અમદાવાદની પોળ સંસ્કૃતિની એક મર્મસ્પર્શી ઝલક

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લેખકે આ પુસ્તકમાં ભલે એક પોળની વાત કરી હોય, પણ અમદાવાદી બધી પોળોની રચના અને લાક્ષણિક બાંધણીનો ખ્યાલ લેખકે કરેલા આ એક પોળના વર્ણનથી થઇ જાય છે.તાજેતરમાં એવી એક પોળના રહેવાસીએ લગભગ એ સમયની આસપાસની પોળ સંસ્કૃતિની જીવંત ઝલક એક સચિત્ર અને સુરમ્ય પુસ્તક દ્વારા કરાવી છે. એ પુસ્તકનું નામ છે - ‘અમારો શેખનો પાડો.’ પાડો એટલે પોળ.અમદાવાદની પોળોનું તે સમયનું વાતાવરણ અને સામાજિક જીવન વત્તેઓછે અંશે અમારા શેખના પાડાના જીવન જેવું જ હતું. અલબત્ત, અહીં જૈન કુટુંબોને કારણે જૈન સંસ્કારનો થોડોક વિશેષ રંગ દેખાય છે.હમણાંનાં ઘણાં બધાં ગુજરાતી અને અંગ્રેજી છાપાંમા તળ અમદાવાદની પોળોનાં ઘરોની રચના અંગે ચર્ચાઓ આવતી હોય છે. તેમાં સોદાગરની પોળની કરુણ હોનારત તો ચર્ચામાં હોય પણ એ ઉપરાંત અમદાવાદને વર્લ્ડ હેરિટેજના નકશામાં સ્થાન મળી શકે એવી વાસ્તુકલા ધરાવતાં પોળનાં અદ્ભુત કાષ્ટ કોતરણીવાળાં ઘરો-શેરીઓનાં ચિત્રો અને એની વિશેષતાઓ વર્ણવી હોય છે. ઘણીવાર લાગે કે આ બધાં ઘર, આ પોળો મ્યુઝિયમની શ્રેણીમાં આવી જશે કે શું? પોળોની એક ગંગાજળની સંસ્કૃતિ હતી, થોડી છે, પણ વિલીયમાન થઇ રહી છે. મારો એક અમદાવાદનો મિત્ર દરિયાપુર વાડીગામની નાની મહેતા પોળમાં રહે અને એથી અમદાવાદમાં મારો પ્રવેશ એ નાની મહેતા પોળથી થયેલો, એનાં આજથી ૫૦ વર્ષ પહેલાંનાં ઘણાં ચિત્રો મન પર અંકિત છે.તાજેતરમાં એવી એક પોળના રહેવાસીએ લગભગ એ સમયની આસપાસની પોળ સંસ્કૃતિની જીવંત ઝલક એક સચિત્ર અને સુરમ્ય પુસ્તક દ્વારા કરાવી છે. એ પુસ્તકનું નામ છે - ‘અમારો શેખનો પાડૉ.’ પાડો એટલે પોળ. આ શેખના પાડાના રહેવાસી લેખક છે ચંદ્રકાંત કડિયા (કડિયા અટક ધરાવનાર એ જૈન વાણિયા છે.) ચંદ્રકાંત અને એમનાં પત્ની રસિલા કડિયા બંને ગુજરાતીના લેખક છે. ચંદ્રકાંત કડિયાએ વર્ષો સુધી ગુજરાતીનું અધ્યાપન કર્યું છે, અને વળી, સદ્ભાવ પ્રકાશન નામની સાહિત્યિક પુસ્તકોના પ્રકાશનની એમણે પ્રવૃત્તિ પણ ચલાવી છે.‘અમારો શેખનો પાડો’ પુસ્તકના પ્રાસ્તાવિકમાં લેખક લખે છે- ‘મારો જન્મ ૧૯૪૨માં થયો. ઇ.