જુઠાણાં ચલાવી પ્રજાને ગુમરાહ કરતી મોદી સરકાર: કેશુબાપા

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભ્રષ્ટાચારમાં ડૂબેલી અને એકહથ્થુ શાસનવાળી ગુજરાતની લપોડશંખ સરકારને ઉખેડીને ફેંકી દેવા પરિવર્તનની કેશુબાપાની હાકલ

ગુજરાતની સરકારને ભ્રષ્ટ અને લપોડશંખ ગણાવી ફેંકી દેવા જામનગરમાં કેશુભાઈનું આહવાન

ગુજરાતમાં સત્તા અને વ્યવસ્થાના પરિવર્તન માટે રાજ્યના મોટા શહેરોમાં ઘૂમીને ગામગામ સુધી આ સંદેશો પહોંચાડવા મથી રહેલા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે આજે જામનગર ખાતે પણ બુલંદ અવાજે નરેન્દ્ર મોદીની સરકારને ભ્રષ્ટ, લપોડશંખ, એક જ વ્યક્તિની સરકાર ગણાવીને તેને ગુજરાતની ગાદી પરથી ફેંકી દેવા આહવાન કર્યું હતું. ગુજરાતમાં શરૂ થયેલી આ લડાઇ માત્ર કોઇ એક સમાજની નહીં પરંતુ રાજ્યને આ સ્થિતિમાંથી બહાર કાઢવાની છે. તેવું જણાવીને મોદીના જુઠ્ઠાણાઓ સામે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે તેવું કહ્યું હતું.

માત્ર મોદી જ નહીં આખો ભાજપ જુઠ્ઠું
બોલી રહ્યો છે અને પ્રજાની સદંતર ઉપેક્ષા થઇ રહી છે તેમ કહી તેમણે પરિવર્તન માટે હાકલ કરી હતી. તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ કેન્દ્રીય કાપડમંત્રી સહિતના અગ્રણીઓ તથા સંમેલનના મુખ્ય આયોજક મહાગુજરાત જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોરધન ઝડફિયાએ પણ મોદી સરકાર પર આકરા વાકપ્રહારો કર્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે જંગે ચડેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના પરિવર્તન સંમેલનનું આયોજન જામનગરમાં ગુજરાત જનજાગૃતિ અભિયાન સમિતિ દ્વારા શુક્રવારના બપોરે રણજીતસાગર રોડ પર આવેલા વ્રજવાટિકા મેદાનમાં કરવામાં આવ્યું હતું.

જેમાં મહાગુજરાત જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોરધન ઝડફિયા સહિતના આગેવાનો અને કાર્યકરો
, પૂર્વ કેન્દ્રીય કાપડ મંત્રી કાશીરામ રાણા સહિત જુદા-જુદા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. હજારોની જનમેદનીને સંબોધતાં કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ લડાઇ કોઇ સંપ્રદાય, જ્ઞાતિ માટેની નથી પરંતુ ગુજરાતની છ કરોડની પ્રજા કે જેમાંની મોટાભાગની જનતા ભયગ્રસ્ત સ્થિતિ, આર્થિક બેહાલી અને મુશ્કેલીમાં જીવન વ્યતિત કરે છે, તેના માટે છે. રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ પ્રવર્તતી હોવા છતાં પ્રજાની દરકાર કરવાને બદલે મુખ્યમંત્રી હું મહાન છું તેવા ખ્યાલોમાં રાચી રહયા છે ત્યારે આ સ્થિતિમાંથી બહાર લાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.

તેઓએ પક્ષને માં માન્યો હોવાથી બે વાર હોદાનો ત્યાગ કર્યો હોવાનું જણાવી સમુહ શિસ્તબધ્ધ અને સંગઠીત ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારના એકેય લક્ષણ હાલમાં ન હોવાનું જણાવી પક્ષમાં દિલ્હી કક્ષાએ અનેક ફરિયાદો અને રજૂઆતો કરવા છતાં પણ મુખ્યમંત્રી સિવાય પક્ષના અન્ય કોઇ આગેવાનનું કંઇ ઉપજતું ન હોવાથી પક્ષનો ત્યાગ કર્યો હોવાનું જણાવ્યું હતું.આટલું જ નહીં જુઠું બોલવું તે માત્ર મુખ્યમંત્રી મોદીમાં નહીં પરંતુ ભાજપમાં ઉપરથી નીચે સુધી રહેલું છે. આથી પ્રજા ધર્મ નિભાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ શાસનધુરા સંભાળી ત્યારે ગુજરાતની જનતાને હવે તમે સુઇ જશો હું તમારા માટે જાગીશ-તેવા અનેક વચનો પ્રજાને આપ્યા હતાં. પરંતુ આજે રાજ્યમાં બાળકો ગુમ
, ચોરી, લૂંટ-ફાટ, અપહરણ, હત્યાના બનાવોએ માઝા મુકતાં લોકો કલ્પાંત કરી રહ્યા છે.આ સ્થિતિમાં પણ મુખ્યમંત્રી લોકોને ભરમાવવા બેજવાબદાર નિવેદનો અને પેકેજ જાહેર કરી નર્યા જુઠાણાં ચલાવી રહયા છે.ત્યારે ગુજરાતની આ લપોડશંખ સરકારને ઉખેડીને ફેંકી દેવા આહવાન કરીલોકોને ભરોસો રાખી પરિવર્તન લાવવા અપીલ કરી હતી.

