શાહરૂખ-પ્રિયંકા કિસ્સામાં કોનો સાથ આપશો?

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિંગખાન સાથે નિકટતાને લીધે બોયકોટ થતી પ્રિયંકા જેવા કિસ્સાઓ કોર્પોરેટ કલ્ચરમાં પણ જોવા મળી રહ્યાં છે. જાણો શું કહે છે અમદાવાદીઓ... ટોચની કોર્પોરેટમાં કામ કરતી જહાનવી(નામ બદલ્યું છે) ને તેના એક ઉપરી અધિકારી સાથે સારી મિત્રતા હતી. આ કારણે તેમના પરફોર્મન્સમાં કોઇ ફરક નહોતો પડ્યો પણ એક તબક્કે જહાનવીને મહત્વના પ્રોજેક્ટ્સમાંથી દૂર રાખવાનો નિર્ણય લેવાયો. કારણ વગર એને બહારનાં કામ વધારે અપાયાં અને બદલી કરવાનું પણ વિચારાયું. આખરે કંટાળી એણે નોકરી બદલી. આજે એ એક મોટા ડિપાર્ટમેન્ટની હેડ છે. એ કહે છે,‘બે વ્યક્તિઓની અંગત જિંદગી સાથે સંસ્થાને કોઇ સંબંધ નહોતો છતાં મને જ હેરાન કરવામાં આવી. મિત્રને ઉણી આંચ ન આવી કારણકે એની પોસ્ટ ઊંચી હતી. જોવાનું તો એ છે કે અમે માત્ર મિત્રો હતા પણ મારા વિશે પણ વાતો થઈ.’ આજકાલ બોલિવૂડમાં પ્રિયંકા ચોપરા અને શાહરુખ ખાનની નિકટતા ચર્ચાનો વિષય બની છે. આ વિવાદ ઊઠતાં પ્રિયંકાને અગ્નિપથની સફળતાની પાર્ટીમાં આમંત્રણ ન મળ્યું, અર્જુન રામપાલની પત્નીએ પણ પ્રિયંકાને પાર્ટીમાં બોલાવવી કે કેમ તે અંગે ચિંતા વ્યક્ત કરી. કરણ જોહરે તો નક્કી કરી દીધું કે એ હવે પ્રિયંકાને કામ નહીં આપે. આ કિસ્સામાં કોઇએ શાહરુખનું નામ સુદ્ધાં નથી લીધું કારણ કે એ તો કિંગખાન છે. શહેરની સંસ્થા અવાજનાં ઇલાબહેન પાઠકનું કહેવું છે કે,‘સમાજ પેટ્રિઆર્કલ છે જેમાં પુરુષની ક્યારેય ભૂલ નથી હોતી અને સ્ત્રીઓ વિશે ટિપ્પણી કરતાં કોઇ રોકાતું નથી. આ ઉંમરે યુવાન છોકરીને આકર્ષનારા શાહરુખને લોકો બિરદાવશે. આ સ્થિતિ સમાજમાં દરેક સ્તરે છે, સ્ત્રીઓએ સાથે મળીને આ અંગે પગલાં લેવાં પડે. માનસિકતા બદલાતાં હજી વર્ષો લાગશે.’ ચિફ ઇલેકટોરલ ઓફિસર અનિતા કરવાલ કહે છે,‘ખોટું એ ખોટું છે પછી એ કરનાર સ્ત્રી હોય કે પુરુષ. બંનેને સરખી સજા થવી જોઇએ.’