સુત્રાપાડા નજીક દીપડાએ બાળકીને ફાડી ખાધી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગુરુવારના મોડી સાંજે ઝૂંપડાં પાસેથી ઉપાડી ગયો હતો સુત્રાપાડાનાં ઘંટીયા ગામની સીમમાંથી ગુરૂવારનાં મોડી સાંજે દીપડો એક બાળકીને ઉપાડી ગયા બાદ આજે આ બાળકીનાં કપડાં અને હાથનાં હાડકાં-આંગળીનાં અવશેષો મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી છવાઈ જવા પામી હતી. સુત્રાપાડાનાં ઘંટીયા ગામની સીમમાં ખેડૂત દીલીપભાઈ ઉકાભાઈ ગોહીલની વાડીએ રહી મજુરી કામ કરતાં મહારાષ્ટ્રીયન પરિવારની બાળકી સીંગાબેન લવભાઈ (ઉ.વ.૧૨)ને ઝૂંપડા પાસેથી ગુરૂવારનાં મોડી સાંજનાં સુમારે દીપડો ઉપાડી ગયા બાદ વનવિભાગ અને ગ્રામજનોએ આ બાળકીની આખી રાત શોધખોળ કરી હતી અને આજે સવારે બાળકીએ પહેરેલું પીળા કલરનું પેન્ટ અને કાળા કલરનો શર્ટ મળી આવતાં પરિવારજનોએ આ કપડાને ઓળખી બતાવ્યા હતા. તેમજ આ સ્થળેથી શરીરનાં બે અવશેષો પણ મળી આવતા આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે લવાયા હતા. હાથનાં હાડકાં અને આંગળીનાં અવશેષો હોવાનું ડૉ.દાસે જણાવ્યું હતું. આ અવશેષોને વધુ તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યા હતા. બાર વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો. મૃતક બાળકીનાં પરિવારને દોઢ લાખની સહાય અપાશે - મૃતક બાળકીનાં પરિવારને વનખાતા તરફથી સહાયરૂપે રૂ.દોઢ લાખની રકમ આપવામાં આવશે તેમ વનાધિકારી એન.એચ.પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું. આદમખોર દીપડાને પુરવા બે પાંજરા ગોઠવાયા - આદમખોર દીપડાને કેદ કરવા સુત્રાપાડા અને વેરાવળ વનવિભાગની ટીમોએ જુદાં જુદા સ્થળોએ બે પાંજરા ગોઠવી કવાયત હાથ ધરી છે.