ગુજરાતના બાળકોનો કોળિયો ઝુંટવી લેતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી

પરિવર્તન સંમેલનમાં કેશુબાપાએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આડે હાથે લેતાં જણાવ્યું હતું કે, મધ્યાહન ભોજન યોજનામાં અગાઉ બાળકોને ૨૨૫ ગ્રામ નાસ્તો આપવામાં આવતો હતો.પરંતુ મોદી શાસનમાં સરકાર એટલી ગરીબ બની છે કે, બાળકોના નાસ્તાનું પ્રમાણ ૧૫૦ ગ્રામ કરી નાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રી મોદીએ તેમના વૈભવી ખર્ચામાંથી કરકસર કરવાને બદલે બાળકોનો કોળિયો ઝુંટવી લીધાનો આક્ષેપ કેશુબાપાએ કર્યો હતો.

ગુજરાતના વિકાસની વાતો તદ્દન પાયાવિહોણી

કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, તેમણે વર્ષ-૨૦૧૧માં સતા છોડી ત્યારે ટેક્સ વગર દર વર્ષે ૭ હજાર કરોડની આવક થતી હતી.પરંતુ આજે ૫૦ હજાર કરોડ ટેક્સની આવક થવા છતાં અને પાંચ વાઇબ્રન્ટ કાર્યક્રમ બાદ પણ ૩૪ લાખ ગરીબ કુટુંબો ગુજરાતમાં છે.ગુજરાત સરકારે ખાતર પર વેટ નાખ્યો છે.ભારતમાં ક્યાંય ખાતર પર વેટ નથી. ૨૦૦૧માં૧૮૦૦ કરોડ યુનિટ વીજળી મળતી હતી. જ્યારે હાલમાં ૧૩૦૦ કરોડ યુનિટ વીજળી મળે છે. ઔદ્યોગિક રોકાણોમાં પણ ગુજરાત કરતાં બિહાર આગળ વધી ગયું છે. આથી ગુજરાતમાં મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતા દાવાઓને કેશુબાપાએ તદન ખોખલા ગણાવ્યા હતાં.

ગુજરાતમાં અઘોષિત કટોકટી : ગોરધન ઝડફિયા

ગોરધન ઝડફિયાએ ગુજરાતમાં હાલમાં અઘોષિત કટોકટીની સ્થિતિ પ્રવર્તતી હોઈ, રાજ્યમાં પરિવર્તનની પહેલ શરૂ થઇ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કુરૂક્ષેત્રની લડાઇ (ચૂંટણી) તો ડીસેમ્બરમાં છે.પરંતુ પરિવર્તનના શંખનાદથી મોદી સરકારમાં ખળભળાટ મચી ગયો હોવાનું તેમણે જણાવયું હતું. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જેવું કંઇ રહયું નથી. રાજ્ય સરકાર આપણી નથી, પરંતુ મહાકાય ઉદ્યોગોની છે.

સમિયાણા પરનું પ્લાસ્ટિકનું આવરણ કાર્યક્રમ દરમિયાન ઉખડી ગયું

પરિવર્તન સંમેલનમાં ખરેખર પરિવર્તનનો પવન ફુંકાયો હોય તેમ કાર્યક્રમ દરમિયાન ભારે પવનને કારણે સમિયાણા પર વરસાદની આશંકાને કારણે બાંધેલું પ્લાસ્ટીકનું કવર અચાનક ઉખડી ગયુ હતું.આથી તાત્કાલીક અસરથી આ પ્લાસ્ટિકના કવરને રીપેર કરવાની ફરજ પડી હતી.

વિકાસના નામે ભ્રષ્ટાચારની નદી વહે છે : રાણા


પૂર્વ કેન્દ્રીય કાપડ મંત્રી કાશીરામ રાણાએ જણાવ્યું હતું કે, આજે ગાંધી અને સરદારના ગુજરાતમાં વિકાસના નામે ભ્રષ્ટાચારની ગંગક્ષેત્રી વહી રહી છે. આજે ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવી રહયા હોવાન઼ું જણાવી તેમણે કૌભાંડોમાં સંડોવાયેલા રાજ્યની ભાજપ સરકારના મંત્રીઓ પર આડકતરા પ્રહારો કર્યા હતાં.

તસવીરો : વિશ્વાસ ઠક્કર