એસ્સાર આઠ હપતામાં બાકી સેલ્સ ટેક્સ ચૂકવે: સુપ્રીમ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કંપનીને રૂ.૫૧૬૫ કરોડની બાકી રકમ આઠ ત્રિમાસિક હપતામાં ચૂકવવા કોર્ટનો આદેશ સુપ્રીમ કોર્ટે ગુરુવારે, ગુજરાત સરકારને આઠ ત્રિમાસિક હપતાની અંદર રૂ.૫,૧૬૫ કરોડ રૂપિયાનો સેલ્સ ટેક્સ ચૂકવવા માટે એસ્સાર ઓઇલ લિમિટેડને આદેશ કર્યો છે. જસ્ટિસ એ.કે. પટનાયક અને જસ્ટિસ સ્વતંત્રકુમારની બનેલી બેંચે જણાવ્યું હતું કે ૧૭મી જાન્યુઆરી, ૨૦૧૨ની અસર સાથે ૧૦ ટકાના વ્યાજ સાથે આ રકમ ચૂકવવાની રહેશે. બેંચે બીજી જાન્યુઆરી, ૨૦૧૪ પહેલાં પ્રથમ હપતો ચૂકવવા માટે એસ્સાર ઓઇલને જણાવ્યું છે. બાકી સેલ્સ ટેક્સના મુદ્દે બાકી રકમ ચૂકવવા માટે ઓછામાં ઓછા ત્રણ વર્ષનો સમય આપવાની કંપનીની માગણી બાદ આ આદેશ જારી કરવામાં આવ્યો છે. જ્યારે ગુજરાત સરકારે છ માસની અંદર બાકી રકમ ચૂકવવા માગણી કરી હતી. અગાઉ ૧૭મી જુલાઇએ એસ્સાર ઓઇલને આદેશ કરાયો છે કે હપતા પદ્ધતિથી રૂ.૬,૧૬૯ કરોડની બાકી સેલ્સ ટેક્સ ગુજરાત સરકારને ચૂકવવો. પ્રથમ હપતા પેટે રૂ.૧,૦૦૪ કરોડની રકમ ૩૦મી જુલાઇ સુધીમાં જમા કરાવવાના રહેશે. દરમિયાન અદાલતે ૨૯મી ઓગસ્ટે, ટેક્સની રકમ પર એપ્રિલ,૨૦૦૮થી વ્યાજ ચૂકવવાની કંપનીએ રહેશે કે કેમ? તે પ્રશ્નનો નિર્ણય માટે આ બાબતને મૂકી રાખી હતી. ગુજરાત સરકારે વ્યાજપેટે રૂ. ૧,૮૦૦ કરોડની માગણી કરી હતી. જે અદાલતે ફગાવી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સેલ્સ ટેક્સની બાકી રકમ ચૂકવવા માટે હપતા બાંધી આપવાની કોઇપણ રાહત આપવાનો ઇનકાર કરતાં ગુજરાત હાઇકોર્ટના આદેશ સામે એસ્સાર ઓઇલ લિમિટેડ ઉપલી અદાલતમાં ગઇ હતી.