ગુજરાતના ઈતિહાસે ગોધરા જંક્શન પર બદલ્યો હતો ટ્રેક!

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૨૦૦૨થી ૨૦૧૨ સુધીમાં ઘણું પરિવર્તન આવી ચૂક્યું છે. અયોધ્યાથી અમદાવાદ વચ્ચે ૧૦ વર્ષમાં શું બદલાયું તે જાણવા ૨૦૦૨માં સાબરમતી એક્સપ્રેસમાં એસ-૬ કોચમાં મુસાફરી કરનાર અને એ ગોઝારા દિવસે પોતાના પિતરાઈ શૈલેષ પંચાલને ગુમાવનાર કારસેવક જનકભાઈ પંચાલે પુન: અયોધ્યાથી અમદાવાદ સુધી સાબરમતી એક્સપ્રેસના એસ-૬કોચમાં મુસાફરી કરી. તેમની સાથે મુસાફરી કરનાર ‘દિવ્ય ભાસ્કર’ના પ્રતિનિધિ અતુલ ડાયાણીનો રિપોર્ટ

સાબરમતીના કોચ એસ-૬માંથી

અયોધ્યાથી નીકળેલી ટ્રેન યુ.પી.નાં વિવિધ શહેરો રૂદોલી, બીના, ઝાંસી, લલિતપુર તેમજ મધ્યપ્રદેશના ઉજજૈન, રતલામ વગેરે મોટાં શહેરોમાં જ્યાં જ્યાં પણ ઊભી રહી ત્યાં પ્લેટફોર્મ પર હાજર લોકો તેમજ ચડ-ઉતર કરતા મુસાફરો ‘ગોધરાકાંડ’ હા, ગુજરાત મેં બહુત બડી ખરાબ ઘટના બની થી...’ આટલી વાત કરીને પોતાની વાતોમાં લાગી જતા હતા. એસ-૬માં પણ કોઈને એ વાતનો અહેસાસ ન હતો કે ૧૦ વર્ષ પહેલાં આ જ ટ્રેનમાં ૫૯ લોકો ગોધરા રેલવે સ્ટેશન પર હોમાઈ ગયા હતા. એ કારસેવકો તેઓ જે સીટ પર બેઠા હતા એ જ બેઠક પર બેઠા હતા, છતાં એવો કોઈ અણસાર કે વાતો તેમના મોંએથી સાંભળવા મળતી ન હતી. ૨૦૦૨માં આ યાત્રા કરનારા જનકભાઈ માટે જો કે જુદી સ્થિતિ હતી. તેમની પ્રત્યેક સ્થળે અણમોલ યાદો હતી.

અયોધ્યામાં રામલલ્લા મેદાન, સરયુ નદીમાં સ્નાન, કારસેવક પુરમની યાદો તાજી કરીને ૨૦૦૨માં કારસેવકો જે રીતે સ્ટેશને પહોંચ્યા હતા, ત્યારે વાતાવરણમાં એક જોશ હતો પણ આજે સન્નાટો હતો. જનકભાઈએ કહ્યું હતું કે, ‘મને એવું લાગે છે કે સ્વર્ગસ્થ મારા સાથીદારો જાણે અહીં જ ઊભા છે.’ સાથીદારો પ્રત્યેની લાગણી તેઓ રોકી શક્યા નહોતા અને સાથે લાવેલી અગરબત્તી પ્રગટાવીને તેમણે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ત્યારબાદ નિયત સમયે સાંજે ૭ વાગ્યે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન આવી હતી અને તેમાં જ્યારે એસ-૬ કોચ જોયો ત્યારે જનકભાઈ ભાવવિભોર બની ગયા હતા. ટ્રેનમાં આમ તેમ નજર કરી એમની નજર કંઈક શોધતી હતી, પરંતુ સન ૨૦૦૨ના સાથીઓ ૨૦૧૨માં દેખાતા ન હતા. યાદ તાજી કરતાં તેમણે કહ્યું હતું કે ૨૯ કલાક શ્રીરામ જયરામ જય જય રામ...ના નાદ હતા અને આજે મોબાઇલ પર વાગતાં જાતજાતનાં ગીતોની ધૂનો અને લોકોની ભ્રષ્ટાચાર અને રાજકારણની વાતો સિવાય કંઈ સાંભળવા મળતું નથી.

કોચમાં સાથે બેઠેલા મૂળ એમ.પી.ના અને હાલ અમદાવાદમાં જ રહેતા રાકેશભાઈ મોરીને ગોધરાકાંડ અંગે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘હા, એ તો માહોલ ઘણો જ ખરાબ થઈ ગયો હતો, ધંધા-રોજગાર બંધ થઈ ગયા હતા.’ બસ આટલું જ એ બોલી શક્યા પણ એમના મૌનમાં દસ વર્ષનો ઈતિહાસ પડઘાતો હતો.

જો તે દિવસે ટ્રેન સમયસર પહોંચી હોત તો...

