Divyabhaskar.com
Dec 02, 2019, 12:39 PM ISTબોલિવૂડ ડેસ્કઃ અક્ષય કુમાર અને રોહિત શેટ્ટીની જોડીએ પોતાની ફિલ્મ ‘સૂર્યવંશી’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. અક્ષયે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના લાસ્ટ શોટનો ફોટોગ્રાફ શૅર કરતાં આ વાતની માહિતી આપી. આ સ્ટાઈલિશ ફોટામાં અક્ષય અને ડિરેક્ટર રોહિત શેટ્ટી એરપોર્ટના રનવે પર એક હેલિકોપ્ટરની નીચે બેઠેલા દેખાય છે. સૂર્યવંશી રોહિતની અગાઉની ‘સિંઘમ’ અને ‘સિમ્બા’ની જેમ પોલીસ એક્શન-ડ્રામા છે અને તેની આ અગાઉની ફિલ્મો સાથે જોડાયેલી હશે.
‘કોપ યુનિવર્સનો ભાગ બનીને મજા પડી’: અક્ષય
અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં લખ્યું કે, ‘છેલ્લો દિવસ, છેલ્લું શૂટ, છેલ્લો સ્ટંટ. રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સનો ભાગ બનીને મજા પડી. તમને થિયેટરમાં આ ફિલ્મ બતાવવા માટે હું અત્યંત ઉત્સાહિત છું. અમને આશા છે કે આ ફિલ્મ તમને આશ્ચર્યમાં ગરકાવ કરી દેશે.’ સૂર્યવંશી 27 માર્ચ, 2020ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.
શનિવારે ડિરેક્ટર રોહિત શેટ્ટીએ પણ એક ફોટો શૅર કરીને લખ્યું કે, ‘અક્ષય કુમારે સૂર્યવંશીનું છેલ્લું શૂટિંગ કર્યું. આ ક્ષણ મને નવ વર્ષ પહેલાંની યાદ અપાવે છે, જ્યારે 2010માં અમારી ‘ગોલમાલ-3’ જબરદસ્ત હિટ થઈ હતી. ત્યારે જ મેં અજય દેવગણને કહેલું કે હું કોપ (પોલીસ) પર એક એક્શન ફિલ્મ બનાવવા જઈ રહ્યો છું. એ પછી મેં ‘સિંઘમ’ બનાવેલી. ત્યારે મને એ વાતની કલ્પના પણ નહોતી કે આ સફરમાં ‘સિમ્બા’ તરીકે રણવીર સિંહ અને ‘સૂર્યવંશી’ તરીકે અક્ષય કુમાર જેવા અદાકારો સામેલ થશે અને આ ફિલ્મ સિરીઝ દેશનું પહેલું સિનેમેટિક કોપ યુનિવર્સ બનશે.’
ઈન્ડિપેન્ડન્સ ડે પર જ્હોન અબ્રાહમનો ‘અટેક’
બીજી બાજુ જ્હોન અબ્રાહમ પણ પોતાની આગામી ફિલ્મની રિલીઝ આવતા વર્ષના સ્વતંત્રતા દિને કરવા માટે કમર કસીને કામ કરી રહ્યો છે. 2018માં ‘સત્યમેવ જયતે’ અને 2019માં ‘બાટલા હાઉસ’ પણ 15 ઓગસ્ટે જ રિલીઝ થયેલી. હવે આવતા વર્ષે 2020માં જ્હોનની ‘અટેક’ પણ આ જ દિવસે રિલીઝ થશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આપેલી માહિતી અનુસાર આ એક્શન-થ્રિલર ફિલ્મમાં જ્હોનની સાથે જેકલીન ફર્નાન્ડિઝ અને રકુલ પ્રીત સિંહ પણ દેખાશે. આ ફિલ્મ લક્ષ્ય રાજ આનંદે લખી અને ડિરેક્ટ કરી છે.
#IndependenceDay weekend yet again for John Abraham... #Attack to release on 14 Aug 2020... Stars John Abraham, Jacqueline Fernandez and Rakul Preet... Directed by Lakshya Raj Anand... PEN Studios [Jayantilal Gada], JA Entertainment [John Abraham] and Ajay Kapoor presentation. pic.twitter.com/5qkDfwSSdm
— taran adarsh (@taran_adarsh) November 30, 2019