સ. ૧૯૬૯ના ડિસેમ્બર સુધી શેખના પાડામાં રહ્યો. શેખના પાડાનું વાતાવરણ ગાંઠિયા સાથે લોહીમાં ભળી ગયેલું છે. પોળના મિત્રો જ્યારે પણ મળીએ-ભેગા થઇએ ત્યારે વાત તો તે સમયની, તે વાતાવરણની જ થાય. અમદાવાદની પોળોનું તે સમયનું વાતાવરણ અને સામાજિક જીવન વત્તેઓછે અંશે અમારા શેખના પાડાના જીવન જેવું જ હતું. અલબત્ત, અહીં જૈન કુટુંબોને કારણે જૈન સંસ્કારનો થોડોક વિશેષ રંગ દેખાય છે.’મને આશ્ચર્ય થાય છે કે પોળનું નામ શેખનો પાડો અને પોળના રહેનારા વિશેષે જૈન. આ ખાસિયત હતી તળ અમદાવાદની પોળોના રહેણાક વિસ્તારની. હિન્દુ, જૈન, મુસલમાન પાડોશીઓની જેમ રહેતા. પોળને અડીને મસ્જિદની દીવાલ પણ હોય. આ શેખનો પાડો ક્યાં આવ્યો? રિલીફ રોડ પર આવેલી આ પોળ જેની એક બાજુ ઝવેરીવાડ છે, નીશાપોળ છે, તેની સામે શેખના પાડાની પોળ આવેલી છે. તળ અમદાવાદીઓ તો તરત જ આ વિસ્તાર ઓળખી કાઢશે.લેખકે ભલે વાત આ એક પોળની કરી હોય, પણ અમદાવાદી બધી પોળોની રચના અને લાક્ષણિક બાંધણીનો ખ્યાલ લેખકે કરેલા આ એક પોળના વર્ણનથી થઇ જાય છે. લખે છે- ‘મુસ્લિમ અને મરાઠા વહીવટ દરમિયાન દરેક પોળ કુટુંબોનો સમૂહ, સલામતીના ખ્યાલથી પોળના બંને છેડા રાત્રિ દરમિયાન અવર-જવર માટે બંધ થઇ જાય તે રીતની વ્યવસ્થા કરતો. દરેક પોળને મોટે ભાગે તેના મુખ્ય પ્રવેશદ્વારના માર્ગ ઉપર મોટો દરવાજો હોય. એ દરવાજો બંધ થાય એટલે પોળમાં કોઇનો પ્રવેશ થઇ શકે નહીં. પોળની અંદર જુદી જુદી ખડકીઓની રચના હોય. આ ખડકીઓને પોતાનો નાનો કોટ અને બારણું હોય.આ ખડકીની અંદર બે-ત્રણ મકાન માટેના ચોક હોય. આ ચોક અને ખડકી વચ્ચે પણ એક બારણું હોય. આમ ખૂબ જ રક્ષણાત્મક શૈલીની રચનાવાળી પોળો હતી. આ શેખના પાડામાં પ્રવેશ કરતાં જ ડાબે હાથે એક મસ્જિદની લાંબી ઊંચી દીવાલ આવતી હતી.’ આપણને ખ્યાલ આવશે મસ્જિદો અને જૈન દેરાસરો પોળોમાં સહઅસ્તિત્વ પણ ધરાવતાં હોય. લેખકે પોળનાં જુદાં જુદાં જૈન મંદિરો-અજિતનાથનું, શાંતિનાથનું, શીતલનાથનું અને વાસુપૂજ્ય સ્વામીનું-ની વાત કરતાં લખ્યું છે કે આશરે ૨૪૦ વર્ષોથીય જૂનાં આ દેરાસરો છે.પોળમાં કેટલાંક મકાનોમાં પક્ષીઓને રહેવાની બખોલ હોય તેનો પણ અહીં ઉલ્લેખ છે. લેખક પછી પોળના કેટલાક વડીલોની ખાસિયતોનું વર્ણન કરી એક જીવંત સમાજનું દર્શન કરાવે છે. જેમાં કલ્યાણભાઇ લાકડાવાળા કે કાંતિભાઇ કડિયા હોય, હરિકાકા હોય, યુવાન ચિનુભાઇ શેઠ હોય. કલ્યાણભાઇ લાકડાવાળાની સવારમાં દાતણ કરવાની રીતિનું લેખકે ગ્રાફિક વર્ણન કર્યું છે. અહીં ચિત્રકાર બની ગયા છે આ લેખક. પોળનાં મકાન, પોળની વ્યક્તિઓનાં રેખાચિત્રોથી પોતાની પૂરી છબી બધા રંગોમાં જોવા મળે છે. લેખક જાણે આપણો હાથ પકડી પોળમાં પ્રવેશ કરાવતા એના સામાજિક-સામૂહિક જીવનનો સંસ્પર્શ કરાવે છે. આ સામૂહિક જીવનમાં લાલિયો કૂતરો અને કાળુડી કૂતરીનું પણ સ્થાન હોય.પોળમાં બહેનોના સામાજિક-સામૂહિક જીવનની વાત પાપડ વણવાની કે વડીઓ મૂકવાની પ્રવૃત્તિથી સુંદર અને પ્રભાવક રીતે કરી છે. ‘બહેનો વાત કરતી જાય, પાપડ વણતી જાય, કામનો બોજો લાગે નહીં...’ પાપડ વણવા આવનાર બહેનોને ત્રણ-ચાર ગુલ્લાં ઘરે લઇ જવા માટે પણ આપવામાં આવે એવી હકીકત નોંધવાનું પણ લેખક ભૂલ્યા નથી. પોળમાં લગ્નપ્રસંગ હોય તેની પણ મજેદાર વાત છે, તે સાથે પોળમાં કોઇનું મૃત્યુ થાય ત્યારે - ‘પેલા અશોકકાકા ખભા પર સફેદ ખેસ નાખીને- ‘તો...તો’ એમ મોટેથી સાદ પાડે અને સૌને જાણ કરે સ્મશાને ક્યારે જવાનું છે...’લેખકે પોળની દિનચર્યાનું પણ જીવંત ચિત્રણ કર્યું છે. એ આખું પ્રકરણ અત્યંત રસપ્રદ છે, જે લેખકના અવિસ્મરણીય સ્મૃતિલોકનું જાણે પ્રતફિલન છે, આ નિરીક્ષણ સમગ્ર પુસ્તકને લાગુ પડે છે. પુસ્તકનાં છેલ્લાં પૃષ્ઠોમાં આ શેખના પાડામાં આવેલાં પરિવર્તનની દુ:ખદ છાયા છે. લખ્યું છે - ‘શેખના પાડાના વાતાવરણમાં માનવ માનવ વચ્ચે પ્રેમનું જે અખૂટ ઝરણું વહેતું હતું... તેમાં હવે જાણે ઓટ આવવા માંડી. શહેરમાં બનતી ઘટનાઓ, જાતજાતની અફવાઓથી મગજને ભરમાવનારાં તત્વોની વધતી જતી પકડથી અમારાં સૌનાં હૃદય જાણે ઘવાવા લાગ્યાં. મન સાંકડાં થવા માંડ્યાં.બાબુભાઇ શાકવાળાને પ્રેમાળ માનવ તરીકે જોવાને બદલે તેનામાં મુસ્લિમપણાનો રંગ જોવા લાગ્યા. ધીમે ધીમે અમારા બાબુભાઇ અને હાજીભાઇ દૂર જવા માંડ્યા. હવે જાણે એક માનવ તરીકે અમારામાં કંઇક ખૂટવા માંડ્યું, કંઇક તૂટવા માંડ્યું. અમારી પોતાની ઓળખ અમારાથી જ ઝાંખી પડવા લાગી...’ ‘૬૯નાં કોમી રમખાણો બાદ અમારો શેખનો પાડો જાણે ખંડિત થઇ ગયો છે, અમે સૌ પણ ખંડિત થવા માંડ્યા છીએ...’ લેખકની આ વેદના આપણા સૌની વેદના બને છે. આ પુસ્તક સ્મૃતિકથા જ નહીં, એક મર્મસ્પર્શી અનુભૂતિ કથા બની રહે છે. ગુર્જરના આ મહત્વપૂર્ણ પ્રકાશનમાંથી પસાર થવાનું સહૃદય વાચકોને ગમશે.સાહિત્ય વિશેષ, ભોળાભાઇ પટેલ