ઓસમ ડુંગર પાસે ગ્લાઇડિંગ,પર્વતારોહણ શરૂ કરવા વિચારણા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જિલ્લા કલેક્ટરતંત્ર રાજકોટમાં ત્રણ હેરિટેજ ટૂર શરૂ કરશે

રાજકોટના પાટણવાવ ખાતે આવેલા પ્રાકૃતિક અને રમણીય સ્થળ ઓસમડુંગર ખાતે પેરાગ્લાઇડિઁગ તથા રોક કલાઇંમ્બિંગ શરૂ કરવા જિલ્લા વહીવટીતંત્રે વિચારણા શરૂ કરી તેનો ફિઝિબિલિટી રિપોર્ટ બનાવવાની કાર્યવાહી શરૂ કરી છે ઉપરાંત રાજકોટ શહેરમાં એક અને જિલ્લામાં બે એમ કુલ ત્રણ હેરિટેજ ટૂર પણ શરૂ કરાશે.

અલબત્ત જિલ્લા તંત્ર તેમાં સીધું નહીં સંકળાય પરંતુ ટુરિઝમ બિઝનેસ ક્ષેત્રે સક્રિય ઉદ્યોગકારો-એજન્સીઓને તે કામ સોંપી દેશે અને વ્યવસ્થાપનની ભૂમિકામાં પોતે રહેશે તેવું જિલ્લા કલેક્ટર ડૉ.રાજેન્દ્રકુમારે જણાવ્યું હતું. જિલ્લા તંત્ર કેટલાક નવા પ્રોજેક્ટ લાવી રહ્યું છે તે અંગે આજે કલેક્ટરે કહ્યું કે ઓસમડુંગરની ભૌગોલિક રચના તથા લોકેશન એવાં છે કે ત્યાં પેરાગ્લાઇડિંગ શક્ય છે.એડવેન્ચર સ્પોટર્સ રાજકોટમાં વિકસે તે માટે ત્યાં ગ્લાઇડિંગ અને રોકકલાઇમ્બિંગ એટલે કે પર્વતારોહણ શરૂ કરવાની વિચારણા તંત્રે શરૂ કરી છે.

ઓસમપર્વત પાસે આ શક્ય છે કે નહીં તેની ફિઝિબિલિટી ચકાસવાનું કામ શરૂ થઇ ગયું છે. રાજકોટમાં હેરિટેજ ટૂર પણ શરૂ કરાશે,જિલ્લા તંત્રે તેના ત્રણ રૂટ તૈયાર કરી લીધા છે જેમાં એક રૂટ રાજકોટ શહેરનો રહેશે જે સવારથી સાંજનો હશે અને તેમાં રાજકોટના જોવાલાયક સ્થળો દર્શાવાશે જ્યારે બે ટૂર જિલ્લાના સ્મારક,તીર્થો સુધી લઇ જવાશે.કલેક્ટરે કહ્યું કે સરકાર આ પ્રોજેક્ટ પાછળ કોઇ આર્થિક રોકાણ કે ખર્ચ નહીં કરે રાજકોટના કેટલાક હોટેલિયર્સ તથા પ્રાઇવેટ ટૂર ઓપરેટર્સ આ ટૂર કરશે.જેના માટે જરૂરી બે મિટિંગ થઇ ગઇ છે.

- ઓસમડુંગર રમ્ય સ્થળ

ધોરાજીથી ૨૪ કિલોમીટર દૂર આવેલો ઓસમડુંગર પ્રકૃતિની દ્દિષ્ટએ અત્યંત રમણીય સ્થળ છે. ડુંગર પર ઓસમમાત્રી માતાજીનું મંદિર છે. ખત્રી અને નાગર સમાજની ધર્મશાળા છે.તથા ઓસમ માતાજીના મંદિરેથી ટ્રેકિંગ કરતા કરતાં જઇએ તો મોટી મોટી શિલાઓની વચ્ચે આવેલું ટપેકશ્વ મહાદેવનું મંદિર છે. પર્વતારોહણ માટે આ સ્થળ ઘણું ઉપયોગી સાબિત થાય તેમ છે. અલબત્ત તેમાં નિષ્ણાતોનો અભિપ્રાય પણ આવશ્યક છે.

- ક્યા ક્યા સ્થળનો સમાવેશ

જિલ્લાની હેરિટેજ ટૂરમાં ખંભાલિડાની ગુફા,વીરપુરની મીનળવાવ,ગોંડલના પેલેસ,સરધારનો પેલેસ,ત્રંબાનું કસ્તુરબાધામ,ઘેલા સોમનાથનું મંદિર વગેરે સ્થળો સમાવવા પ્રયાસ થશે તથા શહેરની હેરિટેજ ટૂરમાં રાષ્ટ્રીય શાળા,કબા ગાંધીનો ડેલો,મોહનદાસ ગાંધી વિદ્યાલય,રેસકોર્સ,રામનાથ પરા સ્મશાન,જયુબિલિ સંકુલમાં આવેલાં મકાન અને વોટસન મ્યુઝિમય વગેરેનો સમાવેશ થશે.