મોદી સરકારના ભ્રષ્ટાચારને બાગી ધારાસભ્ય આજે ખુલ્લો પાડશે

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અણ્ણા હજારેના ભ્રષ્ટાચાર વિરોધ આંદોલનમાં કળસરિયા ભાજપના ભ્રષ્ટાચારની પોલ ખોલશે મોદી સરકાર સામે બાયો ચડાવેલા ભાજપના જ ધારાસભ્ય કનુભાઇ કળસરિયા જાણે આગામી ચૂંટણીમાં મોદીને પછાડવા કમરકસી હોય તેમ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચલાવતા અણ્ણા હજારેના કોર ગ્રુપના સભ્યોના આવતીકાલ શનિવારે અમદાવાદ ખાતે મળનારા સંમેલનમાં મોદી સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલશે. આગામી વિધાનસભાની ચૂંટણી મોદી સરકારને લોઢાના ચણા ચાવવા બરાબર થશે. ભાજપને વિરોધપક્ષમાં માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ અન્ય રાજકીય પક્ષો ઉપરાંત પોતાના જ અસંતુષ્ઠ આગેવાન - કાર્યકરો અને બાગી ધારાસભ્યોનો સામનો કરવો પડશે. કેશુભાઇ પટેલ નવો પક્ષ રચવાની વિચારણામાં છે ત્યારે ભાજપના જ ધારાસભ્ય કનુભાઇ કળસરિયા મોદી સરકારને પછાડવા મક્કમ બન્યા હોય તેમ હવે ગુજરાત રાજ્યમાં મોદી સરકાર દ્વારા આચરાતા ભ્રષ્ટાચારને પણ ખુલ્લો પાડવા મેદાને પડયા છે. સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચલાવી રહેલા અણ્ણા હજારેના સમર્થનમાં તેના કોર ગ્રૂપના સભ્યો ગુજરાત રાજ્યમાં ફરી વળ્યા છે. જેને ભાજપના બાગી ધારાસભ્ય કનુભાઇ કળસરિયાએ પણ ટેકો આપી ભ્રષ્ટાચાર વિરોધ અભિયાનમાં ભળી જઇ ભાવનગર જિલ્લાની જવાબદારી સંભાળી છે અને તેની તડામાર તૈયારીમાં પોતાની ટીમ સાથે લાગી ગયા છે. અણ્ણા હજારે કોર ગ્રૂપના સભ્યોનું આવતીકાલ તા.૨૧ને શનિવારે બપોરે ૩.૩૦ કલાકે અમદાવાદના કોચરબ ખાતે સંમેલન યોજાશે અને તેમાં કનુભાઇ કળસરિયા મોદી સરકાર દ્વારા આચરાતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડશે. ભાજપના જ ધારાસભ્ય ભાજપ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલશે ત્યારે સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો ફેલાયો છે.