- આમોદના યુવકની યુએસમાં અપહરણ બાદ હત્યા - અપહરણના છ દિવસ બાદ શુક્રવારે રિચમોન્ડ સિટીથી આઠ માઇલ દૂર મૃતદેહ મળી આવ્યો
- પરેશ પટેલની હત્યાથી પરિવારજનો અને અમેરિકાના મિત્રવર્તુળમાં શોકનું મોજું
- કેસની તપાસ કરી રહેલી ટોચની એજન્સી FBIને હજુ હત્યારાઓનું મોટિવ અને પગેરું મળ્યું નથી
અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં જેફરસન ડેવિસ હાઇવે પર મિસ્ટરફિલ્ડ ખાતે આવેલા ગેસ સ્ટેશન પરથી છ દિવસ અગાઉ અપહરણ કરાયેલા મૂળ આણંદના આમોદના બિઝનેસમેન પરેશે પટેલનો શુક્રવારે મૃતદેહ મળી આવતાં સનસનાટી મચી ગઈ હતી. અપહરણ બાદ પરેશ પટેલની થયેલી ઘાતકી હત્યાથી અમેરિકામાં રહેતા પરિવારજનો, મિત્રવર્તુળ તેમજ માદરે વતન આમોદમાં રહેતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરેશ પટેલના મોતની જાણ થતાં જ આમોદ ગામે તેમનાં ઘરે લોકો ઉમટી પડ્યાં હતા.
અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં રિચમોન્ડ સિટીમાં સ્થાયી થયેલા પરેશ પટેલના મોટાભાઇ નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે 'શુક્રવારે રાત્રિના પરેશના સાઢુભાઈ અશોકભાઈએ અમેરિકાથી ફોન કરીને પરેશનો મૃતદેહ મળી આવ્યો હોવાની અમને જાણ કરી હતી. પરેશની આકસ્મિક વિદાયથી અમારાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ૪૪ વર્ષીય પરેશ વર્ષ ૧૯૯૧માં અમેરિકા ગયા હતા. અમેરિકાના વાર્જિનિયા સ્ટેટમાં પરેશના બે ગેસ સ્ટેશન આવેલા છે. ગત રવિવારે સવારના પ:૩પ કલાકે જેફરસન ડેવિસ હાઇવે પર આવેલા ગેસ સ્ટેશન પરથી પરેશનું અપહરણ થયું હતું. ત્યારથી અમારો પરિવાર ચિંતાતુર બન્યો હતો.’
વધુમાં તેઓએ કહ્યું હતું કે 'છેલ્લા છ દિવસથી સ્થાનિક પોલીસ અને એફબીઆઇ પરેશની શોધખોળ કરી રહી હતી. પરેશના પડોશીઓ તેમજ ગ્રાહકોની પૂછપરછ કરી હતી. આમછતાં પરેશને શોધવામાં પોલીસને સફળતા મળી નોહતી. એ અરસામાં શુક્રવારે રિચમોન્ડ સિટીથી આઠ માઇલ દૂર નદી કિનારેથી પરેશનો મૃતદેહ મળી આવ્યો હોવાની રાત્રે અમને જાણ થતાં જ આઘાત લાગ્યો હતો. ઇન્ટરનેટ પર સમાચારમાં જોયું કે પરેશના મોં પર સખત માર મારવામાં આવ્યો હતો. તેમજ કપાળના ભાગે ગોળી મારવામાં આવી હતી. રાત્રે અશોકભાઈએ પરેશના મોતની જાણ કર્યા બાદ શનિવાર બપોર સુધી કોઈ ફોન આવ્યો નથી.’
પરેશની આકસ્મિક વિદાયથી પડી ભાગેલા નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે 'પરેશના મોતથી પત્ની લોમા અને તેના સંતાનો નોધારા થઈ ગયા છે. પરેશની પુત્રી ખુશ્બુ ધો.૧૧ અને પુત્ર જય ધો.૯માં અભ્યાસ કરે છે. પરેશની અંતિમક્રિયા અમેરિકામાં જ કરવામાં આવશે.’
વધુ સમાચાર વાંચવા અને તસવીરો જોવા ઇમેજ સ્લાઇડર પર ક્લિક કરો
Related Articles:
એક એવા NRI, જે કરે છે દર વર્ષે અનોખો સેવાયજ્ઞ
પટેલ યુવકનું USAમાં થયું અપહરણ, પરિવારજનો ચિંતિત
USમાં નકલી ઓળખ સાથે રહેતી પટેલ વિદ્યાર્થિની પકડાઇ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.