પેટનાં વ્હાલસોયાં ખાતર ‘દેહ વ્યાપાર’ માટે ‘માં’ની અરજી!

12 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદમાં ચાઇનિઝ વાનગીની લારી ચલાવતી મહિલાનો પાલિકાએ ધંધો-રોજગાર હટાવતાં કલેક્ટરને રુંવાડા ઊભાં કરી દે તેવી દયાની અરજી

નડિયાદ શહેરમાં સમગ્ર સમાજ વ્યવસ્થામાં ખળભળાટ મચાવે તેવી ઘટના બની છે. શહેરના ખેતાતળાવ પાસે સાત વર્ષથી ધંધો રોજગાર કરતી મહિલાનો વ્યાપાર પાલિકાએ બંધ કરાવ્યો છે. હવે પતિ વિરહથી વ્યથિત બાળકો સાથે જીવન ગુજારતી મહિલાએ ધંધો-રોજગાર ઝૂંટવાઈ જતાં ચોધાર આંસુએ અને કઠણ હ્રદયે કલેક્ટરને પત્ર લખીને ‘દેહ-વ્યાપાર’ કરવાની અનુમતી આપવા માટે માગણી કરી છે.

ભદ્ર સમાજ અને સરકારી વર્તુળોને સનસનાટીભર્યો તમાચો મારતી આ ઘટનામાં મૂળ ઉત્તરપ્રદેશના રહીશ સંગીતાબહેન ભટ્ટ ખેતા તળાવના કિનારે ચાઇનિઝ વાનગીઓ બનાવીને પરિવારનું ભરણપોષણ કરતાં હતાં. આ મહિલાના પતિ મહેશભાઈ ભટ્ટ છેલ્લા ચાર વર્ષથી લાપત્તા છે. તેણીને બે સંતાન છે. મોટો પુત્ર ધો.૯માં અને નાની પુત્રી ધો.૪માં શહેરની ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ભણે છે.

સંગીતાબહેન ભટ્ટના જીવનમાં બે માસ પૂર્વે દુ:ખના ઓછાયા ઊતરી આવ્યાં હતાં. નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ આ મહિલાની લારીને તળાવના કિનારેથી દૂર કરી દીધી હતી. છતાં હિંમત નહીં હારેલી મહિલા તળાવના કિનારે પાન-બીડી, ગુટખા વેચીને રોજગારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાળઝાળ મોંઘુ ભણતર પાન-બીડીની આવક સામે ટક્કર લઈ શકે તેવી સ્થિતિ નોહતી.

બે માસમાં બચતનાં નાણાં વપરાઈ જતાં સંગીતાબહેન ભટ્ટે જિલ્લા કલેક્ટર ડૉ.મુરલીક્રિશ્નાને પોતાનો ધંધો-રોજગાર ખેતા તળાવના કિનારે જ પુન: શરૂ કરાવવાની માગણી કરી છે. પત્રમાં લખ્યું છે કે ‘આ માગણી આપ ન સ્વીકારી શકો તો, મજબુરીવશ મને ‘દેહવ્યાપાર’ કરવાની પરવાનગી આપવામાં આવે.’ જૂનાં માખણપુરામાં રહેતી મહિલાની અરજીથી સરકારીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

છ વર્ષથી વેરો પણ ભરતાં હતાં!

પોતાનાં વ્હાલસોયા સંતાનો માટે સરકારી તંત્ર સામે મેદાને પડેલી મહિલા નગરપાલિકામાં પોતાનો વેરો પણ ભરતાં હતાં. આ વેરો ભરવાની પાવતીઓ પણ તેણીની પાસે છે. ૨૦૦૫ પૂર્વેથી વેરો ભરતાં આ મહિલાને તળાવના કિનારેથી હટાવીને પાલિકાએ દાખવેલી ‘બહાદૂરી’ ખરેખર દબાણ કરી ચૂકેલાં મોટાં માથાઓ સામે કરી દેખાડે તો માનીયે.

તપાસ કરવા ચીફ ઓફિસરને સૂચના : અધિક કલેક્ટર

આ સંદર્ભે અધિક કલેક્ટર આર.કે.રાઠોડનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે ‘એક મહિલા દ્વારા રજુઆત આપવામાં આવી હતી. જે સંદર્ભે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને તપાસ કરી રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવી છે. તેઓના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.’