‘માય નેમ ઈઝ ખાન’ની પીડામાંથી કોઈ ના ગુજરે: સુપ્રીમ કોર્ટ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અમદાવાદની રથયાત્રા દરમિયાન થયેલી હિંસાના કેસમાં કોર્ટનું અવલોકનસુપ્રીમ કોર્ટે બુધવારે એક કેસના ચુકાદામાં ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’નો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે, કોઇ વ્યક્તિને તેના ધર્મને કારણે સતાવવા માટે કાયદાનો દુરુપયોગ કરી શકાય નહીં ગુજરાતમાં ત્રાસવાદ માટે દોષિત ઠરાવાયેલી ૧૧ વ્યક્તિને સુપ્રીમકોર્ટ દોષમુકત કરતાં આ અવલોકન કર્યું હતું.ન્યાયમૂર્તિઓ એચ.એલ. દત્તુ અને સી.કે. પ્રસાદની બનેલી બેંચે ૧૯૯૪માં ગુજરાતમાં અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન કોમી હિંસા ભડકાવવાનું કાવતરું ઘડવા બદલ દોષિત ઠરાવવામાં આવેલી ૧૧ વ્યક્તિને દોષમુકત જાહેર કરતી વખતે ઉપરોકત ટિપ્પણી કરી હતી. બેંચે ત્રાસવાદ વિરોધી કોર્ટના ચુકાદાને પડકારતી ૧૧ દોષિતો દ્વારા રજુ કરવામાં આવેલી અપીલ માન્ય રાખી હતી. ત્રાસવાદ વિરોધી કેસો ચલાવતી કોર્ટે ૧૧ દોષિતોને ટાડા અને આઇપીસીની અન્ય વિભિન્ન જોગવાઇઓ હેઠળ પાંચ વર્ષની કારાવાસની સજા ફટકારી હતી. ટાડાનો કાયદો નાબૂદ થઇ ગયો છે. બેંચે અપીલ માન્ય રાખીને તેના ચુકાદાના લાભ સુપ્રીમકોર્ટમાં પોતાની સજા સામે અપીલ નહીં કરી શકેલા અન્ય દોષિતોને પણ આપ્યો છે. બેંચે દોષિતોને ત્રાસવાદ વિરોધી કેસો ચલાવતી કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજા વધારવાની માગણી કરતી રાજ્ય દ્વારા રજુ કરવામાં આવેલી ક્રોસ અપીલ પણ ફગાવી દીધી છે.