ગોધરા રેલવે સ્ટેશને નિયત સમય કરતાં થોડી મોડી ટ્રેન પહોંચી ત્યારે જનકભાઈએ કહ્યું હતું કે, સન ૨૦૦૨માં ટ્રેન પહોંચવાનો સમય પરોિઢયાનો હતો પણ અઢી કલાક મોડી હતી. આથી તેમનું કહ્યું હતું કે જો તે દિવસે ટ્રેન સમયસર હોત તો ગોધરાકાંડ થાત જ નહીં. ગોધરા સ્ટેશન પર પણ સન્નાટો જોવા મળ્યો હતો. તેનાં બે કારણો હતાં કે રવિવારનો દિવસ અને તા. ૨૭મીએ ગોધરાકાંડની વરસી હોવાથી લોકો સ્ટેશન પર ઓછા દેખાતા હતા અને જે લોકો હતા તેઓ પણ દસ વર્ષ પહેલાં બનેલી ઘટના અંગે કોઇ જ વાત કરવા માગતા ન હતા. સન ૨૦૧૨ની યાત્રા સામાન્ય મુસાફરી જેવી રહી હતી જ્યારે ૨૦૦૨માં રામસેવકોની સાચી ભક્તિયાત્રા હતી.

પરીક્ષા આપવા ગયેલા આબાદ બચી ગયા હતા

તે સમયે આખી ટ્રેનમાં કારસેવકો જ હતા. ત્યારે લખનઊ સ્ટેશનેથી બે છોકરી અને તેમના પિતા અને કાકા સાથે અમારા કોચ પાસે આવી હતી. આથી કોચમાં જગ્યા ન હતી છતાં અડધી રાત્રે તેઓ ક્યાં જશે તેમ વિચારીને મેં તેમને બેસાડ્યા હતા. પછી ખબર પડી કે તે આણંદ યુુનિવર્સિટીમાં પરીક્ષા આપવા જતા હતા. જોકે, ગોધરા જંકશન પર તેમનો આબાદ બચાવ થઇ ગયો હોવાનું પછીથી જાણવા મળ્યું હતું. જનકભાઈ પંચાલ- કારસેવક

ગોધરાકાંડની તવારિખ

ગોધરા સાબરમતી એક્સપ્રેસ કાંડ : કુલ મૃત્યુ-૫૯, આરોપીઓની સંખ્યા - ૯૪, આરોપી પુરવાર થયા - ૩૧, નિર્દોષ મુકત થયા - ૬૩.

ગુજરાતના કોમી રમખાણો : મૃત્યુ સંખ્યા - ૧૦૦૦થી વધુ

૪૫૦૦થી વધુ મકાનો નાશ પામ્યા, જ્યારે ૧૮,૫૦૦ ક્ષતિગ્રસ્ત થયા.

ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી આર. બી. શ્રીકુમારની એફિડેવિટ મુજબ મુસ્લિમ સમાજની આશરે રૂ. ૬૦૦ કરોડની તેમજ હિન્દુ સમાજની આશરે રૂ. ૪૦ કરોડની પ્રોપર્ટીનું નુકસાન થયું.

બેસ્ટ બેકરી હત્યાકાંડ : મૃતકોની સંખ્યા - ૧૪, આરોપીઓ પુરવાર થયા - ૯, નિર્દોષ છુટયા : ૮.

સરદારપુરા હત્યાકાંડ : કુલ મૃત્યુ-૩૩, આરોપીઓની સંખ્યા - ૭૩, આરોપી પુરવાર થયા - ૩૧, નિર્દોષ મુકત થયા - ૪૨.

ગુલબર્ગ સોસાયટી કાંડ : કુલ મૃત્યુ - ૬૯, આરોપીઓની સંખ્યા - ૬૭, જામીન પર છુટેલા આરોપીઓની સંખ્યા - ૫૭, કેસ ટ્રાયલ કોર્ટમાં અંતિમ તબક્કે પહોંચ્યો.

નરોડા પાટિયા હત્યાકાંડ : મૃતકોની સંખ્યા - ૯૫, આરોપીઓની સંખ્યા - ૬૦, જામીન પર છુટેલા આરોપીઓ - ૪૯, કેસ ટ્રાયલ કોર્ટમાં છે.

નરોડા ગામ હત્યાકાંડ : મૃતકોની સંખ્યા - ૧૧, આરોપીઓની સંખ્યા - ૮૩, મોટા ભાગના જામીન પર છુટી ગયા છે, કેસ ટ્રાયલ કોર્ટમાં છે.


Related Articles:

શાંતિનું કાયમી સરનામું બનવા ગોધરા મક્કમ
ગોધરાકાંડની ૧૦મી વરસી : પોલીસને સ્ટેન્ડ ટુનો આદેશ
૨૦૦૨ થી ૨૦૧૨: ગોધરા ફરી ક્યારેય મહોરું નહીં બને