કબીર સિંઘ’ પછી વગોવાઈ ગયેલો શબ્દ ન વાપરીએ તોય એટલું તો કબૂલવું જ પડે કે ‘બાર્ડ ઓફ બ્લડ’ પોતાનાં સ્ત્રીપાત્રોને જરાય ન્યાય આપતી નથી.

એક્ટર્સનો વેડફાટ
‘બાર્ડ ઓફ બ્લડ’ના ડિરેક્ટર રિભુ દાસગુપ્તા (જેમણે અમિતાભ બચ્ચન સાથે ટીવી સિરીઝ ‘યુદ્ધ’ અને મુવી ‘તીન’ ડિરેક્ટ કરેલી) ઈમરાન હાશમી, વિનીત કુમાર, મોહિત અહલાવત, સોહમ શાહ જેવા મસ્ત ટેલેન્ટેડ એક્ટર્સ હોવા છતાં સમ ખાવા પૂરતું કોઈનીયે પાસેથી મજા પડે એવું કામ કઢાવી શક્યા નથી. આખી સીઝન ડમ્બ ડાયલોગ્સ (‘યે રેગિસ્તાન હૈ, યહાં રેત ઔર ખબર તેઝી સે ફૈલતે હૈ’), અર્થહીન એક્શન સિક્વન્સીસ, વણજોઈતી આર્ગ્યુમેન્ટ્સ અને બિનજરૂરી સબપ્લોટ્સની સુસ્ત ગતિએ ચાલતી સ્ટોરીઝમાં જ પતી જાય છે. નથી આ સિરીઝમાં કોઈ અર્જન્સીની કે ભયની ફીલ વર્તાતી કે નથી આપણને સ્ટોરીને કોઈ લોજિકલ એન્ડ સુધી પહોંચાડ્યાનો આનંદ કે સંતોષ અનુભવાતો. હા, સીઝન પૂરી થયા પછી એક જ સંતોષ અનુભવાય છે કે, ‘હાશ, ફાઈનલી પતી! છૂટ્યા!’

શાહરુખ, નેટફ્લિક્સ, યે ક્યા હો રહા હૈ?
વળી, અત્યારના વેબસિરીઝોના ટ્રેન્ડ પ્રમાણે આ સિરીઝને પણ બીજી સીઝન માટે ‘ક્લિફહેન્ગર’ પોઈન્ટ પર અટકાવી દેવાઈ છે (જે સિક્રેટ તમે પહેલા એપિસોડમાં કળી ચૂક્યા હો). ‘નેટફ્લિક્સ’ જેવા આંતરરાષ્ટ્રીય સ્તરે ક્વોલિટી કન્ટેન્ટ માટે જાણીતા પ્લેટફોર્મ માટે ભારતમાં ભયજનક વાત એ છે કે તેઓ હિન્દીમાં બેક ટુ બેક નબળી સિરીઝો આપી રહ્યા છે. ‘સેક્રેડ ગેમ્સ-2’, ‘લૈલા’, કંઈક અંશે ‘ટાઈપરાઈટર’, ઘણે અંશે ‘સિલેક્શન ડે’ અને હવે ‘બાર્ડ ઓફ બ્લડ’. આવી તદ્દન જેનેરિક વાર્તા પરથી સિરીઝ બનાવવાના નિર્ણય સામે પણ સવાલ થાય.

રેટિંગઃ * (એક સ્ટાર)

[email protected]

X
Bird of Blood: One of Netflix's poorer websites

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી