તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Bihar election
  • RSS BJP Activist Campaigns For LJP Candidate, LJP Candidate Rajendra Singh's Camp At BJP Activist's House In Dinara, Bihar

ગઠબંધન થયું તો ખરૂં:RSS-ભાજપ કાર્યકર્તા કરે છે લોજપા ઉમેદવારનો પ્રચાર, બિહારના દિનારામાં ભાજપ કાર્યકર્તાના ઘરમાં લોજપાના રાજેન્દ્ર સિંહનો કેમ્પ

દિનારા9 દિવસ પહેલાલેખક: વિકાસ કુમાર
  • કૉપી લિંક
  • દિનારામં લોજપાના એક સ્થાનિક નેતા કહે છે- આપ આરામથી જાઓ, ભાજપ-એલજેપીની ચિંતા ન કરો, ડાયરીમાં લખી લો કે ચૂંટણી પછી બિહારમાં લોજપા-ભાજપની સરકાર બનશે
  • એક કાર્યકર્તા કહે છે- અમે એ જ કરી રહ્યા છીએ જે અમારા પૂર્વજ કહી ગયા છે, હાઈકમાન્ડે ખોટો નિર્ણય લીધો છે અને અમે રાજેન્દ્ર સિંહનું સમર્થન કરીને તેને યોગ્ય કરી રહ્યા છીએ

દિનારા વિધાનસભા ક્ષેત્રના નટવાર વિસ્તારમાં છે અશોક સિંહ રાયની રાઈસ મિલ. અહીં લોક જનશક્તિ પાર્ટીના દિવંગત નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની યાદમાં એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું છે. દિનારા વિધાનસભા સીટથી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સિંહ સભામાં સામેલ થયા પછી બાજુના એસી રૂમમાં આરામ કરી રહ્યા છે. તેઓ જે રૂમમાં આરામ કરી રહ્યા છે તેના દરવાજા પર ચિપકાવેલા સ્ટીકર પર નરેન્દ્ર મોદી સ્મિત આપી રહ્યા છે અને લખ્યું છે - હું સીએએને સમર્થન આપું છું.

રાજેન્દ્ર સિંહને મળવા આવેલા મીડિયાકર્મીઓને પડોશના નોન એસી રૂમમાં રાહ જોવા માટે કહેવાયું. આ રૂમમાં ચાર-પાંચ કાર્યકર્તા બેઠા છે અને જ્યાં તેઓ બેઠા છે ત્યાં એક ખૂણામાં ભાજપના કેટલાક પેમ્ફલેટ્સ રાખેલા છે.

રાજેન્દ્ર સિંહની સાથે જ ભાજપમાંથી લોજપામાં આવેલા રાઈસ મિલના માલિક અશોક સિંહ રાય કહે છે, ‘કા કરેં? અમે તો 1995થી જ ભાજપના કાર્યકર્તા છીએ. પાર્ટી માટે જે સંભવ હોય તે કર્યું. હવે જો પાર્ટી અમારા જ ઉમેદવારની જ ટિકિટ કાપી નાખે તો એવી પાર્ટીમાં રહીને શું ફાયદો? જે દિવસ રાજેન્દ્રભાઈ લોજપમાં આવ્યા એ દિવસથી હું પણ અહીં આવી ગયો. દિલમાં તો હજુ પણ ભાજપા છે પણ આ ચૂંટણીમાં લોજપા ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યો છું.’

દિનારા વિધાનસભા સીટથી લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સિંહ છેલ્લા 37 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં હતા. પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. રાજ્યમાં પાર્ટીના ઉપાધ્યક્ષ પણ હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા રહ્યા. આ ઉપરાંત ઝારખંડ ભાજપના સંગઠન મંત્રી રહી ચૂક્યા છે. 2015ની ચૂંટણીમાં એ વાતની પણ ચર્ચા હતી કે જો રાજ્યમાં ભાજપ પોતાના જોરે સરકાર બનાવે છે તો રાજેન્દ્ર સિંહ મુખ્યમંત્રી પદના મુખ્ય ઉમેદવાર હશે. પરંતુ, તેઓ ખુદ દિનારાથી પોતાની ચૂંટણી હારી ગયા. 2020ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે આ સીટ જનતા દળ યુનાઈટેડના ખાતામાં ચાલી ગઈ તો રાજેન્દ્ર સિંહે લોજપાનો હાથ ઝાલ્યો અને ચૂંટણીમાં કૂદી ગયા. આ જ કારણથી રોહતાસ જિલ્લાની આ વિધાનસભા સીટ ‘હોટ સીટ’ ગણાવા લાગી.

પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે રાજેન્દ્ર સિંહ
પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે રાજેન્દ્ર સિંહ

રાજેન્દ્ર સિંહની સાથે સ્થાનિક ભાજપ અને આરએસએસ કાર્યકર્તા, નેતા કામ કરી રહ્યા છે. તેમની સાથે ફરી રહ્યા છે. તેમની મદદ કરી રહ્યા છે. કેટલાક ખુલીને બોલીને રહ્યા છે તો કેટલાક પોતાની ઓળખ આપ્યા વિના સમર્થનની વાત કરી રહ્યા છે.

દિનારાને સ્પર્શતા આરા જિલ્લાના એક ભાજપ નેતા નામ ન કહેવાની શરતે કહે છે, ‘એ ઠીક છે કે અમે ભાજપના કાર્યકર્તા છીએ. અમારે પાર્ટીની વાત માનવી જોઈએ પણ અમે ગુલામ નથી. અમારી પોતાની પણ કંઈક વિચારધારા છે. એ જ આધારે અમે દિનારામાં લોજપા ઉમેદવાર રાજેન્દ્ર સિંહને સમર્થન આપી રહ્યા છીએ અને ત્યાંથી ચૂંટણી લડી રહેલા જેડીયુ ઉમેદવારને હરાવવા માટે કામ કરી રહ્યા છીએ.’

જ્યારે દિનારા વિધાનસભા ક્ષેત્રમાં ફરતા અને રાજેન્દ્ર સિંહના ચૂંટણી કાર્યાલયમાં અનેક એવા લોકો મળે છે જે ખુલ્લેઆમ જણાવે છે કે તેઓ ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે પણ આ ચૂંટણીમાં લોજપાના ઉમેદવાર રાજેન્દ્ર સિંહ માટે કામ કરી રહ્યા છે. તેમના માટે પ્રચાર કરી રહ્યા છે. રોહતાસ જિલ્લામાં ભાજપ (કિસાન મોરચા)ના જિલ્લા મંત્રી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય સુંદરમ કુમાર ખુલીને રાજેન્દ્ર સિંહ માટે કામ કરી રહ્યા છે.

જનસંઘના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખરજી અને દીનદયાળ ઉપાધ્યાયથી પ્રભાવિત થઈને આરએસએસ અને ભાજપ સાથે જોડાનારા સુંદરમ કહે છે, ‘ગત વખતે જ્યારે નરેન્દ્ર મોદી આવ્યા હતા અને હુંકાર રેલી થઈ હતી તો અમે જોશભેર ભાગ લીધો હતો. બજારમાં ફરીને ફંડ પણ એકઠું કર્યુ હતું. દિલથી હંમેશા સંઘ સાથે જોડાયેલા છીએ, દેશ સાથે રહીશું. તેમાં તો કોઈ બદલાવ આવવાનો નથી. નિર્દેશ તો એ જ છે કે ભાજપની મદદ કરો. અહીં એનડીએ ઉમેદવાર માટે કામ કરો પણ પાર્ટી સ્તર પર તો ગઠબંધનનું સ્વરૂપ બદલી જાય છે. એવામાં અમે લોકો પણ આમતેમ કરતા રહીએ તો કોઈ ફાયદો નથી. આ વખતે અમે અમારા અંતરાત્માના અવાજ પર રાજેન્દ્ર સિંહ માટે કામ કરી રહ્યા છીએ.. પાર્ટી નહીં, ઉમેદવારને જોઈ રહ્યા છીએ.’

જ્યારે દિનારામાં ભાજપના મહામંત્રી અને પોતાના પરિવારના દિનારામાં ભાજપના સ્થાપક ગણાવતા રોશન સિંહ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના પુસ્તક પોલિટિકલ ડાયરીને ક્વોટ કરતા કહે છે કે જો કોઈ કારણવશ પાર્ટી હાઈકમાન્ડે યોગ્ય ઉમેદવારને ટિકિટ આપી ન હોય તો તેને યોગ્ય કરવાનું કામ કાર્યકર્તાનું છે. તેઓ કહે છે, ‘અમે આજે પણ ભાજપના કાર્યકર્તા છીએ અને કાલે પણ રહીશું. એ જ કરી રહ્યા છીએ જે અમારા પૂર્વજ કહી ગયા છે. હાઈકમાન્ડે ખોટો નિર્ણય લીધો છે અને અમે રાજેન્દ્ર સિંહનું સમર્થન કરીને તેને યોગ્ય કરી રહ્યા છીએ.’

આ તો થઈ કાર્યકર્તાઓ અને નેતાઓની વાત. ખુદ રાજેન્દ્ર સિંહ એ માને છે કે તેઓ એક દિવસમાં તો ભાજપમાંથી બહાર ન આવી શકે. કહે છે, ‘એક દિવસમાં જ ભાજપમાંથી કેવી રીતે બહાર થઈએ. એ તો લોહીમાં છે. એવી કોઈ સિરિન્જ બની નથી કે જે તેને કાઢી શકે.’

રાજેન્દ્ર સિંહની સાથે જ ભાજપમાંથી લોજપામાં આવેલા રાઈસ મિલના માલિક અશોક સિંહ રાય કહે છે - શું કરીએ? અમે તો 1995થી જ ભાજપના કાર્યકર્તા છીએ. હવે જો પાર્ટી અમારા ઉમેદવારની જ ટિકિટ કાપી નાખે તો એવી પાર્ટીમાં રહેવાનો શું ફાયદો?
રાજેન્દ્ર સિંહની સાથે જ ભાજપમાંથી લોજપામાં આવેલા રાઈસ મિલના માલિક અશોક સિંહ રાય કહે છે - શું કરીએ? અમે તો 1995થી જ ભાજપના કાર્યકર્તા છીએ. હવે જો પાર્ટી અમારા ઉમેદવારની જ ટિકિટ કાપી નાખે તો એવી પાર્ટીમાં રહેવાનો શું ફાયદો?

કદાચ આજ કારણ છે કે લોજપાની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા રાજેન્દ્ર સિંહના ફેસબુક પેજ પર હજુ પણ દરેક પ્રકારે ભાજપની છાપ જોવા મળી રહી છે. નામમાં ભાજપ છે, પ્રોફાઈલ ફોટોમાં તેઓ કમળના નિશાન સાથે છે જ્યારે કવર ફોટોમાં ભાજપના અનેક મોટા નેતા તેમની સાથે જોવા મળી રહ્યા છે.

સ્થાનિક લોકો માને છે કે રાજેન્દ્ર સિંહ આ વિસ્તારમાં મોટા નેતા છે. દિનારા ભાજપમાં સંગઠનનું કામ વર્ષોથી જોઈ રહ્યા છે અને હાર્યા પછી પણ સક્રિય રહ્યા તો એવામાં ભાજપના મોટાભાગના કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓનું તેમની પાસે જવું, તેમના માટે પ્રચાર કરવો સામાન્ય વાત છે. આરા શહેરના રહેવાસી આશુતોષ કુમાર પાંડે કહે છે, ‘જૂઓ અહીં કાર્યકર્તા સંગઠનના નહીં, વ્યક્તિના હોય છે. રાજેન્દ્ર સિંહ ગંભીર વ્યક્તિ છે. તેમની છબિ સારી છે. તેમણે દિનારામાં ભાજપનું સંગઠન બનાવ્યું તો એવામાં કાર્યકર્તા તેમની સાથે નહીં રહે તો ક્યાં રહેશે?’

રોહતાસ-આરા-બક્સર જિલ્લાની સરહદને સ્પર્શતી આ સીટ પર સૌની નજર છે. જેડીયુએ આ વખતે પણ અહીંથી રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જયકુમાર સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેઓ 2010 અને 2015માં અહીં ચૂંટણી જીતી ચૂક્યા છે. બીજીતરફ આરજેડીએ પૂર્વ જિલ્લાધ્યક્ષ વિજય મંડળને અહીંથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

આ વિસ્તારના જાણકારો માને છે કે રાજેન્દ્ર સિંહની જીત ભલે નિશ્ચિત ન હોય પણ એટલું નક્કી છે કે તેઓ જેડીયુના ઉમેદવાર જયકુમાર સિંહની આખી રમત બગાડી નાખશે. અમે આ અંગે વાત કરવા માટે જેડીયુ ઉમેદવાર જયકુમાર સિંહને સંપર્ક કરવા કોશિશ કરી પણ વાત ન થઈ શકી. જ્યારે સ્થાનિક લોક જનશક્તિ પાર્ટીના એક કાર્યકર્તા અને નેતા પૂરેપૂરા આશ્વસ્ત છે કે ચૂંટણી પછી રાજ્યમાં લોજપા-ભાજપની સરકાર બનશે અને ચિરાગ પાસવાન મુખ્યમંત્રી બનશે.

દિનારામાં લોજપાના એક સ્થાનિક નેતા કહે છે, ‘આપ આરામથી જાઓ. ભાજપ-એલજેપીની ચિંતા ન કરો. બંનેના કાર્યકર્તાઓ ખભેખભા મિલાવીને ચૂંટણી લડી રહ્યા છે. ડાયરીમાં લખી લો કે ચૂંટણી પછી બિહારમાં લોજપા-ભાજપની સરકાર બનશે. ચિરાગ પાસવાન મુખ્યમંત્રી બનશે. રહી વાત ભાજપ દ્વારા મનાઈની તો બધી વાત ન કહી શકાય. તમે પણ જાણો છો કે આ જ રાજનીતિ છે.’ જ્યારે અમે તેમનું નામ પૂછ્યું તો કહ્યું કે નામનું શું કરશો, રહેવા દો. મારી વાત નોટ કરી લો બસ’ કહીને કાળી સ્કોર્પિયોમાં બેસીને નીકળી ગયા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો