પટેલ સમાજમાં ફાચર મારવા મોદીનાં પાસા
કેશુભાઇ પટેલના જન્મદિવસે સુરતમાં 'પરિવર્તન સંમેલન'થી ચિત્ર સ્પષ્ટ થશે
કેશુભાઇ પટેલનું સુરતનું પરિવર્તન સંમેલન શક્તિપ્રદર્શન હશે. ૨૪મી જુલાઇ પોતાના જન્મદિવસે રાખવામાં આવેલા પ્રદર્શનમાં તેઓ ૨૦૦૭માં કરેલી ભૂલ સુધારવા માગે છે. બીજી બાજુ ગુજરાતમાં વર્તમાન રાજકીય સ્થિતિમાં વર્ચસ્વ ધરાવતા લેઉઆ પટેલ મોદીની આંગળી પકડી રાખશે કે પછી કેશુભાઇ પટેલને સાથ આપશે તે ચિત્ર પણ કંઇક અંશે સ્પષ્ટ થઇ જશે.
તો આ તરફ કેશુભાઇ પટેલ સાથે લોકો ન જોડાય તે માટે ખુદ નરેન્દ્ર મોદીએ કમાન્ડ હાથમાં લઇને અડધો ડઝન લોકોને ' ક્રેકડાઉન' માટે કામે લગાડી દીધા છે. જેમાં દર વખતની જેમ આ વખતે પણ કેટલાક બિઝનેસમેન, પોલિટિશિયનનો સમાવેશ થાય છે.
તાજેતરમાં જ મોદી સુરતમાં બે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા પરિવારના ઘરે લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયા હતા. જેમાં લેઉઆ પટેલ સમાજના અગ્રણીઓ સાથે તેમની મીટિંગો થઇ. આ ઉપરાંત ખોડલધામ સાથે સંકળાયેલા લોકો સાથે પણ મુલાકાતો થઇ હતી.
જેમાં મોદીએ કેશુભાઇને અંદરખાને સપોર્ટ કરી રહેલા લોકોને પાછા વાળવા અને પોતે પટેલ વિરોધી નથી તેવો સૂર વ્યક્ત કર્યો હતો. કેશુભાઇ પટેલ જૂથને સપોર્ટ કરી રહેલા ગ્રુપને તોડી પાડવા માટેની ચર્ચા પણ થઇ હતી. જેના ભાગરૂપે કેટલાક લોકોએ તો ૨૪મીએ પોતાની બિઝનેસ ટ્રીપ મુંબઇ, બેલ્જિયમ કે અન્યત્ર ગોઠવી નાખી છે. કારણ ચૂંટણીને હજુ છ માસની વાર છે. આથી કોઈ જોખમ લેવા માગતું નથી.
મોદીએ પટેલો માટે શું કર્યું
મોદી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી પટેલોને કદ પ્રમાણે વેતરી નાંખ્યા છે.
તમામ સત્તાનું કેન્દ્રિકરણ કરી નાંખ્યું હોવાથી કંઇ પણ કામ હોય તો તેમને પગે લાગવા જવું પડે છે.
પાંચ બિઝનેસમેન સિવાય ગુજરાતના બિઝનેસમેનો રસ્તા પર આવી ગયા છે અથવા તો તેમને તો પૈસા આપીને જ કામ કરાવવું પડે છે.
સૌથી વધુ વસ્તી ધરાવતી જ્ઞાતિ હોવા છતાં પટેલ નામથી પણ મોદી ભડકે છે. સૌને ભયમાં રાખીને રાજ ચલાવી રહ્યા છે.
૨૦૦૭માં શું થયું હતું?
સન ૨૦૦૭માં ચૂંટણી સમયે કેશુભાઇ પટેલ ખુલ્લેઆમ રાજ્ય સરકાર સામે આવી ગયા હતા અને સુરતમાં મુખ્ય સંમેલન રાખ્યું હતું. પરંતુ આ સંમલેનમાં અંતમાં કેશુભાઇ પટેલ ન આવતાં પટેલ સમાજના અગ્રણીઓ તેમના પ્રત્યે રોષે ભરાયા હતા. એટલું જ નહીં ધીરુભાઇ ગજેરા કોંગ્રેસમાં જોડાયા બાદ અમરેલી-ભાવનગર જિલ્લો તેમજ કડવા-લેઉઆ પટેલ વચ્ચે તિરાડ ઊભી કરાવવામાં આવી હતી. જેનો સીધો લાભ રાજ્ય સરકારને મળ્યો હતો.
હવે શું ?
અત્યારે કેશુભાઇને ફરીવાર (છેલ્લીવાર) સપોર્ટ કરવા સૌરાષ્ટના પટેલ અગ્રણીઓ એક થઈ ગયા છે. અંદરખાને ઘણુંબધું રંધાઈ રહ્યું છે ત્યારે મોદીએ ડેમેજ કંટ્રોલ તેજ બનાવતા પટેલનું રાજકારણ ગરમાયું છે. હજુ ચિત્ર સ્પષ્ટ નથી પરંતુ ભૂતકાળનું પુનરાવર્તનથાય તો નવાઇ નહીં.
ગુજરાતમાં ૧કરોડ ૮ લાખ પટેલોની વસતી
ગુજરાતમાં લેઉઆ પટેલ સમાજને કોઇ રાજકીય પક્ષ અવગણી શકે તેમ નથી કારણ કે ૧ કરોડ ૮ લાખની કુલ વસ્તીમાં ૬પ લાખ લેઉઆ પટેલ છે. જ્યારે ૪૩ લાખ કડવા પટેલ છે.
મોદી સરકારનાં છોતરાં કાઢવા કેશુબાપાનો રણટંકાર
મોદી એક બાબતે કેશુબાપા કરતાં પાછળ રહી ગયા!
ભાજપે મોદી, તો કોંગ્રેસે સોનિયા ગાંધીની જય બોલાવી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.